નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે કેન્દ્રીય બજેટને ગરીબો, SC-ST અને ધામિર્ક અલ્પસંખ્યકો માટે નિરાશાજનક ગણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે, “બજેટ ૨૦૨૪-૨૫ ગરીબો અને હાંસિયામાં રહેલા વર્ગો માટે કોઈ રાહત આપતું નથી. આરોગ્ય અને શિક્ષણ માટેની ફાળવણી પૂરતી નથી. બજેટ ‘સબ કા વિકાસ’ના સૂત્રને અનુરૂપ નથી, કેમ કે અલ્પસંખ્યકો માટેની ઘણી યોજનાઓની ફાળવણીમાં ઘટાડો થયો છે. MoMAને કુલ બજેટના માત્ર ૦.૦૬% ફાળવણી મળી છે.”
સલીમ એન્જિનિયરે જણાવ્યું કે, “આ બજેટ સંકોચાકારી છે, જ્યારે અમને વિસ્તરણકારી અભિગમની જરૂર છે. મનરેગા અને વિવિધ સબસિડીમાં કાપ મુકાયો છે, જે ગરીબો અને મધ્યમ વર્ગ પર બોજ પાડે છે. ભ્રષ્ટાચાર પર અંકુશ અને ધનિકો પર વધુ પ્રત્યક્ષ કર લાદવા તેમજ પરોક્ષ કરમાં ઘટાડો કરવો જરૂરી છે. સરકારને દલિતો, પછાત વર્ગો, SC, ST અને અલ્પસંખ્યકોના કલ્યાણ માટે વિશેષ પગલાં લેવા જોઈએ. સરકારને મોટા પાયે વ્યાજમુક્ત સૂક્ષ્મ નાણાકીય અને વ્યાજમુક્ત બેંકિંગને પ્રોત્સાહન આપવા જોઈએ. આનાથી અર્થતંત્રને વેગ મળશે, રોજગારીની તકો વધશે અને સામાજિક અશાંતિ ઘટશે.”