- શકીલ અહમદ રાજપૂત
ગાઝા: એક યાતના, એક પોકાર
છેલ્લાં હજારો વર્ષોના ઇતિહાસમાં, જ્યારે પણ “સૌથી ક્રૂર કોમ”ની વાત આવે છે, ત્યારે મોંગોલ જાતિનું નામ મોખરે આવે છે. તેઓ નરસંહાર, વિનાશ અને નિર્દયતા માટે કુખ્યાત હતા. ખાસ કરીને ચંગીઝખાન અને હલાકુખાનના નેતૃત્વમાં તેમણે જે કહેર વર્તાવ્યો હતો, તે અવિસ્મરણીય છે. તે જંગલી અને હેવાનિયતભર્યા લોકો પાસે બે જ વિકલ્પો હતા: કાં તો અમારી તાબેદારી સ્વીકારો અથવા મૃત્યુ પામો. તેમણે ઇ.સ. ૧૨૫૮માં બગદાદ જેવા મોટા સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કેન્દ્રોનો નાશ કર્યો હતો. ‘બૈતુલ હિકમહ’ (જ્ઞાનનું ઘર) અને ત્યાં સંગ્રહિત લાખો પુસ્તકોનો નાશ કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, ટાઇગ્રિસ નદીનું પાણી શાહીથી કાળું થઈ ગયું હતું.
વર્તમાન ફલસ્તીનની પરિસ્થિતિ જોઈને બગદાદની તે કરુણ યાદો તાજી થાય છે. ઇઝરાયલ જાણે આધુનિક યુગનો મોંગોલ છે, જેણે ફલસ્તીન જેવી પવિત્ર ભૂમિની પવિત્રતા જ ભ્રષ્ટ નથી કરી, પરંતુ માસૂમ બાળકો અને મહિલાઓના લોહીથી તેમની ધરતીને લાલ કરી રહ્યો છે. ઘાયલો અને વિકલાંગો પર દયા નહી, વૃદ્ધો પર નહીં. કેદીઓ સાથે માનવીય વ્યવહાર નથી કે પત્રકારો સાથે પણ નહીં. હોસ્પિટલો, ઘરો અને બજારોને પણ છોડવામાં નથી આવ્યા. શાળાઓને સુરક્ષિત રાખવામાં આવી નથી કે ઇબાદતગાહો (મસ્જિદો/ચર્ચો)ના સન્માનનો પણ અનાદર કરવામાં આવ્યો છે. રાહદારીઓ પર જ નહીં, પરંતુ ખાદ્ય સહાય કેન્દ્રો પર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. વીજળી નથી, પાણી નથી, ઇંધણ નથી, ખોરાક નથી; ઊલટું ભૂખમરો એક હથિયાર બની ગયો છે. ઇઝરાયલની આ હરકતો જોઈને હેવાનો પણ સ્તબ્ધ છે અને શેતાન પણ શરમાય છે. ઇઝરાયલને ત્રીજી સહસ્રાબ્દી (મિલેનિયમ)ની સૌથી ખુંખાર જાતિનો પુરસ્કાર મળવો જોઈએ.
આ ક્ષેત્રને જ્યારે *હઝરત ઉમર* *ફારુક (રદી.)* એ પરાજિત કર્યું હતું, ત્યારે પણ ખ્રિસ્તીઓ અને યહૂદીઓ સાથે સારો વ્યવહાર કર્યો હતો. અને જ્યારે સલાહુદ્દીન અય્યુબીએ ફરીથી વિજય પ્રાપ્ત કર્યો, ત્યારે પણ આ શહેરની પવિત્રતાને ભ્રષ્ટ થવા દીધી નહોતી.
હે માનવો, શું તમારો પોતાનો ધર્મ આ નરસંહારને યોગ્ય ઠેરવે છે? શું તમારી અંતરાત્મા આ અત્યાચારોનો બચાવ કરી શકે છે?
ચોક્કસ નહીં…તો પછી આ મૌન શા માટે? કાયમી યુદ્ધવિરામ માટે એક મજબૂત અવાજ શા માટે નથી ઉઠતો? તમે જ્યાં છો, ત્યાંથી કંઈક પ્રયાસ કરો. કોઈ ચેતના ઊભી થવી જોઈએ. માનવીય સહાય મોકલવા માટે પ્રયત્નો કરો. મારી ખાસ કરીને મુસ્લિમ દેશોને અપીલ છે કે તમારુ આત્મસન્માન ક્યાં મરી ગયુ છે? જે પ્રજાને અલ્લાહે ન્યાયનો ધ્વજવાહક અને ખુદા માટેનો સાક્ષી બનાવ્યો હતો, તે દુનિયાની મોહબ્બતમાં કેવી રીતે ગિરફ્તાર થઈ ગઈ! શું તમારા કાનને માસૂમોની ચીસો સંભળાતી નથી કે દિલ-દિમાગ પર ઇસ્લામના દુશ્મનોનો ભય છવાયેલો છે?! જે કુર્આને મઝલૂમોની હિમાયત માટે તમને ઊભા કર્યા હતા, તેના માનનારા શા માટે જાલિમોની સાથે છે? યાદ રાખો,બધાને એક દિવસ તો મૃત્યુનો સામનો કરવાનો જ છે અને પોતાના કર્મોનો હિસાબ આપવાનો છે. પોતાની જવાબદારી અદા કરવા સજ્જ થઈ જાવ,એ પહેલાં કે ઘણું બધું મોડું થઈ જાય.
હે અલ્લાહ, તું બધા પર રહમ કર, મઝલૂમોની હિફાઝત કર. જાલિમો પર તારો કહેર વરસાવ અને દુનિયામાં અમન કાયમ કર.
શહરે અઝીમતના શૂરવીરો (હિમ્મતવાન)ને સલામ…
પવિત્ર શહેરના રખેવાળોને સલામ…
મસ્જિદે અક્સા ના મુહાફિઝો (રક્ષકો)ને સલામ…
ફલસ્તીનવાસીઓની અડગતા
(હિમ્મત)ને સલામ…
અહલે વફાની ઇસ્તકામત (દ્ઢતા)ને સલામ…