Home રોશનીના મીનાર હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિયલ્લાહુ તઆલા અન્હુ

હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિયલ્લાહુ તઆલા અન્હુ

0

✍️ લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશા

આપણી આ વાર્તાના હીરો અલ્લાહના રસૂલ ﷺના સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ. છે. ઇતિહાસે તેમને સરળતાથી ભુલાવી દીધા હોત, જેણે તેમના પહેલાંના લાખો અરબોને ભુલાવી દીધાં છે. પરંતુ ઇસ્લામે અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ.ને તેમના સમયના બે મહાન રાજાઓ, ફારસ (ઈરાન)ના શાહ ખુસરૌ પરવેઝ અને રોમના શાહ કૈસરને મળવાની તક આપી. આ બંને રાજાઓ સાથેની તેમની મુલાકાત એ એવી કથા સાથે જોડાયેલી છે, જે હંમેશાં ઇતિહાસમાં યાદ રહેશે અને ઇતિહાસની ભાષામાં સતત પુનરાવતિર્ત થતી રહેશે.

ઈરાનના શાહ કિસરા સાથેની મુલાકાતની વાત ઇસ્લામી કૅલેન્ડરના હિ.સ. ૬ ની છે. જ્યારે નબીએ  કરીમ ﷺએ પોતાના કેટલાક સાહાબીઓને શાહાન-એ-અજમ (ઈરાનના રાજાઓ) પાસે દાવતી પત્રો મોકલ્યા હતા. આ પત્રો દ્વારા તેઓ ઇસ્લામની દાવત આપવા માંગતા હતા. રસૂલુલ્લાહ ﷺને આ અભિયાન દરમિયાન આવનારા ખતરાઓનો પૂરો અંદાજ હતો. કારણ કે આ કાફલાને એવા દૂર-સુદૂર વિસ્તારોમાં જવાનું હતું, જ્યાં તેઓ પહેલા ક્યારેય ગયા ન હતા. વળી, તેઓ તે વિસ્તારો, તેની ભાષાઓ અને તે શાસકોના સ્વભાવથી પૂરી રીતે અજાણ હતા. તદ્‌ઉપરાંત એક વાત એ કે તેમને તેમના પૂર્વના ધર્મો છોડી દેવા, પોતાની સત્તા અને રાજ્યના પદથી અલગ થઈ જવા અને એક એવા સમાજના ધર્મમાં દાખલ થવાની દા’વત આપવી હતી જે થોડા સમય પહેલાં તેમના આધીન હતું. નિશ્ચિતરૂપે આ એક ખૂબ જ કપરો અને ખતરનાક સફર હતો, જેના પર રવાના થવું એ મોતના મુખમાં જવું અને તેમાંથી જીવતા વળી આવવું એ નવજન્મ મેળવવા જેવું હતું. આ અભિયાનના અપેક્ષિત ખતરાઓને ધ્યાનમાં રાખીને રસૂલુલ્લાહ ﷺએ સહાબીઓને સલાહ-મશ્વરા માટે એકઠા કર્યા અને તેમની સામે ખુતબા આપવા માટે ઊભા થયા. આપ ﷺએ અલ્લાહ તઆલાની પ્રશંસા અને આભાર માન્યા પછી ફરમાવ્યુંઃ “હું તમારામાંથી કેટલાક લોકોને શાહાન-એ-અજમ પાસે રાજદૂત તરીકે મોકલવા માંગું છું. તમે લોકો આ બાબતે મારી સાથે વિરોધ ન કરતા જેમ કે બની-ઇસરાઈલે ઈસા અ.સ. સાથે વિરોધ કર્યો હતો.”

જવાબમાં સહાબાએ કિરામ રદિ. બોલ્યાઃ “હે અલ્લાહના રસૂલ ﷺ ! આપ અમને દુનિયાના કોઈ પણ ખૂણે મોકલી દો. અમે આપનો દરેક સંદેશ હૃદયપૂર્વક પહોંચાડવા તત્પર છીએ.”

રસૂલે અકરમ ﷺએ અરબના રાજાઓ અને ફારસના શાહોને પોતાના પત્રો આપવા માટે છ સહાબીઓને મોકલ્યા હતા. તેમાંથી એક હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ. પણ હતા. તેમને ફારસના શાહ કિસરાની પાસે નબી ﷺનો સંદેશો પહોંચાડવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.

હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ.એ પોતાનું ઊંટ સવારી માટે તૈયાર કર્યું. પત્ની અને બાળકો પાસેથી વિદાય લઈને તેઓ એકલા જ પોતાના મુકામ તરફ રવાના થયા. રસ્તાના ઉતાર-ચઢાવ અને મુસાફરીના કષ્ટો સહન કરીને તેઓ ઈરાન પહોંચ્યા. ત્યાં દરબારીઓને કિસરા સાથે મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી અને પોતાની સાથે લાવેલો પત્ર બતાવ્યો. કિસરાને આ વાતની જાણ થતાં તેણે પોતાના દરબારને સજાવવાનો આદેશ આપ્યો અને તમામ મોટા અધિકારીઓને હાજર રહેવાનું કહ્યું. બધી તૈયારીઓ પૂરી થયા બાદ તેણે હઝરત અબ્દુલ્લાહ રદિ.ને દરબારમાં બોલાવ્યા. તે સમયે હઝરત અબ્દુલ્લાહ એક સામાન્ય ધાબળો અને સામાન્ય પહેરણ પહેરેલા હતા. તેમના દેખાવમાંથી બદ્દૂ અરબોની સાદગી દેખાતી હતી. પરંતુ તેમનું માથું ખૂબ મોટું અને કદ લાંબું હતું. તેમના હૃદયમાં ઇસ્લામ પ્રત્યેનો જુસ્સો ભરપૂર હતો. કિસરાએ તેમને પોતાની તરફ આવતા જોયા તો એક દરબારીને પત્ર લેવાનું કહ્યું. પરંતુ હઝરત અબ્દુલ્લાહે કહ્યું કે નહીં ! અલ્લાહના રસૂલ ﷺનો આદેશ છે કે હું આ પત્ર પોતાના હાથે આપને આપું અને હું રસૂલુલ્લાહ ﷺના આદેશનું ઉલ્લંઘન ન કરી શકું. કિસરાએ દરબારીઓને કહ્યું કે છોડી દો, તેને મારી પાસે આવવા દો. હઝરત અબ્દુલ્લાહ રદિ.એ કિસરા પાસે જઈને પત્ર આપ્યો અને તેણે પોતાના અરબ સચિવ (જે હીરાનો રહેવાસી હતો)ને બોલાવીને પત્ર ખોલવાનો આદેશ આપ્યો. સચિવે પત્ર ખોલીને વાંચવાનું શરૂ કર્યું.

“અલ્લાહના નામે જે દયાળુ અને મહેરબાન છે. મુહમ્મદ અલ્લાહના રસૂલ ﷺ તરફથી ફારસના શાહ કિસરાને સલામતી થાય તેના ઉપર જે હિદાયતનું પાલન કરે.”

જ્યારે તેણે પત્રનો એટલો ભાગ સાંભળ્યો કે તરત જ તેના હૃદયમાં ક્રોધની આગ ભભૂકી ઊઠી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને ગળાની નસો ફૂલી ગઈ. કારણ કે રસૂલુલ્લાહ ﷺએ પત્રની શરૂઆત પોતાના નામથી કરી હતી. તેણે સચિવના હાથમાંથી પત્ર છીનવી લીધો અને સમગ્ર પત્ર સાંભળ્યા વગર તેને ફાડી નાખતાં ચીસો પાડીઃ “મારો ગુલામ અને મને આ રીતે પત્ર લખી રહ્યો છે ?” પછી તેણે હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ.ને દરબારમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો. તેથી તેમને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. હઝરત અબ્દુલ્લાહ રદિ. દરબારમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને કંઈ ખબર ન હતી કે હવે અલ્લાહ તઆલા તેમની સાથે શું કરવાના છે. તેમને મારી નાખવામાં આવશે અથવા તેમને છોડી દેવામાં આવશે ? પરંતુ પછી તેમણે પોતાના મનમાં કહ્યુંઃ “ખુદાની કસમ! રસૂલુલ્લાહ ﷺનો પત્ર પહોંચાડ્‌યા પછી હવે મારૂં ગમે તે થાય મને તેની કોઈ પરવા નથી.”

અહીં જ્યારે કિસરાનો ગુસ્સો શાંત થયો ત્યારે તેણે હઝરત અબ્દુલ્લાહ રદિ.ને ફરીથી પોતાની સામે લાવવાનો આદેશ આપ્યો પરંતુ તે મળ્યા નહીં. તેના માણસોએ ઘણી શોધખોળ કરી, પરંતુ તેમનો કોઈ પત્તો ન મળ્યો. તે લોકોએ અરબ દ્વીપકલ્પ સુધી જતાં તમામ માર્ગો તપાસ્યા, પરંતુ તેઓ તેમના હાથમાંથી નીકળી ગયા હતા.

જ્યારે હઝરત અબ્દુલ્લાહ રદિ.દરબારે નબવી ﷺમાં હાજર થયા ત્યારે તેમણે કિસરા સાથે બનેલી ઘટનાઓની સંપૂર્ણ વાત આપને સંભળાવી અને પત્ર ફાડવાની ઘટનાની પણ આપને જાણ કરી. તેમની સંપૂર્ણ વાત સાંભળીને આપ ﷺએ માત્ર એટલું જ ફરમાવ્યુંઃ “અલ્લાહ તઆલા તેનું રાજ્ય અસ્તવ્યસ્ત કરી નાખે.”

ત્યાં કિસરાએ પોતાના યમનના ગવર્નર બાઝાનને લખ્યું કે જે વ્યક્તિએ હિજાઝમાં નુબુવ્વતનો દાવો કર્યો છે, તેની પાસે તારા બે શક્તિશાળી અને બહાદુર માણસોને મોકલ અને તેમને આદેશ આપ કે તેને પકડીને મારી સામે હાજર કરે. આ આદેશ મુજબ બાઝાને પોતાના બે શ્રેષ્ઠ માણસોને રસૂલુલ્લાહ ﷺ તરફ રવાના કર્યા અને તેમના હાથે આપને એક પત્ર પણ મોકલ્યો, જેમાં તેણે લખ્યું કે તું તરત જ તેમની સાથે કિસરાની સામે હાજર થવા માટે આવી જા. તેણે તે બંનેને એ પણ કહ્યું કે તેઓ નબીએ કરીમ ﷺની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવે અને તેમના વિશે વિગતવાર માહિતી આપીને તેને જાણ કરે.”

તે બંને ઝડપથી અને સતત પ્રવાસ કરતાં-કરતાં તાઇફ પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત કુરૈશના એક વેપારી કાફલા સાથે થઈ. તેમણે મુહમ્મદ ﷺ વિશે પૂછપરછ કરી તો ખબર પડી કે તેઓ યશરબમાં છે. ત્યારબાદ વેપારી ખુશી-ખુશી મક્કા પહોંચ્યા અને કુરૈશને ખુશખબર આપતાં કહ્યું કે, આ તમારા માટે ખૂબ જ સારી અને આનંદદાયક વાત છે કે કિસરાએ મુહમ્મદને પકડવા માટે આદેશ આપ્યો છે અને તેણે તમને તેના અત્યાચારથી બચાવી લીધા છે. આ બાજુ તે બંનેએ મદીના તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં પહોંચીને તેઓ નબીએ કરીમ ﷺને મળ્યા અને બાઝાનનો પત્ર આપતાં કહ્યું કે, શહેનશાહ કિસરાએ તેના ગવર્નર બાઝાનને આપને અહીં લાવવા માટે કોઈને મોકલવાનો આદેશ આપ્યો હતો.જે મુજબ અમે આપને લેવા આવ્યા છીએ. જો તમે અમારી વાત માનો તો અમે કિસરા સાથે વાત કરીને તમારા માટે છુટકારો મેળવી લઈશું અને તમને તેની તરફથી થનારી કોઈપણ મુશ્કેલી અને તકલીફથી બચાવી લઈશું. પરંતુ જો તમે અમારી વાત માનવાથી ઇનકાર કરો તો તમે તેની શક્તિથી સારી રીતે વાકેફ છો. તમે આ વાત સારી રીતે જાણો છો કે તે તમારા અને તમારી સમગ્ર કોમને નાશ કરવાની શક્તિ ધરાવે છે.”

રસૂલુલ્લાહ ﷺએ આ વાતો સાંભળીને સ્મિત કરીને ફરમાવ્યું કે : “આજે તમે લોકો તમારા આરામની જગ્યાએ પાછા જાઓ, કાલે ફરી આવજો.” જ્યારે બીજા દિવસે તે બંને એ હાજરી આપી અને પૂછ્યું કે, “શું તમે અમારી સાથે ચાલીને કિસરા સાથે મળવા માટે તૈયાર થઈ ગયા છો?” તો આપે જવાબ આપ્યો કે આજ પછી તમે કિસરાને મળી શકશો નહીં. અલ્લાહ તઆલાએ તેના પુત્ર “શિરોયે”ને ફલાણા મહિનાની ફલાણી રાત્રે તેના પર કબજો જમાવીને તેની હત્યા કરી નાખી છે.”

એ સાંભળીને તેમના ચ્હેરા પર ડર અને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ દેખાયા અને તેઓ આપ ﷺ તરફ નજરો જમાવીને જોતાં રહ્યા. પછી તેઓ પોતાના આશ્ચર્ય પર કાબૂ રાખીને બોલ્યાઃ

“આપ શું કહી રહ્યા છો તે આપને ખબર છે ? શું આ વાત અમે બાઝાનને લખી દઈએ”

“હા, અને એ પણ લખી દો કે મારો દીન કિસરા સામ્રાજ્યની છેલ્લી હદો સુધી પહોંચશે અને એ પણ લખી દો કે જો તમે ઇસ્લામ સ્વીકાર કરો છો તો હું તમારા શાસન હેઠળનો સમગ્ર પ્રદેશ તમને સોંપીને તમારી કોમનો શાસક બનાવી દઈશ.” આપ ﷺએ કહ્યું.

ત્યારબાદ એ બંને વ્યક્તિઓ રસૂલુલ્લાહ ﷺ પાસેથી વિદાય લઈને બાઝાન પાસે પહોંચ્યા અને આપ ﷺ દ્વારા આપેલી ખબરથી તેમને વાકેફ કર્યા. બાઝાન બોલ્યો કે જો મુહમ્મદની આ વાત સાચી છે તો નિશ્ચિતરૂપે તે અલ્લાહના નબી છે, અને જો આવું નથી તો હું વિચાર કરીશ કે મને તેમની સાથે કેવું વર્તન કરવું જોઈએ. પછી તેના થોડા જ દિવસો પછી ‘શિરવીય’નો પત્ર બાઝાન પાસે પહોંચ્યો, જેમાં તેણે લખ્યું હતું કેઃ

“મેં કિસરાને મારી નાખ્યો છે. મેં મારી કોમનો બદલો લેવા માટે આ કામ કર્યું છે. તેણે અમારા સમાજના પ્રતિષ્ઠીત લોકોને મારી નાખવા, તેમની સ્ત્રીઓને ગુલામ બનાવવા અને તેમની સંપત્તિ લૂંટવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ પત્ર તમને મળે ત્યારે તમે તમારા બધા લોકો પાસેથી મારી આજ્ઞા પાળવાની સંમતિ લઈ લો.”

બાઝાને આ પત્ર વાંચતાં જ એક બાજુ ફેંકી દીધો અને ઇસ્લામ ધર્મ અપનાવવાની જાહેરાત કરી દીધી, અને એની સાથે જ યમનમાં રહેતા બધા જ ઈરાનીઓએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો.

આ કહાની તો હતી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા સહમી રદિ.ની કિસરા શાહ ઇરાન સાથેની મુલાકાતની. બાકી રોમના બાદશાહ કૈસર સાથેની તેમની મુલાકાતની વાત તો એ છે કે.. રોમના કૈસર સાથે હઝરત અબ્દુલ્લાહની મુલાકાત, દ્વિતીય ખલીફા હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.ના ખિલાફતના સમયમાં થઈ હતી. તેમની મુલાકાતની આ વાત પણ બહુ જ રોચક અને ખૂબ જ આશ્ચર્યજનક છે. મુસલમાનોના અમીર હઝરત ઉમર ફારૂક રદિ.એ ૧૩ હિજરીમાં રોમનો સામે લડવા માટે એક ફૌજ મોકલી હતી, જેમાં હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ. પણ સામેલ હતા. મુસ્લિમ મુજાહિદોની ઈમાની સચ્ચાઈ, અકીદાની પરિપકવતા અને અલ્લાહના માર્ગમાં શૂરવીરતા અને શૌર્યતા રોમના કૈસર સુધી પહેલાંથી પહોંચી હતી. તેણે પોતાના સૈન્ય અધિકારીઓને આ આદેશ આપ્યો હતો કે જો કોઈ મુસ્લિમ સૈનિકને પકડી લેવામાં સફળ થાવ તો તેને મારી નાખવો નહીં, પરંતુ જીવતો તેની સામે હાજર કરવો. અલ્લાહની મરજીથી હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ. રોમન સૈન્યના હાથમાં પકડાઈ ગયા. તેઓ તેમને બાદશાહ પાસે લઈ ગયા અને કહ્યું કે આ વ્યક્તિ મુહમ્મદના સાથીઓમાંથી એક છે જેણે બિલકુલ શરૂઆતમાં તેમની દા’વતને સ્વીકારી હતી. અમે તેને પકડવામાં સફળ થયા છીએ અને તમારા આદેશ મુજબ તમારી સામે હાજર કરી રહ્યા છીએ.

કૈસરે તેમને લાંબા સમય સુધી ધ્યાનથી જોયા. પછી તેમને કહેવા લાગ્યાઃ

“હું તમારી સમક્ષ એક વાત રજૂ કરૂં છું.”

“એ શું વાત છે?” હઝરત અબ્દુલ્લાહે પૂછ્યું.

“તું ખ્રિસ્તી ધર્મ અપનાવી લે. જો તું મારી વાત માની લઈશ તો હું તને છોડી દઈશ અને તારી સાથે સન્માન અને આદર સાથે વર્તન કરીશ.”

હઝરત અબ્દુલ્લાહ રદિ.એ   આની આ વાતને ઘૃણા અને તિરસ્કાર સાથે નકારી કાઢી અને અત્યંત સંયમ અને સહનશીલતા દર્શાવતાં જવાબ આપ્યોઃ

“આ અશક્ય છે. મૃત્યુ તમારા આ પ્રસ્તાવ કરતાં હજારો ગણું વધારે પ્રિય છે.”

હું જોઈ રહ્યો છું કે તમે એક અનન્ય ચતુર અને બુદ્ધિમાન વ્યક્તિ છો. જો તમે મારી આ ઓફરનો સ્વીકાર કરો છો, તો હું તમને મારી શક્તિમાં ભાગીદાર બનાવીશ.”  કૈસર તેમને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બાદશાહની આ લલચામણી ઓફર સાંભળીને, બંધનોમાં જકડાયેલો બંદીવાન અનૈચ્છિક રીતે હસી પડ્‌યો અને બહુ બેપરવાઈ અને બેદરકારી દર્શાવતાં જવાબ આપ્યોઃ

“ખુદાની કસમ ! જો તમે મને આખા અરબ અને ઈરાનની બધી બાદશાહત આપી દો અને બદલામાં માત્ર એટલું જ માંગો કે હું એક પળ માટે મુહમ્મદ ﷺના ધર્મથી દૂર થઈ જાઉં, તો પણ એ મારા માટે બિલકુલ અસ્વીકાર્ય હશે.”

“ત્યારે હું તને મારી નાખીશ.” કૈસર તેમને ધમકાવીને બોલ્યો.

“તારી મરજી, જે કરવું હોય તે કર.”  હઝરત અબ્દુલ્લાહ રદિ.એ તેની ધમકીથી ડર્યા વગર જવાબ આપ્યો.

પછી કૈસરે તેમને સ્તંભ પર બાંધવાનો આદેશ આપ્યો. તેના આ આદેશનું તરત જ પાલન કરવામાં આવ્યું અને તેમને યાતનાના સ્તંભ પર બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ તેણે રોમન ભાષામાં જલ્લાદને કહ્યું કે તેના બંને હાથની આસપાસ તીર મારો, (તે તે સમયે પણ તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવાની દા’વત આપી રહ્યો હતો પરંતુ તેમણે ના પાડી.) પછી તેણે જલ્લાદને તેમના પગની આસપાસ તીર મારવાનો આદેશ આપ્યો. (આ દરમિયાન પણ તે તેમને પોતાનો ધર્મ છોડવાની દાવત આપતો રહ્યો પરંતુ તેમણે ફરીથી ના પાડી) ત્યારે કૈસરે જલ્લાદને રોકવાનો સંકેત કર્યો અને કહ્યું કે તેને ફાંસીના માંચડા પરથી ઉતારી લો. પછી તેણે એક મોટો તાવડો મંગાવ્યો, તેમાં તેલ નાખ્યું અને તેને આગ પર મૂક્યું. જ્યારે તેલ ઉકળવા લાગ્યું ત્યારે તેણે મુસ્લિમ કેદીઓમાંથી બે માણસોને બોલાવ્યા અને તેમાંથી એકને ઉકળતા તેલમાં નાખ્યો. તેમાં પડતાં જ તેનું શરીરનું માંસ છૂટું પડી ગયું અને હાડકાં દેખાવા લાગ્યા. કૈસરે હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ. તરફ વળીને ફરીથી તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવાની દા’વત આપી. પરંતુ તેમણે પહેલાં કરતાં વધુ કઠોરતાથી તેની દાવતને નકારી કાઢી.

જ્યારે તે તેમનાથી સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો ત્યારે તેણે તેમને પણ તે જ તાવડામાં નાખવાનો આદેશ આપ્યો જેમાં તેમના બંને સાથીઓને નાખવામાં આવ્યા હતા. જ્યારે તેમને ખેંચીને તાવડા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમની આંખોમાં આંસૂ આવી ગયા. સૈનિકોએ કૈસરને કહ્યું કે આ રડી રહ્યો છે. કૈસરને લાગ્યું કે હવે તેનું મન હિંમત હારી ગયું છે. તેણે સૈનિકોને કહ્યું કે તેને મારી પાસે લાવો. જ્યારે હઝરત અબ્દુલ્લાહ રદિ. તેની પાસે પહોંચ્યા ત્યારે તેણે ફરીથી તે જ ઇચ્છા વ્યક્ત કરી કે તે ખ્રિસ્તી ધર્મ અપનાવી લે. પરંતુ જ્યારે તેમણે ના પાડી ત્યારે તેણે પૂછ્યું કે પછી તમે કેમ રડી રહ્યા હતા?

“મારા મનમાં એવો વિચાર આવ્યો કે અબ્દુલ્લાહ ! આ ક્ષણે તને આ તાવડામાં નાખી દેવામાં આવશે અને તારા પ્રાણ નીકળી જશે, જ્યારે કે મારી ઇચ્છા એવી હતી કે કાશ મારા શરીરમાં એટલી જિંદગીઓ હોત જેટલા મારા વાળ છે અને એ બધી જિંદગીઓ એક એક કરીને ખુદાના દીન માટે આ તાવડામાં નાખવામાં આવે. આ વિચાર આવતાં જ મને રડવું આવ્યું.”  હઝરત અબ્દુલ્લાહ રદિ.એ જવાબ આપ્યો.

હરકલે પૂછ્યુંઃ “શું તમે મારા માથા પર ચુંબન કરી શકો છો ? જો તમે આ કરો તો હું તમને મુક્ત કરી દઈશ.”

“અને મારા બીજા બધા મુસ્લિમ સાથીઓને પણ?” હઝરત અબ્દુલ્લાહ રદિ.એ પૂછ્યું.

“હા, બીજા બધા મુસ્લિમ કેદીઓને પણ તમારી સાથે છોડી દેવામાં આવશે.” કૈસરે જવાબ આપ્યો.

હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ. કહે છે કે મેં મારા મનમાં વિચાર્યું કે આ અલ્લાહનો એક દુશ્મન છે, જો હું તેના માથાને ચુંબન કરૂં તો તે બદલામાં મને અને બધા મુસ્લિમ કેદીઓને છોડી દેશે. આવું કરવામાં મને શું નુકસાન થશે?”

પછી તેઓ નજીક ગયા અને તેના માથાને ચુંબન કર્યું અને હરકલે તેના લોકોને કહ્યું કે બધા મુસ્લિમ કેદીઓને એકઠા કરીને અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ.ને સોંપી દેવામાં આવે અને તેના આદેશનું પાલન કરવામાં આવ્યું.

હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ. ખલીફાની સેવામાં પહોંચ્યા તો તેમણે તેમની આ કહાની હઝરત ઉમર રદિ.ને સંભળાવી, જેને સાંભળીને તેઓ ખૂબ ખુશ થયા અને કેદીઓને જોઈને કહ્યું કે દરેક મુસ્લિમ પર આ હક છે કે તે અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ.ના માથાને ચુંબન કરે. અને આ હક સૌથી પહેલાં હું અદા કરી રહ્યો છું અને પછી ખલીફાએ સૌ પ્રથમ  હઝરત અબ્દુલ્લાહ બિન હુઝાફા રદિ.ના માથાને ચુંબન કર્યું. (પૂર્ણ)

________________________

મિસરના પ્રખ્યાત વિદ્વાન અને જાણીતા લેખક ડૉ. અબ્દુર્રહમાન રફત પાશાનું પુસ્તક *"صور من حياة الصحابة"* સાહિત્ય જગતમાં એક અનોખું અને અગ્રણી સ્થાન ધરાવે છે. આ પુસ્તકમાં લેખકે 58 સહાબા રદી.ના જીવનના વિવિધ પાસાઓ અને તેમના અનુપમ કારનામાઓ એવી રીતે રજૂ કર્યા છે કે સહાબા કિરામનો યુગ અને ઇસ્લામી ઇતિહાસનો એક મોટો ભાગ આપણી સામે આવી જાય છે. આ 58 સહાબા હજારો મહાન વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જે તેમના સમયમાં રસૂલુલ્લાહ ﷺની દાવત પર ઇમાન લાવ્યા હતા, જે રસૂલુલ્લાહ ﷺની મદદ અને સમર્થન માટે ઊભા થયા હતા અને જેમણે પોતાનું જીવન અલ્લાહના કલમાને બુલંદ કરવા અને દીને ઇસ્લામને સ્થાપિત કરવા માટે સમર્પિત કર્યું હતું. આ 58 સહાબાની સીરતમાં આપણે બધા સહાબા કિરામની ઇમાની શક્તિ, જાંબાજી, સબર, બહાદુરી અને અલ્લાહ અને રસૂલ ﷺ પ્રત્યેના તેમના પ્રેમની સુંદર અને મનમોહક તસવીરો જોઈ શકીએ છીએ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version