ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ-૨

0
157

(ગતાંકથી ચાલુ)
આજે આપણે ભલે પોતાની જાતને સૌથી સુસંસ્કૃત ગણતા હોઈએ પરંતુ વાસ્તવિકતા આ છે કે ર૧મી સદીમાં પણ આખા વિશ્વમાં જેની અડધી વસ્તી છે એવી મહિલાઓ પુરૃષોના આધિપત્ય હેઠળ એમના શોષણનો શિકાર છે. જગત ભલે પ્રગતિ કરી રહ્યું હોય પરંતુ આ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી કે આજની માનવ સભ્યતાની સમસ્યાઓ ઉપભોકતાવાદી બજાર અને જીવન પ્રણાલિની તથા શાસન અને શક્તિની વિચારધારાની દેણ છે. વિકાસ, વિકાસના બણગાઓ વચ્ચે દરેક દેશ અને ખાસ કરીને આપણા ભારતમાં જે કેટલીક મોટી સમસ્યાઓ ઉદભવી છે એમાં કોમવાદ, જાતિવાદ, જ્ઞાાતિવાદ, શિક્ષણમાં પડતી, શિક્ષિત યુવાઓની બેરોજગારી અને લિંગભેદનો ઉલ્લેખ જરૃરી છે. દરેક સમસ્યા માટે આખું પ્રકરણ લખી શકાય એમ છે. સ્થળ સંકોચને લીધે અહીં માત્ર લિંગભેદના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.

વિકાસનો અર્થ સમાનતા, આર્થિક પ્રગતિ, અધિકાર સંપન્નતા અને સશક્તિકરણ છે, આ શભ્દો સાંભળવામાં બહુ સારા લાગે છે પરંતુ છે ખરેખર ભ્રામક,. વિકાસનો સિદ્ધાંત વિકાસશીલ દેશો તો ઠીક પરંતુ વિકસિત દેશોમાં પણ મહિલા શોષણને રોકવામાં નિષ્ફળ નીવડયો છે. પોતાને ખૂબ આધુનિક ગણાવતા દેશોએ પણ સ્ત્રીઓને મતદાનનો અધિકાર છેલ્લા ૮૦-૯૦ વર્ષોમાં જ આપ્યો છે. સમૃદ્ધ અને વિકસિત દેશોમાં પણ આજની તારીખે સ્ત્રીઓને પુરૃષોના શોષણનો શિકાર (ભોગ) બનવું પડે છે ત્યાં ગરીબ અને વિકાસશીલ દેશોની વાત જ શું કરવી. ત્યાં તો સ્થિતિ ખૂબજ ગંભીર છે. વિકાસની પ્રક્રિયા સ્ત્રી અને પુરૃષ બંનેને અલગ રીતે અસર કરે છે. કૃષિના આધુનિકરણના ફળસ્વરૃપે સ્ત્રી-પુરુષ શ્રમ સમીકરણમાં પરિવર્તન આવ્યું છે. મહિલાઓમાં નિર્ભરતા વધવાની સાથે કામનો બોજો પણ વધ્યો છે. સંસાધનો ઉપર મોટાભાગે પુરૃષોનું વર્ચસ્વ હોય છે તેથી સ્ત્રીઓ સંસાધનો ઉપર અધિકાર મેળવી શકતી નથી. વિકાસશીલ દેશોમાં મહિલાઓને માત્ર ઘર-પરિવારની જવાબદારી જ નિભાવવાની નથી હોતી, આ ઉપરાંત તેમને ઘરની સાથે સાથે ખેતરોમાં કે બહાર કામ પણ કરવું પડે છે. એમને લિંગભેદ અને પુરૃષપ્રધાન સમાજનું વર્ચસ્વ પણ સહન કરવું પડે છે. આજે જ્યારે આર્થિક અને સામાજિક અસમાનતા વધતી જઈ રહી છે ત્યારે લિંગભેદ જેવો મુદ્દો ખૂબ મહત્ત્વનો બની ગયો છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (વિશ્વ આર્થિક મંચ) ર૦૦૬થી દર વર્ષે વિશ્વના દેશોનું જેન્ડર ગેપ ઈન્ડેક્ષ અર્થાત્ લિંગભેદ ક્રમણિકા બહાર પાડે છે. એમાં મુખ્ય ચાર બાબતો ધ્યાનમાં લેવાય છે. આર્થિક સહભાગિતા, શૈક્ષણિક પ્રાપ્તિ, આરોગ્યલક્ષી જીવન અને રાજકીય સશક્તિકરણ, ર૦૧૭માં ૧૪૪ દેશોમાંથી ભારતનું સ્થાન ૧૦૮મું હતું. ભારત આર્થિક સહભાગિતામાં ૧૩૯મા ક્રમે, શૈક્ષણિક પ્રાપ્તિમાં ૧૧રમા ક્રમે, આરોગ્યલક્ષી જીવન બાબતે ૧૪૧મા ક્રમે હતું. એકમાત્ર સંતોષ લઈ શકાય એ બાબત હતી રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ જેમાં ભારતનો ક્રમ ૧પમો હતો.

આર્થિક સહભાગીતામાં ૧૩૯મા ક્રમનો અર્થ એ છે કે હજી પણ ઉદ્યોગ-ધંધા અને આર્થિક વ્યાપારમાં સ્ત્રીઓને સ્થાન મળતું નથી. સ્ત્રીઓનું યોગદાન નહિવત્ છે. એનું કારણ શિક્ષણ પણ હોઈ શકે છે. ઔદ્યોગિકરણથી સમાજમાં ગતિશીલતા આવે છે અને રોજગારીના અવસર વધે છે પરંતુ એનો આધાર શિક્ષણ ઉપર હોય છે. કમભાગ્યે ભારતમાં શિક્ષણના અભાવે ઔદ્યોગિકરણમાં પણ અસમાનતા જ પ્રવર્તે છે. સ્ત્રીના સંદર્ભમાં આ અસમાનતા વિકરાળ રૃપ ધારણ કરીને ઉભી છે. આપણે ત્યાં છોકરીને ભાર સમજવામાં આવે છે. પરિણામે સ્ત્રી ભ્રૂણ હત્યાના સૌથી વધુ કિસ્સા દુુર્ભાગ્યે આપણા દેશમાં બને છે. તેથી આપણા વડાપ્રધાનને ‘બેટી બચાવો-બેટી પઢાવો’ જેવા સૂત્રો અપનાવવાની જરૃર ઉભી થાય છે. પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે છોકરીઓનું પ્રમાણ છોકરાઓ કરતાં ઓછું છે. ફરીથી એ જ ખોટી માન્યતા કે દીકરીને ભણાવીને શુું કરીશું ? એ તો સાસરે ચાલી જશે. આપણને શો ફાયદો થશે ? આ ખોટી માન્યતાના કારણે શિક્ષણ ક્ષેત્રે મહિલાઓની ઉપસ્થિતિ ઓછી છે. તેથી ઔદ્યોગિક મોરચે પણ એમની ભાગીદારી નહિવત છે. આ ઉપરાંત આપણા દેશમાં સ્ત્રીઓની આર્થિક અને શૈક્ષણિક પછાતપણાની સ્થિતિ માટે બીજા પરિબળો પણ અસર કરે છે. ભારતના કોઈ પછાત ક્ષેત્રની એક નિમ્ન જાતિની મહિલાને આત્મોત્થાન માટે જાતિ, વર્ગ, ક્ષેત્રીય વિષમતા અને લિંગ-ભેદ જેવા પરિબળોનો સામનો કરવો પડે છે. તેથી મહિલાઓ શૈક્ષણિક રીતે મજબૂત બને એ આવશ્યક છે. જો આમ થશે તો મહિલા સશક્તિકરણ તો આપોઆપ થશે. શિક્ષણ પ્રાપ્તિમાં દેશનું સ્થાન ૧૧રમું હોય એ સ્થિતિ ખૂબ દયનીય છે. માત્ર સૂત્રો આપવાથી આ અસમાનતા દૂર થવાની નથી. એ માટે સરકારે નવી શિક્ષણ નીતિ, નિયમો લાગુ કરવા પડશે. શાળા-કોલેજા, શિક્ષણના સાચા ધામ બને એ જોવું પડશે. બદલાતા જતા યુગ અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઈન કરવા પડશે. છોકરા-છોકરીઓ બંનેને શિક્ષણની સમાન તકો આપવી પડશે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી તો મહિલાઓની સ્થિતિ થોડી ઘણી પણ સારી છે પરંતુ ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. છોકરીઓ વિજ્ઞાાન અને ટેકનોલોજીના કોર્સ ભણે અને તેઓ આગળ વધે એવા પ્રયાસ કરવા પડશે.

આરોગ્ય ક્ષેત્રે આપણો નંબર લગભગ છેલ્લે કહી શકાય એવું ૧૪૧મું હતું. આ શરમજનક બાબત છે. દેશના ભવિષ્યનો આધાર લોકોની તંદુરસ્તી ઉપર હોય છે. રોગી સમાજ કયારેય પ્રગતિ કરી શકે નહીં. દેશને પ્રગતિના પંથે લઈ જવો હોય તો સરકારે લોકોના આરોગ્યની સુવિધાઓ વધારવી રહી.
યુરોપ અને અમેરિકામાં થોડા વર્ષો પૂર્વે મહિલાઓની સ્વતંત્રતા ચળવળો કે જે ‘ફેમીનીઝમ’ નામે ઓળખાય છે એનો પ્રભાવ ત્યાં તો થોડો ઘણો પડયો છે પરંતુ ભારત જેવા દેશોમાં સ્ત્રીઓની સ્થિતિમાં સુધારા માટેની ચળવળોનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નથી. આધુનિક યુગમાં યુરોપ અમેરિકામાં સ્ત્રીઓ-પુરૃષો સમકક્ષ કાર્યો કરતી થઈ છે. ભારતમાં પણ એમની દેખાદેખ સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજી રહી છે પરંતુ આ ટકાવારી નગણ્ય છે. ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે અલગ અનામત બેઠકો રાખવામાં આવે છે. વિશેષત સરકારી નોકરીઓમાં. ખાનગી કંપનીઓમાં હજી સ્ત્રી અનામત જેવી કોઈ ઘટના જોવા મળતી નથી. ખાનગી ક્ષેત્રમાં સ્ત્રીની આર્થિક કે સામાજિક સ્થિતિ જોવા કરતા એની લાયકાત, પ્રતિભા અને કાર્ય પ્રત્યેની સજ્જતાને ધ્યાનમાં રાખીને નોકરી આપવામાં આવે છે પરંતુ આવી મહિલાઓ તો અપવાદ રૃપ છે. મોટભાગની મહિલાઓ ગરીબ, નિરક્ષર અને ઘરની ચાર દીવાલોમાં કેદ અશકત છે. લિંગ-ભેદ વૈશ્વિક ઘટના છે. વિભિન્ન સંસ્કૃતિઓમાં આના રૃપમાં થોડો ઘણો તફાવત છે. ઘણા વિકસિત દેશોમાં મહિલાઓને મતાધિકાર હજી થોડા સમય પૂર્વે જ અપાયા છે. યુરોપ અને અમેરિકા જેવા આધુનિક ગણાતા દેશોમાં પણ સ્ત્રીઓ સાથે થતાં ચેડાં, બળાત્કાર, અત્યાચાર અને શોષણના કિસ્સાઓ હવે વોટસએપિયા કે ફેસબુકિયા યુગમાં છાનાછપના રહી શકે એમ નથી. ત્યાં આવી સ્થિતિ છે તો ગરીબ અને વિકાસશીલ દેશોમાં પણ સ્ત્રીઓની એ જ દશા છે.

ઉપનિવેશવાદી શાસન પૂર્વે ભારતીય સમાજ સંપૂર્ણપણે પુરૃષપ્રધાન સમાજ હતો, મણિપુર કે નાગાલેન્ડના એકલ-દોકલ રાજ્યોને બાદ કરતા આજે પણ આપણે પુરૃષપ્રધાન સમાજમાં જ જીવીએ છીએે. જ્યાં સ્ત્રી-પુરૃષના વર્ચસ્વ હેઠળ જીવન વ્યતીત કરતી હતી. આજે પણ સ્ત્રીઓની સ્થિતિમાં ઝાઝો ફરક પડયો નથી. કહેવા ખાતર કહી શકાય કે આધુનિક ટેકનોલોજી અને માહિતી યુગમાં માહિતીની ભારમારને લીધે સ્ત્રીઓ પોતાના અધિકારો અંગે સજાગ થઈ છે અને હવે અન્યાય વિરુદ્ધ બંડ પોકારે છે. એ માટે દેશના કાયદા-કાનૂન અને સંવિધાનનો પણ મહત્ત્વનો રોલ છે. ભારતીય સંવિધાનમાં મહિલાઓને પુરૃષોની જેમ જ સમાન અધિકાર અને અવસર આપવામાં આવ્યા છે અને એમની પ્રગતિ માટેના પ્રબંધો કરવામાં આવ્યા છે. પાછલી સરકારોએ પણ મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના કેટલાક પગલાઓ લીધા છે અને કેટલાક વિશેષ કાયદાઓ પસાર કર્યા છે. હાલમાં સરકાર મુસ્લિમ મહિલાઓ માટે ટ્રીપલ તલાક બિલ લાવવાની વેતરણમાં છે.

શિક્ષણ ઃ ર૦૧૧માં પુરૃષોનું સાક્ષરતા દર ૮ર.૧૪ હતું ત્યાં સ્ત્રીઓનો દર માત્ર ૬પ.૪૬ ટકા જ હતું. સમગ્ર ભારતનો સાક્ષરતા દર ૭૪ ટકા હતું જે વિશ્વના સરેરાશ ૮૬ ટકા કરતા ૧ર ટકા ઓછું હતું. એક ભણેલી સ્ત્રી એક કોલેજની ગરજ સારે છે એવું કહેવાય છે. સમાજની પ્રગતિનો આધાર સ્ત્રીઓના શિક્ષણ ઉપર પણ છે. સ્ત્રી સાક્ષરતાનો પ્રભાવ કુટુંબ નિયોજન અને નિયંત્રણ ઉપર પણ પડે છે. ભણેલી સ્ત્રીઓમાં કુટુંબ નિયોજનનું પ્રમાણ વધારે જોવામાં આવ્યું છે. સ્ત્રી સાક્ષરતાનું ઓછું પ્રમાણ માટે જે કેટલાક જવાબદાર પરિબળ છે એમાંથી ગ્રામ્ય શાળાઓમાં પીવાના પાણીની તંગી અને છોકરીઓ માટે અલગ ટોઈલેટની વ્યવસ્થાનો અભાવ પણ છે. શિક્ષકોનું ઓછું પ્રમાણ પણ જવાબદાર છે. આપણે ત્યાં ૪ર વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોય છે. ૧૯પ૧થી લઈ ર૦૦ર સુધી શિક્ષણમાં જીડીપી માત્ર ૪.૩ ટકા થી પણ ઓછા રૃપિયાનું આવંટન (ફાળવણી) પણ એક જવાબદાર પરિબળ છે. કોઠારી કમિશને ઓછામાં ઓછા ૬ ટકાના શૈક્ષણિક બજેટની ભલામણ કરી હતી પણ કોઈ સરકારે આજ દિન સુધી આટલું બજેટ શિક્ષણ પાછળ ફાળવ્યું નથી. પરિણામ આપણી સામે છે. આપણો વિકાસશીલ દેશ જ રહ્યાં અને આપણા કેટલાક પાડોશીઓ આ બાબતમાં આપણાથી પણ આગળ વધી ગયા. પ્રાથમિક શિક્ષણમાં પર (બાવન) ટકા જેટલું ડ્રોપઆઉટનું પ્રમાણ ખૂબ ચિંતાજનક છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ર (બે) ટકાથી પણ ઓછું છે ,જે આઘાતજનક બાબત છે. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here