Home તંત્રીલેખ કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા

કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા

0

ગત લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ ભાજપને ૩૫૦ ઉપર સીટો બતાવતા હતા. મોટાભાગના ખોટા સાબિત થયા હતા. અને હવે એ જ તર્જ ઉપર કોંગ્રેસ હરિયાણામાં મોટી બહુમતી મેળવી જશે અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા બનશે તે એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થયા છે.


લોકસભા ચૂંટણીના માત્ર ચાર મહિના બાદ યોજાયેલી હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી કેટલાક સંકેતો સ્પષ્ટ છે. સૌ પ્રથમ, હરિયાણા ગુજરાત, મધ્યપ્રદેશ અને ગોવા પછી દેશનું ચોથું રાજ્ય બન્યું છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. તે પણ સ્પષ્ટ બહુમતી સાથે. એટલે કે ઉત્તર ભારતમાં હરિયાણા ભાજપનો નવો મજબૂત કિલ્લો બની ગયો છે.


બીજું, લોકસભા ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લઈને, ભાજપે તેની રણનીતિમાં અનેક ફેરફારો કર્યા, જેમાં ટિકિટની વહેંચણીથી લઈને બહારના નેતાઓને સામેલ કરવા અને જાટ વિરોધી મતોના ધ્રુવીકરણ સુધીનો સમાવેશ થાય છે. પરિણામોએ એ પણ સાબિત કર્યું કે કોંગ્રેસ અને વિરોધ પક્ષો દ્વારા ખેડૂતો, સૈનિકો અને કુસ્તીબાજોના વિરોધનું વર્ણન સુપરફિસિયલ હતું. રાજ્યમાં ઉચ્ચ જાતિઓનો ડર,ખાસ કરીને જાટ સમુદાયનો, ભાજપની તરફેણમાં કામ કરતો હતો. જો કોંગ્રેસ સત્તામાં પરત ફરશે તો જાટોનું વર્ચસ્વ ફરી શરૂ થશે તે ડર. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં જે દલિતો મોટાભાગે કોંગ્રેસ તરફ ગયા હતા તેઓ આ વખતે વિભાજિત થયા અને તેનો ફાયદો ભાજપને મળ્યો. જાટ મતોની પણ આવી જ સ્થિતિ હતી. ઊલટાનું કોંગ્રેસની કોઈ સ્પષ્ટ વ્યૂહરચના ન હતી, સિવાય કે જનતા આ વખતે તેને જીતાડવા માટે તૈયાર છે તેવી ધારણા હતી.


કોંગ્રેસના દૃષ્ટિકોણથી, લોકસભાની ચૂંટણીમાં બંધારણ, અનામત અને જ્ઞાતિની વસ્તીગણતરીનું કથાનક, જે કેટલાક રાજ્યોમાં પ્રભાવી રીતે કામ કરતું હતું, તે આ વિધાનસભા ચૂંટણીઓમાં નિષ્ફળ ગયું. કોંગ્રેસ માટે આ પરિણામોનો બોધપાઠ એ છે કે જો કોઈ રાજ્યમાં કોઈ એક નેતા પર આંધળો વિશ્વાસ કરે અને કમાન્ડ સોંપે અને બાકીનાની અવગણના કરે તો રમત બગડી જાય છે. અગાઉ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓમાં આ જોયું છે, જ્યાં પાર્ટીએ અનુક્રમે કમલનાથ, અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો અને સત્તા ગઈ હતી. કોંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે આ પરિણામોનો મોટો બોધપાઠ એ છે કે જ્યાં સુધી તેઓ સંગઠનને ઉપરથી નીચે સુધી ચુસ્ત નહીં કરે અને તેમાં લડાયક વલણ કેળવશે નહીં, ત્યાં સુધી છૂટીછવાઈ સફળતાઓ સિવાય બીજું કંઈ નહીં મળે. મોદી અને ભાજપને હચમચાવી નાખવું એટલું સરળ નથી.


હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ૨૦૨૩માં યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી જેવા જ છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વિશ્વાસ હતો કે જનતા તેને જીતાડશે. જીત્યા પછી કોણ શું બનશે તે પણ અગાઉથી નક્કી હતું. થોડા સમય માટે, પાર્ટીએ પોસ્ટલ બેલેટની ગણતરીમાં કોંગ્રેસની લીડને સંપૂર્ણ સત્ય તરીકે સ્વીકારી. જ્યારે ભાજપે તેના બૂથ મેનેજમેન્ટ, લાડલી બહેન યોજના અને તેની સફળ ચૂંટણી વ્યૂહરચના વડે કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દીધી હતી. આવું જ કંઈક હરિયાણામાં જોવા મળી રહ્યું છે. ભાજપ સરકાર પ્રત્યે ૧૦ વર્ષની એન્ટિ-ઇન્કમ્બન્સી હોવા છતાં, લોકસભા ચૂંટણી પહેલાં ઓબીસી નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવીને, પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં રાજકીય નુકસાન ઓછું કર્યું અને વિધાનસભા ચૂંટણી માટે મેદાન પણ તૈયાર કર્યું. પ્રભાવશાળી જાટ મતોને વિભાજિત કરવા અને ભાજપની તરફેણમાં જાટ વિરોધી મતોને એકીકૃત કરવા ભાજપની વ્યૂહરચના સ્પષ્ટ હતી.પાર્ટીએ માત્ર તેની વોટબેંક બચાવી એટલું જ નહીં બલ્કે જાટ મતમાં પણ ખાડો પાડ્‌યો, જ્યાંથી કોંગ્રેસને બમ્પર સમર્થનની અપેક્ષા હતી. હરિયાણાના યાદવ પ્રભુત્વવાળા અહિરવાલ વિસ્તારમાં ભાજપની જંગી જીત પાછળનું કારણ ભાજપે મધ્યપ્રદેશમાં યાદવ જ્ઞાતિના, ડૉ.મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા તે પણ હોઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસે બેરોજગારી, ખેડૂતોનું આંદોલન, અગ્નિવીર જેવા મુદ્દા જોરશોરથી ઉઠાવ્યા, પરંતુ મતદારોએ તેમના પર બહુ ધ્યાન આપ્યું નહીં. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે લોકસભા ચૂંટણીમાં મતદાતાએ આ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પહેલેથી જ વ્યક્ત કરી દીધો હતો. વધુ પડતા આત્મવિશ્વાસે પણ કોંગ્રેસને નીચે ઉતારી. જો કે તે કહેવું મુશ્કેલ છે કે જો તેણે અન્ય જાટ પક્ષો અને છછઁ સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામો બદલાઈ શક્યા હોત. પરંતુ ચૂંટણી દરમિયાન દલિત નેતા કુમારી સેલજાના ગુસ્સાથી કોંગ્રેસ ડૂબી ગઈ. જો કે, રાહુલ ગાંધીએ બાદમાં સેલજાને સમજાવ્યા, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સત્તા મેળવ્યા પહેલાં જ સીએમ પદ માટેની લડાઈથી જનતામાં ખોટો સંદેશો ગયો. જો કે આ લડાઈ ભાજપમાં પણ જોવા મળી હતી. ત્યાં અનિલ વિજે સીએમ પદ માટે દાવો કર્યો હતો, પરંતુ કોઈએ તેમને ગંભીરતાથી લીધા ન હતા. હરિયાણામાં ૪૦૦થી વધુ અપક્ષો તથા નાનાપક્ષોના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા અને એમને જે વોટ કાપ્યા છે તેનાથી કોંગ્રેસે ઓછામાં ઓછી ૨૦ સીટો ગુમાવી છે. આ બધા ઉમેદવારોને ભાજપે ભરપૂર નાણાકીય સહયોગ આપ્યો હતો અને એક એક ઉમેદવારને ત્રણ ત્રણ કરોડ રૂપિયા આપેલ છે, એવી પણ ચર્ચા થઈ રહી છે.


બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનું બીજેપીનું સપનું વધુ પડતું હતું. ત્યાં ચૂંટણી જીતીને સત્તામાં આવેલા નેશનલ કોન્ફરન્સ – કોંગ્રેસના ગઠબંધનના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આ આદેશ રાજ્યમાંથી કલમ ૩૭૦ અને ૩૫છ હટાવવાની વિરુદ્ધ અને ભાજપની વિરુદ્ધ છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ભવિષ્યમાં પણ ટકરાવની રાજનીતિ થવાની છે. કોંગ્રેસ આ મામલે મૂંઝવણમાં હશે, કારણ કે તે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે મૌન છે, પરંતુ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંમત છે. વાસ્તવમાં, ભાજપને રાજ્યમાં શાંતિ અને પર્યટનને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ખીણમાં પણ સમર્થનની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. મુસ્લિમોમાં ભાજપ સામેની નારાજગીનો અંત આવ્યો નથી અને આવશે પણ નહીં. જો કે, ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ રાજ્યમાં ભાજપની બેઠકો અને મત બંનેમાં વધારો થયો છે.


ભાજપે ચાલાકીથી સીમાંકનની ગોઠવણ કરી પોતાની સરકાર બનાવવાની વેતરણ કરી દીધી હતી. પરંતુ પરિણામોએ ખીણમાં અપક્ષોના સમર્થન સાથે સરકાર બનાવવાની ભાજપની તકોને નષ્ટ કરી દીધી છે. સારી વાત એ છે કે જમ્મુ-કાશ્મીરના મતદારોએ અલગતાવાદી અપક્ષો અને અન્ય પક્ષોને પસંદ કરવાને બદલે એનસી-કોંગ્રેસ ગઠબંધનને સમર્થન આપ્યું હતું, જેના કારણે સરકાર પાંચ વર્ષ સુધી ચાલે તેવી શક્યતા વધુ છે. કલમ ૩૭૦ હટાવવાની માંગ દ્ગઝ્રના મેનિફેસ્ટોમાં ચોક્કસપણે છે, પરંતુ તે એ પણ જાણે છે કે તે હવે વ્યવહારૂ નથી. તેથી, તેનો ભાર સંપૂર્ણ રાજ્યના દરજ્જા પર વધુ રહેશે. કોઈ પણ રીતે, કેન્દ્રની મદદ વિના જમ્મુ-કાશ્મીરમાં સરકાર ચલાવવી અશક્ય છે. જો કે, ભાજપ ત્યાં સરકાર ન બનાવી શકવાને કારણે વિશ્વમાં આ સંદેશ ચોક્કસપણે ગયો છે કે રાજ્યના લોકો હજુ પણ કલમ ૩૭૦ હટાવવાથી ખુશ નથી અને તેના માટે અલગ-અલગ કારણો છે. જો કે, સકારાત્મક સંદેશ એ છે કે આ આતંકવાદ પ્રભાવિત રાજ્યમાં ચૂંટણી નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી છે અને લોકશાહી મજબૂત થઈ છે. મહત્ત્વની વાત એ છે કે જે તત્ત્વોએ એક સમયે ભારતીય બંધારણ અને ચૂંટણીઓને નકારી કાઢી હતી, તેઓ મજબૂરીમાં હોવા છતાં લોકતાંત્રિક પ્રક્રિયામાં પાછા ફરી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે રાજ્યમાં થયેલા બંધારણીય ફેરફારોની રાજકીય અને સામાજિક અસર પણ ટૂંક સમયમાં દેખાશે.


આ પરિણામોએ એક્ઝિટ પોલની વિશ્વસનીયતા પર ફરી એક વખત પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે.


કાશ્મીરમાં ખરી સત્તા કેન્દ્ર પાસે હશે અને નાની નાની બાબતોમાં લેફ્‌ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે તેમની સામે મોં વકાસીને જોવાનું રહેશે. આ પરિસ્થિતિ ભારતીય તરીકે મોટા સમુદાયને ભલે આવકાર્ય લાગતી હોય તો પણ કાશ્મીરી પ્રજા તેને બિન લોકતાંત્રિક ગણે તો તેનો ઇનકાર થઈ શકે નહીં, કારણ કે પોતાને સ્પર્શતા મુદ્દા ઉપર અભિપ્રાય આપવાનો તેમનો અધિકાર છે જ. જ્યારે આપણે ભારતના અભિન્ન અંગ તરીકે કાશ્મીરને જોઈએ છીએ તો એ કાશ્મીરમાંથી કાશ્મીરીઓની બાદબાકી કરી શકાય નહીં. દેશ એ માત્ર ભૌગોલિક સીમાડા નથી, પરંતુ દેશની અંદર રહેનારાઓ થકી દેશ બને છે અને તેમાં સૌનો સમાન અધિકાર છે. આપણા બધાના સૂર સાથે કાશ્મીરીઓનો સુર પણ મળે તો જ સાચી ભારતીયતા પ્રગટ થશે અને આ માટે કેન્દ્ર સરકારે પોતાનો અંકુશ ક્રમશઃ ઘટાડતા જઈને રાજ્યને મહત્તમ સ્વાયતા આપવાનું વલણ દાખવવું જ પડશે કેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.


– મુહમ્મદ ઉમર વહોરા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version