રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા મુખ્ય સચિવશ્રી – ગુજરાત સરકારને મળેલ સમન્સના આધારે શિક્ષણ વિભાગના નાયબ સચિવ- ગુજરાત સરકાર દ્વારા નિયામકશ્રી, કમિશનર, શાળાઓની કચેરી તથા નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને ઉદ્દેશી ગુજરાતના મદરસામા ભણતા બિન – મુસ્લિમ બાળકો અને ભૌતિક ચકાસણી કરવા તેમજ unmapped મદરસાઓને મેંપિગ કરવા બાબતે તારીખ – ૧૫/૦૫/૨૦૨૪ના પત્ર આધારે સૂચના આપવામાં આવેલ છે.
આ પત્રનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે ગુજરાત સરકારમાંથી અનુદાનિત / માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે નિયત નમૂનામાં માહિતી મેળવવાની સૂચના આપવામાં આવી છે.
હવે પ્રશ્ન એ થાય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હીનો જે પત્ર મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર ને મળેલ છે તેનો સંદર્ભ તરીકે પત્ર ક્રમાંકનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જોવા મળતો નથી.
શિક્ષણ વિભાગના સચિવશ્રીએ રાજ્યમાં આવેલી સરકારી અનુદાનિત / માન્યતા પ્રાપ્ત મદરેસાનો ઉલ્લેખ કર્યો છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગુજરાત રાજ્યમાં સરકારશ્રી દ્વારા મદરસા બોર્ડ જેવી કોઈ સરકારી સંસ્થા બનાવી જ નથી અને આવા કોઈ સરકાર દ્વારા સંચાલિત મદરસાની વ્યવસ્થા જ નથી, તો આ પ્રકારના સર્વેનો કોઈ અર્થ ખરો?
હવે સામાન્ય મદરેસાની વાત કરીએ. મસ્જિદમાં ચાલતા મદરેસા કે જ્યાં મુસ્લિમ સમાજના બાળકો કુર્આન જોઈને વાંચન (પઢતા) , કુર્આનનો કેટલોક ભાગ કંઠસ્થ કરવા, દુઆઓ યાદ કરવા, માતાપિતા – વડીલોનો આદર, સારી રીતભાત વગેરે જેવી બાબતો શિખવા આવતા હોય છે. આવા બાળકો પોતે જે શાળામાં અભ્યાસ કરતા હોય છે તેના સમય પહેલા કે પછી આ બધી વિગતો શિખવા જાય છે. હાલમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલુ છે તેની સાથે જ આ પ્રકારના મદરેસામાં વેકેશન હોય છે. તો હવે ફરી પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે મસ્જિદમાં ચાલતા મદરેસા કે જે પાર્ટ ટાઈમ હોય છે ત્યાં આવતા તમામ બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા જ હોય છે. આ બાળકો કઈ સ્કૂલમા અભ્યાસ કરે છે તેની કોઈ માહિતી આ પ્રકારના મદરેસામાં ઉપલબ્ધ હોતી જ નથી. અને ઉપર ઉલ્લેખીત બાબતો મુસ્લિમ સમાજ સિવાયના અન્ય ધર્મનાં બાળકો ત્યાં શિખવા જતાં જ નથી, તો જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા RTE Act-૨૦૦૯નું બહાનું ધરી શિક્ષણ વિભાગના પરિપત્રનો મનસ્વી રીતે અર્થઘટન કરી સર્વે કરવા આચાર્યશ્રીઓ, HTAT આચાર્ય, CRCની વિવિધ ટીમ બનાવીને મોકલવાનો કોઈ અર્થ ખરો ?
૬ થી ૧૬ વર્ષનાં જે બાળકો પૂર્ણ સમયનાં કેટલાક મદરેસામાં ધામિર્ક શિક્ષણ લઈ રહ્યા છે તેમાંના ઘણાખરા મદરેસાના પરીસરમાં જ હવે ધોરણ – ૧ થી ૮ અથવા ધોરણ ૬ થી ૧૦ સુધીનું શિક્ષણ મેળવવાની વ્યવસ્થા હોય છે. આવી શાળાઓને ર્સ્વનિભર શાળાઓ તરીકે જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી માન્યતા આપતી હોય છે. તમામ બાળકોની માહિતી સર્વ શિક્ષા અભિયાન (SSA)ના પોર્ટલ પર માહિતીની નોંધણી કરેલ જ હોય છે. જેના આધારે ખુબ સરળતાથી આવા મદરેસા સંચાલિત શાળામાં મુસ્લિમ સમાજના બાળકો સિવાય અન્ય ધર્મનાં બાળકો અભ્યાસ કરે છે કે કેમ તેની માહિતી પણ આસાનીથી જાણી શકાય છે. તો પછી અચાનકથી આવી કાર્યવાહી કરી સમાજમાં અવિશ્વાસ, બેચેની અને ઉકળાટભર્યા સંજોગો નિર્માણ કરવાની જરૂર કેમ ઊભી થઈ ?
એ સિવાયના પૂર્ણ સમયનાં મદરેસા જ્યાં મુસ્લિમ સમાજના બાળકો હોસ્ટેલમાં રહીને ઇસ્લામનું શિક્ષણ મેળવતા હોય છે, તેમાં તેઓ અરબી અને ઉર્દૂ ભાષામાં જ્ઞાન તો મેળવતાં જ હોય છે છતાંય સરકાર જો RTE Act – ૨૦૦૯ની જોગવાઈ મુજબ દરેક બાળક પ્રાથમિક શિક્ષણ મેળવે તે બાબતે ચિંતીત હોય તો તે ખૂબ આવકાર્ય બાબત છે પરંતુ આ બાબતમાં જો ગુજરાત સરકાર મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લઈને સલાહ – સુચન મેળવીને આ પ્રકારનો સર્વે કરવાનું આયોજન કરત તો ખૂબ સરળતાથી અને સચોટ માહિતી મળતી. અમારી જાણ મુજબ ભૂતકાળમાં મદ્રેસા દ્વારા હંમેશા સરકારના કાર્યોમાં સહયોગ અને સહકારનો જ અભિગમ દાખવવામાં આવ્યો છે તો પછી આ વખત પણ સરકાર સકારાત્મક અભિગમ રાખી તેમને સહકાર માટે કહેતી તો કોઈ કારણ નથી કે ત્યાંથી કોઈ અવરોધ ઊભો થતો.
ગુજરાત સરકારશ્રીને નમ્ર અરજ કે હાલમાં આ સર્વે ને મુલ્તવી રાખવા શિક્ષણ વિભાગને સુચના આપે. શાળાઓ શરૂ થાય પછી જ મુસ્લિમ સમાજને વિશ્વાસમાં લઈ આ પ્રકારના સર્વેને હાથ ધરે. એમ મર્કઝી તાલીમી બોર્ડ ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે.