- એજાઝ અહમદ અસ્લમ
વિશ્વના પ્રારંભે, સર્વપ્રથમ માણસ અલ્લાહના પ્રથમ પયગંબરને આદેશ આપવામાં આવ્યો હતોઃ “તમે સૌ અહીંથી ઊતરી જાઓ, પછી જો મારા તરફથી કોઈ માર્ગદર્શન તમારા પાસે આવે, તો જે લોકો મારા તે માર્ગદર્શનનું અનુસરણ કરશે, તેમના માટે કોઈ ભય અને દુઃખનો અવસર નહીં હોય.” (સૂરઃબકરહ-૩૮)
જેના પરિણામે, અલ્લાહની ઇચ્છા સામે સમર્પણ અને તેની દાસતા નિભાવવા તેમજ તેના કાયદા અને માર્ગદર્શનનું પાલન કરવાનો સંદેશ માનવજાતની લાંબી યાત્રા દરમિયાન વિવિધ દેશો અને યુગોમાં વારંવાર આપવામાં આવ્યો હતો. અંતે, ૭મી સદીમાં અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ.ના ધ્યેય દ્વારા તે સંદેશને સંપૂર્ણ બનાવવામાં આવ્યો હતો. ધીમે ધીમે આ જીવનપ્રેરક સંદેશ સમસ્ત વિશ્વમાં ફેલાયો હતો. ટૂંકમાં, તે સમગ્ર માનવજાત માટે અલ્લાહના સંપૂર્ણ અને શાશ્વત સંદેશનો સાર છે.
મુસ્લિમ ઉમ્મતને આકાશીય જીવનપદ્ધતિનું સંપૂર્ણપણે અનુસરણ કરવાની ફરજ સોંપવામાં આવી હતી, જેમાં અત્યંત શ્રદ્ધા અને ઈમાન સાથે ચાલવું જરૂરી છે. ઉમ્મતે ઘણા ઉતાર-ચઢાવ પાર કર્યા છે. ઇસ્લામ પ્રત્યેની ઉમ્મતની વફાદારી હોવા છતાં, કેટલીકવાર તેણે ખરાબ દિવસોનો સામનો કરવો પડ્યો છે અને જે સંદેશનો અમલ કરવા તે બંધાયેલી છે તેના પર ન્યાય નથી કરી શકી.
પહેલાંના જમાનાની સાપેક્ષમાં આજે દુનિયા એક નાના ગામડા જેવી થઈ ગઈ છે. ઝડપથી વિકસતા સંચાર સાધનોને કારણે માહિતીની આપ-લે કરવી ખૂબ જ આસાન થઈ ગઈ છે. ઇન્ટરનેટને કારણે આજે જે શક્ય બન્યું છે તેની થોડા દાયકાઓ પહેલાં કલ્પના પણ ન’હોતી કરી શકાતી. પણ, શું ઉમ્મત આ સુવિધાઓનો પૂરેપૂરો લાભ લઈ રહી છે ? ના, જરા પણ નહીં.
બીજી બાજુ, આપણે જોઈએ છીએ કે વિવાદોથી ભરેલી આ દુનિયાને સાચો પ્રેમ, નમ્રતા, સહાનુભૂતિ અને સર્વવ્યાપી દયાભાવની જરૂર છે. પવિત્ર કુઆર્ન, જે અલ્લાહનો અંતિમ સંદેશ છે, તેની નિસબત ધરાવતા વિશ્વના મુસ્લિમો દુઃખી માનવજાત માટે જરૂરી ઔષધ તેમજ સર્વરોગ નિવારક ઔષધિ પૂરી પાડી શકે છે. તેમાં બધા પ્રશ્નોના ઉકેલ, બધી સમસ્યાઓનું સમાધાન અને બધા રોગોનો ઉપચાર છે. આજે દુનિયા અલ્લાહે નક્કી કરેલી પરિવાર વ્યવસ્થાના વિનાશ સામે ઝઝૂમી રહી છે.
લગભગ ૩૬ વર્ષ પહેલાં “ધ ટાઇમ્સ” અખબારે ઇસ્લામ વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં એમ કહેવાયું હતું કે ઇસ્લામને ખરાબ રીતે રજૂ કરવામાં આવે છે અને મીડિયા દ્વારા સામાન્ય રીતે તેનું ખોટું ચિત્ર ઊભું કરવામાં આવે છે, તેમ છતાં વધુ ને વધુ લોકો ઇસ્લામમાં શાંતિ અને આશ્વાસન શોધી રહ્યા છે. સદર લેખમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે, ઇસ્લામ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે તેવું ચિત્ર ઊભું કરવામાં આવે છે, પરંતુ વધુ ને વધુ પશ્ચિમી સ્ત્રીઓને એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે, ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ કરતાં સ્ત્રીઓને વધુ માન, ગૌરવ અને રક્ષા આપે છે. તેથી, “ધ ટાઇમ્સ”એ લખ્યું હતું કે, જેમ બ્રિટનમાં થઈ રહ્યું છે તે જ અમેરિકામાં પણ થઈ રહ્યું છે, કે જો એક પુરુષ ઇસ્લામ સ્વીકારે છે, તો તેની સામે બે સ્ત્રીઓ ઇસ્લામ સ્વીકારે છે.
તાજેતરના વલણો સૂચવે છે કે ઇઝરાયેલી યુદ્ધના નરસંહાર, જેણે ગાઝાને બરબાદ કરી દીધું છે, તેણે પશ્ચિમના લોકોને ઇસ્લામ વિશે વિચારવા માટે પ્રેરિત કર્યા છે. ગાઝાના લોકોને હિંમત અને દૃઢતાથી તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા મળી છે. તેઓ માને છે કે આ બધું અલ્લાહની મદદ અને સમર્થનમાં મુસ્લિમ શ્રદ્ધાના ઊંડાણનું પરિણામ છે. આ ઇસ્લામ અને તેના ઉપદેશમાં રસના નવીનીકરણનું કારણ બની રહ્યું છે. હવે મીડિયાના મતે, પશ્ચિમમાં એક પુરુષ ઇસ્લામ સ્વીકારે છે ત્યારે તેની સાપેક્ષે ત્રણ મહિલાઓ તેને અપનાવે છે.
આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, સમગ્ર વિશ્વ માટે જ નહીં પણ ખાસ કરીને ભારત માટે, જે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ સમયે, મુસ્લિમ સમુદાયે ધામિર્ક સંદેશ પર પાછા ફરવાની અને તેમના જીવનમાં તેનો સંપૂર્ણ અમલ કરવાની તાત્કાલિક જરૂર છે. ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો દરેક સ્ત્રી અને પુરુષ માટે અલ્લાહની અનંત દયા અને કરુણા પર ભાર મૂકે છે. આ સંદેશનો અર્થ એ થાય છે કે મુસ્લિમોએ શ્રેષ્ઠ માનવ મૂલ્યો, જેમ કે દયા, સહાનુભૂતિ, ન્યાય અને સમાનતાને પોતાનામાં ઉતારી લેવા જોઈએ. તેમણે તેમના ચારિત્ર્યને નિર્દોષ બનાવવાનો અને સમગ્ર સમાજના સાચા કલ્યાણકારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે, ભારતીય મુસ્લિમ સમુદાય આજના વિશ્વમાં વ્યાપ્ત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને શાંતિ, સુખાકારી, પ્રેમ અને સર્વ રોગોથી મુક્તિનો માર્ગ મોકળો કરી શકે છે. નવા હિજરી વર્ષ ૧૪૪૬ ની શરૂઆત સાથે, આપણે આશા રાખીએ છીએ કે ભારતીય મુસ્લિમ સમુદાય આ ઇસ્લામી સંદેશને ખુલ્લા હૃદયે સ્વીકારશે અને તેમના જીવનમાં તેનો સંપૂર્ણ અમલ કરશે. આ પ્રયત્ન દ્વારા, તેઓ માત્ર ભારતને જ નહીં પણ સમગ્ર વિશ્વને વધુ સારૂં બનાવવામાં મદદ કરી શકશે.