લે. મુહમ્મદ સઈદ શેખ
ઇસ્લામના ચોથા ખલીફા હઝરત અલી રદિ.નું બખ્તર ખોવાઈ ગયું. આપે એ બખ્તર એક યહૂદી પાસે જોયું. આપે એ યહૂદીને કહ્યું કે આ બખ્તર જે તારી પાસે છે એ, મારું છે. એક દિવસ એ મારાથી ખોવાઈ ગયું હતું. યહૂદીએ કહ્યું કે મારી પાસે જે બખ્તર છે એ બાબતે તમે શું વાત કરી રહ્યા છો. જો તમે મારા બખ્તર પર દાવો કરતા હોવ તો હવે એક જ ઉપાય છે કે આપણા બંને વચ્ચે મુસલમાન કાઝી (ન્યાયાધીશ) ન્યાય કરે. તેઓ બંને ન્યાય મેળવવા માટે કાઝી અબૂ ઉમૈયા શુરૈહ બિન હારિસ બિન કૈસ બિન જહમ અલ્કીન્દીની અદાલતમાં પહોંચ્યા. આપને જોતા જ કાઝી ઊભા થઈ ગયા કેમ કે આપ એ વખતે ખલીફાના હોદ્દા પર બિરાજમાન હતા. આપે એમને કહ્યું કે બેસી જાવ. કાઝી બેસી ગયા. આપે ફરમાવ્યું કે મારૂં બખ્તર ખોવાઈ ગયું છે જે મેં આ યહૂદી પાસે જોયું છે.
કાઝીએ યહૂદીને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે?
યહૂદીએ જવાબ આપ્યો કે આ બખ્તર મારા કબજામાં છે અને મારી મિલકત છે.
કાઝીએ બખ્તર જોયું અને બોલ્યાઃ અલ્લાહના સોગંદ! હે અમીરુલ મો’મિનીન! બખ્તર બાબતે આપ રદિ.નો દાવો બિલકુલ સાચો છે, પરંતુ તમારે સાક્ષી રજૂ કરવી જરૂરી છે.
હઝરત અલી રદિ. પોતાના ગુલામ કમ્બરને રજૂ કર્યો, એણે આપના પક્ષમાં સાક્ષી આપી. પછી આપે હઝરત હસન અને હુસૈન રદિ.ને અદાલતમાં રજૂ કર્યા, એ બંનેએ પણ આપની તરફેણમાં સાક્ષી આપી.
કાઝીએ કહ્યું કે આપના ગુલામની સાક્ષી તો હું માન્ય રાખું છું પણ આપના બંને દીકરાઓની જુબાની કબૂલ રાખી શકું એમ નથી. તેથી બીજો એક સાક્ષી લાવવો પડશે.
આ સાંભળી હઝરત અલી રદિ. બોલી ઊઠ્યા કે અલ્લાહના સોગંદ! મેં ઉમર બિન ખત્તાબ રદિ.ને રસૂલુલ્લાહ ની આ હદીસ કહેતા સાંભળ્યા છે કે હસન અને હુસૈન જન્નતના યુવાનોના સરદાર છે.
કાઝીએ કહ્યું આ બિલકુલ સાચું છે.
હઝરત અલી રદિ.એ ફરમાવ્યું તો પછી તમે જન્નતના યુવાનોના સરદારની જુબાની કેમ માન્ય નથી રાખતા?
કાઝીએ જવાબ આપ્યો કે આ બંને તમારા દીકરાઓ છે અને બાપની તરફેણમાં પુત્રની જુબાની માન્ય નથી. આટલું કહી કાઝીએ યહૂદીની તરફેણમાં ચુકાદો આપ્યો અને બખ્તર એને આપી દીધું.
યહૂદીએ આશ્ચર્યથી કહ્યુંઃ મુસલમાનોના અમીર મને કાઝીની અદાલતમાં લાવ્યાં, અને કાઝીએ એમની વિરુદ્ધ અને મારી તરફેણમાં ચુકાદો આપ્યો, અને અમીરુલ મો’મિનીને કોઈ પણ વાંધા વચકા વિના ચુકાદો સ્વીકારી પણ લીધો!
પછી યહૂદીએ હઝરત અલી રદિ. તરફ દૃષ્ટિ કરી અને કહેવા લાગ્યોઃ અમીરુલ મો’મિનીન, આપનો દાવો સાચો છે. આ બખ્તર આપનું જ છે, ફલાણા દિવસે આપની પાસેથી પડી ગયું હતું, અને મેં એને ઉપાડી લીધું હતું, તેથી એ આપની જ મિલકત છે, આપ લઈ લો. પછી સત્ય કલમો પઢી લીધો. હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.
હઝરત અલી રદિ.એ ફરમાવ્યુંઃ આ બખ્તર પણ તમારો છે અને આ ઘોડો પણ.
આ પ્રસંગથી બે પાઠ મળે છે. એક તો ન્યાય સમક્ષ બધા સરખા છે, પછી ભલેને એ ખલીફા હોય, રાજા, મહારાજા, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જ કેમ ન હોય. બધાથી ઉપર ન્યાય છે, ન્યાયથી ઉપર કોઈ નથી. એટલે એમણે ન્યાય ખાતર અદાલતને પણ માન આપવું જ જોઈએ.
બીજું એ કે ન્યાયાધીશે પણ ન્યાયનું ગૌરવ અને ગરિમા જાળવી ન્યાય આપવું જોઈએ. એણે ન્યાય તોળતી વખતે એ ન જોવું જોઈએ કે સામે કોણ છે-રાજા છે કે રાંક. ન્યાયની દેવી સમક્ષ તો રાજા પણ સરખો અને રાંક પણ સરખો.
આજે આપણા દેશમાં ન્યાયતંત્ર બાબતે શું સ્થિતિ છે, એ અંગે અમારે કંઈ કહેવાની જરૂર છે? •••