તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે

0
132

દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે કયારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો થતો જાય એમ એ જુદા જુદા સમય, સંજોગો અને અનુભવોમાંથી પસાર થાય છે. ધીરે ધીરે માણસ પોતાની વ્યાખ્યાઓ ઘડે છે. પોતાના સ્વભાવને અનુકૂળ હોય એવી વ્યાખ્યામાં એ પોતાને ફીટ કરતો રહે છે. દરેકને સારા માણસ બનવું હોય છે. સારા રહેવું હોય છે. કયારેક કોઈ અનુભવ થાય ત્યારે એ વિચારે છે કે, સારા થવામાં બહુ માલ નથી. સારા રહીને આણે શું મેળવી લીધું ? જેની પાસે તાકાત છે, જેની પાસે સત્તા છે, જેની પાસે સંપત્તિ છે, જેની ધાક છે, જેની પહોંચ છે એને જ લોકો પૂજે છે. બુદ્ધિવગરના લોકો ‘બાદશાહી’ ભોગવે છે. અભણ લોકો ઊંચા આસને બિરાજે છે.
માણસના મનમાં સતત એક યુદ્ધ ચાલતું રહે છે. પોતાનું વર્ચસ્વ અને પોતાની આવડત સાબિત કરવા એ મથતો રહે છે. દરેકને દિલના કોઈ એકાદ ખૂણે એવું થતું રહે છે કે મને મારી લાયકાત મુજબનું મળ્યું નથી. મારા વિચારોની કોઈ જ કિંમત નથી. મારી મહેનતનું કોઈને મૂલ્ય નથી. માણસમાં બે ઇચ્છાઓ સતત તરફડતી રહે છે. એક તો રૃપિયા વાળા થવાની અને બીજી સેલિબ્રિટી બનવાની. બધા મને ઓળખતા હોય. મારી ચર્ચા કરે, કયાંય મેળ ન પડે તો એ પોતાના વર્તુળમાં વર્ચસ્વ સાબિત કરવા મથે છે. આમ જુઓ તો કંઈ ખોટું નથી. આગળ વધવાની તમન્ના હોવી જોઈએ, પણ એ કયા ભોગે ?
‘મોટા’ બનવા અને સારા બનવામાં મોટું ફર્ક છે. સારા બનવું સહેલું છે. કોઈ પણ વ્યક્તિ સારો માણસ બની શકે. જો કે, આપણે માત્ર સારા બનવું હોતું નથી, આપણે ‘મોટા’ બનવું હોય છે. આપણે પોપ્યુલર થવું હોય છે. માણસ પછી મોટા બનવાના રસ્તા શોધે છે. કયારેક એને એવો વિચાર આવી જાય છે કે સારા હોય એ ‘મોટા’ બની ન શકે. ‘મોટા’ બનવા માટે તો ઘણી બાંધછોડ કરવી પડે. આખરે એ સારાપણાને બાજુમાં મૂકી દે છે અને શામ, દામ, દંડ, ભેદ જે કોઈ રીતે આગળ વધાય એ રીત અખત્યાર કરે છે. પાછા છાતી ઠોકીને કહે છે કે, સીધી આંગળીએ ઘી ન નીકળે.’
બાય ધ વે, તમે સારા માણસ છો ? જો તમે સારા માણસ હોવ તો સારા રહો, કારણ કે સારા લોકો બહુ ઓછા છે. ‘સારા’ એ એક એવી કોમ છે જે કાયમ લઘુમતીમાં હોય છે. કયારેક એવું થશે કે સારા રહેવામાં કંઈ ફાયદો નથી. ઘણી લાલચ પણ થશે, સારાપણા સાથે કોમ્પ્રોમાઈઝ કરવાનું પણ મન થશે, ગમે તે થાય, પણ તમારા સારાપણાને આંચ આવવા નહીં દેતા. કંઈ ખોટું કરવાનું આવે અને તમારું મન તમને રોકે તો રોકાઈ જજો. એક વારા સારાપણા સાથે સમાધાન કરશો તો પછી તમને ખરાબ બનતા કોઈ રોકી નહીં શકે. ખરાબ બનવું તો બહુ સહેલું છે. સારા રહેવા માટે જ મહેનત પડે છે. ચાલો માની લઈએ કે દુનિયા સારી નથી પણ આપણે સારા રહેવું કે નહીં એ તો આપણે નક્કી કરી શકીએને ?
હા, સારા રહેવામાં તકલીફ રહેશે. ખરાબ થવામાં વાર નથી લાગતી, પણ સારા રહેવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. એક સમય હતો જ્યારે સારા માણસોનું સન્માન થતું, હવે એવું થાય છે કે સારા માણસને લોકો નબળા સમજવા માંડયા છે.
સારા માણસ કાયમ ઓછા જ હોવાના. ટોળામાં બધા પોત-પોતાનું હિત જ જોતા હોય છે. આજના સમયમાં ઘણા સારા લોકો અને સારા બનાવી રાખવાની જવાબદારી સમાજની પણ છે. સારાઈને સામૂહિક રીતે આવકારવી જોઈએ. સારાઈનું સન્માન થવું જોઈએ. કંઈ નહીં તો એને ખાનગીમાં તો કહી જ શકો કે, તું સારો છે, ઓનેસ્ટ છે, મહેનતું છે. સારા માણસ માટે એટલું પણ પૂરતું છે. તકલીફ એ છે કે હવે લોકો ઊંધી સલાહ આપવા લાગ્યા છે.
સારા માણસોને બગાડવામાં સમાજનો ફાળો સહુથી મોટો હોય છે ! તમે કોઈને કંઈ અભિપ્રાય આપો ત્યારે માત્ર એટલું વિચારજો કે તમે એને કયા રસ્તે દોરી રહ્યા છો અને શું શીખવી રહ્યા છો ?
‘એગ્રેસન’ની વ્યાખ્યા પણ હવે બદલાય છે. રાડો પાડવી, ઘાંટા પાડવા, બધા ડરે એને એગ્રેસન કહેવામાં આવે છે. તમારે સફળ થવું છે ? તો બીજા કશામાં ન પડો, તમે જે કામ કરો છો એ પૂરી પ્રામાણિકતા અને ધગશથી કરો, સફળતા સામેથી ચાલીને આવશે. આપણે એ જ નક્કી કરવાનું હોય છે કે આપણી એનર્જી આપણે કયાં ઇન્વેસ્ટ કરવી છે ! સારાપણાને નબળાઈ સમજવાની ભૂલ કયારેય ન કરવી. તમને એવા લોકો પણ મળશે જે એવું કહેશે કે તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે! અલબત્ત, નબળા સમજે એના કરતાં સારા સમજે એ વધું મહત્ત્વનું હોય છે. સાથોસાથ જે સારા છે એનું સન્માન કરો. બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં, પણ એનું અપમાન તો ન જ કરશો. તમે સારા હોવ તો સારા રહો, કારણ કે આખરે તો માણસ જેવો હોય એવો જ એ ઓળખાતો હોય છે.*
છેલ્લો સીનઃ બધા માણસો સારા હોય છે, પણ બધા લોકો ‘સારાપણું’ ટકાવી શકતા નથી. -કેયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here