Home તંત્રીલેખ પ્રેમના આવાહકને માન-સમ્માન સાથે પ્રેમ કરવો આપણી ફરજ છે

પ્રેમના આવાહકને માન-સમ્માન સાથે પ્રેમ કરવો આપણી ફરજ છે

0

“I love Muhammad” વાંચતા જ માનવતાના ઉપકારક અને દુનિયાને ન્યાય અને શાંતિનો અર્થ સમજાવનાર તરીકેની આપ સ.અ.વ.ની છબી ઉપસી આવે છે. તેમને આદર અને સમ્માનની ભાવના સાથે પ્રેમ કરવો સ્વાભાવિક છે, પરંતુ આ પવિત્ર ધાર્મિક અને સામાજિક પરિવર્તનના સર્જકને પ્રેમ કરવાનો મુસલમાનોનો હક પણ વ્યવસ્થાતંત્ર છીનવા માગે છે. 4 સપ્ટેમ્બરથી કાનપુરથી શરૂ થયેલા વિવાદે દેશમાં ગંભીર રૂપ ધારણ કરી લીધું છે.

વિવાદની શરૂઆત

રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાનપુરના સૈયદ નગરમાં, 4 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્ન નબીની તૈયારીઓ ચાલી રહી હતી. FIR અનુસાર : “આ રોશની કાર્યક્રમમાં, શણગારેલા ગેટની સામેના રસ્તા પર ‘આઈ લવ મુહમ્મદ’ લખેલું લાઇટ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પાછલા વર્ષોમાં રોશની કાર્યક્રમમાં આ ક્યારેય લગાવવામાં આવ્યું નહોતું.”

FIRમાં જણાવાયું છે કે ‘કાર્યક્રમના આયોજકોએ જાણી જોઈને નવી પરંપરા શરૂ કરી. સ્થાનિક રહેવાસીઓએ વાંધો ઉઠાવતા કહ્યું કે, મુસ્લિમ સમુદાય એક નવી પ્રથા શરૂ કરી રહ્યો છે, જે સૈયદનગરમાં પહેલાં ક્યારેય થઈ નહોતી, અને તેથી આ વર્ષે પણ તે થવું યોગ્ય નથી.’ આ એફઆઈઆર મુજબ, 5 સપ્ટેમ્બરના રોજ, ઈદ મિલાદ-ઉન-નબી શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક અજાણ્યા યુવાનોએ માર્ગ પર લગાવેલા હિંદુ સમુદાયના ધાર્મિક પોસ્ટરો ફાડી નાખ્યા હતા.

વધુમાં, આ એફઆઈઆરમાં જણાવાયું છે કે રાવતપુર ગામમાં, કુન્નું કબાડીના નિવાસસ્થાને, ‘આઈ લવ મુહમ્મદ’ બેનર લગાવીને જાણી જોઈને નવી પરંપરા શરૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે કોમી અથડામણ અને તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ મામલે, પોલીસે 10 સપ્ટેમ્બરના રોજ રાવતપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી. ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ 196 અને 299 હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ શામેલ છે. એફઆઈઆરમાં શોભાયાત્રાના આયોજકો સહિત આઠ લોકોનું નામ આપવામાં આવ્યું છે.

આઈ લવ મુહમ્મદ’ બેનર લખવા કે લગાવવા બદલ FIR નથી?

કાનપુરના ડી.સી.પી. પશ્ચિમ, દિનેશ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કેઃ “રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંપરાગત ઈદે મિલાદુન્ન નબી જુલુસ નીકળવાનું હતું. પાડોશના રહેવાસીઓએ પરંપરાગત સ્થાનથી દૂર એક તંબુ અને ‘આઈ લવ મુહમ્મદ’ બેનર લગાવ્યું હતું. એક જૂથે આનો વિરોધ કર્યો હતો. બાદમાં, બંને જૂથો વચ્ચે પરસ્પર સંમતિથી, બેનર પરંપરાગત સ્થાન પર લગાવવામાં આવ્યું હતું.

દિનેશ ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે એફઆઈઆર ‘આઈ લવ મુહમ્મદ’ લખવા કે બેનર લગાવવા બદલ નહીં, પરંતુ પરંપરાગત સ્થાનથી દૂર તંબુ લગાવવા અને સરઘસ દરમિયાન એક સમુદાયના પોસ્ટર ફાડવા બદલ દાખલ કરવામાં આવી હતી.

ઈમામ શબનુર આલમે પોલીસના દાવાઓને ફગાવી દેતા જણાવ્યુંઃ “ન તો ત્યાં તંબુ લગાવવામાં આવ્યો હતો, ન તો કોઈ ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યું હતું. આ એફઆઈઆર સંપૂર્ણપણે પાયાવિહોણી અને નકલી છે.” તેમણે કહ્યું, “દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. બંધારણ આની મંજૂરી આપે છે. કાયદાની મર્યાદામાં રહીને, અમે સજાવટ કરી હતી. અમારી પાસે તેના માટે સત્તાવાર પરવાનગી પણ હતી. છતાં, પોલીસે અમારી સામે એફઆઈઆર દાખલ કરી છે.” ઇમામ શબનુરે એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે.

સામાજિક કાર્યકર્તા ડૉ. નિસાર અહમદે કહ્યું, “અમે આના સાક્ષી છીએ. અમે એક જ વિસ્તારમાં રહીએ છીએ. હકીકત એ છે કે ત્યાં કેટલાક તોફાની તત્વો છે જે દર વખતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે છે. તહેવાર હોય કે કોઈ પણ ઘટના, મોહિત વાજપેયી નામનો વ્યક્તિ તેમાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે.”

પોલીસના દાવાઓનો જવાબ આપતા ડૉ. અહમદે કહ્યું, “સૌ પ્રથમ, ‘આઈ લવ મુહમ્મદ’ ગમે ત્યાં લખી શકાય છે. તેના માટે યોગ્ય કે ખોટું સ્થાન કેવી રીતે હોઈ શકે? બીજું, એવું કહેવામાં આવી રહ્યું છે કે ધાર્મિક પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા. સત્ય એ છે કે લોકો બીજી કોઈ ગલીમાં ગયા જ નહોતા. તેઓ એક કિલોમીટરના વિસ્તારમાં રહ્યા. ન તો કોઈ વાહનો સામેલ હતા, ન તો તે લોકો ત્યાં હાજર હતા.” ડૉ. નિસારના જણાવ્યા મુજબ, પોલીસે આ મામલે અત્યાર સુધી કોઈ ધરપકડ કરી નથી.

દરમિયાન, સર્વધર્મ મહાસભાએ રાજ્યપાલના નામે જિલ્લા મેજિસ્ટ્રેટને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે આ કેસની તપાસ એસઆઈટી (SIT) દ્વારા કરવામાં આવે.

કથિત રીતે કાનપુરમાં જે બન્યું તેના સમર્થનમાં, 21 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઉન્નાવમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ગંગાઘાટ કોટવાલી વિસ્તાર હેઠળના મનોહર નગરમાં નીકળી હતી. આ દરમિયાન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. શોભાયાત્રામાં ભાગ લેનારાઓ પર પથ્થરમારો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

FIRમાં જણાવાયું છે કે, “ટોળાએ પોલીસના કામમાં અવરોધ ઊભો કર્યો, અપશબ્દોનો ઉપયોગ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો.” પોલીસે બી.એન.એસ.ની કલમ 191(2), 191(3), 352, 351(3), 132, 125, 126(2), 221, 109 અને ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમની કલમ 7 હેઠળ 8 નામાંકિત અને 25-30 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે.

અધિક પોલીસ અધિક્ષક અખિલેશ સિંહે જણાવ્યું હતું કે, “ઉન્નાવમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ પડે છે. આ હેઠળ, કોઈ પણ સરઘસ અથવા કાર્યક્રમ માટે પરવાનગી લેવી આવશ્યક છે. આવા સરઘસ અથવા કાર્યક્રમો પરવાનગી વિના યોજી શકાતા નથી. સરઘસ વિશે માહિતી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન કેટલીક મહિલાઓ અને પુરુષોએ સત્તાવાર કાર્યમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો. આ સંદર્ભમાં, પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.”

ઉત્તરાખંડમાં હિંસા અને FIR

ઉધમ સિંહનગર જિલ્લાના કાશીપુરમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ 21 સપ્ટેમ્બરની સાંજે એક સરઘસ કાઢ્યું હતું. આ કેસમાં, પોલીસે 3 લોકોના નામ આપ્યા છે. FIR મુજબ, “લગભગ ચારસોથી પાંચસો લોકોનું ટોળું અલી ખાન (ચોક)થી વાલ્મીકિ વિસ્તાર તરફ સરઘસ તરીકે આવી રહ્યું હતું. કેટલાક લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. તેઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને ધક્કામુક્કી કરવા લાગ્યા. ભીડે પોલીસને ઘેરી લીધી, તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને તેમને માર મારવાનું શરૂ કર્યું.”

આમ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર હિંસાઓ થઈ. ‘આઈ લવ મુહમ્મદ’ કોઈ પણ રીતે કોઈની લાગણીને કઈ રીતે દુભાવી શકે તે વસ્તુ ગળે ઉતરતી નથી. સરકારે આ મુદ્દે સખત વલણ અપનાવી દેશમાં નફરતના માહોલને વેગવંતો બનાવ્યો છે. નફરત અને મુસ્લિમો પ્રત્યેનું ઝેર આમ લોકોથી વધીને વ્યવસ્થાતંત્રમાં ભળી ગયું છે. આ સ્થિતિ ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ છે.

– મુહમ્મદ કલીમ અન્સારી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version