Home સમાચાર શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ: મલિક...

શોધ અને સર્વેના નામે ધાર્મિક સ્થળોએ કાયદાનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ: મલિક મોઅતસિમ ખાન, ઉપપ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ

0

સામાજિક કાર્યકરો પર થતા હુમલા અને હિંસા વિરુદ્ધ દરેક ન્યાયપ્રિય નાગરિકે અવાજ ઉઠાવવી જોઈએ.

નવી દિલ્હીઃ જમાઅતે ઇસ્લામી હિંદના કેન્દ્રીય કાર્યાલયમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જમાઅતના ઉપપ્રમુખ, મલિક મોઅતસીમ ખાને 1991ના ધાર્મિક સ્થાનોના સંરક્ષણ અધિનિયમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ કાયદો દેશમાં સાંપ્રદાયિક સંવાદિતા જાળવવા માટે ખૂબ જ મહત્વનો છે. આ કાયદો તમામ ધાર્મિક સ્થાનોને 15 ઓગસ્ટ, 1947ની સ્થિતિમાં જાળવી રાખવાની બાંયધરી આપે છે અને ધાર્મિક સ્થળોને લગતા ઐતિહાસિક દાવાઓને કારણે થતી તકરારોને રોકવામાં મદદ કરે છે. જોકે, કેટલાક સાંપ્રદાયિક તત્વો મુસ્લિમ ધર્મસ્થાનો વિશે ખોટા દાવા કરીને સમાજમાં ધાર્મિક વિભાજન અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિને રોકવા માટે અદાલતોએ આવા ખોટા દાવાઓને ફગાવી દેવા જોઈએ અને આવા દાવા કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

“સંભલની ઘટના અંગે વાત કરતાં, તેમણે પોલીસ દ્વારા નિર્દોષ મુસ્લિમ યુવાનો પર ગોળીબાર કરવાની ઘટનાની ગંભીર નિંદા કરી હતી. તેમણે આ ઘટનાને રાજ્ય દમન, ધાર્મિક ભેદભાવ અને અસહિષ્ણુતાનું ગંભીર ઉદાહરણ ગણાવી હતી. આ ઘટનાએ ન માત્ર સમાજમાં ભય અને અશાંતિ ફેલાવી છે પરંતુ ન્યાયતંત્રની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. સર્વેક્ષણ ટીમ સાથે ઉશ્કેરણીજનક તત્વોની હાજરી અને તેમના દ્વારા ફેલાવવામાં આવેલા સાંપ્રદાયિક સૂત્રોએ પરિસ્થિતિને વધુ વણસાવી છે. આવા ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે. પીડીતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં, જમાઅત લોકોને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવા અને દેશમાં વધતી જતી ક્રૂરતા અને નફરત સામે અવાજ ઉઠાવવા અનુરોધ કરે છે. દેશ અને સમાજના હિતમાં ન્યાય મળવો અને જુલ્મનો અંત આવવો જરૂરી છે.”

પત્રકારોને સંબોધતા જમાઅતના ઉપપ્રમુખ, પ્રોફેસર સલીમ એન્જિનિયરે નિર્દોષ સામાજિક કાર્યકરો અને પત્રકારોની હેરાનગતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, “નિર્દોષ સામાજિક કાર્યકરો, માનવાધિકાર રક્ષકો અને પત્રકારોની સતામણી, ધાકધમકી અને ધરપકડ કરવાનો પ્રયાસ ખોટો છે. આ એક ગેરબંધારણીય અને અલોકશાહી પ્રથા છે. સામાજિક કાર્યકર્તા નદીમ ખાન અને ફેક્ટ ચેકર મુહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કરવામાં આવેલા પાયાવિહોણા પગલાં લોકોની નાગરિક સ્વતંત્રતા છીનવી લેવા સમાન છે. નદીમ ખાન અને મુહમ્મદ ઝુબૈર બંને વ્યક્તિઓ, દ્વેષપૂર્ણ ભાષણ અને સાંપ્રદાયિક ઉશ્કેરણી સામે નિર્ભયપણે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનો આ સંઘર્ષ દેશમાં સામાજિક માળખાને મજબૂત અને સ્થિર કરવામાં ભૂમિકા ભજવે છે. આ લોકોના અથાક પ્રયાસોના પરિણામે ઘણા કેસોમાં પીડિતોને ન્યાય મળ્યો છે. એવું લાગે છે કે સામાજિક કાર્યકરો અને સ્વતંત્ર પત્રકારોને ચૂપ કરવા માટે રાજ્ય સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લોકશાહીને નબળું પાડતું કૃત્ય છે. અમારું માનવું છે કે વહીવટીતંત્ર, પોલીસ અને રાજ્યની સંસ્થાઓએ નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ અને બંધારણીય મૂલ્યો જાળવીને રાજકીય એજન્ડાના સાધન બનવાનું ટાળવું જોઈએ. અમે નાગરિક સમાજ, ન્યાયતંત્ર અને તમામ ન્યાયી વિચારધારા ધરાવતા નાગરિકોને આ રાજ્યના દુરુપયોગની ખુલ્લેઆમ નિંદા કરવા અપીલ કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે માનવ અધિકારના રક્ષકો, પત્રકારો અને સામાજિક કાર્યકરોની સતામણી તાત્કાલિક બંધ કરવામાં આવે અને સત્તાનો દુરુપયોગ કરનારાઓને નિષ્પક્ષપણે જવાબદાર ઠેરવવામાં આવે.”

“મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બનનારી નવી સરકારો વિશે વાત કરતાં જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આ સરકારો લોકોની સુખાકારી માટે કામ કરશે. તેઓ દરેક વર્ગના લોકોના હિતોનું ધ્યાન રાખશે અને સમાજમાં એકતા લાવશે. આ સરકારોએ જાતિવાદ અને ધર્મના આધારે લોકોને નહીં વહેંચવા જોઈએ. અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે પણ આ બંને રાજ્યોને સમાન રીતે મદદ કરવી જોઈએ. દેશમાં આર્થિક મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવવો અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. મહિલાઓની સલામતી માટે પણ પૂરતાં પગલાં લેવા જોઈએ. નવી સરકારોએ દરેક નાગરિક સાથે ન્યાય કરવો જોઈએ અને દેશના બંધારણનું પાલન કરવું જોઈએ.”

આ કાર્યક્રમનું આયોજન મીડિયા વિભાગના સચિવ મુહમ્મદ સલમાન સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version