રડવા અને માતમ કરવાના મુહર્રમ મહિનાના દસ દિવસ પસાર થઈ ગયા! પણ હવે આપણી જવાબદારી શું છે?

0
255

રજૂ. મુહમ્મદ અમીન શેઠ
આવો ! હવે વિચારીએ કે મામલો શું હતો? થોડીવાર માટે ભૂલી જાવ કે તમે શિયા છો કે સુન્ની માત્ર મુસ્લિમ હોવાની હેસિયતથી વિચારો. ઘણા બનાવો દર્દનાક પણ હોય છે પણ જો તેનામાં દીની અને માનવીય મહત્ત્વ હોય તો તે ચિંતન અને મનન પણ ચાહે છે. લાગણીનો રેલો જો તોફાની હોય તો વિચારવાની શક્તિ સંપૂર્ણપણે કામ નથી કરતી, અને વિચારવામાં ઉણપ રહી જાય તો ઘણી બાબતોમાં રિવાજો અને ચલણ જોર પકડી લે છે અને અર્થઘટન ગુમ થઈ જાય છે. મોટી ઘટનાઓ માત્ર ભૂતકાળના સંસ્મરણો નથી હોતા બલ્કે વર્તમાન માટે સબક પણ હોય છે. તેથી ઇમામ હુસેન રદિ.નું દુઃખ ને વેદના આંખોથી ટપકી જવા માટે જ નથી બલ્કે તે તો શરીરની નસોમાં પરિભ્રમણ કરી જવા અને કિરદારોની રૂહ બની જવા માટે છે.
ઇમામ હુસૈન રદિ.ની અઝમત એ છે કે તેઓ પોતાના કોઈ હિત કે સ્વાર્થ માટે નહીં બલ્કે ઉમ્મતની સુધારણા અને માનવતાની ભલાઈ માટે જીવનની તમામ દિલચસ્પીઓ છોડીને ઊભા થઈ ગયા અને પછી સત્ય અને હકની ઘોષણાના માર્ગે ચાલી નીકળ્યા તો પોતાની જાનના સાથે પોતાના સાથીઓ અને પરિવારની કુર્બાની પણ આપી દીધી. એક રસ્તો એ હતો કે તેઓ પોતાના યુગના મનોબળ તોડી નાંખતા દૃશ્યો જોઈને માતમ મનાવવા બેસી જતા કે અવાચક બાદશાહતે સત્યદીનની ખિલાફત વ્યવસ્થાને ખતમ કરીને પોતાનું સિંહાસન ગોઠવી દીધું છે. અથવા તેઓ સ્વચ્છંદ સભ્યતાના પ્રભુત્વના દુઃખમાં આંસુ વહાવતા રહેતા. ઇમામનું સ્થાન અને મરતબો એટલા માટે બુલંદ થયો કે દૃઢનિર્ધાર અને હિંમતના માર્ગે આગળ વધ્યા અને એ તાકતના હાથ પર બૈત કરવાથી ઇન્કાર કરવાનું શૂરવીરતાપૂર્વકનું કારનામું અંજામ આપ્યું. જે શૂરાઈ (સલાહ-મસ્લત) વ્યવસ્થાને બદલે એક વ્યક્તિની હકૂમત, વંશ આધારિત શાસનપદ્ધતિ, કુઆર્ન અને શરીઅતથી સ્વતંત્ર રાજ્યવ્યવસ્થા, ધન-સંપત્તિ અને ભોગ-વિલાસના પ્રદર્શનો, એશ-આરામની મહેફિલો અને કળાના નામે બિભત્સ અને દુરાચારી પ્રવૃત્તિઓ લઈને આવી હતી. ઇમામનો મસ્લક અને પંથ અફસોસ કે માતમ કરવાને બદલે જુલ્મી શાસક સામે હકની શહાદત આપનાર બનીને ઊભા થવાનો હતો, જેની પૂર્ણતાનો તબક્કો શહાદત છે.
ઇમામની મઝલૂમ શહાદત પર જેટલી હદે દુઃખ થાય છે તેનાથી વધીને ગૌરવ મહેસૂસ થાય છે કે ઇસ્લામી મિલ્લતની આ ઉજ્જવળ અને પુરનૂર શખ્સિયતે ઇતિહાસમાં એક મહાન દૃષ્ટાંત કાયમ કર્યુ છે. બલ્કે સમગ્ર માનવતા માટે રોશનીનો મીનાર ઊભો કરી દીધો છે.
ઉમ્મતની દરેક વ્યક્તિ હક અને સત્યની ધ્વજવાહક અને લોકો સામે સત્યની સાક્ષી આપનારી છે. જે દીનની દાવતથી કામનો આરંભ કરે છે. સત્યની સાક્ષી આપતાં આપતાં સમગ્ર જીવન વિતાવી દે છે. ડગલે ને પગલે સંઘર્ષ અને જિહાદના તબક્કાઓમાંથી પસાર થાય છે ત્યાં સુધી કે અમુક વખત તે શહાદતના એ પૂર્ણતાના સ્થાનને પણ પામી લે છે જેને પ્રાણોનું અભિવાદન કહેવાય છે.
આપણો ઇતિહાસ શહીદોનો ઇતિહાસ છે, સત્યની દા’વત અને સત્યની સાક્ષીનો ઇતિહાસ છે, અને સત્ય અને હક માટે પ્રાણોનું બલિદાન અલ્લાહના સમક્ષ રજૂ કરનારાઓનો ઇતિહાસ છે. આ તો સમગ્ર ઘરાનો જ શહાદત આપનારાઓનો ઘરાનો છે.
જ્યારે શહાદતની ચર્ચા ચાલી રહી છે તો પ્રથમ તો ઇમામ હુસૈન રદિ.ના સાથોસાથ મને સૈયદના ઉમર રદિ. પણ યાદ આવે છે (જેમની શહાદતથી માહે મુહર્રમનો આરંભ થાય છે). પછી સૈયદના ઉસ્માન રદિ.ની મઝલૂમીનુ ચિત્ર પણ આંખો સામે ફરી જાય છે. પછી સૈયદના અલી રદિ.ના વહેતા લોહીના અંતિમ બિંદુ પણ નજરો સામે તરી આવે છે. પછી ઇતિહાસ મારી આંગળી પકડીને હઝરત સુમૈયા રદિ.ની મૈયત પાસે લઈ જાય છે. કયારેક તે સૈયદ હમઝા રદિ.અને જઅ્‌ફર તૈય્યાર રદિ.ની કુર્બાનીની શાન બતાવે છે. કયારેક તે મને મુસ્અબ રદિ. બિન ઉમૈર રદિ. જેવા મક્કાના દેખાવડા નવયુવાનની લાશ બતાવે છે જેને ઢાંકવા માટે પૂરતું કાપડ પણ પ્રાપ્ત ન’હતું, જેથી પગ તરફ ઘાસ નાંખીને દફનાવવા પડ્યા. હું મદીનાના ૭૦ આલિમો અને કારીઓના તાલીમી કાફલાને વિરોધી સાઝિશોની ચાલબાજીઓના શિકાર થઈને શહીદ થતાં જોઈ રહ્યો છું. પછી એ ફાંસીનો ફંદો મારા દિમાગમાં ફરે છે જેના પર હઝરત ખૂબૈબ રદિ.ને મક્કાવાસીઓએ લટકાવી દીધા હતા અને બીજી તરફ ઝૈદ બિન કહશિન્ના રદિ.ને તનીમની ખીણમાં અંતિમ શ્વાસ લેતા જોઈ રહ્યો છું. પેલી તરફ ઈરાની ગવર્નર ફરવાહને ઇસ્લામ કબૂલ કરવાના ગુનામાં હુકૂમત ફાંસી આપી રહી છે. આ તરફ ઇમામ માલિક રહ. અને ઇમામ અહમદ બિન હંબલ રહ. પર વરસી રહેલા અનરાધાર નગ્ન કોરડાનો અવાજ આજે પણ દિલની ધડકનો સાથે સંભળાઈ રહ્યો છે અને ઇમામ અબૂ હનીફા રહ.અને ઇમામ ઇબ્ને તૈમિયા રહ. હકની ઘોષણાના કારણે જેલની સખત યાતનાઓ વેઠી રહ્યા છે.
આ સિલસિલો છેડાઈ ગયો છે તો મારી નજરો પોતાના સમીપના ઇતિહાસ પર પડે છે. છેવટે હું સૈયદ અહમદ શહીદ રહ. અને શાહ ઇસ્માઈલ શહીદ રહ. અને તેમની તેહરીકે મુજાહિદીનના હજારો લડવૈયા શહીદોને કેવી રીતે ભૂલી જાઉં ? અનહદ ફલસ્તીનીઓના રકતની લાલાશ આંખો સામેથી કેવી રીતે દૂર થઈ જાય ? અદનાન મન્દરીસની મોતની સજાને કેવી રીતે ભુલાવી દેવાય ? ઇમામ હસનુલ બન્ના રહ. અને સૈયદ કુત્બ શહીદ રહ. અને તેમના સાથીઓનું સર્વસ્વ કુર્બાન કરી દેવાને હિસાબમાંથી કેવી રીતે કાઢી નંખાય ? મધ્ય એશિયાના તે મુસલમાનો જેઓ સામ્યવાદીઓના પાશવી અત્યાચારોના ભોગ બન્યા. એ જેઓએ ઈરાની બાદશાહતના વિરુદ્ધ કુર્બાનીઓ આપી અને તે જેઓ અફઘાનિસ્તાનમાં રશિયન સામ્રાજ્ય સામે વર્ષો સુધી લડતા લડતા શહીદ થતા રહ્યા. પછી તેઓ જે અરીટેરિયામાં, યૂનાનમા, દક્ષિણ ફિલિપાઇનમા, મુસલમાન હોવાની કિંમત પોતાના લોહી અને હાડકાઓથી આપી રહ્યા છે. વધુમાં તે નિઃસહાય મુસલમાન જે કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ, અને મ્યાનમાર ઉપરાંત ખુદ ભારતમાં સતત જીવનને ભેટ ચડાવી રહ્યા છે. શું શહાદતની આ મહેફિલમાં આ લાખો લોકોનું કોઈ સ્થાન નથી ?
આ બધા ઇમામ હુસેન રદિ.ના સાથીઓ છે. વિવિધ શહીદોની કરબલાઓ અલગ અલગ છે તેમના કૂફા જુદા જુદા છે. તેમના શિમર(હઝરત હુસેન રદિ.નો હત્યારો) વિવિધ છે. પરંતુ આ તમામ એક જ ઈમાની જ્યોત પર બળી જઈને ખાક થઈ જનારા પરવાના છે.
હુસૈન રદિ.આ બધાના છે અને આ બધા હુસૈન રદિ.ના છે.
આપણે જે જીવતા છીએ..આપણે પણ જાણવું પડશે કે આપણે આધુનિક સભ્યતાએ બનાવેલ કરબલામાં ઊભા છીએ. ભૌતિકવાદી વિકરાળતા ધરાવતો ભયાનક રણ આપણા ચારેકોર ફેલાયલો છે. આ રણમાં દરરોજ નવી ક્રાન્તિકારી ઘટનાઓના બાળી નાંખતા તણખાઓ ઊઠે છે. આમાં મહેરૂમીઓના કાંટાઓ ફેલાયલા છે. આમાં જે નદીઓ વહે છે તેનું પાણી પીવાથી તરસ વધારે ભડકે છે, અને આ રણમાં ભૌતિકવાદી લશ્કરોથી ઘેરાયેલ દરેક વ્યક્તિનું આત્મસન્માન અને વ્યક્તિત્વ ધીરે ધીરે કપાતું જાય છે.
સ્વંય મુસલમાનોની દુનિયામાં જુઓ તો ક્યાંક વંશપરંપરાગત બાદશાહતનો જુલ્મ છે, તો કયાંક સરમુખત્યારશાહી જામેલી છે, ક્યાંક કહેવાતી ઇસ્લામી હુકૂમતો છે તો તે અલ્લાહ અને રસૂલના આપેલા હક્કોને ખાઈ જનારી અને શરિયતના કાનૂની તકાદાઓથી તદ્દન અલિપ્ત કયાંક કોઈ સારો શાસક આવી પણ જાય તો સરકારી તંત્રની મશીનરી સેકયુલર અને સામ્યવાદી વિચારધારાની છે અને આદેશો લાગુ પાડનારા અધિકારીઓ ફિરઔની સ્વભાવ ધરાવે છે. કયાંક મહેનત વધારે તો પ્રાપ્ત થોડું થાય. કયાંક એક તરફ એશ-આરામ ને જાહોજલાલી અને બીજી તરફ ગરીબી ને દરિદ્રતા. પછી કલ્ચરના નામ પર એ જ તમાશા અને નાચગાન.
પણ આપણી સ્વયંલોલુપતા એ છે કે આપણી તમામ દિલચસ્પીઓ આવકો વધારવા સુધી જ સીમિત અને વકફ છે. ધન-દૌલત હવે એક જરૂરતથી આગળ વધીને રીતસર એક બૂત(આરાધ્યદેવ) બની ગઈ છે. આપણે તમામ ઉચ્ચ ધ્યેયોને ભૂલી જઈને જીવન-સુખ અને જીવનસ્તર વધારવા પાછળ દોડી રહ્યા છીએ. બીજાઓના હક્કોને નઝરઅંદાજ કરીને નોકરીઓ અને કારોબાર કરીએ છીએ. હોટલોમાં સુકૂન પ્રાપ્ત કરીએ છીએ. રેડિયોથી માહિતી મેળવીએ છીએ અને ટી.વી.થી મજા મેળવીએ છીએ. વીસીઆર દ્વારા બલ્યુ ફિલ્મો સુદ્ધાં જોઈએ છીએ. ઠંડીમાં હીટર નીચે અને ગરમીમાં એસીના છાંયડામાં આપણે ન જાણે કયા જિહાદમાં મશ્ગૂલ છીએ અને કયો ઇન્કલાબ લાવવો આપણી નજરસમક્ષ છે? ખબર નથી ક્યાં કરબલા તરફ પ્રયાણ છે ? કઈ શક્તિને ચેલેન્જ કરવાનો નિર્ધાર છે?
આપણે જે મુસલમાન છીએ સુન્ની હોઈએ કે શિયા કયારેય પણ આપણે એ વિચાર્યું છે કે મુસલમાન હોવાનો અર્થ શું છે? કયારેય એ વિચાર્યુ છે કે આપણે બીજાઓ સાથે શું શું અતિક્રમણ(જ્યાદતી) કરી રહ્યા છીએ? કયારેય વિચાર્યુ કે આપણે કમાઈએ છીએ કેવી રીતે? અને કેવી રીતે ખર્ચ કરીએ છીએ? કયારેય એ વિચાર્યું કે આપણી પ્રવૃત્તિઓ શું છે? કયારેય હિસાબ કર્યો કે આપણા સમાજમાં ખયાનતનું પ્રમાણ કેટલું છે ? કયારેય અંદાજો કાઢયો કે હરામખોરી કેટલા ટકા છે? તે આપણા જ ભાઈઓ છે જે વિવિધ ગુનાઓમાં જેલોમાં છે, તે આપણા જ ભાઈઓ છે જેઓ હત્યા કરીને ફાંસી ચડે છે અને લાંબા કારાવાસ ભોગવે છે, અને ઘણા કાનૂનની પકડથી બચી પણ જાય છે. તેઓ આપણાં જ માહૌલમાં ઉછરેલા છે જેઓ ચોરી કરે છે અને ખિસ્સાકાતરૂ છે. આપણા જ સમુદાયના હમસફર છે જેઓ વ્યભિચાર, જુગાર, દાણચોરી અને વ્યાજમાં ગ્રસ્ત છે. તેઓ આપણા જ હમદમ અને હમકૌમ છે જેઓ નમાઝોને છોડી દેનારા, રોઝાખોર અને ઝકાતચોર છે. આપણા ત્યાં એ અદબ પેદા કરવામાં આવે છે જેમાં ખુદા અને મઝહબની હાંસી ઉડાવીને મજા માણવામાં આવે છે. ખુલાસો એ કે આપણું સામૂહિક વ્યક્તિત્વ અને કિરદાર એ ધ્યેયથી તદ્દન વિપરીત વૃદ્ધિ પામી રહ્યા છે જેના માટે કરબલાના શહીદે કુર્બાની આપી હતી.
છેવટે જે મુસલમાનને એ જ ખબર ન હોય કે મુસલમાન શું હોય છે ? તે હુસૈન રદિ.ને શું સમજશે ? કેવીરીતે સમજશે ? અને શહાદતે હુસૈન રદિ.થી શું સબક પ્રાપ્ત કરશે ?
હું જ્યારે પોતાની આ વિષમ પરિસ્થિતિને જોઉં છું તો વિચારૂં છું કે આપણા પતનનું પણ માતમ કરવું જોઈએ અને જુલૂસ કાઢવું જોઈએ. પોતાના હિતો અને સ્વાર્થો પર પણ અધિવેશન બોલાવવા જોઈએ. પરંતુ પછી મને તરત જ મારૂં ઈમાન અને શઉર આ વિચારથી રોકી દે છે. સમાજોની સુધારણા માતમોથી નથી થતી. કૌમોનું ઉત્થાન અને નિર્માણ શોક કે વિલાપ કરવાથી નથી થતાં. બદીની તાકતોને આંસૂઓથી પરાજિત કરી શકાતી નથી. આ કામો માટે તો એવો જ દઢનિર્ધાર, એવો જ આગેકૂચનો જોશ અને જઝબો. એવી જ ઉત્કંઠા, સત્યની ઉદ્‌ઘોષણા અને એવો જ શહાદતનો ઝૌક અને શોખ દરકાર છે. જેનું પ્રદર્શન ઇમામ હુસૈન રદિ.એ વિશ્વ સમક્ષ કરીને બતાવી દીધું.
અલ્લાહના રસૂલ સ.અ.વ.ની ઉમ્મતની ભલાઈ તો માત્ર એમાં જ છે કે અલી રદિ. અને હુસૈન રદિ.થી સબક પ્રાપ્ત કરનારાઓ પણ અને અબૂ બક્ર રદિ. તથા ઉમર રદિ.થી આદર્શ અને દૃષ્ટાત લેનારા પણ લોકો સામે સત્યની સાક્ષી આપનારા બનીને ઊઠે. સચ્ચાઈ અને પ્રમાણિકતાને ફેલાવે. હરામ રોજગારનો એક દાણો પણ સ્વીકારવાને બદલે ભૂખ્યા રહેવાનું પસંદ કરે અને ઇસ્લામી સમાજમાં બાદશાહત અને સરમુખત્યારશાહી સાથે નાસ્તિકતા અને ભૌતિકતાની સ્વાર્થપરસ્તી અને તેમાંથી જન્મેલ કલચરની દારૂપસંદી અને નાચગાનની નગ્નતાને એવી જ રીતે ઠોકરે મારે જેવી રીતે હઝરત હુસૈન રદિ.એ એને રદ કરીને ઠુકરાવી દીધી હતી. તો જ આશા બંધાય કે આપણે ઇમામ હુસૈન રદિ.ના માર્ગે થોડા ઘણા ચાલવાના પાત્ર બની શકીએ.
અલ્લાહ આપણી મદદ ફરમાવે.
(તર્જુમાનુલ કુઆર્ન-ડિસેમ્બર ૧૯૮૧થી સાભાર..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here