એક સમાચાર……. એક દૃષ્ટિબિંદુ

0
355

શેખ અબ્દુલ્લાહે કહ્યું હતું….

આ આઠમા દશકના પ્રારંભની વાત છે. કાશ્મીરના આગેવાન શેખ મુહમ્મદ અબ્દુલ્લાહ કાશ્મીરના રાજકારણ પર છવાયેલા હતા. જો કે કોઈ સરકારી કે રાજકીય હોદ્દા પર ન હતા. માત્ર પોતાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ હતા. કાશ્મીર વિશે તેમની વાતો ધ્યાનથી સાંભળવામાં આવતી હતી. કાશ્મીર સિવાય તેઓ રાષ્ટ્રીય અને મિલ્લતના પ્રોગ્રામોમાં અવારનવાર ભાગ લેતા હતા. મુસ્લિમ મજલિસે મુશાવરત તે દિવસોમાં ખૂબ વેગથી કામ કરતી હતી. ૧૯૬૯માં ગુજરાતના અહમદઆબાદમાં ભયાનક કોમવાદી રમખાણો થયા તો દેશનો સમગ્ર મુસ્લિમ સમુદાય ફરી એકવાર તડપી ઉઠયો. આ સમયગાળામાં જ ખાન અબ્દુલ ગફફારખાન પણ ભારત સરકારના આમંત્રણ પર ભારતના પ્રવાસે આવ્યાં. શેખ અબ્દુલ્લાહ પણ તેમના કાર્યક્રમોમાં હાજર રહેતા હતા. એક વખતે એક મિલ્લત મજલીસમાં શેખ સાહેબે સ્પષ્ટ એલાન કર્યું હતું કે, ‘હું ભારતના મુસલમાનોની ખિદમત કરવા ચાહું છું. ભારતના મુસલમાનો મારી તરફ જોઈ રહ્યા છે. મને સાદ દઈ રહ્યા છે…’ શેખ આ ઘોષણાથી મુસ્લિમ સમુદાયમાં સર્વત્ર ખુશીની લહેર દોડી ગઈ મજલિસે મુશાવરતે પણ આ ઘોષણાનું સ્વાગત કર્યું. જો કે શેખના આ એલાનથી મિલ્લતની હાલતમાં કોઈ મોટા ફેરફાર તો ન આવ્યા પરંતુ મિલ્લતને ખૂબ હિંમત મળી હતી અને મિલ્લતની પ્રવૃત્તિઓમાં ઝડપ પણ આવી ગઈ હતી.

અત્રે એ વાત પણ સામે રાખવી યોગ્ય છે કે શેખ અબ્દુલ્લાહે આ સમયગાળામાં સમગ્ર દેશનો પ્રવાસ ખેડયો જેમાં તેઓ પત્રકાર શમીમ અહમદ શમીમ સાથે ગુજરાત પણ આવ્યા હતા. અહમદઆબાદ-વડોદરા- મોડાસા જેવા અનેક સ્થળોએ ગંજાવર જાહેર સભાઓ થઈ હતી. સમગ્ર દેશમાં મુસલમાનો ઘણી મોટી સંખ્યામાં ઠેરઠેર તેમના સાથે થઈ ગયા હતા કે હવે તેમને રાષ્ટ્રીય કક્ષાનો એક રહનુમા મળી ગયો છે. આ વાતની તરત જ ઇન્દિરા સરકારે નોંધ લીધી કે જો આવું થયું તો મુસ્લિમોને એક મજબૂત પ્લેટફોર્મ મળી જશે. ચતુર ઈન્દિરા ગાંધીએ સમયની નાડ પારખીને શેખ અબ્દુલ્લાહને કાશ્મીરના રાજકારણમાં ગોઠવી દીધાં. જેથી મુસ્લિમોની ઊભી થયેલી એકતાની એક આશા છિન્ન-ભિન્ન થઈ ગઈ અને શેખ સાહેબ મિલ્લતના પ્લેટફોર્મ પરથી અદૃશ્ય થઈને કાશ્મીરના જ થઈ રહ્યા.

હવે આ જ પ્રકારની ઘોષણા ફરી…

હવે લગભગ આ જ પ્રકારનું નિવેદન શેખના સુપુત્ર ડોકટર ફારૃક અબ્દુલ્લાહ તરફથી આવ્યું છે. ૪ ફેબ્રુઆરીએ શ્રીનગરના એક જલસાથી ઉદ્બોધન કરતાં તેમણે ઇસ્લામી વિશ્વની પરિસ્થિતિની ચર્ચા કરી કહ્યું ‘આજે ઇસ્લામ દુશ્મન શક્તિઓ મુસ્લિમ વિશ્વના વિરુદ્ધ સંગઠિત થઈ ગઈ છે અને તેને દરેક બાજુથી નુકસાન પહોંચાડવા તત્પર છે. મોટા-મોટા ઇસ્લામી સંગઠનો-સંસ્થાઓ અને સભ્યતા-સંસ્કૃતિના સંસ્થાનોને ખંડેરમાં તબદીલ કરાઈ રહ્યાં છે. ઇજિપ્ત, ઇરાક, સીરિયા, લેબેનોન, ફલસ્તીન, યમન અને અફઘાનિસ્તાનમાં ઇસ્લામી યુનિવર્સિટીઓ અને દીની મદ્રસાઓ, ઇસ્લામી કળા અને સ્થાપત્યના પ્રાચીન યાદગારો અને ઇસ્લામી લાયબ્રેરીઓને લક્ષ્ય બનાવીને ખતમ કરવામાં આવી રહ્યાં છે. આ દેશોમાં દરરોજ મુસલમાનોનાં કિમતી પ્રાણોને હણવામાં આવી રહ્યા છે. દુનિયાના વિવિધ ભાગોમાં મુસ્લિમ નિરાશ્રિતોની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે અને મુસલમાનો અહીં તહીં રઝળી-ભટકી રહ્યા છે.’ (ઈન્કિલાબ પ ફેબ્રુઆરી) ડો. ફારૃક અબ્દુલ્લાહે કહ્યું, આનું એક મોટું કારણ એ પણ છે કે મુસ્લિમ ઉમ્મતમાં એકતા અને સંગઠનનો અભાવ છે. એટલા માટે શત્રુઓ પોતાની સાઝિશોમાં સફળ થઈ રહ્યા છે. મસ્લકી વિવાદોએ ઉમ્મતને ખૂબ મોટું નુકસાન પહોંચાડયું છે. તેમણે કહ્યું, ઇસ્લામ ધર્મ એક સંનિષ્ઠ માનવ વ્યવસ્થાનો ધ્વજવાહક છે અને તેણે દરેક પ્રકારના ભેદભાવ અને અસમાનતાને ખતમ કરીને ન્યાયી વ્યવસ્થાની બુનિયાદ નાંખી છે.

ઉદબોધન માત્ર લાગણીનો ઊભરો ન સાબિત થાય

જો કે ડો.ફારૃક અબ્દુલ્લાહએ એવી કોઈ વાત નથી કહી જેનાથી જાહેર થતું હોય કે તેઓ ભારતના મુસ્લિમોનાં મુખ્ય પ્રવાહમાં સામેલ થઈને પોતાની કોઈ ભૂમિકા અદા કરવા માંગતા હોય. પરંતુ તેમની તમામ વાતોથી સ્પષ્ટ અંદાજો આવે છે કે તેઓ મુસ્લિમ ઉમ્મત અને ઈસ્લામી વિશ્વની હાલતથી તદ્દન જાણકાર છે અને તેનું દર્દ ને વ્યથા પણ અનુભવે છે અને પરિસ્થિતિ સુધરવાના ઇચ્છુક પણ છે. ડો.સાહેબે એમ પણ કહ્યું કે ઇસ્લામ દુશ્મન શક્તિઓએ આજે મુસલમાનો પર આતંકવાદનું લેબલ ચોંટાડી દીધું છે, અને આ આરોપના આધારે સમગ્ર વિશ્વમાં મુસલમાનોને અપમાનિત કરવામાં આવી રહ્યાં છે. તેમણે મુસ્લિમ દેશોનાં આગેવાનોથી અપીલ કરી કે તેઓ સંગઠિત થઈને પરિસ્થિતિનો સામનો કરે. સામાન્ય મુસલમાનોથી કહ્યું કે તેઓ અલ્લાહના સામે સિજદો કરીને સંજોગો બદલી નાંખવાની દુઆ કરે- ડો.ફારૃક અબ્દુલ્લાહ એક બાહોશ અને ઘડાયેલા રાજનીતિજ્ઞા છે અને મજલિસ-મીટિંગોમાં સંજોગો અને મોકા જોઈને વાત કરે છે. પરંતુ તેમનું આ પ્રવચન તેમની સામાન્ય પદ્ધતિથી વિપરીત જણાય છે. આશા રાખવી જોઈએ કે તેઓ પોતાના આ વિચારો પર કાયમ અને દૃઢ રહે અને સામાન્ય મુસ્લિમ પ્રવાહમાં ભળીને દેશ અને મિલ્લતની સેવા-ખિદમત અંજામ આપશે. તેમણે કાશ્મીર ખીણમાં પણ ઇસ્લામપસંદ વર્તુળોથી નજીકના સંપર્ક રાખવા પડશે. જેઓ તંદુરસ્ત અને ન્યાયી પરિવર્તન માટે સંનિષ્ઠ પ્રયાસો કરતા હોય. ડો.સાહેબનું આ પ્રવચન અને વિચારો માત્ર લાગણીનો ઉભરો સાબિત ન થવો જોઈએ. (‘દા’વત’ ઃ મુ.અ.શે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here