Home તંત્રીલેખ દેશમાં ચિંતાજનક હદે વધી રહેલી હિંસા

દેશમાં ચિંતાજનક હદે વધી રહેલી હિંસા

0
111

આજકાલ પૂરા દેશમાં જુદા જુદા સ્થળે હિંસા થઈ રહી છે. પ્રજા સાચે જ ચિંતિત છે. ન્યાયાલય પણ તેની નોંધ લઈ રહ્યું છે. પરંતુ વાતાવરણ ખૂબ વકરી રહ્યું છે.
બુલેટ ટ્રેન ભારતમાં આવશે ત્યારે આવશે, પરંતુ ટ્રેનમાં બુલેટ આવી ગઈ છે. કલ્પનાતીત બનાવ જયપુર બાંદ્રા ટ્રેનમાં બની ગયો છે. જયપુરથી મુંબઈ જઈ રહેલ ટ્રેનમાં, મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પાસે ૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ, RPF-રેલ્વે પ્રોટેક્શન ફોર્સ-ના કોન્સ્ટેબલ ચેતનસિંહ તેના ઉપરી ASI-આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ટીકારામ મીના સાથે રાજકીય ચર્ચા કરતો હતો. દરમિયાન ચેતનસિંહ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સવિર્સ ગનથી ટીકારામ મીનાને ગોળી મારી દીધી ! ત્યાર બાદ અબ્દુલ કાદિર, અસગર અલી તથા બીજા એક મુસ્લિમને ગોળી મારી ! કુલ ચારની હત્યા કરી ! હત્યા બાદ ચેતનસિંહે ચેઈન-પુલિંગ કરી ટ્રેન રોકી હતી અને ટ્રેનમાંથી નાસી છૂટ્યો હતો; પરંતુ આખરે GRP ગવર્નમેન્ટ રેલ્વે પોલીસે તેને ઝડપી લીધો હતો !
આ ચાર હત્યાઓ ચેતનસિંહે શા માટે કરી ? ચેતનસિંહ હત્યા કરતી વખતે બોલતો હતો કે “હિન્દુસ્તાન મેં રહના હૈ તો યોગી-મોદી કેહના હોગા !”
આ ઝેર એક ૩૦ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ યુવાનના મગજમાં ક્યાંથી આવ્યું તે સાચે જ ભારે ચિંતાનો વિષય છે. આજનો યુવક કેટલી હદે કોમવાદી થઈ શકે છે અને તેના કેવા ભયંકર પરિણામો આવી શકે છે તે આ બનાવે છતું કરી દીધું છે. ચેતનસિંહને માનસિક બીમાર ગણાવી આ કેસમાં રાહત મળી રહે તે સારુ મીડિયામાં પ્રચાર તુરંત ચાલુ કરી દેવાયો છે, તે પણ સમજવું રહ્યું.
ઇસ્લામોફોબિયાથી ગ્રસ્ત મીડિયાએ નફરતનું બજાર ગરમ કરવા માટે કોઈ કચાશ નથી રાખી. ખુલ્લેઆમ મેઇન સ્ટ્રીમ મીડિયાના પત્રકારોથી લઈ કાજલ હિન્દુસ્તાની, સુરેશ ચવાણ કે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ વિ.. અને આરએસએસની ભગીની સંસ્થાઓ સતત આ નફરતની ફેક્ટરી ચલાવી રહી છે એનું આ સીધું પરિણામ છે.
બીજી તરફ હરિયાણાના મુસ્લિમ બહુલ નૂહ જિલ્લા તથા ગુરુગ્રામ વગેરેમાં વ્યાપક હિંસા ફાટી નીકળી છે. જેનો માહોલ છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવી રહ્યો છે. હરિયાણા તથા દિલ્હી એનસીઆર વિસ્તારમાં શાંત રીતે નમાઝ પઢવા ઉપર જે આરોપો કરવામાં આવી રહ્યા છે, તે આનું વરવું ઉદાહરણ છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વસ્તીની સાપેક્ષે પોલીસની ઓછી સંખ્યા બતાવી હિંસા રોકવામાં પોતાની અસમર્થતા નફ્ફટાઈથી બતાવી રહ્યા છે. વીએચપીની શોભારેલી પહેલાં વ્યાપક રીતે પ્રસાર કરવામાં આવેલ વીડિયો તથા રીલ પરિસ્થિતિ કઈ તરફ લઈ જશે તે સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યા હતા, છતાં જાણીબૂજીને કોઈ એકશન ન લઈ સત્તા તંત્ર કોમવાદી તત્ત્વોને ખુલ્લી છૂટ આપી રહ્યું છે. મોનુ માનેસર નામનો ગુંડો સતત અપ પ્રચાર કરી રહ્યો છે, વીડિયો અપલોડ કરી રહ્યો છે. પરંતુ તેની સામે હરિયાણા તથા રાજસ્થાનની કોંગ્રેસ સરકારની પોલીસ પણ કોઈ પગલાં લઈ રહી નથી. હિંસા પછીના બનાવવામાં પણ લઘુમતી-મુસ્લિમોની હેરાનગતિ સરકારનું એક તરફી અને કોમવાદી વલણ છતું કરે છે. રોહિંગ્યાની આડમાં બુલડોઝર-ન્યાય ઉત્તર પ્રદેશની તર્જ ઉપર લાગુ કરવામાં આવી રહ્યો છે. ન્યાયપ્રિય અને હિંસા રોકવા માટે મથામણ કરી રહેલા એસપીની તાત્કાલિક બદલીનો આદેશ શું દિશા નિર્દેશ કરે છે તે સામાન્ય નાગરિક પણ સમજી રહ્યો છે. પરંતુ કોઈ છોછ વગર આ કોમવાદીઓ ન્યાયતંત્રની છટકબારીઓ તથા સત્તા તંત્રની જોહુકમીનો બેશરમીથી ઉપયોગ કરી રહ્યા છે.
મણીપુરની હિંસાની તો વાત જ શું કરવી!! છેલ્લા બે મહિનાથી ત્યાં અત્યાચાર તેની પરાકાષ્ઠાએ છે. બે સમુદાયો વચ્ચેની ખાઈ એ હદે પહોળી થઈ ગઈ છે કે કોઈ રાજકીય સમાધાન હવે શક્ય નથી લાગતું. ડબલ એન્જિન સરકારોએ સમુદાય વચ્ચે ઊભી ફાડ કરી દીધી છે, અને હવે જે રીતે હથિયારો લૂંટાઈ રહ્યા છે તે સાચે જ સામાન્ય નાગરિકને ભયભીત કરી દેવા માટે પૂરતું છે. પશ્ચિમનું ગુજરાત મોડેલ પૂર્વના મણીપુરમાં લાગુ કરાઈ રહ્યું છે. ત્યાંના મુખ્યમંત્રી બિલકુલ નફ્‌ફટાઈથી એક તરફી વર્તણૂંક કરી રહ્યા છે. આદિવાસી લઘુમતી ખ્રિસ્તી સમુદાયને હાંસિયામાં ધકેલી દેવા મજબૂર કરી રહ્યા છે. દેશના ગૃહમંત્રી સાથે તેઓ કુકી આદિવાસી વિસ્તારની મુલાકાત પણ નથી લેતા જે તેમના નબળા અને પક્ષપાતી આચરણનું દ્યોતક છે.
હવે, વાત ગુજરાતની. અહીં બનાસકાંઠાના દિયોદરના એક નાના ગામમાં લઘુમતી સમુદાય જે શાંતિથી ત્યાં વર્ષોથી રહી રહ્યો છે, તેમની સાથે એક નાના ઝઘડાની આડમાં તેમના ઉપર માર મારતો અત્યાચારનો વીડિયો વાયરલ કરાયો છે અને તંત્ર તેમની સામે કાર્યવાહીમાં ઢીલું જણાઈ રહ્યું છે. ડર અને ભયનો માહોલ લઘુમતી મુસ્લિમોને સ્વાભાવિક રીતે પજવી રહ્યો છે.
આ બધા બનાવોમાં સોશિયલ મીડિયા બળતામાં ઘી હોમી રહ્યું છે. તેને કાબૂમાં લેવા માટે કોઈ સંનિષ્ઠ પ્રયત્ન થઈ રહ્યા હોય તેવું જણાતું નથી.
નવું ભારત કેટલું ખતરનાક બની રહ્યું છે, તેના આ પુરાવા છે ! આ નફરત હજુ વધશે કેમકે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે ! સત્તાપક્ષે નફરત ફેલાવવાની ફેક્ટરી ખોલી છે, તેમની પાસે એક એકથી ચડિયાતા નફરતી નેતાઓ છે/ કથાકારો છે/ સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ છે/ પત્રકારો-લેખકો છે ! ૨૦૧૪માં રોપેલું નફરતનું ઝાડ હવે વિકરાળ બની ગયું છે ! સાવચેત રહેજો ! આપણી આજુબાજુ આવા લાખો નફરતી રોબોટ-ચેતનસિંહો ફરી રહ્યા છે ! આવનારી પેઢી કેવાં ડરમાં જીવશે તેનો અંદાજ તેમને નથી ! પત્રકાર શ્યામ મીરા સિંહે મુદ્દો ઉઠાવ્યો છે કે ‘કોઈ ગાંધી સમર્થક ગાંધીનું નામ લઈને હત્યા નથી કરતા; કોઈ આંબેડકર સમર્થક આંબેડકરનું નામ લઈને હત્યા નથી કરતા ! પરંતુ સત્તાપક્ષના નેતાના નામ લઈને ચાર નિર્દોષ લોકોની હત્યા કરી નાખી ! હિંસા તેમના વિચારમાં છે !

મુસ્લિમો શું કરે
હવે સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિમાં મુસલમાનો શું કરે? આ એક ખાસ સિચ્યુએશન છે. No win situation. મુસલમાનો ગમે તે કરે પરિસ્થિતિનો માર તેમને જ ખાવો પડે છે. કોઈ જ વાંકગુનો ન હોય તો પણ!! કોઈ પણ રેલી હોય તો મુસલમાનોએ પથ્થરમારો કર્યો અને તોફાનની શરૂઆત થઈ તે મોડ્‌સ ઓપ્રેન્ડી નક્કી છે. આ વર્ષો જૂની છે અને દરેક મીડિયા તેને કોઈ પ્રશ્ન વગર બોલી રહ્યું છે, છાપી રહ્યું છે. વર્ષોથી આ તરાહ ચલાવવામાં આવી રહી છે. આટલા બધા વીડિયોના સ્પીકિંગ- નક્કર પુરાવા છતાં દિલ્હી તોફાનોથી લઈ ગુજરાતના ગત વર્ષના હિંમતનગર, ખંભાત, જૂનાગઢના તોફાનો તમે જોશો, તો સત્તા પક્ષ શું કરવા ધારે છે તે સમજવું જરાય મુશ્કેલ નથી. તેમને મુસ્લિમોને ઉશ્કેરવા છે, બહાર લાવવા છે અને અંદર કરવા છે. કોર્ટ-કચેરી, જેલ, પોલીસના ચક્કરમાં આર્થિક અને માનસિક રીતે પણ બરબાદ કરવા છે. આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તેનો રાહ કુઆર્ન આપણને ચીંધે છે અને રસૂલ સ.અ.વ.ની સીરત પણ સ્પષ્ટ રીતે ચીંધે છે.
“અને અમે અવશ્ય તમને ભય અને ડર, ભૂખ, પ્રાણ અને ધન-સંપતિના નુકસાન અને આમદાનીઓની ખોટમાં નાખીને તમારી પરીક્ષા કરીશું. તેમને ખુશખબર આપી દો, આ સંજોગોમાં જે લોકો ધીરજ રાખે અને જ્યારે કોઈ મુસીબત આવી પડે તો કહે કે, “અમે અલ્લાહના જ છીએ અને અલ્લાહના જ તરફ અમારે પાછા ફરવાનું છે. તેમના ઉપર તેમના રબ તરફથી મોટી કૃપાઓ થશે, તેની દયા તેમના ઉપર છાંયડો કરશે અને આવા જ લોકો સન્માર્ગે ચાલનારા છે.” (સૂરઃ બકરહ, આયત ૧૫૫ થી ૧૫૭)
આપણે, ખાસ કરીને યુવાનોએ જરા પણ વિચલિત થયા વગર કે ઉશ્કેરાટમાં આવ્યા વગર આ પરિસ્થિતિને શાંતિ અને ધૈર્યથી પાર પાડવાની છે. અને તેનું ફળ આપણને મળીને રહેશે. કદાચ ખૂબ જલ્દીથી!! ઇન્શાઅલ્લાહ.
મહેમાન તંત્રી… મુહમ્મદ ઉમર વ્હોરા

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here