Home તંત્રીલેખ બાળકોમાં વધતી આક્રમકતાઃ કારણ અને નિવારણ

બાળકોમાં વધતી આક્રમકતાઃ કારણ અને નિવારણ

0
5

અહમદાબાદની એક શાળામાં સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરીના (કેટલાક અહેવાલ મુજબ કંપાસના પરિકર કે કટરના) ઘા કર્યા, જેમાં તેના મૃત્યુ થવાની અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી. તેના શોકમાંથી હજુતો બહાર ન’હોતા નીકળ્યા કે આગલા દિવસે આ સમાચારે મને બેચેન કરી દીધો કે છત્તીસગઢમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપતા બીજા દિવસે તેણે તેમની ગોળી મારી હત્યા કરી. આ બનાવોની સ્યાહી હજી સુકાઈ પણ નહોતી કે અહમદાબાદ જેવી જ ઘટના બાલાશિનોર મહીસાગર જિલ્લાની એક શાળામાં બની છે, જેમાં આઠમા ધોરણમાં ભણતા એક વિધાર્થીએ એની સાથે ભણતા અન્ય એક વિધાર્થીને ચાકુના ઘા માર્યા છે. આ ઘટનાના અઠવાડિયા પહેલા એક સગીર વયના પુરપાટ ચલાવતા કાર ચાલકે બે યુવાનોને કચડી નાખ્યા અને બંનેનું મોત નીપજ્યું. આ ઘટનાઓ ખૂબ જ નિંદાત્મક અને વખોડવા પાત્ર છે, અને મૃતકો અને પીડિતોના પરિવાર સાથે આપણા સહુની લાગણીઓ છે. પરંતુ આટલું કરવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. આવી ઘટનો ગંભીર વિચાર માંગી લે છે.


સમાચાર પત્રોના પાનાઓ બળાત્કાર, મર્ડર, મારામારી, હિંસાની ઘટનોઓથી ભરેલા હોય છે. આવા સમાચાર જોવા અને સાંભળવા બિલકુલ સામાન્ય બની ગયા છે. કોલેજોમાં પણ આવા બનાવો થતાં આવ્યા છે. પરંતુ હિંસા અને હત્યાના બનાવોમાં સગીર વયના વિધાર્થીઓ લિપ્ત હોય એવી ઘટના સ્વતંત્ર ભારતમાં ખૂબ જ જૂજ બની હશે. જો કે આપણા માટે આ અતિદુર્લભ ઘટના છે, પરંતુ સમાજ માટે ચેતવણીરૂપ છે. અમેરિકા જેવા વિકસિત અને બધી રીતે સુરક્ષિત દેશમાં સ્કૂલોમાં બાળકો દ્વારા અનેક હત્યાનાં બનાવો બને છે. ૨૦૧૭માં, લગભગ ૧% વિદ્યાર્થીઓએ પાછલા છ મહિનામાં શાળામાં હિંસક ગુનાનો અનુભવ કર્યો હોવાનું નોંધાયું હતું જ્યારે કે ૦.૫% કરતા ઓછા વિદ્યાર્થીઓએ ગંભીર હિંસક ગુના (જેમ કે બળાત્કાર અથવા ઉગ્ર હુમલો)નો અહેવાલ આપ્યો હતો. ૨૦૨૦-૨૨ દરમ્યાન, K-૧૨ શાળાઓમાં સક્રિય ગોળીબારની ઘટનાઓમાં ૩૨૮ (૧૩૧ માર્યા ગયા, ૧૯૭ ઘાયલ) અને પોસ્ટસેકન્ડરી સંસ્થાઓમાં ૧૫૭ (૭૫ માર્યા ગયા, ૮૨ ઘાયલ) થયા. આ આંકડા આ ઘટનાઓને સામાન્ય સમજવા માટે નથી આપ્યા પરંતુ બોધ ગ્રહણ કરવા માટે આપ્યા છે. કે જેથી આપણે વાસ્તવિક બીમારીને ઓળખી તેનું શ્રેષ્ઠ નિદાન કરી શકીએ.


કેટલાક લોકોને ભાવતું મળી ગયું છે અને હંમેશની જેમ આ ઘટનાને હિંદુ-મુસ્લિમના ચશ્માથી જોઈ રહ્યા છે, મુસ્લિમ છોકરાઓથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે, તો વળી કોઈ મુસ્લિમ છોકરાઓને શાળામાંથી કાઢવાની માંગ કરી રહ્યા છે. લોકો તેમની સાથે જોડાયેલા મુસ્લિમ કારીગરો, વેપારીઓ, મિત્રો, પાડોસીઓ અને યાત્રીગણના વર્તન વ્યવહારને ભૂલી જઈ આવા વિભાજનકારી નિવેદનો આપે તે ખૂબ જ દુખદ છે. જો મુદ્દો હિંદુ-મુસ્લિમ હોત તો અહમદાબાદમાં છરી મારનાર છોકરા સાથે બીજા હિંદુ છોકરાઓ ન હોત. મહીસાગરમાં બંને મુસ્લિમ સમુદાયના છે અને છત્તીસગઢમાં બંને હિંદુ સમુદાયના છે, અને કાર દુર્ઘટનામાં માર્યા ગયેલા બંને યુવાનો મુસ્લિમ સમુદાયના છે. છતાં એક ઘટનાને નિશાન બનાવી નફરત ફેલાવી રાજનૈતિક લાભ રળવા મેદાને ચઢ્યા છે. સભાઓ ભરી રહ્યા છે અને ઈસ્લામ અને મુસલમાનો સામે ઝેર ઓકી રહ્યા છે. આવા કટ્ટરપંથીઓ ઉપર પણ કાયદાકીય પગલાં લેવાવા જોઈએ, જેઓ દેશના વાતાવરણને દૂષિત કરવાનું કૃત્ય કરી રહ્યા છે. યાદ રાખો, કોમવાદ સળગાવવાથી મૂળ સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ દેશની પરિસ્થિતી વધુ ગંભીર બનશે. કેમકે ઊપર વર્ણવેલ બધી ઘટના આવેશમાં અને આકસ્મક બની છે.


બાળકોની સુરક્ષા, પ્રશિક્ષણ, નૈતિક સીંચન અને કેળવણી આપણા બધાની સામૂહિક જવાબદારી છે. આવનારી પેઢી માટે સુરક્ષિત, કરુણાસભર અને ન્યાયસભર શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવું એ હવે સમયની તાતી માંગ છે. અહમદાબાદની ઘટનામાં શાળા સંચાલનની બેદરકારી તેમજ બાળકોની સુરક્ષા અંગેનો અભાવ સ્પષ્ટ દેખાય છે. તેના ઊપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. આમાં કોઈ બેમત નથી કે વિદ્યાર્થીઓની સુરક્ષા દરેક શાળાની પ્રથમ જવાબદારી છે. પરંતુ અહીં શિક્ષકો, સંચાલકો અને સુરક્ષા સ્ટાફ દ્વારા તાત્કાલિક મદદ ન કરવી ગંભીર ફરજચૂક છે. પરંતુ તેની માન્યતા રદ કરવાની માંગ ખોટી છે. ગુણવત્તા સભર શિક્ષણ આપતી સંસ્થાને બંધ કરવાની માંગ પાછળ પણ ભાવનાત્મકતા અથવા ધાર્મિક કટ્ટરતા કારણ ભૂત છે, કેમકે આ શાળાના સંચાલક ખ્રિસ્તી છે.


મારા હિસાબે આવી ઘટના પાછળ મનોવૈજ્ઞાનિક કારણો છે. બાળકો નાની ઉમરમાં પરિપક્વ થઈ રહ્યા છે. તેના પાછળ ઘણા કારણો હોઈ શકે. આ માનસિક પરિવર્તનને યોગ્ય દિશા આપવી જરૂરી છે. બાળ કેળવણી ખૂબ જ નાજૂક અને વિશાળ વિષય છે. તેના ઊપર મનોમંથન કરવું જ રહ્યું. અત્યારે ત્રણ સ્તરે આપણે કાર્ય કરી શકીએ. પહેલું સ્તર આપણો પરિવાર છે. બાળકો પહેલા પરિવાર અને સમાજમાંથી શિખતા હતા. હવે, મોબાઈલ કલ્ચરના કારણે તેઓ રીલ લાઈફથી અજાગૃતપણે શીખી રહ્યા છે. જ્યાં માતા-પિતા બંને નોકરીએ જતાં હોય ત્યાં બાળ પ્રશિક્ષણની સમસ્યા વધુ હોઈ શકે છે. બાળકોને સમય આપવા અને તેમની સંગત તથા વર્તણુંક પર ઊંડી દૃષ્ટિ રાખવાની જરૂર છે. કાર્ટૂન હોય કે ગેમ્સ, વેબસીરીઝો અને પિક્ચરો બધા જ આક્રમકતા, ઉત્તેજના, દબંગીપણું, હિંસા, મારઝૂડ અને હત્યાના દૃશ્યો પીરસી રહ્યા છે. બાળકો આખો દિવસ તે જોઈ,સાંભળી અને રમી રહ્યા છે. બીજું, માતાપિતાના વ્યવહારથી પણ બાળક ઘણું શીખે છે. જો તેઓ પરસ્પર અસહિષ્ણુ અને ઝગડતા હોય, ગાળાગાળ કરતાં હોય, એક બીજા ઉપર ક્રોધ કરતાં હોય, તો બાળ માનસ ઊપર તેનો સીધો દુષ્પ્રભાવ પડે છે. વધુ પડતા લાડ, ખોટો પક્ષપાત પણ બાળકને બગાડે છે. આપણે આ બધુ તેમણે શિખવાડતા નથી, પરંતુ તેઓ માહોલ જોઈને ઘણું બધુ શીખે છે. એટલે જ કહેવાય છે કે માતાપિતા બાળક માટે મૂક શિક્ષક હોય છે. સંસ્કાર આપવાનું પ્રથમ પગથિયું પરિવાર છે. અમેરિકામાં આ વ્યવસ્થા પડી ભાંગી છે, તેથી ત્યાં બાળહિંસક ઘટનાઓમાં વૃદ્ધિ થઈ છે.


બીજું સ્તર, વિદ્યાલયો છે. આ આપણી સામૂહિક નિષ્ફળતા છે કે શૈક્ષણિક સંકુલો બાળકોમાં નૈતિક સીંચન ન કરી શકયા. ઘરથી માંડીને શિક્ષણ વ્યવસ્થા સુધી સૌ બાળકને પૈસા રળવાનું મશીન બનાવવા માંગે છે. ગ્લેમરસ જીવન અને ભૌતિક્તાએ આપણને આંધળા કરી દીધા છે. શાળાઓમાં કોલેજોની જેમ એન્ટી-રેગિંગ અને એન્ટી-બુલિંગ કાનૂની માળખું ઉભું કરવું જરૂરી છે. સાથે જ એન્ટી-બુલિંગ કમિટીઓ, કાઉન્સેલિંગની વ્યવસ્થા તથા નિયમિત વર્કશોપ્સ ફરજિયાત કરવા જોઈએ. બલ્કે ચરિત્ર ઘડતર માટે, વિવિધ વિષયોની જેમ વિશેષ આયોજન થવું જોઈએ. શાળા સાથે સંકળાયેલ દરેક વ્યક્તિના વ્યવહારમાં માનવતા, પ્રેમ અને વિનમ્રતા દેખાવી જોઈએ.


ત્રીજું સ્તર, કાનૂન વ્યવસ્થાનું છે. સરકારે નૈતિક શિક્ષણ માટે વિશેષ ભાર આપવાની જરૂર છે. આ શિક્ષણ ધર્મ પૂરું પાડી શકે છે. બાળકોમાં પોતાના અને અન્ય ધર્મો પ્રત્યે રસ વધે તેના માટે અમુક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. કોઈ એક ધાર્મિક પુસ્તકને ફરજિયાત કરવા કરતાં એક અભ્યાસક્રમની રૂપ રેખા આપવી જોઈએ કે બાળકોમાં કયા કયા ગુણોનું સિંચન કરવું છે. બીજું, કોઈ પણ ઘટના બને તો કાનૂન પ્રમાણે નિષ્પક્ષ તપાસ કરી આગળ વધવું જોઈએ. કાયદો ન તો રાજકીય શાસન માટે હોય છે, ન જ સામાજિક પરિવર્તન માટે હોય છે, બલ્કે ન્યાય માટે હોય છે. કાનૂનને લાગુ કરવામાં ભેદભાવ કરવો પણ અત્યાચાર જ છે. લા એન્ડ ઓર્ડરને સ્થાપિત કરવું કાનુન વ્યવસ્થાની મુખ્ય જવાબદારી છે. કોઈ પણ સમસ્યામાં કોઈ પણ પરિસ્થિતિમાં કાનૂનને જનતાને હવાલે કરી શકાય નહીં. “મોબ જસ્ટિસ” અન્યાયનું બીજું સ્વરૂપ છે. તે પણ અપરાધ જેટલો જ નુકસાન કારક હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં આ પરિસ્થિતિ હત્યાથી મોટો ગુનો બની જાય છે. જાહેર પ્રોપર્ટીની સુરક્ષા અને સંબંધિત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવી, કાનૂન વ્યવસ્થાનું મુખ્ય કર્તવ્ય છે. સરકારે કાનુનની બાબતમાં કોઈ રાજનીતિ કે બાંધછોડ ન કરવી જોઈએ. કાનુન વ્યવસ્થા નબળી પુરવાર સાબિત થાય તો સમાજમાં અરાજકતા ફેલાય છે.


(શકીલ અહમદ રાજપૂત)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here