નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માંથી ગાયબ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદના ગુમ થયાના નવ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં, તેની માતા ફાતિમા નફીસ હજુ પણ પોતાના પુત્ર માટે ન્યાયની લડાઈ લડી રહી છે. તાજેતરમાં CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ક્લોઝર રિપોર્ટને કોર્ટે સ્વીકારી લેતાં, ફાતિમા નફીસે દિલ્હી પોલીસ અને CBIની તપાસમાં થયેલી બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ફાતિમા નફીસે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, “નજીબને ગાયબ થયાને 9 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ દિલ્હી પોલીસ અને CBIએ પહેલા દિવસથી જે બેદરકારીથી કામ કર્યું, તેનું જ પરિણામ છે કે આજે કોર્ટે CBIની ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે.” તેમણે વધુમાં કહ્યું કે, આજદિન સુધી ન તો દિલ્હી પોલીસ કે ન તો CBI, ABVP સાથે સંકળાયેલા તે વિદ્યાર્થીઓને પકડી શકી, જેમણે તેમના પુત્ર સાથે મારપીટ કરી અને ત્યારબાદ તેને ગાયબ કરી દીધો.
https://www.facebook.com/share/p/1JDrYwHiUG
નજીબની માતાએ જણાવ્યું કે, વર્ષો સુધી તેમના પુત્ર વિશે અફવાઓ અને જૂઠાણા ફેલાવવામાં આવ્યા. જોકે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તે તમામ ડિજિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં, “સત્ય એ જ છે કે આટલી મોટી તપાસ એજન્સીઓ અને સંપૂર્ણ ન્યાય વ્યવસ્થા આજદિન સુધી એ નથી જણાવી શકી કે મારો નજીબ ક્યાં છે?”
આ મુશ્કેલ સમયમાં સિસ્ટમ દ્વારા તેમને ચૂપ કરાવવાના પ્રયાસો છતાં, JNUના વિદ્યાર્થીઓ અને દેશભરના AMU, જામિયા જેવી કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેમને સાથ આપ્યો. ફાતિમા નફીસે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “એ જ બાળકોએ રસ્તાઓ પર લાઠીઓ ખાધી, અમારા માટે અવાજ ઉઠાવ્યો – આ જ સાથ અને આ જ લડાઈ મને હિંમત આપે છે.”
તેમણે ભાવુક થઈને કહ્યું કે, “ઘણીવાર લાગે છે કે કેવી રીતે આશા છોડી દઉં? કેવી રીતે આ હિંમત તૂટવા દઉં? આખરે તે મારો દીકરો છે. મને મારો દીકરો જોઈએ છે.” ફાતિમા નફીસે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો કે, જો આ માટે તેમને દેશની દરેક અદાલત સુધી જવું પડે તો પણ તેઓ જશે અને “છેલ્લા શ્વાસ સુધી લડશે.”
તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા દિવસોમાં વધુ લોકો તેમની સાથે જોડાશે. અંતમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, “આ લડાઈ ફક્ત મારા દીકરાની નથી, દરેક એવી માતાની છે જે પોતાના બાળક માટે ન્યાય ઈચ્છે છે. આ માટે જો મને દેશની સર્વોચ્ચ અદાલત જવું પડ્યું તો ત્યાં પણ જઈશ.”