સંભલની ઐતિહાસિક શાહી મસ્જિદના તાજેતરના સર્વેક્ષણ, અને સર્વેક્ષણ દરમિયાન હિંદુઓ દ્વારા ઉશ્કેરનારા નારા અને ત્યારબાદ મુસ્લિમોના વિરોધ અને તેમના પર પોલીસની એકતરફી અને અન્યાયી કાર્યવાહીએ મુસ્લિમોની ધામિર્ક ભાવનાઓને ગંભીર ઠેસ પહોંચાડી છે અને સાથે સાથે દેશના સંવિધાનની ભાવના અને દેશની ધામિર્ક સહિષ્ણુતાની પરંપરાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. આ વિવાદને કારણે ૧૯૯૧ના ધામિર્ક સ્થળો અધિનિયમ હેઠળ ધામિર્ક સ્થળોની સુરક્ષાના નિયમો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે સર્વેક્ષણ જેવા સરકારી કામ દરમિયાન હિંદુઓ દ્વારા મુસ્લિમો વિરુદ્ધ ખૂબ જ ઉશ્કેરનારા નારા લગાવવામાં આવ્યા અને તેમની ભાવનાઓને ઉશ્કેરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો જેના પછી મુસ્લિમોએ વિરોધ કર્યો. આ વિરોધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવાને બદલે સરકારે હંમેશની જેમ પોતાના બહુમતના અહંકારમાં શક્તિનો ખૂબ જ ખોટો ઉપયોગ કર્યો. આ હિંસક કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીની માહિતી અનુસાર છ લોકોના મોત થયા છે. આમ, આ સમગ્ર ઘટનાને ઐતિહાસિક, કાનૂની અને સામાજિક સંદર્ભમાં જોવી ખૂબ જ જરૂરી છે.
ભારતના ઇતિહાસમાં વિવિધ સમયગાળામાં વિવિધ સંસ્કૃતિઓનું સહઅસ્તિત્વ રહ્યું છે. અહીં વિવિધ ધર્મો શાંતિ, પ્રેમ અને ભાઈચારાના માહોલમાં ખીલી ઊઠ્યા છે. લોકો પોતાની મરજીથી પોતાનો ધર્મ બદલતા રહ્યા છે અને ધર્મ બદલવા સાથે લોકોના ઉપાસનાસ્થળો પણ તેમની મરજીથી બદલાતા રહ્યા છે. આ બાબતમાં ક્યારેય જબરજસ્તી કે દબાણનો કોઈ પ્રશ્ન ઊભો થયો નથી. જો ક્યારેક કોઈ વિરોધાભાસી ઉદાહરણ હોય તો પણ સમય જતાં તેના પ્રભાવો ઓછા થઈ ગયા અને અહીં રહેતા વિવિધ ધર્મોના લોકો એકબીજા સાથે સુમેળમાં રહ્યા છે. પરંતુ દેશમાં નફરત ફેલાવનાર એક વર્ગ સતત આ ઐતિહાસિક સત્યને નકારી કાઢીને મુસ્લિમ શાસનકાળને નિશાન બનાવતો રહ્યો છે. બાબરી મસ્જિદના લાંબા વિવાદ પછી દેશમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેને આપણે પ્લેસિસ ઓફ વશિર્પ એક્ટ ૧૯૯૧ તરીકે ઓળખીએ છીએ.
વર્ષ ૧૯૯૧માં જ્યારે દેશમાં ધામિર્ક સદ્ભાવના ગંભીર ખતરામાં મુકાઈ હતી ત્યારે પૂજા સ્થળ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાનો હેતુ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની સ્થિતિમાં પૂજા સ્થળોને જાળવી રાખવાનો હતો, જેથી ભવિષ્યમાં કોઈ પણ ધામિર્ક સ્થળને રાજકીય કે ધામિર્ક વિવાદોમાં ન ઉલઝાવી શકાય. આ કાયદો સ્પષ્ટપણે પૂજા સ્થળોની સ્થિતિમાં ફેરફાર કરવા અથવા તેના પર માલિકીનો દાવો કરવા અથવા તેના વિશે વિવાદો ઊભા કરવાના કોઈ પણ પ્રયાસને ગેરકાયદેસર જાહેર કરે છે. પરંતુ ભાજપ સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની ઘટનાઓ ફરી શરૂ થઈ છે.
થોડા દિવસો પહેલાં, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જે રીતે એક સમાન કેસનો નિકાલ કર્યો હતો, તેના કારણે ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે. જો ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે ૧૯૯૧ના પ્લેસિસ ઓફ વશિર્પ એક્ટનો હવાલો આપીને સર્વેક્ષણની અરજીને ફગાવી દીધી હોત, તો આ વિવાદ હંમેશ માટે ખતમ થઈ ગયો હોત. પરંતુ કેટલાક ન્યાયિક ર્નિણયોએ ન માત્ર વર્તમાન વિવાદને વધુ ઉશ્કેર્યો છે, પરંતુ નીચલી અદાલતો માટે એક ખતરનાક ઉદાહરણ પણ પૂરૂં પાડ્યું છે.
વારંવાર એવો સવાલ પૂછવામાં આવે છે કે ધામિર્ક સ્થળોનું સર્વેક્ષણ માત્ર મુઘલ અથવા મુસ્લિમ યુગની મસ્જિદો સુધી કેમ મર્યાદિત છે? જો ઇતિહાસને ખૂબ ઊંડાણમાં જોવો જરૂરી હોય તો પુષ્યમિત્ર સુંગના સમયથી લઈને આજના સમય સુધીના તમામ ધામિર્ક સ્થળોનું સર્વેક્ષણ કેમ નથી કરવામાં આવતું?
“દિવી આવદાન” અને “અશોક આવદાન” જેવી બૌદ્ધ ધર્મની કિતાબો આ વાતનો પુરાવો આપે છે કે પુષ્યમિત્ર સુંગના શાસનકાળમાં હજારો બૌદ્ધ સ્તૂપ અને મઠોને તોડી પાડવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ હિંદુ મંદિરો બનાવવામાં આવ્યા હતા. ભારતમાં ઉદ્ભવ થયેલો બૌદ્ધ ધર્મ જે વિશ્વનો એક મોટો ધર્મ છે, તેના અનુયાયીઓ આજે આપણા દેશમાં માત્ર એક ટકાથી પણ ઓછા કેમ છે? તેવી જ રીતે જૈન ધર્મ જે એક સમયે ભારતનો એક મહત્ત્વનો ધર્મ હતો, આજે માત્ર ૦.૭૨ ટકા વસ્તી સાથે મર્યાદિત કેમ રહી ગયો છે?
મૂળભૂત રીતે ધામિર્ક નફરતના વર્તમાન ધ્વજવાહકો પોતાના દુષ્ટ હેતુઓને પૂરા કરવા માટે ઇતિહાસને વિકૃત કરી રહ્યા છે અને જાણી જોઈને એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે જે સમાજને વિભાજિત કરે છે. આ બધી ઘટનાઓ એ વાત તરફ ઇશારો કરે છે કે રાજકીય પક્ષો કેવી રીતે આ નફરતના એજન્ડાને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. આવી જ સ્થિતિમાં દેશને બચાવવા માટે ઉપરોક્ત કાયદો બનાવવામાં આવ્યો હતો જેથી ભવિષ્યમાં કોઈ પણ ઇતિહાસના સાહિત્યને આગ લગાડીને તેની આંચ પર પોતાની રાજકીય રોટલી શેકવાનો મોકો ન મળે. પરંતુ શું કરીએ કે સરકાર અને ન્યાયતંત્ર પોતે જ આ કાયદાને મજાક બનાવી રહ્યા છે.
સંભલની શાહી મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન ઉશ્કેરનારા નારા સ્પષ્ટ રીતે મુસ્લિમોની ધામિર્ક લાગણીઓને ઉશ્કેરવા અને શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ ઊભું કરવા માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે મુસ્લિમોએ શાંતિપૂર્ણ વિરોધ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો ત્યારે તેમને પોલીસની ગોળીઓ, ધરપકડ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો. પરિણામે વિરોધ દરમિયાન ચાર મુસ્લિમો શહીદ થયા. આ ઘટના એ વાતનું પ્રતીક છે કે સરકાર ન માત્ર મુસ્લિમોની ધામિર્ક લાગણીઓને અવગણે છે, બલ્કે તેમના લોકશાહી અધિકારોને દબાવવાનો પ્રયાસ પણ કરી રહી છે.
સંભલની મસ્જિદ પર જે વિવાદ થયો છે તે ખૂબ ખરાબ છે. આ માત્ર મુસ્લિમો માટે જ નહીં, બલ્કે આપણા દેશના સંવિધાન અને ધર્મનિરપેક્ષતા માટે પણ ખતરનાક છે. આવા વિવાદો બંધ કરવા માટે આપણે ઇતિહાસને યોગ્ય રીતે સમજવો પડશે અને બધા ધર્મોના લોકોને સમાન માનવા પડશે. આપણે રાજકારણ અને ધર્મના નામે લડવું ન જોઈએ પરંતુ ન્યાય, સમાનતા અને શાંતિ માટે કામ કરવું જોઈએ.