હવે ચૂપ નહીં રહેવાય

0
146

યશવંત સિંહા

‘ઈન્ડિયન એકસપ્રેસ’ના લેખમાંના ૧ર૦૦ શબ્દોની કમાલ
થોડા સયમ પહેલાં યશવંત સિંહાનો એક લેખ ‘I need to speak up now’ પ્રગટ થયો. આ લેખે સારા એવા પ્રમાણમાં લોકોનું ધ્યાન ખેંચ્યું. દેશની વર્તમાન સ્થિતિ જોતાં તેમને લાગ્યું કે ‘જો હું અત્યારે ચૂપ રહું તો હું રાષ્ટ્ર તરફની મારી ફરજ ચૂકયો છું તેમ મને લાગે છે. દેશમાં ઘણા બધા લોકો, જેમાં બીજેપીના સભ્યો પણ છે જેમને લાગે છે કે સરકાર ખોટી દિશામાં કમ કરી રહી છે પરંતુ તેઓ બોલતા ગભરાય છે, કારણ કે એક પ્રકારનું દેશમાં ભયનું વાતાવરણ છે. સિંહાની વાત પ્રસાર માધ્યમોમાં ફેલાવવા લાગી. બીજેપીના કેટલાક લોકોએ તેમના પર ગુસ્સો પણ ઠાલવ્યો. પક્ષમાંથી રાજીનામું તેમણે આપવું જોઈએ તેમ પણ કહેવામાં આવ્યું. યશવંત સિંહાએ કહ્યું, ‘હું જે કંઈ કહી રહ્યો છું તે પક્ષના ભલા માટે કહી રહ્યો છું.’
જો કે નોટબંધી અને જીએસટીના મુદ્દે સરકારની જીદ ખોટી છે તેમ કહેવાવાળા માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ નહીં ઘણાં સામાજિક ચિંતકો, વિચારકો, અને અર્થશાસ્ત્રીઓ પણ છે.

યશવંત સિંહા ગુજરાતમાં બોલ્યા !

યશવંત સિંહાની વાતો બહુ આયામી રહી. જો કે તેમણે સ્પષ્ટ વાત કરી કે મારી વાતને ગુજરાતની ચૂંટણી સાથે ન જોડશો. પોતાની વાત બીજેપીના એક સભ્ય તરીકે જ મૂકી. પક્ષ માત્ર હાલમાં જે આર્થિક નીતિને આગળ ધપાવવા માંગે છે માત્ર તેનો જ વિરોધ નથી બલ્કે તેનાથી આગળ પણ તેમને કંઈક કહેવું છે. કોઈએ તેમને પૂછયું કે આપ વડાપ્રધાનને મળીને તમારી વાત કેમ કહેતા નથી ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આજ સુધી ભારતના જેટલા પણ વડાપ્રધાન બન્યા તેમને જ્યારે પણ મેં મળવાનુું કહ્યું ત્યારે તરત મળી શકાયું છેે. વર્તમાન વડાપ્રધાનને મળવાની માંગણી કર્યા પછી પણ એક વર્ષ સુધી સમય મળ્યો નથી. હવે સમય આપે તો પણ મળવાની ઈચ્છા નથી. બીજી તેમની મહત્ત્વની વાત હતી. ‘સબ કા સાથ સબ કા વિકાસ’ની વાત માત્ર ખાલી શબ્દો છે. નોટબંધીની જાહેરાત કરે છે પણ નાણામંત્રી અજાણ છે. જે પ્રક્રિયા નાણામંત્રી, આરબીઆઈના ગવર્નરની સાથે રહીને કરવાની હોય તેમાં કોઈ જ સાથ લેવાનો નહીં ! વડાપ્રધાને ગુપ્તતા જાળવી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી હતી.

આપણે ત્યાં વિદેશમંત્રી છે, પરંતુ વિશ્વમાં વડાપ્રધાન બધે એકલા જાય છે. કયાંક એકાદ બે વખત વિદેશમંત્રી સાથે હશે. વિદેશમંત્રી પાસે માત્ર એક જ કામ બચ્યું છે. પરદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવાનું ! સમગ્ર દેશ માત્ર ર-૩ લોકો થકી ચાલે છે તેવું વાતાવરણ બનાવી દીધું છે. બીજેપી સરકારના સાડા ત્રણ વર્ષ પૂરા થયા છે. હાલ આ સરકાર બધા વાયદા ર૦રરમાં પૂરા થશે તેમ કહે છે. સરકાર કેમ ભૂલી જાય છે કે વર્ષ ર૦૧૯માં પ્રજાને આપણે હિસાબ આપવો પડશે. આપણે જ (બીજેપી) કહેતા હતા કે યુપીએના રાજમાં પોલીસીને પેરાલીસીસનો રોગ લાગુ પડેલો છે ! આજે રૃા.૧પ લાખ કરોડના પ્રોજેકટ પેન્ડિંગ છે. બીજી બાજુ બેંકોમાં ‘એનપીએ’ની રકમ મોટી ને મોટી થતી જાય છે. માત્ર કોર્પોરેટ સેકટરે રૃા.૮ લાખ કરોડ બેંકને ચૂકવવાના થાય છે. ખાસ મૂડીરોકાણ નવું થયું નથી. રોજગારીની તકો દેખાતી નથી.

વર્ષ ર૦૧૪માં વાતાવરણ વિકાસ માટે વધુ અનુકૂળ હતું. કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવ ૧૧૦ ડોલર પ્રતિ બેરલથી ઘટીને ર૯ ડોલર થઈ ગયા હતા. હવે તેલના ભાવ વધી રહ્યા છે. જો ૭૦ ડોલરે ભાવ થઈ જશે તો અર્થતંત્ર કફોડી સ્થિતિમાં મૂકાઈ જશે. જાણે એક પગે ઊભું રહ્યું હશે, કયારે પડી જાય તે કહી ન શકાય. આજની સરકારની પ્રવૃત્તિ એવી રહી છે ‘જાણે કારેલાના વેલાને લીંબડાના ઝાડ પર ચઢાવ્યો હોય !’ તગલખી તુક્કાઓ જેવું કામ થઈ રહ્યું છે. નોટબંધીની ઘોષણા વખતે તેમના ભાષણમાં ૭૪-૭પ વખત બ્લેકમની, ફેક કરન્સી, આતંકવાદની વાત કરી હતી. તેમાં કેશલેશ ઈકોનોમીની વાત હતી જ નહીં ! કાળું નાણું હાથ ન લાગ્યું. ભારત દેશ જાણે ચોરોનો દેશ હોય તેમ સરકાર વર્તી. ૧.૮ મિલિયન ખાતામાં પૈસા જમા થયા. હવે ઈનકમ ટેક્ષ ખાતું જે જે લોકોએ મોટી રકમ જમા કરાવી છે તેમને ડરાવી ધમકાવીને કેસ કરી રહી છે.

નોટબંધીના કારણે નવી નોટો ચલણમાં મુકવાનો ખર્ચ ૧ લાખ ર૮ હજાર કરોડ થયો. સમગ્ર અર્થતંત્રને ર લાખ રપ હજાર કરોડ ઉપરાંતનું નુકસાન થયું છે. કુલ આશરે ૩ લાખ ૭પ હજાર કરોડનું નુકસાન થયું. યશવંત સિંહાએ તેમના ‘ઈન્ડિયન એકસપ્રેસ’ના લેખમાં તો કહ્યું જ હતું કે, જીડીપીની જૂની રીત પ્રમાણેની ગણતરી પ્રમાણે આંક પ.૭ નહીં ૩.૭ ટકા ગણવો જોઈએ. (ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તો નોટબંધીને Monumental Disaster તરીકે ગણાવી હતી.

યશવંત સિંહાએ જીએસટી અંગે પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. પાયાની વાતમાં કહ્યું હતું કે જીએસટી પ્રણાલીમાં તે સમર્થક છે. પરંતુ તે માટે જે તૈયારી કરવી જોઈએ તે કરવામાં આવી ન હતી. સિંહાએ જ્યારે ‘વેટ’ પ્રથા ચાલુ કરી ત્યારે કેટલી બધી તૈયારી કરી હતી તેની વાત કરી. બધા જ રાજ્યના પ્રતિનિધિઓ સાથે સારો એવો સંવાદ કર્યો હતો. મજાની વાત એ છે કે જ્યારે જીએસટીની ચર્ચા કેન્દ્રમાં ચાલતી હતી અને મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે GST Goods & Simple Tax છે. પરંતુ તે Bad & complicated બની ગયો છે. ઓનલાઈન ભરવાના ફોર્મમાં તૈયાર કરનાર ખુદ તે ભરી શકે તેની હાલતમાં નથી. ટેક્ષના ઘણા સ્લેબ છે તે અંગે વિચારવું જોઈએ. નાના-મધ્યમ કદના વેપારીઓની મુસીબતો વધી જવાની છે. હવે સરકાર પાછા પગલા ભરી રહી છે. પરંતુ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી.
૧ જુલાઈ, ર૦૧૭ની મધ્ય રાત્રીએ (૩૦ જૂન, ૧ જુલાઈના રોજ) રાજ્યસભા, લોકસભાની સંયુકત બેઠકમાં ઘોષણાં કરીને જીએસટી કરવામાં આવી. જવાહરલાલ નેહરૃએ જે રીતે મધ્ય રાત્રીએ ભારતની આઝાદીની જાહેરાત કરી હતી તેમ જીએસટીની જાહેરાત કરવામાં આવી. આ તમાશો જોવા હું પણ ગયો હતો તેમ યશવંત સિંહાએ કહ્યું.

આ જ સરકારે બધું નવું કર્યું છે. ભૂતકાળમાં છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં કોઈએ શું કશું નથી કર્યું ? આમ કહીએ તો તેનો અર્થ એમ થાય શું વાજપેયીની સરકારમાં પણ કંઈ જ ન થયું ? તો પછી વર્ષ ર૦૧પમાં ભારત રત્ન એવોર્ડથી તેમને કેમ સન્માનિત કરવામાં આવ્યા ?
આજે જે માનસિકતા સરકાર બતાવી રહી છે અને કહી રહી છે આનાથી મુકત ભારત, પેલાથી મુકત ભારત ! તે અયોગ્ય છે. વિપદાઓ દેશની દુશ્મન નથી. આમ બોલવાથી તો દેશનો આત્મા કુંઠિત થઈ રહ્યો છે. આપણે સંસદનો પણ અનાદર કરી રહ્યા છીએ.

યશવંત સિંહા ગુજરાતમાં બોલ્યા !


ગુજરાતમાં છેલ્લું પ્રવચન સુરતમાં આપ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું ભવિષ્યમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો નથી રહેવાનો. કોઈ પદની મને લાલસા નથી. પરંતુ જે સત્ય લાગશે તે બોલીશ અને ચૂપ નહીં રહું. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here