આંતરધર્મીય સંવાદ : દેશમાં શાંતિ અને સલામતી માટે દીવાદાંડી

0
3

ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ પ્રકારના ધર્મો જોવા મળે છે, ડગલે ને પગલે ભાત-ભાતની સંસ્કૃતિ અને જીવનશૈલીનું દર્શન થાય છે. એમ તો ધર્મોની મૂળભૂત શિક્ષાઓમાં પ્રેમ અને ભાઈચારો, સહિષ્ણુતા અને ધૈર્ય, ક્ષમા અને વિનમ્રતા જેવા મૂલ્યો મળે છે. વાસ્તવમાં આ પ્રાકૃતિક મૂલ્યો છે જે માનવના અંતઃકરણનો પોકાર છે. છતાં લોકો એકબીજાના ધર્મ અને રીત-રિવાજો, માન અને મર્યાદાઓથી પ્રત્યક્ષ રીતે વાકેફ નથી. અને જે માહિતી પણ ધરાવે છે તે મિસગાઈડેડ અને અપૂર્ણ કે ખોટી હોય છે, જેના લીધે ગેરસમજો પેદા થાય છે. આ ગેરસમજો કેટલીક વખત પક્ષપાત, ઘૃણા, દુશ્મની અને નકારાત્મકતા પેદા કરે છે.

માનવીય પ્રકૃતિ છે કે તેને તેના સ્વભાવ કે તેની ટેવો ધરાવતી વ્યક્તિ ગમે છે અથવા તેની સાથે ઝડપી રીતે મિત્રભાવ પેદા કરી લે છે. સમાનતા લોકોને એકબીજાની નજીક કરે છે, તે સમાન સંસ્કૃતિ હોય કે સમાન ભાષા, સમાન જાતિ હોય કે સમાન ધર્મ. આવી જ રીતે વિષમતાઓ માણસને એકબીજાથી દૂર કરે છે. પરંતુ આ પણ વાસ્તવિકતા છે કે માનવો વચ્ચે વિવિધતા જોવા મળે છે; દરેક વ્યક્તિનો સ્વભાવ, આદતો, વિચારો, વર્તણૂક અને વ્યવહાર એકસરખો હોતો નથી, ભલે તેઓ એક જ પરિવારના કેમ ન હોય! પરંતુ તેઓ આ વિવિધતા છતાં સાથે રહે છે, કેમ કે તેઓ એકબીજા સાથે પ્રેમ અને નૈતિકતાના તાંતણે જોડાયેલા હોય છે અને એકબીજાની અપ્રિય વસ્તુઓને નજરઅંદાજ કરે છે.

એમ તો સમગ્ર માનવજાત એક પરિવાર છે. પરંતુ આપણે ભારત પૂરતી ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે તમામ ભારતીયો એકબીજાના ભાઈ છે. સહઅસ્તિત્વ માટે જરૂરી છે કે આપણે એકબીજા સાથે રહેવા માટે સમાન મૂલ્યોને શોધીએ, તેના ઉપર એકત્રિત થઈએ અને એકબીજાની માન-મર્યાદાને સમજવાનો પ્રયત્ન કરીએ. સંશોધનો બતાવે છે કે જે વિસ્તારોમાં વિવિધ ધર્મો-સંપ્રદાયોના લોકો વચ્ચે સંવાદ થાય છે, ત્યાં રમખાણોના બનાવો ઓછા થાય છે. જો એકબીજા સાથે પરસ્પર સંવાદના પ્લેટફોર્મ ઊભા કરવામાં આવે તો દેશમાં તીવ્ર ગતિએ ફેલાતી નફરતને રોકી શકાય છે.

દુનિયામાં હત્યા અને હિંસા, યુદ્ધો અને રમખાણોનું મૂળ કારણ ધર્મ છે; કેટલાક લોકોએ આ નેરેટિવ બનાવ્યો છે, જેના કારણે નવી પેઢી ધર્મથી વિમુખ થઈ રહી છે. ધાર્મિક લોકો સમક્ષ આ એક પડકાર છે કે તેઓ આ કથાનકને ખોટું સાબિત કરે અને તે ત્યારે જ શક્ય છે જ્યારે ધર્મની સાચી સમજ લોકો સમક્ષ મૂકવામાં આવે. કેમ કે જેવી રીતે મધ ખાવાથી ક્યારેય માણસ બીમાર પડી શકતો નથી, તેમ ધર્મને ધારણ કરવાથી વ્યક્તિ ક્યારેય હિંસક બની શકે નહીં. રાજનીતિ ધર્મનો દુરુપયોગ કરે અથવા ધર્મના મર્મને સમજવામાં ન આવે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ ધાર્મિક લોકો વચ્ચે થતો સંવાદ આવી પરિસ્થિતિ ઊભી થવા દેતો નથી.

કેટલાક સમયથી અમુક વિસ્તારોમાં કોલોનાઇઝ્ડ માનસિકતા વધી રહી છે. એક જ જાતિના, એક જ ધર્મના, એક જ ભાષા બોલતા લોકોની સોસાયટીઓ અને વિસ્તારો બની રહ્યા છે. જેના લીધે અફવાઓ અને ગેરસમજોને ફેલાવાની સુવર્ણ તક મળી જાય છે. આવી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પણ આંતરધર્મીય સંવાદ જરૂરી બની જાય છે. કુર્આન મજીદે પણ આ સિદ્ધાંતને માન્યતા આપી છે અને અહલે કિતાબને સમાન વાત ઉપર એકત્રિત થવાનું આમંત્રણ આપ્યું છે. જેમ કે કુર્આન ‘તૌહીદ’ (એકેશ્વરવાદ)ને કેન્દ્ર બનાવી પોકારે છેઃ

“હે નબી ! કહો, “હે ગ્રંથવાળાઓ ! આવો એક એવી વાત તરફ જે તમારા અને અમારા વચ્ચે સમાન છે, એ કે આપણે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરીએ, તેના સાથે કોઈને ભાગીદાર ન ઠેરવીએ અને આપણામાંથી કોઈ અલ્લાહ સિવાય કોઈ બીજાને પોતાનો રબ ન બનાવી લે.” – આ આમંત્રણનો સ્વીકાર કરવાથી જો તેઓ મોઢું ફેરવે તો સ્પષ્ટ કહી દો કે “સાક્ષી રહો, અમે તો મુસ્લિમ (માત્ર અલ્લાહની બંદગી અને આજ્ઞાપાલન કરનારા) છીએ.” (સૂરઃ આલે ઇમરાન – ૬૪)

આંતરધર્મીય સંવાદનો અર્થ પક્ષપાતને નેવે મૂકી એકબીજાની ધાર્મિક વ્યવસ્થા, રીત-રિવાજો, પારિવારિક કાયદાઓ વગેરેને સમજવાનો છે. સાથે જ સમાજમાં પ્રવર્તતી ગેરસમજોને દૂર કરવી અને પ્રેમ તથા ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવું છે. આવા સંવાદ થકી સામાજિક સૌહાર્દ વધારી શકાય છે અને ઘૃણા, અત્યાચાર, તંગનજરી (સંકુચિત માનસિકતા) તથા કોમી આક્રમકતાને નાથી શકાય છે. આ સંવાદ વિવિધ ધર્મોમાં ઈશ્વર, અવતારવાદ, પારલૌકિક જીવન અને સત્યને સમજવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આપણા દેશમાં આવા આંતરધર્મીય સંવાદ માટે નાના-મોટા પ્લેટફોર્મ બનવા જોઈએ અને દેશના તમામ નાગરિકોએ આવા પ્રયાસો માટે મદદરૂપ થવું જોઈએ.

– શકીલ અહમદ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here