Home તંત્રીલેખ ન્યાયના ધ્વજવાહક બનો

ન્યાયના ધ્વજવાહક બનો

0
83

ફલસ્તીનનો પ્રશ્ન

મસ્જિદે અકસા કે બૈતુલ મકદિસ નામ સાંભળતાં જ દિલ ઝૂમવા લાગે છે. આ પવિત્ર સ્થાન સાથે વિશ્વના મુસલમાનોનું એક દીની અને ભાવનાત્મક સંબંધ છે. એમ તો બૈતુલ મકદિસ એક માત્ર એવું સ્થાન છે જે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનો માટે પવિત્ર છે. કેમકે ત્રણેય ધર્મો ઇબ્રાહીમ અલૈ. સાથે સુસંગત છે. આ જ મુસલમાનોનું પ્રથમ કિબ્લો છે, જે બાજુ રૂખ કરી શરૂવાતમાં નમાઝ પઢતા હતા. એક રિવાયતમાં છે, જ્યારે અલ્લાહના રસૂલ સ.અ.વ. મદીના આવ્યા, ત્યારે સોળ કે સત્તર મહિના સુધી આપે બૈતુલ મકદિસ તરફ ચેહરો કરી નમાઝ અદા કરી. (તિમિર્ઝી -૩૪૦)

ઇબ્રાહીમ અલૈ.એ હઝરત ઇસ્માઈલ અલૈ. સાથે મળી ખાનએ કા’બાનું નિર્માણ કર્યું. અને તેના કેટલાક વર્ષો પછી આપના બીજા પુત્ર ઇસહાક અલૈ. સાથે મસ્જિદે અક્સાનું નિર્માણ કર્યું. તેનું પુનઃ નિર્માણ હઝરત સુલેમાન અલૈ.ના જમાનામાં થયું. હઝરત અબૂઝર રદિ. કહે છે કે મેં પૂછ્યું, “હે અલ્લાહના રસૂલ ﷺ! પૃથ્વી પર સૌ પ્રથમ કઈ મસ્જિદ બાંધવામાં આવી છે? આપે કહ્યુંઃ “મસ્જિદ હરામ.” મેં પૂછ્યુંઃ તે પછી કઈ ? આપે કહ્યુંઃ અલ-અક્સા મસ્જિદ.” હઝરત મુહમ્મદ ﷺ એ કહ્યું કે ત્રણ મસ્જિદો એવી છે જ્યાં નમાઝ પઢવી બીજી મસ્જિદોમાં ૧૦૦૦ નમાઝ પઢવાથી અફઝલ છે. તેમાં મસ્જિદ-એ-હરમ (મક્કા), મસ્જિદ એ નબવી (મદીના) અને મસ્જિદે અક્સા (પેલેસ્ટાઇન) છે.

મૂળ પ્રશ્ન આ છે કે પેલેસ્ટાઇન (ફલસ્તીન) કે જે ત્રણેય ધર્મો માટે પવિત્ર સ્થળ છે તેના ઉપર માલિકી હક કોનું છે.? હવે માલિકી હક નક્કી કરવા માટે એક રીત છે કે જમીનના દસ્તાવેજી પુરાવા જોવામાં આવે. આ મેથડથી જોઈએ તો જમીન મૂળ આરબ પેલેસ્ટિનિયનોની છે. બીજી રીત આ હોઇ શકે કે કોના પૂર્વજાે અહીં વસ્યા હતા. આ રીતે પણ જોઈએ તો પેલેસ્ટિનિયનો ઇબ્રાહીમ અલૈ.ના પુત્ર હઝરત ઇસહાક અલૈ.ના વંશજ છે. ત્રીજી રીત આ હોઈ શકે કે ધામિર્ક વૈચારિક રીતે કોની લિગેસી છે. ત્રણેય ધર્મો હઝરત ઇબ્રાહીમ અલૈ. સાથે પોતાનું સંબંધ જોડે છે. હઝરત ઇબ્રાહીમ અલૈ. એ સમગ્ર અરેબિયન આઇલેન્ડ ઉપર એક અલ્લાહની બંદગી કરવા અને તેનું આજ્ઞાપાલન કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેમના વંશજોમાંથી જેમ જેમ લોકો વાસ્તવિક માર્ગદર્શનને ભૂલતા ગયા આપના શિક્ષણનું પુનર્જીવન કરવા માટે અલ્લાહ બીજા નબીઓ મોકલ્યા જેમાં હઝરત સાલેહ અલૈ. હઝરત હૂદ અલૈ. હઝરત દાઊદ અલૈ. હઝરત સુલેમાન અલૈ. વગેરે પેગંબરોને મોકલ્યા. હઝરત મૂસા અલ પણ તે જ શિક્ષણ લઈને આવ્યા. તેમના પછી તેમના કહેવાતા અનુયાયી યહૂદા નામના વ્યક્તિથી યહૂદી ધર્મની શરૂવાત થઈ. યહૂદીઓમાં ધામિર્કને નૈતિક બગાડને દૂર કરવા અલ્લાહે હઝરત ઈસા અલૈ.ને મોકલ્યા. આપે લોકોને એક અલ્લાહની બંદગી કરવા અને બની ઈસરાઈલ (યહૂદીઓ)ની સુધારણા કામ કર્યું પરંતુ આ લાલચુ અને સ્વાર્થી લોકોએ હઝરત ઈસા અલ ને પણ જુલમનું નિશાન બનાવ્યું. હઝરત ઈસા અલૈ.ના વર્ષો પછી (ઈસાઈ)ખ્રિસ્તી ધર્મની સ્થાપના થઈ. તેથી બંને બૈતુલ મકદિસ તરફ પ્રાર્થના કરતા હતા. આ બધા પેગંબરો હઝરત ઇબ્રાહીમ અલૈ.ના પુત્ર ઇસહાકના વંશમાંથી આવ્યા. મક્કામાં હઝરત ઇબ્રાહીમ અલૈ.ના મોટા પુત્ર ઇસ્માઇલ અલૈ. ના વંશજો હતા. અલ્લાહે તેમના વંશજમાંથી અંતિમ રસૂલ તરીકે હઝરત મુહમ્મદ ﷺને મોકલ્યો. નમાઝ ફર્ઝ થઈ ત્યારે આપ ﷺ પણ બૈતુલ મકદિસ તરફ ચેહરો કરી નમાઝ પઢતા હતા. નમાઝ દરમ્યાન અલ્લાહ તરફથી કિબ્લો બદલવાનો આદેશ આવ્યો અને આપે પોતાનો ચેહરો ખાના એ કા’બા તરફ ફેરવી લીધો. આ જ પવિત્ર સ્થાનથી આપ ﷺ મેઅરાજના સફર પર ગયા હતા, અને તમામ નબીઓને નમાઝ પઢાવી હતી . ખાના-એ-કાબાની જેમ બૈતુલ મકદિસ પણ અલ્લાહનું ઘર છે. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ ઇબ્રાહીમ અલૈ. નો જે વેચરિક વારસો હતો તેને ભૂલી ગયા અને તેને હઝરત મુહમ્મદ ﷺ એ વિશુદ્ધ રૂપે પ્રસ્થાપિત કર્યો. તેથી તેના ઉપર પેલેસ્ટિનિયન મુસલમાનોનો હક છે. હવે એક બીજા કોણથી પણ જોઈએ. હઝરત ઉમર ફારૂક રદિ.ના જમાનામાં બૈતુલ મકદિસ મુસલમાનોએ ખ્રિસ્તીઓથી જીતી લીધું. આ વિજય વખતે કોઈ નરસંહાર કરવામાં ન’હોતો આવ્યો. તે સમયે ખ્રિસ્તીઓ સાથે જે કરાર થયો તેમાં તેમને ધામિર્ક સ્વતંત્રતા સાથે પેલેસ્ટાઇનની જમીન પર રહેવાનો અધિકાર આપ્યો. ત્યારે ખ્રિસ્તીઓએ યહૂદીઓ સાથે રહેવાની ના પાડી અને તેથી તેમને બીજી જગ્યાએ વસાવવામાં આવ્યા. ૧૧મી સદીમાં ખ્રિસ્તીઓએ ફરી પેલેસ્ટાઇન પર કબજો જમાવ્યો અને મોટા પાયે મુસલમાનોનું નરસંહાર કર્યું. એટલું જ નહિ આગામી વર્ષોમાં તેમણે મુસલમાનો ઉપર ખૂબ જ જુલ્મ કર્યા. ૯૧ વર્ષ પછી નૂરુદ્દીન જંગીના જાંબાજ કમાન્ડર સલાહુદ્દીન ઐયૂબીએ ફરીથી બૈતુલ મકદિસ ફતેહ કર્યું અને લોકો સાથે દયાનું વર્તન કર્યું. ત્યારથી ખિલાફત એ ઉસ્માનિયાનું પતન થયું ત્યાં સુધી કોઈ યહૂદી પેલેસ્ટાઇનમાં જમીન ન’હોતો ખરીદી શકયો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરો કે જેઓ આરબ દેશો ઉપર કબજેદાર હતા તેમણે જબરદસ્તી યહૂદી ઝીઓનિસ્ટને મદદ કરી તેમને વસાવવનું શરૂ કર્યું. અને ધીમે ધીમે પેલેસ્ટાઇનની જમીન કબ્જે કરવા લાગ્યા. લોકોને ઘરોમાંથી કાઢી મૂકતાં અને હિંસા કરતા. યહૂદીઓની ઘુસપેટ અને જુલ્મ વધ્યું તો ૧૯૪૭માં યુદ્ધ થયું. અને ૧૯૪૮માં પ્રથમ વાર ઇઝરાયલે એક રાજ્ય તરીકેની ઘોષણા કરી. જો કે વેશ્વિક સ્તરે તેને સ્વિકૃતિ મળી નથી. પરંતુ ઇઝરાયલની ઘૂસપેટ અને હિંસા અને હત્યામાં કોઈ ફરક પડ્‌યો નથી, કેમકે તેને અમેરિકા જેવી મહાસત્તાઓનું પીઠબળ પ્રાપ્ત હતું. ૧૯૬૭માં ફરી યુદ્ધ થયું અને એક કરાર કરવામાં આવ્યું. પરંતુ ઇઝરાયલે ક્યારેય આ કરાર ની પાબંદી ન કરી, અવારનવાર સંયુક્ત રાષ્ટ્રે તેની ટિપ્પણી પણ કરી પરંતુ ઈઝરાયલ ક્યારેય રોકાયો નહીં. ડિપ્લોમસીના સ્તરે પેલેસ્ટાઇનને સ્વતંત્ર કરાવવાના અલ ફત્હના પ્રયત્નો નિષ્ફળ જ રહ્યા. ૧૯૮૭ની બગાવત પછી શૈખ અહમદ યાસીને મિલિટિયન્ટ ગ્રુપ હમાસની રચના કરી. ૨૦૦૬માં ચૂંટણી થઈ. તેમાં બહુમતી હમાસને સત્તાની બાગડોર સુપરદ કરી. ત્યાર પછી અલ્ફત્હ અને હમાસ વચ્ચે ઝડપ થઈ અને પેલેસ્ટાઇન બે ભાગમાં વહેંેચાઈ ગયો. અત્યારે ગાઝા હમાસના શાસન હેઠળ એક એન્ટિટી છે અને વેસ્ટ બેંક અલ્ફત્હ હેઠળ.

ગાઝાની નાની સરખી વસતીની હાલની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે તે એક ઓપન એર જેલ કે કન્સન્ટ્રેશન કેમ્પ જેવો છે. લાઇટ, ભોજન, પાણી દરેક વસ્તુ ઇઝરાયલનો કબજો છે અને ખૂબ જ સીમિત માત્રામાં સપ્લાય કરવામાં આવે છે. ઇઝરાયલ તરફથી બાળકો કે સ્ત્રીઓનું અપહરણ, કોઈ પણ ઘરમાં ઘુસી જઈ કબજો કરવો, બ્લાસ્ટ કરવો બુલ્ડોઝર ચલાવવું રોજ બરોજની ઘટના બની ગઈ છે. તેના પ્રતિકાર રૂપે હમાસે આકરૂં પગલું ભર્યું છે. ભારતની સ્વતંત્રતા ચળવળમાં એક બાજુ ગાંધીબાપુની અહિંસક લડાઈ ચાલતી હતી, તો બીજી બાજુ ૧૮૫૭નું યુદ્ધ, સુભાષ ચંદ્ર બોઝના પ્રયત્નો, ભગતસિંહ, ચંદ્રશેખર અને અશફાકુલ્લાહ ખાન જેવા વીર પુરુષોનું સંઘર્ષ પણ ભૂલી ન શકાય. કોઈ પણ દેશની સ્વતંત્રતા તેના નાગરિકોનો જન્મસિદ્ધ અને મૂળભૂત અધિકાર છે. હમાસના હુમલા પેહલાંની જેં પ્રિરિકોર્ડેડ્‌ વીડિયો સામે આવી તેના ઉપરથી સ્પષ્ટ થાય છે જે તેવો મૂળભૂત ઇસ્લામી અને માનવીય મૂલ્યોને વળેલા છે. અને તેમનું નિશાન ઇઝરાયલના સૈનિકો છે. પરંતુ ઇઝરાયલે સામાન્ય નાગરિકો માટે પણ જે રીતે દરેક મૂળભૂત જીવન જરૂરી વસ્તુઓનો પ્રતિબંધ મૂક્યો છે તે અમાનવીય અને પ્રાણી-વર્તન છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયે પેલેસટાઇનની પડખે ઊભા રહેવાની જરૂર છે અને બંને વચ્ચે ન્યાયિક રીતે શાંતિ સ્થાપવા પોતાના પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ. કેમકે “જંગ ખુદ એક મસ્લા હૈ, વો ક્યા મસ્લે કા હલ દેગી.” ભારતે લાંબા સમય સુધી ગુલામીની પીડા સહન કરી છે તે પરિસ્થતિને સમજી શકે છે. તેથી ગાંધીજીથી અત્યાર સુધી પેલેસ્ટાઇન વિશે ભારતની જે નીતિ રહી છે તેં મુજબ સ્ટેન્ડ લેવાની જરૂર છે. આ સમસ્યા ભાવના કરતાં ન્યાયથી વધુ સંબંધ ધરાવે છે. કુઆર્નનો આદેશ છે, ન્યાયના ધ્વજવાહક બનો. અને આ જ માનવની અંતરાત્માનો સાદ પણ છે.

– શકીલ અહમદ રાજપૂત

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here