અહમદાબાદઃ ઉત્તરાખંડ સરકારની પગદંડીએ ચાલી ગુજરાત સરકાર પણ UCC લાવવાની તૈયારીમાં છે. આ સારુ ગુજરાત સરકારે સુશ્રી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે 45 દિવસમાં સંશોધન અને અધ્યયન કરી પોતાની ભલામણ રજુ કરશે અને તેના આધારે સરકાર આગળનો નિર્ણય લેશે. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતું કે આ તદ્દન અવિચારી પગલું છે અને આમાં સરકારનો આશય સારો નથી, તેની દાનતમાં ખોટ છે. અને આની આડમાં માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન છે. હિન્દૂ મુસ્લિમ કાર્ડ રમી ધ્રુવીકરણ કરી વોટબેંકને પંપાળવાની ચાલાકી છે. ઉત્તરાખંડની જેમ અહિયાં પણ આદિવાસી સમાજને આનાથી અલગ રાખવાનો જે સંકેત આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ટાર્ગેટ માત્ર મુસ્લિમો છે.
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખે વધુમાં કહ્યું કે ઉત્તરાખંડમાં પણ UCC કાયદો અલોકતાંત્રિક, ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અધિકારો પર હુમલો છે. તેથી, તે અમને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. દેશનું બંધારણ મુસ્લિમો સહિત તમામ નાગરિકોને તેમની ધાર્મિક માન્યતાઓનું અને ધાર્મિક ઉપદેશોનું પાલન કરવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે. મુસ્લિમ પર્સનલ લો એ ઇસ્લામનું અભિન્ન અંગ છે, જે શરિયત એપ્લિકેશન એક્ટ, 1937 હેઠળ સુરક્ષિત છે. વધુમાં, કોઈપણ રાજ્યને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો અધિકાર નથી. AIMPLB એ તેની બેંગલુરુ બેઠકમાં નિર્ણય લીધો હતો કે આ કાયદાને કોર્ટમાં પડકારવામાં આવશે. ગયા જુલાઈમાં, એક સંયુક્ત પત્રકાર પરિષદમાં, મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, દલિત અને આદિવાસી સમુદાયોના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં UCCને ક્યારેય સ્વીકારશે નહીં. અમે મુસ્લિમો અને અન્ય નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ ગભરાઈ ન જાય અને તેમના ધાર્મિક કાયદાઓ સાથે સમાધાન ન કરે. ઇન્શાઅલ્લાહ, અમે લોકતાંત્રિક માળખામાં દરેક સ્તરે આનો વિરોધ કરીશું.
આ સાથે ઉત્તરાખંડમાં લિવ ઇન રેલેશનશિપની મંજૂરી આપવામાં આવેલ છે તે પણ માત્ર રજીસ્ટ્રેશનના આધારે. આ કાયદો સમગ્ર ધાર્મિક અને નૈતિક સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે અને દરેક ન્યાયી સમાજે આના વિરોધ માટે આગળ આવવું પડશે. જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાત, રાજ્ય સરકારના આવા કોઈ પણ અવિચારી અને અન્યાયી પગલાનો વિરોધ કરે છે. સમગ્ર ન્યાયપ્રિય નાગરિકો સાથે મળી આવા પગલાંનો દરેક સ્તરે વિરોધ કરવામાં આવશે.