Home તંત્રીલેખ દેશમાં વધતી જતી સાંપ્રદાયિકતા વચ્ચે આરએસએસ વડા અને વડાપ્રધાનના વિધાનો તેમની સંસ્થાઓ...

દેશમાં વધતી જતી સાંપ્રદાયિકતા વચ્ચે આરએસએસ વડા અને વડાપ્રધાનના વિધાનો તેમની સંસ્થાઓ વચ્ચે વિરોધાભાસ સૂચવે છે

0
  • મુહમ્મદ કલીમ અન્સારી

દેશમાં ખૂબ જ નીચલા સ્તરનું રાજકારણ ચાલી રહ્યું છે. દેશમાં લઘુમતીને દુશ્મન તરીકે ચિતરવામાં સફળ થયા પછી તેમનું સંપૂર્ણ બહિષ્કાર અને એકલા પાડી દેવાના આશય સાથે આયોજન બંધ કાર્યક્રમોને અંજામ આપવામાં આવી રહ્યું છે. આરએસએસના મજબૂત પીઠબળ સાથે ભાજપે સતત ત્રીજી લોકસભા ચૂંટણી જીતીને નિર્ધાર કર્યો છે કે હિંદુઓની બહુમતી જ તેમને સત્તા જાળવી રાખવા મદદરૂપ થશે. માટે તેઓ બહુમતીના આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ઢાંકપીછોડો કરી ધાર્મિક મુદ્દો ચગાવી તેમને ધર્મના નામે અને મુÂસ્લમોને શત્રુ અને તેમના માટે ખતરો બતાવી ચૂંટણી બજાર ગરમ કરે છે. ભાજપની આ નીતિએ સૌથી વધારે નુકસાન હિંદુઓને જ પહોંચાડ્‌યો છે. હવે તેમની પાસે સહન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેઓ ભાજપ શાસનમાં વધેલ મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને રૂપિયાના અવમૂલ્યન વિશે બોલી શકતા નથી અને જો બોલે તો તેમને ભાજપ વિરોધી કે કોંગ્રેસ તરફી કહી હાસિયામાં ધકેલી દેવામાં આવે છે.


આરએસએસની સંસ્થાઓ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને હિંદુ બ્રિગેડે ઐતિહાસિક મસ્જિદોના સર્વેની માંગ વધારી દીધી છે. બાબરી મસ્જિદના સફળ પ્રયોગ પછી હિંદુઓના જોશ જુસ્સા અને જનૂનમાં અસામાન્ય હકારાત્મકતા આવી છે. મથુરા, બનારસ, સંભલ, અજમેર વગેરે જગ્યાઓએ ઉઠેલી સર્વેની માંગ તેનો જીવતો પુરાવો છે. કમજોર ગરીબ અને નિઃસહાય મુસ્લિમોને ટ્રેન, બસ અને નિર્જન રસ્તાઓ પર થતા અત્યાચાર ઊઠીને આંખે વળગે તેટલી હદે સમગ્ર દેશમાં પ્રસરી ગયા છે. મુસ્લિમ છોકરીઓને હિંદુ લવ ટ્રેપમાં ફસાવી તેમનું જીવન બરબાદ કરવાના અને મારી નાખવાના કિસ્સા ઘણા છે. ભાજપના નેતાઓના હિંદુત્વના નામે ભડકાઉ ભાષણોના કારણે લોકોમાં મુસ્લિમ વિરોધી રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ભાજપે આસાન રસ્તો અપનાવી લીધો છે, જેમાં તેના ચૂંટણી ભંડોળના ‘રોકાણકારોએ’ મીડિયા હાઉસ ખરીદીને તેના ઉપયોગ દ્વારા મુસ્લિમ વિરોધી માનસિકતા બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. વકફથી લઈને મસ્જિદ કબ્રસ્તાન સુધી અને ગાયથી લઈને તમામ મુસ્લિમ ઉત્સવોના નવા એંગલ લાવી લિબરલ અને નામના મુસ્લિમોને મુસ્લિમોના અગ્રણી બતાવી ઇસ્લામ અને મુસ્લિમોની છબીને જુદી રીતે પ્રસ્તુત કરી મુસ્લિમોની આંતરિક વ્યવસ્થા અને એકતાને બરબાદ કરવાના હીન પ્રયાસો મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે.


આ માહોલની વચ્ચે તાજેતરમાં મોહન ભાગવત દ્વારા એક જાહેર સભાને સંબોધવામાં આવી જેમાં તેમણે હિંદુત્વના નામે થતી હિંસાઓ વિશે ચિંતા વ્યક્ત કરી અને દેશમાં સહિષ્ણુતા અને ભાઈચારાના પાયામાં દેશની અખંડિતતા રહેલી છે તેની તરફેણ કરી. નાતાલ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશને શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો હતો!!!


આ એ જ વડાપ્રધાન છે જે ચૂંટણી સભાઓમાં અને રેલીઓમાં મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે અંતર પેદા કરવાવાળા વિધાનો બોલવાથી ચૂકતા નથી અને સત્તા આવ્યા પછી ઉત્સવો અને મહોત્સવમાં એકતાના પાઠ ભણાવે છે. જ્યારે ભાગવત હંમેશા દેશમાં હિંદુ સંસ્કૃતિની આડમાં ઇસ્લામને તેમાં સંમીલિત કરવાનો પ્રયાસ કરે છે. મતલબ સાફ છે કે એક તરફ તો દેશના હિંદુઓને ભડકાવવા માટે મુસ્લિમો વિશે પોતે આરએસએસ અને ભાજપની સંસ્થાઓ ઝુંબેશ અને અભિયાનો ચલાવે છે જ્યારે બીજી તરફ રાષ્ટ્રમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે દબાણ થાય છે ત્યારે દેશમાં આરએસએસ અને ભાજપના નેતાઓ ‘અભિનેતાઓ’ બની હિંદુઓના નામે સાંપ્રદાયિકતા ફેલાવતા તત્વોને બિનસાંપ્રદાયિકતા અને એકતાના પાઠ ભણાવે છે અને હિંદુત્વની નવી વ્યાખ્યા પરિભાષિત કરે છે.


આ છે બેવડા ધોરણો જે તેમની કથની અને કરણીના વિરોધાભાસને છતું કરે છે. નાતાલ પ્રસંગે શાળાઓ-કોલેજોમાં થયેલ કાર્યક્રમોને અટકાવવા અને હિંદુઓને ખ્રિસ્તી વિરોધી થવા દબાણ કરતા બજરંગ દળના સભ્યો દેશના કેટલાક રાજ્યોમાં સક્રિય હતા, શું આ સક્રિયતા ભાજપ અને આરએસએના નેતાઓના ઇશારે નહીં થઈ હોય!


આરએસએસ અને ભાજપ અંગ્રેજોની “ભાગલા પાડો અને રાજ કરો”ની નીતિ પર કામ કરી રહી છે તફાવત એટલો જ છે કે તેઓ બહારથી આવ્યા હતા જ્યારે આ ઉચ્ચ જાતિના લોકોના વર્ચસ્વને કાયમ કરવા માટે આંતરિક વિખવાદ ઉભો કરી રહ્યા છે. પરંતુ તેમની ષડયંત્રકારી અને વિભાજનકારી નીતિ વધુ સમય ટકી નહીં શકે. નજીકના ભવિષ્યમાં હિંદુઓ દ્વારા જ તેમનો બહિષ્કાર કરવામાં આવશે અને તેમને સત્તા બહાર ફેંકી દેવામાં આવશે.


(મુહમ્મદ કલીમ અન્સારી)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version