વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે કેટલીક વાર બિનજરૂરી અને ઉડાઉ ખર્ચાઓના કારણે પણ પરિવાર ઉપર બોજો વધી જાય છે. આ ખર્ચોઓને પહોંચી વળવા લોકો ફાઈનેન્સર્સના રવાડે ચડે છે. ૫ થી ૫૦,૦૦૦ રૂપિયા નાની એવી રકમ માટે ઝવેરાત ગીરવે મૂકે છે અથવા ભારે વ્યાજે નાણા લે છે, અને પછી એક કરજ ને અદા કરવા બીજો કરજ લે છે પછી ત્રીજી વાર, આવી રીતે તે વ્યાજના ચક્કરમાં સપડાઈ જાય છે જ્યાંથી તેનું નીકળવુ મુશ્કેલ બને છે સમાજમાં આપણી આસપાસ એવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે કે માણસે કોઈ ઝવેરી કે ફાઇનાન્સર પાસેથી વ્યાજે નાણા લીધા હોય અને પછી મૂળ રકમ કરતાં વધારે વ્યાજ આપવા છતાં મૂળ રકમ જેમની તેમ બાકી હોય. અથવા કોઈકએ બહેનપણીઓનું સોનું ગીરવે મૂકીને નાણાં લીધાં હોય અને તેને તેનાથી હાથ ધોવું પડયું હોય. વ્યાજના કારણે ગરીબ વ્યક્તિ વધારે દયનીય પરિસ્થિતિમાં સબડી પડે છે ઘણા બધા કિસ્સાઓમાં મહિલાઓ ગેરમાર્ગે દોરાય છે અને તેમની પવિત્રતાને દાગ લાગે છે. માણસ કોઈ પ્રોડકટીવ કાર્ય માટે નાણાં લે તો પણ તેને ચૂકવું ભારે પડે છે અને બાંધકામ, લગ્ન પ્રસંગ કે વસ્તુની ખરીદી માટે લોન લીધી હોય તો તેના માટે તો વધું કાઠું પડી જાય છે. વ્યક્તિ દારૂ પીતી હોય તો તેનો સ્વાસ્થ્ય બગડે છે અથવા પરિવાર પ્રભાવિત થાય છે, પરંતુ વ્યાજ એવી મહામારી છે જે સમગ્ર સમાજને તબાહ કરી નાંખે છે. સમાજ કેટલાક નૈતીક સિદ્ધાંતો પર જીવે છે જ્યારે કે વ્યાજખોરી આ સિદ્ધાંતોને કોરી ખાય છે. કેમકે જરૂરતમંદની મજબૂરી વ્યાજખોર માટે અવસર હોય છે. જ્યારે માનવીય પ્રકૃતિ એવું ઇચ્છે છે કે તે મજબૂર હોય તો સમાજ તેની મદદ માટે બહાર આવે. આ ત્યારે જ શક્ય છે જ્યારે સમગ્ર સમાજ કોઓપરેટીવ હોય. ઇસ્લામ આ જ પ્રકારના સમાજના નિર્માણ માટે પ્રોત્સાહિત કરે છે. આ સંદર્ભમાં વ્યાજ રહિત સોસાયટીઓ મહત્વ નો ફાળો આપી શકે છે. હું અત્યારે તમને અહમદાબાદની અલ-બરકહ સોસાયટીની વાત કહું.
જેણે આ ક્ષેત્રમાં બીડું ઉપાડયું અને વ્યાજ રહિત સોસાયટીની શરૂઆત કરી. આજે તેનાં પાસે ઘણાં સફળ કિસ્સાઓ છે જેને જોઈને દિલથી દુઆ નીકળે છે. દિલ્હી સ્થિત સહુલત માઇક્રો ફાઇનાન્સ સોસાયટી સાથે જોડાણ કરી તે શરિયતની રોશનીમાં સારી રીતે પોતાની કામગીરી બજાવી રહી છે. શરિયા રિસર્ચ માટે તેઓ મુફ્તી ખાલિદ સૈફૂલ્લાહ રહમાની, મુફ્તી બરકતુલ્લાહ વગેરે વિશ્વસનીય ઉલેમાઓથી પણ લાભ ઉઠાવે છે. સોસાયટીને આશરે ૧૫ વર્ષ થઈ ગયાં છે. વિવિધ રાજ્યોની આશરે ૧૧૫ સોસાયટીઓએ સહુલત સાથે સમજૂતી કરાર કર્યા છે. ઉમ્મતને પગભર કરવા તેમજ વ્યાજના વિષચક્રમાંથી કાઢવા આ લોકો સમગ્ર ગુજરાતમાં આવી સોસાયટીઓની સ્થાપના માટે રજિસ્ટ્રેશનથી લઈ ઓફિસની સ્થાપના સુધી બધી જ રીતે મદદરૂપ થવા તૈયાર છે. કોઈ સ્વતંત્ર રીતે પોતાનાં વિસ્તારમાં આ કાર્ય કરવા માગતો હોય તો તેમને પણ સમગ્ર નિખાલસતા સાથે સહયોગ આપે છે. આજે આ પ્રકારની સોસાયટીઓની સાંકળ બનાવવાની જરૂર છે. આપણા સમાજમા એવાં ઘણાં ધનાઢ્ય લોકો છે જેમના વધારાના નાણાં બેંકમાં એમ પડયાં છે. જો તેઓ આવી સોસાયટીઓમાં પૈસા રોકે તો તેનાં વડે ઘણાં લોકોને બિન વ્યાજુ લોન આપી શકાય. નાના નાના વ્યવસાય કરતા લોકો રોજ નાની નાની સેવિંગ કરે તો ભવિષ્યમાં તેમને લાભ થાય. ઇસ્લામે વ્યાજ પ્રથાને અલ્લાહ અને તેનાં રસૂલ (સ.અ.વ.) વિરૂદ્ધ યુદ્ધ કહ્યું છે. અને મુસલમાનોને તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. અલ્લાહના પ્યારા નબી સ અ વ. એ તો વ્યાજખોરી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઉપર લાનત કરી છે. અને એક હદીસમાં તો અહી સુધી કીધું કે વ્યાજની ખરાબીના ૭૦ ભાગ છે અને સૌથી નાનું ભાગ એવો છે જેમકે પોતાની માતા સાથે વ્યભિચાર કરવું.
આવી સોસાયટીઓની રચના દરેક ગામ, તાલુકામાં મોટા પાયે કરવાની જરૂર છે. સમાજની કોઈપણ બદી માત્ર પ્રવચનો આપવાં કે લેખો લખવાથી દૂર નહી થાય. તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઘડવાની જરૂર છે. અને તેનો શેર હોલ્ડર બિન મુસ્લિમ પણ બની શકે. તો. ચાલો, કંઈક જુદો કરવાની હઠ કરીએ.
– શકીલ અહમદ રાજપૂત