તકવા : લાભ અને પરિણામ

0
85

લે. હાફિઝ મુ. ઇબ્રાહીમ ઉમરી

વર્તમાન સમયમાં માનવીય મન-મસ્તિષ્ક પર ભૌતિકવાદનો પ્રભુત્વ એવો છવાઈ ગયો છે કે માનવી દરેક મામલામાં ભૌતિક દૃષ્ટિકોણથી જ વિચારવા લાગ્યો છે. દુનિયાવાળાઓની નજરમાં સફળ અને વિજયી એ છે કે જેની પાસે ભૌતિક સંસાધનોની અધિકતા હોય, ધન-દૌલતના ઢગલા હોય, આલીશાન બંગલા હોય, આરામદાયક સવારીઓ હોય, હોદ્દો તથા પદ હોય અને જે માણસ આ વસ્તુઓથી વંચિત હોય તેને નિષ્ફળ સમજવામાં આવે છે. આ ભલાઈ તથા ખોટની ભૌતિક ધારણા છે. જ્યારે કે અલ્લાહની નજીક વાસ્તવિક સફળતાનું માધ્યમ તકવા અને પરહેઝગારી છે. જો ભૌતિકતાના પૂજારીઓને તકવા અને તેની હકીકત માલૂમ થઈ જાય, તેઓ તેની લિજ્જતથી વાકેફ થઈ જાય, આના લીધે દુનિયા તથા આખિરતમાં જે જે સદ્‌ભાગ્ય અને કાયમી ને’મતો, મુકામ તથા દરજ્જા, માન-મરતબો હાસલ થાય છે, તેનાથી વાકેફ થઈ જાય તો આ અપ્રાપ્ય મોતીને પામવા માટે તે પોતાની તમામ કાબેલિયતો ખર્ચ કરી નાખશે. ઇમામ ઇબ્રાહીમ બિન અદ્‌હમ રહ.નું કથન છે : જે સુકૂન તથા સંતોષ, એશ તથા પ્રસન્નતા (ઈમાન તથા તકવાના કારણે) અમને પ્રાપ્ત છે, જો તેની જાણ બાદશાહો તથા શેહઝાદાઓને થઈ જાય તો આ વસ્તુને આપણાથી ઝૂંટવી લેવા માટે તેઓ તલવાર લઈને આપણા મુકાબલા માટે આવશે.” ઇમામ ગઝાલી રહ.ના કથનાનુસાર તકવા એક મહાન ખજાનો છે. જો કોઈને આ પ્રાપ્ત થઈ જાય તો જાણે કે તેને દુનિયા તથા આખિરતના તમામ સૌભાગ્ય (ખુશ-નસીબીઓ) પ્રાપ્ત થઈ ગયા. ‘તકવા’નો સાચો અર્થ બચાવવા તથા દૂર રાખવાનો છે. શરઈ પરિભાષામાં ગુનાહનું કારણ બનનાર વસ્તુઓથી બચાવવાનું નામ ‘તકવા’ છે.

‘તકવા’ જ્ઞાનીઓની નજરમાં :
અમીરુલ મો’મિનીન હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.એ હઝરત કઅબ અહબાર રદિ.થી તકવા વિષે પૂછ્યું તો કઅબ અહબાર રદિ.એ જવાબ આપ્યો : શું તમારે કયારેય કાંટાળી ઝાડીઓ વચ્ચેથી પસાર થવાનું થયું છે ? અમીરુલ મો’મિનીન રદિ.એ ‘હા’ માં જવાબ આપ્યો તો પૂછવા લાગ્યા : આપ રદિ. ત્યાંથી કેવી રીતે પસાર થયા ? આપ રદિ.એ ફરમાવ્યું : હું પોતાના કપડા સંકેલીને પૂરી સાવધાનીપૂર્વક પસાર થયો, કે જેથી કયાંક કોઈ કાંટો મારા પગોમાં વાગી ન જાય, અથવા મારા પાલવથી ગૂંચવાઈ ન જાય. કઅબ અહબાર રદિ. ફરમાવવા લાગ્યા : આ જ તકવા છે કે માણસ જીવન-પથમાં એક એક ડગલું ફૂંકી ફૂંકીને સાવચેતીપૂર્વક મૂકે, કે જેથી તે કોઈ મુસીબતમાં ગૂંચવાઈ ન જાય અને તેના કદમ પાપ તથા ગુનાહના દલદલ (કળણભૂમિ)માં ફસાઈ ન જાય.”

હઝરત અલી રદિ.એ ફરમાવ્યું : અલ્લાહથી ડરવું, શરીઅત મુજબ જીવન વિતાવવું અને જીવન-નિર્વાહની રકમ પર સંતોષ માનવો અને કયામતના દિવસ માટે તૈયારી કરવી એ જ તકવા છે.”

અબ્દુલ્લાહ બિન મસ્‌ઊદ રદિ.એ ફરમાવ્યું : અલ્લાહનું જ આજ્ઞાપાલન કરવામાં આવે. કોઈ પણ સ્થિતિમાં તેની નાફરમાની-અવજ્ઞા કરવામાં ન આવે, તેને યાદ રાખવામાં આવે, તેને ક્યારેય ભૂલવામાં ન આવે, તેનો આભાર માનવામાં આવે, ક્યારેય અપકાર કરવામાં ન આવે.”

હઝરત હસન બસરી રહ. ફરમાવે છે : ‘મુત્તકી’ (સંયમી) એ છે કે જે અલ્લાહની હરામ કરેલી વસ્તુઓથી બચે છે, અને તેના આદેશોનું પાલન કરે છે.”

આ તમામ વ્યાખ્યાઓથી આ વાત સ્પષ્ટ થાય છે કે તકવા દરેક પ્રકારના ગુનાહોથી બચતાં અલ્લાહના આદેશોના પાલનનું નામ છે.

તકવાનું મહત્ત્વ :
તકવાના મહત્ત્વ માટે આ જ પૂરતું છે કે અલ્લાહતઆલાએ દરેક યુગમાં ઈમાનવાળાઓને આ મહત્ત્વપૂર્ણ ગુણ ધરાવવાની વસિયત કરી છે. આથી ઇર્શાદ છે : “તમારા પહેલાં જેમને અમે ગ્રંથ આપ્યો હતો, તેમને પણ આ જ આદેશ આપવામાં આવ્યો હતો, અને હવે તમને પણ આ જ આદેશ આપીએ છીએ કે અલ્લાહનો ડર રાખીને કામ કરો.” (સૂરઃ નિસા, આયત-૧૩૧)

રસૂલે અકરમ સ.અ.વ. પોતાના દરેક ખુત્બામાં કુઆર્નમજીદની ત્રણ આયતો (સૂરઃ આલે ઇમરાન, આયત-૧૦ર; સૂરઃ નિસા, આયત-૧ અને સૂરઃ અહ્‌ઝાબ, આયત-૭૦) તિલાવત ફરમાવતા, જેમાં ઈમાનવાળાઓ તકવા અપનાવવાનું શિક્ષણ આપ્યું છે. આપ સ.અ.વ. દરેક મહત્ત્વના પ્રસંગે સહાબાએ કિરામ રદિ.ને તકવા અપનાવવાની તાકીદ ફરમાવતા. પોતાના જીવનના અંતિમ દિવસોમાં આપ સ.અ.વ.એ એક ખુત્બામાં એવી વાતો બતાવી કે સહાબા રદિ.ના હૃદય કંપી ગયા, આંખોથી અશ્રુ વ્હેવા લાગ્યા. હદીસ રિવાયત કરનાર ઇર્બાઝ બિન સારિયા રદિ. ફરમાવે છે કે એવું લાગી રહ્યું હતું કે જાણે આ આપ સ.અ.વ.ની અંતિમ નસીહત (ઉપદેશ) છે. એક સહાબી રદિ.એ કહ્યું : અમને કોઈ નસીહત કરો. આપ સ.અ.વ.એ એ અવસરે જે મહત્ત્વની વાતો જણાવી, તેમાં પ્રથમ વાત તકવા અને પરહેઝગારીની હતી. આથી આપ સ.અ.વ.એ ફરમાવ્યું : “હું તમને તકવાની વસિયત કરૂં છું અને અમીરના આજ્ઞાપાલન તથા ફરમાંબરદારીની તાકીદ કરૂં છું, ભલેથી એ એક હબશી ગુલામ જ કેમ ન હોય.”

અલ્લાહના રસૂલ સ.અ.વ.થી જ્યારે કોઈ નસીહત (ઉપદેશ, શિખામણ)ની દરખાસ્ત કરતું તો આપ સ.અ.વ. તેને તકવાની જ તાકીદ કરતા. સઅદ બિન માલિક રદિ.એ આપ સ.અ.વ.થી ફરમાવ્યું : હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! મને નસીહત કરો. આપ સ.અ.વ.એ ફરમાવ્યુંઃ તમને તકવાની વસિયત કરૂં છું, એટલા માટે કે તકવા દરેક વસ્તુનું સત્વ છે.”

માણસની તમામ બૂરાઈઓનો ખાત્મો અને બધી ખરાબીઓની રોકથામ ‘તકવા’ (સંયમ) દ્વારા જ શક્ય છે. કેમકે ‘તકવા’નો સંબંધ દિલથી છે. આપ એ એક પ્રસંગે ત્રણ વખત છાતી તરફ ઇશારો કરી ફરમાવ્યું હતું કે ‘તકવા’ (સંયમ) અહીં છે (તિર્મિઝી) એટલે કે શરીરનો આ ભાગ (હૃદય) જો દુરસ્ત થઈ જાય તો આખું શરીર દુરસ્ત થઈ જાય છે, અને જો તેમાં બગાડ (વિકૃતિ) આવી જાય તો સમગ્ર શરીર બગડી જાય છે. વ્યક્તિની સુધારણા હૃદય (દિલ)ની સુધારણા વિના શક્ય નથી, અને હૃદય-દિલની સુધારણા આ છે કે તે ‘તકવા’ (સંયમ)થી ભરપૂર હોય. જેનું હૃદય તકવા (સંયમ)થી ભરપૂર હશે તે ક્યારેય ગુનાહ-પાપના આચરણની હિંમત નહીં કરે, અને જો કયારેક માનવ-સ્હજ ગુણના લીધે કોઈ ગુનાહ-પાપનું આચરણ થઈ પણ જાય તો ‘તકવા’ (સંયમ)ની કૈફિયત તેને વ્યાકૂળ બનાવી દે છે. તે એટલે સુધી કે તે આ ગુનાહ-પાપથી સ્વયં પોતાને પાક (મુક્ત) ન કરી લે. સહાબાએ કિરામ રદિ. અંબિયા અ.સ. પછી તકવાના સૌથી ઉચ્ચ દરજ્જા પર બિરાજમાન હતા, પરંતુ જ્યારે પણ તેમનાથી કોઈ ગુનાહ થઈ જતો તો તેઓ આપ સ.અ.વ.ની સેવામાં હાજર થઈને ફક્ત પોતાના અપરાધનો એકરાર કરતા એટલું જ નહીં બલ્કે સજા માટે સ્વયં પોતાને રજૂ કરી દેતા. માઇર રદિ. નામના એક સહાબી રદિ.થી ‘ઝિના’ (વ્યભિચાર)નું આચરણ થઈ ગયું. તેઓ પોતાના આ કૃત્ય પર એટલી હદે લજ્જિત થયા કે આપ ની સેવામાં હાજર થઈને કહે છે: હે અલ્લાહના રસૂલ મને પાક (પવિત્ર) કરો. આપ એ ઉત્તર આપ્યો: અફસોસ છે તમારા પર ! પાછા ફરો, અલ્લાહથી તોબા તથા ઇસ્તિગ્ફાર કરો, અલ્લાહ તમારા ગુનાહ (પાપ)ને માફ કરી દેશે. તેઓ પાછા ગયા, (પરંતુ તકવાના લીધે લજ્જિત થવાની ભાવનાની જે ચિંગારી હૃદયમાં પેદા થઈ હતી, તે ઓલાવાના બદલે જ્વાળા બનતી જ ગઈ) થોડીક દૂર ગયા પછી પાછા આવ્યા અને કહેવા લાગ્યા: હે અલ્લાહના રસૂલ સ.અ.વ. ! મને પાક કરો. ત્રણ વખત તેઓ આપ સ.અ.વ.ની પાસે આવ્યા, અને આ જ વાક્ય દોહરાવતા રહ્યા. આપ સ.અ.વ. દરેક વખતે તેમને પાછા મોકલી દેતા. ચોથી વખત પણ જ્યારે તેમણે આ જ વાત કહી તો આપ સ.અ.વ.એ પૂછ્યું કે કઈ વસ્તુથી પાક કરૂં ? તેમણે કહ્યુઃ (હદ-વ્યભિચાર માટેની ઇસ્લામી સજા લાગુ કરીને) વ્યભિચારથી પાક કરી દો. આપ સ.અ.વ.એ શ્રોતાગણોથી પૂછયુઃ શું આ પાગલ અને ગાંડા તો નથી ? સહાબા રદિ.એ ઉત્તર આપ્યોઃ ના. પછી આપ સ.અ.વ.એ પૂછયુઃ શું આ નશાની હાલતમાં તો નથી ? સહાબા રદિ.માંથી એકે તેમની નજીક જઈને ગંધ સૂંઘી, પરંતુ શરાબની ગંધ અનુભવી નહીં. પછી આપ સ.અ.વ.એ ખાત્રી માટે બીજી વખત પૂછયું: શું તમે ખરેખર ‘ઝિના’ (વ્યભિચાર) કર્યો છે ? તેમણે કહ્યું: હા ! ત્યારે આપ સ.અ.વ.એ તેમને ‘રજ્‌મ’ (વ્યભિચાર માટેની પત્થરો મારી મારીને મૃત્યુ નિપજાવવાની સજા)નો હુકમ આપ્યો.” (મુસ્લિમ) આ જ પ્રકારનો બનાવ ગામિદયહ નામની મહિલા સાથે પણ બન્યો હતો.

તકવા એ ઉચ્ચ દરજ્જાનું નામ છે જેને પામવા માટે કેટલીક ‘મુબાહ’ (જાઇઝ, હલાલ કે ઉચિત) વસ્તુઓને પણ છોડી દેવી પડે છે. આપ સ.અ.વ.નો ઇર્શાદ છે : બંદો ‘તકવા’વાળાઓના ઉચ્ચ દરજ્જાએ ત્યાં સુધી નથી પહોંચી શકતો કે જ્યાં સુધી તે કેટલીક એ ‘મુબાહ’ વસ્તુઓને છોડી ન દે જેમનાથી પાપ-બૂરાઈ અને ગુનાહમાં સપડાવાની આશંકા હોય.”

“મુત્તકી” ખૂબ જ સાવચેતીવાળું જીવન વિતાવે છે, તે જીવન-પથ પર એક એક કદમ ખૂબ જ ફૂંકી ફૂંકીને મૂકે છે. તે દરેક શંકાસ્પદ અને શંકામાં નાખનારી વસ્તુથી બચે છે. એક વખત આપ સ.અ.વ.એ રસ્તામાં પડેલી ખજૂર જોઈ તો ફરમાવ્યું : “જો મને આ વાતની આશંકા ન હોત કે આ ‘સદ્‌કા’ની હશે તો હું આને જરૂર ખાઈ લેતો.” (બુખારી)

હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ. ખૂબ જ પરહેઝગાર (મુત્તકી, સંયમી) માણસ હતા. પોતાના ખિલાફતકાળમાં મુસલમાનોના બૈતુલમાલથી ‘વઝીફો’ (વેતન) લેતા હતા. પોતાની અંતિમ વસિયતમાં ફરમાવ્યું : મેં અત્યાર સુધી જે રકમ મેળવી છે, તે બધી પરત કરી દેવામાં આવે. એવું ન થાય કે મેં જેટલું વેતન લીધું છે, તેટલો હક અદા કર્યો ન હોય !

હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.નો એક ગુલામ હતો જે પોતાની કમાણીનો એક નિશ્ચિત ભાગ હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.ને આપતો રહેતો હતો. આથી હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.એ ગુલામની લાવેલી વસ્તુ ખાઈ લેતા હતા. એક વખત એ ગુલામ કોઈ વસ્તુ લાવ્યો, જેમાંથી થોડુંક હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.એ પણ ખાઈ લીધું. ગુલામે કહ્યું શું આપ રદિ. જાણો છો કે આ કેવી વસ્તુ છે ? ફરમાવ્યું : મને શી ખબર ? તમે જ જણાવો કે આ કેવી વસ્તુ છે ? ગુલામે કહ્યું : હું અજ્ઞાનતાના દિવસોમાં એક માણસને ગેબની વાતો બતાવતો રહેતો હતો, જો કે હું જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન સારી રીતે જાણતો ન હતો, બલ્કે હું ઊંધી-સીધી વાતો બનાવીને ધોખો આપતો રહેતો હતો. (સંજોગોવશાત્‌) આજે એ માણસથી મુલાકાત થઈ ગઈ તો તેણે મને આ વસ્તુ આપી, જે આપ રદિ.એ ખાધી છે. હઝરત આઇશા રદિ. ફરમાવે છે : આ સાંભળતાં જ હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.એ પોતાના મોઢામાં હાથ નાખીને ઊલ્ટી કરી નાખી અને જે કાંઈ પેટમાં હતું તે (સાવચેતીરૂપે) બધું બહાર કાઢી નાખ્યું. (બુખારી)

એક વખત બેહરીનથી ‘માલે ગનીમત’માં મુશ્ક અને અંબર (આ અત્તરના પ્રકાર છે) આવ્યા. તેને વ્હેંચવા માટે અમીરુલ મો’મિનીન ને એવા માણસની જરૂરત પડી કે જે ખૂબ જ સાવચેતીપૂર્વક વજન કરી શકે. આપ રદિ.ની પત્નીએ કહ્યું : હું ખૂબ જ સારી રીતે આ કામને કરી શકું છું. ફરમાવ્યું : હું તમારાથી આ કામ નહીં કરાવું. મને બીક છે કે ‘મુશ્ક’ તમારી આંગળીઓમાં લાગી જશે. પછી તમે તે પોતાના શરીર ઉપર ઘસશો અને તેનો જવાબ મારે આપવો પડશે.”

તકવા પ્રાપ્તિના સાધનો
‘તકવા’ના ફાયદા તથા બરકતો છે અને દીનમાં તેનું મહત્ત્વ તથા કદર-કીમત આટલી હદે છે તો દરેક મો’મિને ‘મુત્તકી’ બનવાની ચિંતા કરવા જોઈએ, અને એ કારણો-સાધનો અપનાવવા જોઈએ કે જે તકવા અપનાવવામાં મદદરૂપ કે સહાયક પુરવાર થાય છે. કુર્આનમજીદ અને હદીસોમાં ઘણા બધા કારણો અને માધ્યમો (સાધનો) બનાવવામાં આવ્યા છે, એમાંથી કેટલાક અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે.

ઇબાદતો અને નેક આ’માલ એ તકવાના સૌથી મહત્ત્વના સાધનો છે. સૂરઃ બકરહમાં ઇર્શાદ છેઃ “લોકો ! બંદગી અપનાવો, પોતાના તે રબ (માલિક અને પાલનહાર)ની જે તમારો અને તમારા અગાઉ જે લોકો થઈ ગયા છે, તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે.” (સૂરઃ બકરહ, આયત-૨૧) બંદો જેટલી હદે અલ્લાહની ઇબાદત કરશે, તેટલી જ હદે તેનું હૃદય તકવાથી ભરપૂર હશે. અલ્લાહના રસૂલ સ.અ.વ. સૌથી વધુ ઇબાદત-ગુઝાર હતા, આથી જ આપ સ.અ.વ. સૌથી વધુ મુત્તકી અને પરહેઝગાર હતા. આથી આપ સ.અ.વનો ઇર્શાદ છેઃ હું તમારામાં સૌથી વધુ અલ્લાહથી ડરનાર અને સૌથી વધુ મુત્તકી છું.

કુર્આનને સમજવું : કુર્આનમજીદ ‘તકવા’નો ગ્રંથ છે. સૂરઃ બકરહમાં ઇર્શાદ ફરમાવાયુઃ
“આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે તે સંયમી લોકો માટે.” (સૂરઃ બકરહ, આયત-ર) મુત્તકી બનવા માટે જરૂરી છે કે આ ગ્રંથની તિલાવત કરવામાં આવે, તેના પર અમલ કરવામાં આવે, અને તેના હક્કો અદા કરવામાં આવે આથી ઇર્શાદ છેઃ જે ગ્રંથ અમે તમને આપી રહ્યા છીએ તેને દૃઢતાપૂર્વક પકડી રાખજા અને જે આદેશો તેમાં લખેલા છે તે યાદ રાખજા. આના જ વડે આશા રાખી શકાય છે કે તમે તકવાના માર્ગ પર ચાલી શકશો.” (સૂરઃ બકરહ, આયત-૬૩)

રસૂલ સ.અ.વ.નું અનુસરણઃ તકવા-પ્રાપ્તિનું એક અન્ય માધ્યમ-સાધન સુન્નતનું અનુરસરણ અને તેનું અનુકરણ છે. અમલની સ્વીકૃતિ માટે સુન્નતના અનુકરણનીશરત જરૂરી છે. જે અમલ રસૂલ ની સુન્નતની વિરુદ્ધ હશે તે સ્વીકારપાત્ર નહીં હોય. કેટલાય લોકો કયામતના દિવસે ઢગલાબંધ આ’માલ (કર્મો) લઈને આવશે, પરંતુ તેમના આ’માલ નષ્ટ કરી દેવામાં આવશે. ફક્ત એટલા માટે કે એ આ’માલ (કર્મો) રસૂલ સ.અ.વ.ની સુન્નત મુજબ ન હતા. “આ જ મારો સીધો માર્ગ છે. તેથી તમે આની ઉપર ચાલો અને બીજા માર્ગો ઉપર ન ચાલો કે તે તેના માર્ગ ઉપરથી હટાવીને તમને વિખેરી નાખશે. આ છે તે શિખામણ જે તમારા રબે તમને કરી છે કે કદાચ તમે પથભ્રષ્ટતાથી બચો.” (સૂરઃ અન્‌આમ, આયત-૧૫૩)

હક્કોની અદાયગી અને મામલાઓની દુરસ્તગી તકવાનું એક મહત્ત્વનું માધયમ-સાધન છે. સમાજમાં એક સાથે રહેનારા લોકો ઉપર એકબીજાના કેટલાક હક્કો અને જવાબદારીઓ હોય છે. આ હક્કોની અદાયગીથી જ્યાં એક નેક સમાજ સ્થપાય છે, ત્યાં જ તેના લોકોના દિલોમાં તકવા અને પરહેઝગારીનો ગુણ પણ વિકાસ પામે છે. આથી જ કુર્આનમજીદમાં જ્યાં પણ હક્કો અને મામલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં જ વિશેષરૂપે તકવાની તાલીમ આપવામાં આવી છે. સૂરઃ નિસામાં સગાં-સંબંધીઓના હક્કો અદા કરવા પર ઉભારતા પહેલાં પણ અને પાછળથી પણ તકવાનું વર્ણન કરવામાં આવ્યું છેઃ તે અલ્લાહથી ડરો જેના નામે તમે એકબીજાથી પોતાના હક્કો માગો છો.” (સૂરઃ નિસા, આયત-૧) સૂરઃ તલાક કે જેમાં પતિ અને પત્નીના હક્કો વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યા છે, અનેક જગ્યાએ તકવા અપનાવવાની તા’લીમ આપવામાં આવી છે. સૂરઃ બકરહમાં કરજની સમસ્યાઓ કે વિગતો વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવી છે. અંતે ફરમાવવામાં આવ્યુઃ “જો તમારામાંથી કોઈ વ્યક્તિ બીજા ઉપર ભરોસો રાખીને તેની સાથે કોઈ વ્યવહાર કરે, તો તેને જોઈએ કે તે અમાનત અદા કરી દે અને પોતાના પાલનહાર અલ્લાહથી ડરે.” (સૂરઃ બકરહ, આયત-૨૮૩) વ્યાજના આદેશો વર્ણવતાં વારંવાર તકવા પર ઉભારવામાં આવ્યા. (સૂરઃ બકરહ, સૂરઃ આલે ઇમરાન) દુશ્મનોના હક્કો અદા કરવાની તાકીદ કરતાં ફરમાવવામાં આવ્યું: ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે.” (સૂરઃ માઇદહ, આયત-૮). કિસાસના આદેશો વર્ણવ્યા બાદ ફરમાવવામાં આવ્યું: બુદ્ધિ અને સમજબૂઝ રાખનારાઓ ! તમારા માટે કિસાસમાં જીવન છે. આશા છે કે તમે આ કાયદાના ભંગથી બચશો.” (સૂરઃ બકરહ, આયત-૧૭૯)

અલ્લાહની તૌફીક વિના ‘તકવા’ની દૌલત હાસલ નથી થઈ શકતી. આથી મો’મિને (ઈમાનવાળાએ) અમલી રીતે પ્રયત્નો કરવાની સાથે અલ્લાહથી દુઆ પણ કરતાં રહેવી જાઈએ. આથી રસૂલે અકરમ સ.અ.વ. અલ્લાહના મહેબૂબ (પ્રિય) હોવા છતાં હંમેશાં આ દુઆ કરતા રહેતા હતા: “હે અલ્લાહ ! હું તારાથી હિદાયત (સન્માર્ગ) તકવા તથા પરહેઝગારી, પવિત્રતા તથા પાક-દામન અને નિસ્પૃહિતા ચાહું છું.” આપ ની એક અન્ય દુઆ આ છે: “હે અલ્લાહ ! તું મારા નફ્‌સને તકવા અને પરહેઝગારીથી ભરી દે. આનો ‘તઝ્કિયા’ (પવિત્રતા) ફરમાવ. તું જ શ્રેષ્ઠ તઝ્કિયા કરનાર છે.”

દુઆ છે કે અલ્લાહતઆલા આપણને તકવાનો ધરાવનાર બનવાની તૌફીક એનાયત કરે. આમીન. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here