તમારે દુઃખી ન થવું જોઈએ કે જો તમે મોહતાજ છો તો બીજા દેવાદાર છે. જો તમારી પાસે ગાડી નથી તો એવા પણ લોકો છે કે જેમના પગ કપાયેલા છે-પગ જ નથી. જો તમને મુસીબતોની શિકાયત છે તો ઘણા બધા લોકો વર્ષો વર્ષથી હોસ્પીટલોમાં કે પથારીમાં પડેલા છે. જો તમારો કોઈ દીકરો મૃત્યુ પામ્યો છે તો એવા લોકો પણ છે કે જેમની ઔલાદ કોઈ અકસ્માતમાં મરી ગઈ છે કે ઔલાદ જ નથી. તમે ગમ ન કરો, દુઃખી ન થાવ, કેમકે તમે મુસલમાન છો. અલ્લાહ, રસૂલ, ફરિશ્તાઓ, આખિરતના દિવસ અને સારી-નરસી તકદીર (નસીબ, કિસ્મત, ભાગ્ય) ઉપર તમે ઈમાન ધરાવો છો. ઘણા બધા છે કે જેઓ રબ (અલ્લાહ)નો ઇન્કાર કરનારા છે તકદીર-ભાગ્યમાં શંકા સેવે છે. તમારે ગમ ન કરવો જોઈએ કેમકે જો ગુનાહ કરી લીધો છે તો તોબા કરી લો, ભૂલ કરી લીધી છે તો ઇસ્તિગ્ફાર (ક્ષમા) કરી લો. ચૂકની સુધારણા કરી લો. રહેમત (દયા) નો દરવાજો ખુલ્લો છે. અલ્લાહની બક્ષિશો અને રહેમતો જાહેર છે. તે તોબા કબૂલ કરે છે. તમે ગમ ન કરો, કેમકે ગમથી તમારા અંગોમાં તાણ પેદા થશે. આ વસ્તુ તમારા અસ્તિત્વને હચમચાવી મૂકશે. હૃદયને પરેશાન કરી દેશે. રાતોની ઊંઘ હરામ થઈ જશે. (ઊડી જશે), આખી આખી રાત જાગવું પડશે. કવિ કહે છેઃ
“કેટલીય મુસીબતો એવી છે કે જેમનાથી માણસ કંટાળી જાય છે, જો કે અલ્લાહ તેનાથી છુટકારો અપાવી શકે છે, મુક્ત કરી શકે છે. માણસ સમજે છે કે તેમનાથી બચી શકાય તેમ નથી, અને અલ્લાહતઆલા તેમને દૂર કરીને વિશાળતા-સમૃદ્ધિ એનાયત કરી દે છે.” •••