(૮) અનુવાદ :
હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે. તેઓ વર્ણવે છે કે રસૂલુલ્લાહ એ ઇર્શાદ ફરમાવ્યું: મો’મિનનું પેટ ભલાઈ (જ્ઞાન તથા ડહાપણની વાતો)થી કયારેય ભરાતું નથી. તે તેને સાંભળતો રહે છે. તે એટલે સુધી કે અંતે તે જન્નતમાં પહોંચી જાય છે.” ૧૧ (તિર્મિઝી)
સમજૂતી :
૧૧ જ્ઞાન એ જ છે જેનાથી માણસના કલ્યાણ તથા ભલાઈનો કોઈ ને કોઈ સંબંધ હોય. નેકીની વાતો સાંભળવાથી મો’મિનને ક્યારેય તૃપ્તિ પ્રાપ્ત નથી થતી. તે તો એવી વાતોનો સાંભળવા અને જાણવાનો લાલચી હોય છે, જે રીતે દુનિયાપરસ્ત દુનિયાનો લાલચી હોય છે. ચાહે તેની પાસે ગમે તેટલી વધારે દૌલત સમેટાઈને આવી જાય પરંતુ તે દૌલતથી કંટાળતો નથી. બરાબર એવી જ રીતે મો’મિન જ્ઞાન તથા ડહાપણ તેમજ મા’રિફતનો ભૂખ્યો હોય છે. તે જ્ઞાનથી લાભાન્વિત થતો રહે છે. આ વસ્તુ તેના માટે સંતોષનું કારણ પણ હોય છે, અને અમલી જીવન માટે હિદાયતનું સામાન પણ. આવો માણસ ખરા માર્ગ પર કાયમ-ટકી રહે છે. તે એટલે સુધી કે તે જન્નતમાં પહોંચી જાય છે, જ્યાં તે પોતાના માટે સંપૂર્ણ સંતોષ તથા રાહતની વસ્તુઓ ઉપલબ્ધ જુએ છે.
(૯) અનુવાદ :
હઝરત અનસ બિન માલિક રદિ.થી રિવાયત છે. તેઓ કહે છે કે રસૂલુલ્લાહ એ ફરમાવ્યુંઃ શું તમે જાણો છો કે સૌથી વધીને સખીદાતા કોણ છે? આપ એ ફરમાવ્યું : અલ્લાહ સૌથી વધીને સખી-દાતા છે, પછી આદમની સંતાનમાં સૌથી વધીને હું સખી-દાતા છું, ૧ર અને મારા પછી લોકોમાં સૌથી વધીને સખી-દાતા એ વ્યક્તિ હશે જેણે જ્ઞાન હાસલ કર્યું, પછી તેને ફેલાવ્યું. ૧૩એ કયામતના દિવસે એક અમીરના રૂપમાં આવશે. અથવા આપ એ ફરમાવ્યું કે આ હેસિયતમાં આવશે કે એ પોતાની જાતથી (પોતાનામાં) એક સમગ્ર ઉમ્મત હશે.” ૧૪ (બયહકી)
સમજૂતી :
૧ર સખાવત એક પ્રશંસાને પાત્ર બુન્યાદી ગુણ કે ખૂબી છે. તમામ નૈતિક ગુણો ભલાઈઓની અસલ રૂહ સખાવત જ છે. સખાવત વાસ્તવમાં જીવનની નિશાની બલ્કે તદ્દન કે પૂરી રીતે જીવન છે. મૃત માણસથી કોઈ આશા રાખી શકાય નહીં. વૃક્ષ ત્યાં સુધી જ છાંયડો તથા ફળ આપે છે જ્યાં સુધી તે જીવિત છે. સૂકાઈ ગયા બાદ તેનાથી તમે કંઈ પણ હાસલ નથી કરી શકતા. અલ્લાહ કેમકે જીવન-સ્ત્રોત છે. તેથી તેની સખાવત અને દાનશીલતા તથા કૃપાની પણ કોઈ સીમા નથી. આ બુન્યાદી ખૂબી કે ગુણ સખાવતમાં જે જેટલો વધેલો હશે અલ્લાહની પણ તે એટલો જ વધારે સમીપ હશે. નબીને અલ્લાહથી વિશેષ સમીપતા પ્રાપ્ત હોય છે, જે કોઈ અન્યને પ્રાપ્ત નથી હોતી. આથી સખાવતમાં એ સૌથી વધેલ હોય છે.
૧૩ આનાથી જ્ઞાનના પ્રચાર-પ્રસારનું મહત્ત્વ અને શ્રેષ્ઠતાનો સારી રીતે અંદાજો લગાવી શકાય છે. જ્ઞાનનું પ્રસારણ, પછી એ ગમે તે સ્વરૂપમાં હોય તેનો સંબંધ તથા સગપણ નુબુવ્વતના કાર્યથી હોય છે, આથી તેની શ્રેષ્ઠતામાં શંકાની કોઈ ગુંજાયશ નથી. નબી આમ તો દરેક રીતે સખી હોય છે, પરંતુ તેની સાચી સખાવત એ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર છે જે અલ્લાહ તરફથી તેને એનાયત થાય છે. પછી તે તેના પ્રચાર-પ્રસારમાં દરેક પ્રકારની તકલીફ સહન કરે છે.
સખાવતની આ ચરમસીમા છે કે માણસને જે લોકો તરફથી ઈજાઓ તથા તકલીફો પહોંચી રહી હોય અને જે લોકો તેની સામે મુસીબતોના પહાડ ઊભા કરી રહ્યા હોય તે તેમને પણ જ્ઞાન અને બુદ્ધિમત્તાની દૌલતથી માલામાલ કરી દેવા અને તેમના જીવનને શણગારવાના પ્રયત્નોમાં વ્યસ્ત કે કાર્યરત્ હોય.
૧૪ દુનિયામાં માણસે જે પ્રકારનું કાર્ય કર્યું છે તેનો તકાદો જ હતો કે તે એકલો જ મોટા જૂથ-સમૂહ ઉપર ભારે હોય. તેની હેસિયત કોમના ઇમામ-આગેવાન તરીકેની હશે. તેની મહાનતા તથા ઇજ્જતનું શું કહેવું.