(ન્યૂઝ ડૅસ્ક) આપણો દેશ સ્વતંત્રતા મેળવીને અને લોકશાહી બંધારણ અપનાવીને ઘણા વર્ષો વિતી ગયા છે, છતાં આપણે હજુ પણ જાતિવાદ, અસ્પૃશ્યતા અને ભેદભાવ જેવી કુપ્રથાઓથી મુક્ત નથી થયા દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત જ્ઞાતિઓના લોકોને દૈનિક ધોરણે ધામિર્ક સ્થળો, શાળાઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ આવા ભેદભાવનો સામનો કરવો પડે છે. ઘણી વખત આ કૃત્યો માત્ર માનસિક ત્રાસ પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ શારીરિક હિંસા અને અમાનવીય વર્તનનું સ્વરૂપ પણ લઈ લે છે.’
જ્યારે ભારતીય બંધારણ મુજબ જાતિના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ગેરકાયદેસર અને સજાપાત્ર ગુનો છે, છતાં આ કૃત્યો આપણા દેશમાં હજુ પણ ચાલુ છે. ભારતમાં જાતિ અને તેના આધારે લોકો સાથે થતા ભેદભાવ અને અમાનવીય વર્તનના મૂળિયા ખૂબ ઊંડા છે. આપણા દેશના ધામિર્ક સ્થળો, શાળાઓ, સરકારી અને ખાનગી સંસ્થાઓ, જેલોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. જેલ એ એક એવું સ્થાન છે જ્યાં દાખલ થનાર દરેક વ્યક્તિ ગુનેગાર ગણાય છે અને ત્યાં દરેકની માત્ર એક જ ઓળખ હોય છે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે ભારતની જેલોમાં ગુનેગારની જાતિ પણ તેના માટે એક વધારાની ઓળખ બની જાય છે અને જેલમાં તેની રહેવાની જગ્યા તેની જાતિના આધારે નક્કી કરવામાં આવે છે અને તેની સજા અને મજૂરી પણ તે જ આધારે નક્કી કરવામાં આવે છે.
ધી વાયરની સ્કનીયા શાંતા દ્વારા કરવામાં આવેલ એક તપાસ રિપોર્ટ મુજબ, ભારતની જેલોમાં કેદીઓને તેમની જાતિના આધારે અલગ રાખવામાં આવે છે અને સખત મજૂરી કરનારા કેદીઓને જે સજા આપવામાં આવે છે તે પણ તેમની જાતિના આધારે નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે ભારતીય જેલોમાં જાતિવાદ એક વ્યાપક સમસ્યા છે જે કેદીઓના જીવનને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. જાન્યુઆરી ૨૦૨૪માં, સ્કનીયા શાંતા દ્વારા ભારતીય જેલોમાં જાતિના આધારે કેદીઓ સાથે થતા ભેદભાવ અને અમાનવીય વર્તનની ચોંકાવનારી વિગતો સામે લાવતો એક તપાસ અહેવાલ બહાર આવ્યો હતો. આ અહેવાલના આધારે, શાંતાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની રજૂઆત કરી હતી, જેમાં જેલોમાં જાતિવાદી પ્રથાઓનો અંત લાવવાની માંગ કરવામાં આવી હતી. ૧૦ જુલાઈ ૨૦૨૪ના રોજ, ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ભારતીય જેલોમાં જાતિના આધારે કેદીઓ સાથે થતા ભેદભાવની પ્રથાઓની નિંદા કરી હતી. કોર્ટે આ પ્રથાઓને “શરમજનક” અને “ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરનારી” ગણાવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે તે દેશની તમામ જેલોમાં જાતિવાદી પ્રથાઓનો અંત લાવવા માટે યોગ્ય પગલાં લે, જેમાં એક નોડલ અધિકારીની નિમણૂકનો સમાવેશ થાય છે જે આ પ્રક્રિયાની દેખરેખ રાખશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને ભારતમાં જાતિવાદ સામેની લડતમાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ ચુકાદા દ્વારા, કોર્ટે ભારતીય સમાજમાં જાતિના આધારે થતા ભેદભાવ અને અસમાનતાના મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે. જો કે, આ ચુકાદાનો સંપૂર્ણપણે અમલ થવામાં હજુ સમય લાગશે. જેલોમાં જાતિવાદી પ્રથાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને સક્રિય પગલાંની જરૂર પડશે. આ ઉપરાંત, સમાજમાં જાતિવાદની જડોને ઉખેડવા માટે સામાજિક જાગૃતિ અને સક્રિય નાગરિક સમાજની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેશે.
આપણો દેશ, વિશ્વનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર, એક એવું બંધારણ ધરાવે છે જે દરેક નાગરિકને સમાન અધિકારો અને ન્યાયની ખાતરી આપે છે. પરંતુ આ સુંદર શબ્દો કાગળ પર જ મર્યાદિત રહી ગયા છે, જ્યારે વાસ્તવમાં, આપણો સમાજ હજુ પણ હજારો વર્ષ જૂની જાતિ-વ્યવસ્થા અને તેના આધારે થતા ભેદભાવ અને અન્યાયના ભારે બોજ હેઠળ દબાયેલો છે.
આ સમગ્ર મુદ્દો ઉમ્મતે મુસ્લિમા માટે પણ વિચારવા અને ગહન વિચાર કરવાનો મોકો પૂરો પાડે છે કે તેઓ માનવ સમાનતા અને સામાજિક ન્યાયનો શ્રેષ્ઠ સિદ્ધાંત અને આ સંદર્ભમાં રહમતે આલમ હઝરત મુહમ્મદ સ.અ.વ.ના શ્રેષ્ઠ પ્રાયોગિક નમૂના ધરાવતા હોવા છતાં નિષ્ક્રિયતાનું ઉદાહરણ બની રહ્યા છે. જરૂરત આની છે કે તેઓ ન્યાય પર આધારિત ઇસ્લામના આ વૈશ્વિક સંદેશાને તમામ માનવો સુધી પહોંચાડે કે બધા બનીઆદમ એક માતા-પિતાની સંતાન છે, તેમાં કોઈને પણ માન-સન્માન જન્મના આધારે નહીં પણ સદાચાર અને ભલાઈના આધારે આપવામાં આવે છે.