જે પેઢી વિશે એવું માનવામાં આવે છે કે, આ પેઢી હવે ટેકનોલોજી અને સોશિયલ મીડિયામાં જ રત છે તેને લોક-લાગણી કે સામાજિક ગિતિવિધિઓની કાંઈ જ પડી નથી અને તે કશું જ નહીં કરી શકે. એ જ પેઢીએ જ Gen Z જનરેશને નેપાલમાં સરકારને ધરાશાયી કરી દીધી છે, નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને મજબુર કરી દીધા રાજીનામુ આપવા માટે. જો કે, એ જુદી વાત છે કે, આ વિરોધ પ્રદર્શન વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઝાલાનાથ ખાનલના પત્ની રાજયલક્ષ્મી ચિત્રાકારને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, નાણાંમંત્રી વિષ્ણુપ્રસાદ પાઉદલને દોડાવી દોડાવીને મારવામાં આવ્યા છે, ખુદ વડાપ્રધાનનું ઘર અને સંસદભવન બાળી દેવામાં આવ્યા છે. આવામાં અત્રે પ્રશ્ન એ પ્રસ્તુત થાય છે કે, આમાં ખરેખર કારણ શું છે કે, Gen Z સહિત લોકોનો ગુસ્સો આટલો તો વળી કેમ ભડક્યો કે, જેનાથી આટલી હદે વિરોધપ્રદર્શન ભભૂકી ઉઠ્યુ છે. શું, માત્ર સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ જ છે કે, જેને મોટાભાગના (ગોદી) મીડિયા સમૂહો જવાબદાર માની રહ્યા છે, આ ભભૂકેલા ગુસ્સાની પાછળ? તો અહીં જવાબ છે, ના!!
આની પાછળના કારણો બહુ ઊંડા અને બીજા છે. વાત છે, અહીં 8 સપ્ટેમ્બરની કે, જ્યારે મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ “હામી-નેપાલ” નામની એક સામાજિક સંસ્થાની આગેવાનીમાં વિરોધપ્રદર્શનમાં ઉમટયા. એવામાં કેટલાક પ્રદર્શનકારીઓ સંસદભવન પટાંગણમાં પ્રવેશી ગયા જેમની પર લાઈવ બુલેટ સાથે માથા અને છાતીના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં એક 12 વર્ષના કિશોર સહિત 19 પ્રદર્શનકારીઓના કરુણ મોત નિપજ્યા અને 400થી વધારે લોકો ઘાયલ થયા. આ ઘટના દેશભરમાં પ્રસરી જાય છે. સીધી વાત છે કે, કોઈ પણ નાગરિક આ પ્રકારની તાનાશાહી અને ક્રુરતા સાંખી ન શકે અને તરત જ આ વિરોધ સમગ્ર દેશભરમાં કાઠમંડુ ઉપરાંત પોખરા, બુટવલ, ભરતપુર સહિત દમકમાં આગની જ્વાળાની જેમ ભભૂકી ઉઠયો.
આ વિરોધની પાછળ સૌથી મોટું કારણ કે, જેની મીડિયામાં જોર-શોરથી ચર્ચા ચાલી રહી છે તે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ છે. આ એક ત્વરિત કારણ તો છે જ પરંતુ આ ઉપરાંત અન્ય બીજા અનેક ઘણું મહત્ત્વ ધરાવતા પૃષ્ઠભૂમિ ઊભી કરનારા કારણોમાં – અત્યધિક વધી ગયેલ ભ્રષ્ટાચાર, સરકારનું મિસ ગવર્નન્સ, સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓનું પરિવારવાદ, જાતિગત ભેદભાવ, મીડિયા સેન્સરશીપ, સતત વધતું આર્થિક સંકટ અને સવિશેષ યુવાઓમાં સતત વધતી બેરોજગારી અને બેચેની પણ છે. જન સમસ્યા ત્યારે અનેક ઘણી વધી જાય છે કે, લોકવાચાને સહાનુભૂતિની સાથે સાંભળવાને બદલે સત્તાના નશામાં મીડિયા પ્રતિબંધોથી દબાવી અને કચડી દેવામાં આવે છે. આ વિશ્વભરના બધા જ દેશો માટે એક બોધપાઠ સમાન છે કે, જ્યારે ભ્રષ્ટાચાર, અન્યાય, મીડિયા સેન્સરશીપની સાથે લોકવાચાને દબાવી દેવામાં આવે અને યુવાઓની સમસ્યાઓ અને વાચાને આંખ આડા કાન કરીને ઉપેક્ષા કરવામાં આવે તો ઉભી થતી નિરાશા ચોક્કસપણે ખતરનાકરૂપે ફૂટી નીકળે છે. જેનાથી શાંતિ અને સ્થિરતા માટે જોખમ ખડું થાય છે.
અલ્લાહ અને ઇતિહાસ સમક્ષ જવાબદેહી બાબતે ધ્યાન કેન્દ્રિત કરીને સાચું નેતૃત્વ અસંમતીના અવાજને દબાવવામાં નહીં પરંતુ ન્યાય અને વિનમ્રતામાં સમાયેલું છે. સાચી સ્થિરતા બળથી નહીં પરંતુ ન્યાય, જવાબદારીની ભાવના અને જનાધિકારોના રક્ષણથી જ પ્રાપ્ત થાય છે. નેતાગણ અને નાગરિકો બંનેના માર્ગદર્શન હેતુ રાજનૈતિક સુધારાઓની સાથોસાથ નૈતિક જવાબદારી અને ઈલાહી ચેતનાની પણ ભારોભાર આવશ્યકતા રહેલી છે.