ભારતની ડિજિટલ ક્રાંતિને ટેકનોલોજી અને સર્જનાત્મકતાના વિજય તરીકે ઉજવવામાં આવી રહી છે, જેણે સામાન્ય નાગરિકને અવાજ આપ્યો છે. તેમ છતાં, પ્રગતિની આ સપાટીની નીચે એક ઊંડું સંકટ છુપાયેલું છેઃ માનવીય ગૌરવનું વ્યવસ્થિત વ્યાપારીકરણ અને શાસનનું નૈતિક પતન. છેલ્લા દાયકામાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ (OTT) અને સોશિયલ મીડિયાએ શાંતિથી પારિવારિક મનોરંજનનું સ્થાન લઈ લીધું છે, પરંતુ આ નવી દુનિયા કોઈ ખાસ દેખરેખ વિના ચાલે છે. અશ્લીલતાને ‘બોલ્ડ કન્ટેન્ટ’ તરીકે અને પોર્નોગ્રાફીને ‘એડલ્ટ વેબ સિરીઝ’ના લેબલ હેઠળ પીરસવામાં આવે છે. આજે ભારત ઓનલાઇન અશ્લીલ સામગ્રીના વપરાશમાં વૈશ્વિક સ્તરે મોખરે છે, જેમાં મોટાભાગનો હિસ્સો 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોનો છે. કોર્પોરેશનોએ માનવીય ઇચ્છાને ડેટામાં અને યુવાનોની સંવેદનશીલતાને પૂર્વાનુમાનિત નફામાં ફેરવી દીધી છે.
આ ગંભીર સ્થિતિમાં સરકારની ભૂમિકા અત્યંત નિષ્ક્રિય જણાય છે. જ્યારે રાજકીય અસંમતિને દબાવવાની વાત હોય ત્યારે સેન્સરશીપ મશીનરી અત્યંત તત્પર રહે છે, પરંતુ જ્યારે સામાજિક નૈતિકતાના પતનનો મુદ્દો આવે ત્યારે તે લકવાગ્રસ્ત લાગે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેટલાક પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, મૂળ ઇકોસિસ્ટમ હજુ પણ અસ્પૃશ્ય છે. ઓનલાઇન સામગ્રી માટે કોઈ કેન્દ્રીય પ્રમાણપત્ર વ્યવસ્થા નથી કે પ્રાદેશિક OTTs પર કોઈ સંસ્થાકીય રોકટોક નથી. આ શૂન્યાવકાશને કારણે ‘નૈતિક વિનિયમન’ (Moral Deregulation) જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં શાસન પીછેહઠ કરે છે અને મૂડીવાદ કબજો જમાવે છે. તેનું પરિણામ એવી સંસ્કૃતિ છે જે મુક્તિને પ્રદર્શન સાથે અને આત્મીયતાને ત્વરિત સંતોષ સાથે જોડે છે.
આ ડિજિટલ વાતાવરણ માત્ર યુવાનોના વિચારોને જ નહીં, પણ તેમના મગજની ચેતાતંત્રની રચનાને પણ પ્રભાવિત કરી રહ્યું છે. ધીરજ, ચિંતન અને સંયમની જગ્યા હવે ડોપામાઇન સંચાલિત ઉત્તેજના અને ખાલીપણાના ચક્રે લઈ લીધી છે. અભ્યાસો દર્શાવે છે કે અતિશય કામુક મીડિયાનું વ્યસન વધતી જતી એકલતા, સંમતિ પ્રત્યેની વિકૃત ધારણાઓ અને માનસિક અસ્વસ્થતા તરફ દોરી જાય છે. આ નુકસાન સ્ત્રીઓ પ્રત્યેના દૃષ્ટિકોણ સુધી પણ વિસ્તરે છે. મૂડીવાદી અર્થતંત્રમાં સ્ત્રી શરીરને માત્ર માર્કેટિંગના સાધન તરીકે પરિવર્તિત કરવામાં આવ્યું છે. ‘સશક્તિકરણ’ને સ્વ-વસ્તુકરણ (Self-objectification) તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જે લાખો યુવતીઓને બોડી ડાયમોર્ફિયા અને આત્મશંકા તરફ ધકેલે છે. જે સંસ્કૃતિ સ્ત્રીત્વની ઉજવણી કરવાનો દાવો કરે છે, તેણે જ તેમને પહેલાં કરતાં વધુ અસુરક્ષિત બનાવી દીધી છે.
બંધારણની કલમ 19 (1) (એ) અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ કલમ 19 (2) જાહેર શિષ્ટાચારના હિતમાં ‘વાજબી નિયંત્રણો’ની જોગવાઈ પણ કરે છે. સરકાર દ્વારા આ બાબતે નિર્ણાયક પગલાં ન લેવા તે ઉદારતા નહીં, પણ જવાબદારીનો ત્યાગ છે. ભારતને અત્યારે ડિજિટલ યુગ માટે એક વ્યાપક નૈતિક શાસન માળખાની જરૂર છે. ઓનલાઇન સામગ્રી માટે સ્વતંત્ર પ્રમાણપત્ર સત્તામંડળ હોવું જોઈએ અને પ્લેટફોર્મ્સ માટે કાયદેસરની ફરજિયાત નોંધણી હોવી જોઈએ. આ ઉપરાંત, શાળાઓ અને કોલેજોમાં ‘ડિજિટલ શિષ્ટાચાર અને મીડિયા નૈતિકતા’નો અભ્યાસક્રમ દાખલ કરવો અનિવાર્ય છે.
અંતે, આ ચર્ચા રુઢિચુસ્તતા વિશે નથી, બલ્કે માનવીય ગૌરવની પવિત્રતા જાળવવા વિશે છે. અશ્લીલ માધ્યમોના સતત સેવનથી એવી પેઢી પેદા થઈ રહી છે જે ઉત્તેજિત તો છે પણ પ્રેરિત નથી. રાજ્યની ફરજ માત્ર ઉપદેશ આપવાની નથી, પણ એ સુનિશ્ચિત કરવાની છે કે ડિજિટલ સ્વતંત્રતા ડિજિટલ અરાજકતામાં ન ફેરવાય. નૈતિક સભાનતા વિનાની ટેકનોલોજીકલ પ્રગતિ એ આધુનિકતાના સ્વાંગમાં માત્ર અધોગતિ છે. જો આપણે હજુ પણ જાગૃત નહીં થઈએ, તો તે આપણા યુવાનો અને આપણી સભ્યતા સાથે વિશ્વાસઘાત હશે.
