Home ઓપન સ્પેસ સમાજમાં વધતા જતા લગ્નેત્તર સંબંધોના મામલાઓઃ આપણે કેટલા જવાબદાર છીએ?

સમાજમાં વધતા જતા લગ્નેત્તર સંબંધોના મામલાઓઃ આપણે કેટલા જવાબદાર છીએ?

0
92

પહેલા સમાચારઃ “ઉત્તર પ્રદેશના આગરાથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પતિથી માંગ કરી છે કે હવે તે તેની સાથે નથી રહેવા માંગતી. તે પોતાની બંને દીકરીઓને પણ પોતાની સાથે રાખશે અને પોતાના પ્રેમી સાથે રહેશે, પરંતુ ખર્ચ પતિએ જ ઉઠાવવો પડશે. આ મામલો “પરિવાર સલાહ કેન્દ્ર” પહોંચ્યો તો ત્યાં પતિએ કહ્યું કે જ્યારે તેની પત્ની તેની સાથે રહેતી જ નથી, તે પોતાના પ્રેમી સાથે રહે છે તો તેનો ખર્ચ પણ તે જ ઉઠાવે. આના પર પત્નીએ દલીલ કરી કે દીકરીઓ કેમકે પતિથી થઈ છે, માટે તેમના ખર્ચની જવાબદારી પતિની છે. તેણે કાઉન્સેલર ડૉ. અમિત સિંહ સામે આ પણ સ્પષ્ટ કર્યું કે તેનો બોયફ્રેન્ડ પહેલેથી જ પરણિત છે અને તેના પણ બાળકો છે. તે પહેલેથી જ પોતાના પરિવારનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. આવામાં તે મારો ખર્ચ નથી ઉઠાવી શકે, માટે મારો અને મારી દીકરીઓનો ખર્ચ મારા પતિ ઉઠાવે. અત્યારે બંને વચ્ચે કોઈ સમાધાન થયું નથી, તેમને બીજી તારીખ આપી દેવામાં આવી છે.”

બીજા સમાચારઃ “હરિયાણાના સિરસાના રહેવાસી ઇન્દ્રપાલ (૩૨)નાં લગ્ન બે વર્ષ પહેલાં શશિ નામની મહિલા સાથે પ્રેમ લગ્ન થયા હતા. શશિ પહેલાથી જ પરિણિત હતી અને તેની એક દીકરી પણ હતી. છતાં ઇન્દ્રપાલે શશિ સાથે લગ્ન કર્યા અને દીકરીને પણ પોતાની સાથે રાખી. આ લગ્નને બે વર્ષ પણ નહીં થયા હોય ત્યાં શશિએ પડોશમાં રહેતા કુલદીપ અને બાલાકાન્ત સાથે ગેરકાયદે સંબંધ બાંધ્યા અને પછી તે બંને સાથે મળીને પોતાના પતિ ઇન્દ્રપાલનું ગળું કાપીને હત્યા કરી નાખી.”

ત્રીજા સમાચારઃ “બિહારના પૂણિર્યાના રહેવાસી મુહમ્મદ જહાંગીરનાં ૧૯ વર્ષ પહેલાં ફરહાના સાથે લગ્ન થયા હતા. હાલમાં ફરહાનાની ઉંમર ૩૫ વર્ષ છે અને બંનેને બાળકો પણ છે. પરિવાર ખુશીથી જીવન જીવી રહ્યો હતો. આ દરમિયાન જહાંગીરે દિલ્હીમાં પોતાનો કારખાનો શરૂ કર્યો. અને પોતાના ગામમાંથી ચાર યુવકોને કામ પર રાખ્યા. જેમાં ૧૮ વર્ષનો રાશિદ પણ સામેલ હતો. ચારેય મજૂરોનું ખાવા-પીવા અને રહેવાનું આયોજન કારખાનામાં જ થતું હતું. ફરહાના પણ કારખાનામાં આવતી-જતી રહેતી હતી. ફરહાના અને રાશિદ વચ્ચે મિત્રતા થઈ અને બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધો બંધાવા લાગ્યા. જ્યારે જહાંગીરને આ વાતની જાણ થઈ ત્યારે રાશિદ અને ફરહાના ભાગીને પોતાના વતન પૂણિર્યા ચાલ્યા ગયા. ત્યાં તેમણે લગ્ન પણ કરી લીધા. આ વાતની જાણ જ્યારે જહાંગીરને થઈ ત્યારે તે પૂણિર્યા ગયો અને રાશિદ સામે પોતાની પત્નીના અપહરણનો ગુનો નોંધાવ્યો. પરંતુ ફરહાના અહીં પણ ન અટકી અને રાશિદની જામીન મેળવવા માટે કોર્ટમાં પહોંચી ગઈ અને કોઈપણ સંજોગોમાં જહાંગીર સાથે ઘરે આવવા માટે તૈયાર ન હતી.”

આ સમાચારો સામાન્ય છે. આ ત્રણેય સમાચારો એક જ દિવસે છપાયા છે, જે સામાન્ય વાત છે. રોજેરોજ અખબારો અને ન્યૂઝ ચેનલો પર આવા અનેક સમાચારો આવે છે. હવે પરિસ્થિતિ એનાથી ઘણી આગળ નીકળી ગઈ છે, જેની ભવિષ્યવાણી અલ્લામા ઇકબાલે ૧૯૦૫માં કરી હતીઃ

ઝમાના આયા હૈ બેહિજાબી કા આમ દીદારે-યાર હોગા
સુકૂત થા પર્દાદાર જિસ્કા વો
રાઝ અબ આશકાર હોગા
ગુઝર ગયા અબ વો દૌર સાકી કિ છુપ કે પીતે થે પીને વાલે
બનેગા સારા જહાન મયખાના

હર કોઈ બાદાખ્વાર હોગા

અત્યારના સમાજમાં વૈવાહિક સંબંધની બહારના સંબંધો એક સામાન્ય બાબત બની ગયા છે. આગરાની ઘટના તો આવા સંબંધોની પરિસ્થિતિ કેટલી આગળ વધી ગઈ છે તે દર્શાવે છે. આનાથી એવું લાગે છે કે સમાજ આવા સંબંધોને સ્વીકારવા લાગ્યો છે. એટલે જ એક મહિલા પોતાના પતિને છોડીને બીજા પરણેલા પુરુષ સાથે રહેવામાં કંઈ ખોટું નથી માનતી, પરંતુ તેને પોતાનો હક સમજે છે અને જે પતિને છોડીને ગઈ છે તેની પાસેથી ખર્ચ લેવા માટે કાયદાનો સહારો લે છે. હરિયાણાની શશીનો મામલો પણ બહુ ગંભીર છે. તે તો લગ્ન બહારના સંબંધોમાં અવરોધ બનનાર પતિની હત્યા કરવામાં પણ ખચકાતી નથી. તેણે તે જ પતિની હત્યા કરી નાખી જે માટે તે પૂર્વ પતિને છોડી ગઈ હતી. ત્રીજો બનાવ મુસ્લિમ સમાજ પર ઘણા પ્રશ્નો ઊભા કરે છે. એક વિવાહિત મુસ્લિમ મહિલા પતિ હોવા છતાં બીજો લગ્ન કેવી રીતે કરી શકે છે અને તેવા કયા લોકો છે જે તે લગ્નને માન્યતા પણ આપી રહ્યા છે. એટલું જ નહીં, તે મહિલા જે છોકરાથી લગ્ન કરે છે તે તેના દીકરાની ઉંમરના છે. આ ઘટનાઓ દર્શાવે છે કે આપણા સમાજને ગંદગીઓએ કેવી ખરાબ રીતે જકડી દીધો છે.

આપણી જવાબદારી કેટલી ?

જ્યારે અમે કુર્આનમાં અશ્લીલતા ફેલાવતી અને યૌન મામલાઓમાં હદથી આગળ વધેલી કૌમે લૂતના હાલત વાંચીએ છીએ ત્યારે તેમની પર આવેલા અલ્લાહના અઝાબથી કંપી ઉઠીએ છીએ અને સાથે જ તે સમાજથી અમને ઘિન આવી જાય છે, જે ગંદગીમાં એટલું ડૂબી ગયું હતું કે તેનાં વચ્ચે કોઈ ભલા માણસને સહન કરવાની તૈયારી ન’હોતીઃ “પરંતુ તેની કોમનો જવાબ એ સિવાય બીજો કંઈ ન હતો કે તેમણે કહ્યું,” કાઢી મૂકો લૂતના કુટુંબીજનોને પોતાની વસ્તીમાંથી, તેઓ મોટા ચોખલિયા બને છે.” (સૂરઃનમ્લઃ૫૬)

આજે આપણે આપણા સમાજની સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. શું આપણા સમાજમાં લૂતના લોકો કરતાં ઓછી ગંદકી છે, અથવા તો આપણે ગંદકીમાં તેમના કરતાં પણ આગળ વધી ગયા છીએ ? તેના કરતાં પણ વધુ ભયાનક હકીકત એ છે કે તે સમાજમાં તો હઝરત લૂત અ.સ. અને તેમના સાથીઓ સુધારનું કામ સતત કરતા હતા અને અશ્લીલતા અને અન્ય બૂરાઈઓમાં લિપ્ત લોકોને અલ્લાહના અજાબથી ડરાવતા અને સારા કામ તરફ બોલાવતા હતા, માટે જ્યારે ત્યાં અલ્લાહનો અઝાબ આવ્યો ત્યારે તેઓ બચી ગયાઃ “છેવટે અમે બચાવી લીધા તેને અને તેના કુટુંબીજનોને, તેની પત્ની સિવાય, જેનું પાછળ રહી જવાનું અમે નક્કી કરી દીધું હતું અને વરસાવ્યો તેમના ઉપર એક વરસાદ, ઘણો જ ખરાબ વરસાદ હતો તે તેમના માટે, જેમને ચેતવી દેવામાં આવ્યા હતા.” (સૂરઃનમ્લ, ૫૭-૫૮)

પણ આપણે તો આપણી આ જવાબદારી પણ નિભાવી નથી. બધું આપણી સામે થતું રહ્યું અને આપણે મૌન પ્રેક્ષક બની રહ્યા.

આપણા સમાજમાં બૂરાઈઓ વધતી ગઈ અને આપણે તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. આજના સમાચારોના સંદર્ભમાં વાત કરીએ તો એટલું જ નહીં કે આપણે શશી અને બાલાકાન્તને સાવચેત કરી શક્યા નહીં, પરંતુ આપણે તો ફરહાના અને રાશિદને પણ સંભાળી શક્યા નહીં.

આપણને અલ્લાહ દ્વારા સીધા એક કરતાં વધુ વખત આપવામાં આવેલ આ આદેશ યાદ નથી રહ્યોઃ

“હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો.” (સૂરઃ આલે ઇમરાન-૧૧૦)

અને અંતિમ નબી હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ના આ આદેશને પણ અનસુના કરી દીધાઃ “તમારામાંથી જે વ્યક્તિ કોઈ ખોટું કામ જુએ, તો તેણે પોતાની શક્તિથી તેને બદલવું જોઈએ. જો તેની પાસે એટલી શક્તિ ન હોય તો તેણે તેનો વિરોધ કરવો જોઈએ. જો તેની પાસે એટલી શક્તિ પણ ન હોય તો તેણે તેને દિલથી ન ગમતું માનવું જોઈએ અને તેને બદલવા માટે સકારાત્મક ઉપાયો વિચારવા જોઈએ અને આ ઈમાનનો સૌથી નબળો દરજ્જો છે.” (મુસ્લિમ) આ હદીસમાં બૂરાઈને બૂરા સમજવા અને તેને સારામાં બદલવાના ઉપાયો વિચારવાને ઈમાનનો સૌથી નબળો દરજ્જો ગણાવ્યો છે. તેનાથી આગળનો દરજ્જો એ છે કે બૂરાઈને બૂરાઈ જ ન સમજાય અને તેને સામાજિક સ્વીકૃતિ આપી દેવાય. આ હદીસ મુજબ આ દરજ્જો ઈમાનમાં આવતો નથી. આનાથી પણ આગળ વધીને હાલત એ છે કે ભલાઈનો આદેશ આપનારા અને બુરાઈને બળપૂર્વક રોકી દેનારા ખુદ બૂરાઈઓમાં લિપ્ત છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. આપણે આપણી જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે.

લે. મુશર્રફ અલી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here