વકફ (સુધારો) બિલ, 2024 મુસ્લિમ સમાજને સ્વીકાર્ય નથી: સૈયદ સઆદતુલ્લાહ હુસૈની

0
25

નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ આજે સંસદમાં રજૂ થનારા સુધારેલા વક્ફ બિલની ટીકા કરતાં કહ્યું છે કે તે મુસ્લિમ સમુદાય માટે સ્વીકાર્ય નથી.

જમાઅતના પ્રમુખે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ૧૯૯૫ની વક્ફ એક્ટમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારાઓનો વિરોધ કરીએ છીએ. નવા UWMEED એક્ટ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો સરળ લાગતા હોવા છતાં, તેનો હેતુ વક્ફ પ્રોપર્ટીઝ અને તેની સેવા કરતા સમુદાયોની સ્વાયત્તતા અને અખંડિતતાને ઘટાડવાનો છે. આ મુસ્લિમ સમુદાય માટે સ્વીકાર્ય નથી. અમને લાગે છે કે આ કાયદો વક્ફની સ્થાપિત કાનૂની રચનાને તોડી પાડવા માટે બનાવવામાં આવ્યો છે, જે અસરકારક રીતે બંધારણ દ્વારા બાંહેધરી આપવામાં આવેલા ધાર્મિક અલ્પસંખ્યકોના અધિકારને નિશાન બનાવે છે જે તેમને તેમના સમુદાયનો વારસો અને ધાર્મિક પ્રથાઓનું સંચાલન અને સંરક્ષણ કરવાની મંજૂરી આપે છે. પ્રસ્તાવિત બિલ “કલેક્ટર રાજ” નું એક સ્વરૂપ રજૂ કરે છે, જે કલેક્ટરોને વક્ફ પ્રોપર્ટીઝ પર અભૂતપૂર્વ અધિકાર આપે છે. આ ફેરફાર ન માત્ર વક્ફ ટ્રિબ્યુનલની અંતિમતા અને નિર્ણાયકતાને નબળી પાડે છે પરંતુ જે તે જગ્યાને વપરાશકર્તા દ્વારા કાયમી વકફ કરવાની વિભાવનાને પણ નાબૂદ કરે છે. વર્તમાન કાયદા હેઠળ, વક્ફ પ્રોપર્ટી સંબંધિત કોઈપણ વિવાદનો એક વર્ષમાં નિકાલ થવો જોઈએ, પરંતુ સુધારો આ સમયગાળો વધારે છે, જેનાથી મૂંઝવણ અને કાનૂની વિવાદો સર્જાય છે. તે જોઈને ચોંકાવનારી વાત છે કે આ બિલ, તેની વ્યાપક જોગવાઈઓ સાથે, મુખ્ય હિતધારકો સાથે અર્થપૂર્ણ સંવાદ વિના તૈયાર કરવામાં આવ્યું છે. ‘બિલના ઉદ્દેશ્યો અને કારણોનું વિધાન’ તેમાં સુધારાની જરૂરિયાતને દર્શાવે છે પરંતુ આવા વ્યાપક ફેરફારો તદ્દન અયોગ્ય છે. જો વક્ફ જ્યુરિસ્પ્રુડન્સના નિષ્ણાતો સાથે કોઈ વાસ્તવિક સંવાદ થયો હોત, તો તે સ્પષ્ટ થઈ ગયું હોત કે વક્ફને ફરીથી વ્યાખ્યાયિત કરવું એ કાયદાકીય ક્ષેત્રની બહાર છે અને તે મુસ્લિમ વ્યક્તિગત કાયદામાં ઊંડાણપૂર્વક રહેલું છે. અમે મીડિયા પ્રચાર દ્વારા કરવામાં આવેલા દાવાઓને નકારીએ છીએ કે વર્તમાન વક્ફ બોર્ડ એક્ટ અન્ય ધાર્મિક સમુદાયોની જમીન પર અતિક્રમણ કરે છે. આ ખોટા દાવાઓ બનાવટી અને નિરાધાર છે. વક્ફ બોર્ડ સરકાર દ્વારા મંજૂર કરાયેલા કાયદા હેઠળ કાયદેસર રીતે કાર્ય કરે છે અને સરકાર દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ સુધારો જૂના કોલોનિયલ કાયદાઓથી પ્રેરિત છે, જેમાં કલેક્ટરને અંતિમ સત્તાધારી બનાવવામાં આવ્યો છે, જેના કારણે મુસ્લિમોને તેમની ધાર્મિક જાગીરોનું સંચાલન કરવાના અધિકારો છીનવાઈ જાય છે. આ એવું જ છે કે જાણે પર્યાવરણ અધિકારી મંડળ (NGT) પાસેથી પર્યાવરણની સત્તા અથવા આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) પાસેથી ટેક્સની સત્તા છીનવી લેવામાં આવી હોય. વક્ફના કાયદાનો એક મૂળભૂત પાસુ, એટલે કે જે તે જગ્યાને વપરાશકર્તા દ્વારા કાયમી વકફ કરવાની વિભાવના, જે લાંબા સમયથી ચાલતી આવેલી ધાર્મિકતાની પ્રવૃત્તિઓની ઓળખ છે, તેને દૂર કરવામાં આવી રહી છે. આ ફેરફારથી વક્ફની જમીનો પર વધુ વિવાદો થવાની સંભાવના છે. સુધારાને કારણે રાજ્ય સરકારો વક્ફ બોર્ડના બધા સભ્યોની નિમણૂક કરી શકશે, જેના કારણે મુસ્લિમ સમુદાયમાંથી ઓછામાં ઓછા બે સભ્યોની લોકશાહી રીતે ચૂંટણી કરવાની પ્રક્રિયા બંધ થઈ જશે. મુતવલ્લીની મૌખિક નિમણૂકની જોગવાઈને દૂર કરીને, બિલ પરોક્ષ રીતે વક્ફની મૌખિક સમર્પણની પ્રથાને નબળી પાડે છે, જે ઇસ્લામિક કાયદાનો એક સ્થિર પાસુ છે. સુધારો કેન્દ્રીય વક્ફ કાઉન્સિલમાં મુસ્લિમ સાંસદો, ન્યાયાધીશો અને વકીલોની જરૂરિયાતને નબળી પાડે છે, જેના કારણે અન્ય ધાર્મિક સમુદાયોના સભ્યો માટે રસ્તો ખુલ્લો થાય છે, જેનાથી સરકારના વક્ફના બાબતો પરના નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.”

જમાઅતના પ્રમુખે પુનરોચ્ચાર કરતા કહ્યું કે, “સંક્ષેપમાં, અમે જણાવવા માંગીએ છીએ કે આ બિલ મુસ્લિમ સમુદાય સાથે કોઈપણ પ્રકારની સલાહ લીધા વિના બનાવવામાં આવ્યું છે. આ બિલ અંગે એક પણ મુસ્લિમ સાંસદ સાથે સલાહ લેવામાં આવી નથી. બિલ અંગેની ચર્ચામાં કોઈપણ હિતધારકને સામેલ કરવામાં આવ્યા નથી. કાયદામાં પ્રસ્તાવિત ફેરફારો લાભકારક કરતાં નુકસાનકારક છે. સરકારે આ બિલ પાછું ખેંચવું જોઈએ. અમે વિરોધ પક્ષો, અને ખાસ કરીને એનડીએના સાથીદારો જેવા કે જેડીયુ અને ટીડીપીને આવા હાનિકારક કાયદાઓને અમલમાં આવતા અટકાવવાની અપેક્ષા રાખીએ છીએ. હા, કાયદામાં કેટલાક ફેરફારો લાભદાયક હોઈ શકે છે જેમ કે મહિલાઓનો સમાવેશ અને શિયા અથવા અન્ય અવગણિત વિચારધારાઓનું પ્રતિનિધિત્વ; અમે તેને સકારાત્મક પગલું તરીકે સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ. જો કે, અમે સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે કાયદાઓ લોકોના કલ્યાણ માટે બનાવવા જોઈએ અને કાયદાઓથી પ્રભાવિત થતા લોકોને સલાહ-સૂચન પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ. જો જરૂર પડ્યે, અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીને દર્શાવીશું કે વક્ફ એક્ટમાં પ્રસ્તાવિત સુધારાઓ બંધારણીય જોગવાઈઓ, સ્થાપિત ધોરણો, અસ્તિત્વમાં રહેલા કાયદામાં સુધારાના ઉદ્દેશ્યો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. લોકોની મિલકતનું રક્ષણ કરવાને બદલે, આ ફેરફારો તેમના વિનાશ તરફ દોરી શકે છે. તેથી, આ સુધારાઓને રોકવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here