અહમદાબાદઃ APCRગુજરાત ચેપ્ટર દ્વારા તા.૨૮, જુલાઈ, ૨૦૨૪, રવિવારના રોજ, હોટલ હોસ્ટ ઈન, ખાનપુર, અહમદાબાદ ખાતે ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમ કોર્ટના આદેશની સમજૂતી અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમુદાયના ધારાશાસ્ત્રીઓ, રાજકીય આગેવાનો અને ધામિર્ક સ્થળોના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાઈકોર્ટના એડવોકેટ મુહમ્મદ તાહિર હકીમ સાહેબ તેમજ મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ, જમીયતુલ ઉલેમા, ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર એહમદ અન્સારી સાહેબ, JIH ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા સાહેબ અને APCR ગુજરાત ચેપ્ટરના નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ શામશાદ ખાન પઠાણે ઉપસ્થિત રહી હાજરજનોનુ ઉપરોક્ત વિષયે નીચે મુજબ માર્ગદર્શન કર્યું હતું અને તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
ધામિર્ક સ્થળો બાબતે સુપ્રીમ કોર્ટનો આદેશ ૧૮ વર્ષ અગાઉનો છે, જે બાબતે હાલમાં રાજ્ય સરકારને આ બાબતે હાઇકોર્ટે પ્રશ્ન કર્યો છે કે આ બાબતે તમે શું કાર્યવાહી કરી છે ત્યારે સરકાર સફાળી જાગી છે અને ધામિર્ક સ્થળોને જેમ તેમ નોટિસ ફટકારી રહી છે. સુપ્રીમકોર્ટનો આદેશ એવા ધામિર્ક સ્થળો બાબતે છે જે સરકાર અધિકૃત જમીનમાં અથવા દબાણમાં બનાવવામાં આવ્યા છે. તેમને ક્યાં તો નિયમિત કરો, ક્યાં તેમને અન્ય સ્થળે ખસેડો અથવા ડિમોલીશ કરો. પરંતુ જે ધામિર્ક સ્થળો ખૂબ જ પ્રાચીન છે, સાથે જ જેમની પાસે જમીનના કાયદેસરના પુરાવાઓ છે. તેમને નિયમિત કરી દેવામાં આવે. મુસ્લિમ સમુદાયના સર્વે આગેવાનોએ એક સૂરમાં જણાવ્યું કે આપણે આપના ધામિર્ક સ્થળોને તાત્કાલિક કાયદેસર કરવાની જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જેમાં APCR ગુજરાતના પ્રમુખ એડવોકટ શામશાદ ખાન પઠાણનો સંપર્ક કરી શકાય છે.
દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ તેની પરાકાષ્ઠાની કક્ષાએ છે. લોકસભા ૨૦૨૪ના ચૂંટણી પરિણામો એ એક તરફ સાંપ્રદાયિક પક્ષોને લોકતંત્ર અને બિન સાંપ્રદાયિકતાના પાઠ ભણાવ્યા છે ત્યાં જ બીજી તરફ સંવિધાનમાં વિશ્વાસ ધરાવતા લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે. વિશેષ કરીને લઘુમતીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. જે મુસ્લિમ સમાજને રાજકીય હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા તેમની રાજકીય કુનેહ અને એક જુટતા એ તેમની રાજકીય મહત્ત્વતાને ફરી પ્રસ્થાપિત કરી છે. દેશમાં ધૃણા અને નફરતના વાતાવરણ, મોબલિંચિંગ, બુલડોઝર, ધામિર્ક સ્થળોને તોડી પાડવાની જે વણથંભી વણઝાર ચાલી રહી છે તેની રોકથામનો એક માત્ર ઉપાય દેશનો સંવિધાન અને કાયદો જ છે જેનો સમયસર અસરકારક ઉપયોગ કરવાની જરૂર છે. કાર્યક્રમના અંતે APCR ગુજરાતના સેક્રેટરી ઇકરામ બેગ મિર્ઝાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.