એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરનો પ્રારંભઃ રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતો જોડાયા
અહમદાબાદઃ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ગુજરાત ચેપ્ટરના લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાત ચેપ્ટરના પ્રમુખ એડવોકેટ શમશાદખાન પઠાણે જણાવ્યું કે દેશમાં લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચારોમાં દિનપ્રતિદિન વૃધ્ધિ થતી જઈ રહી છે. તેમના બંધારણીય અધિકારોની રક્ષા કાજે આજે APCR ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એક્ટીવિસ્ટ્સ અને કાયદાના નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહન પુરું પડ્યું છે અમે તેમના આભારી છીએ.
નવજીવન ચેનલ સાથે સંબધિત વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યું કે અપરાધ માત્ર અપરાધ હોય છે. અપરાધી કોઈ પણ હોય તેને યોગ્ય સજા થવી જ જોઈએ. પરંતુ બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે આરોપી હિંદુ હોય તો શું તેને ધર્મી કહી શકાય.
રિટાયર્ડ પ્રિન્સીપાલ સેશન જજ જ્યોત્સના યાગ્નિકે જણાવ્યું કે સંવિધાન મુજબ સૌને ન્યાય અને સમાનતાનો અધિકાર છે. પરંતુ જ્યારે તેમના અધિકારોનુ છડેચોક ઉલ્લંઘન થાય છે ત્યારે સામન્ય માનવીનો શાસન અને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
કર્મશીલ ભાવના રામરખિયાનીએ જણાવ્યું કે અત્યાચાર સંદર્ભે તેની સંખ્યા, તેની અસરો અને તેનો આશય નહીં સમજીએ ત્યાં સુધી તેની સામે લડવાનો જુસ્સો પ્રાપ્ત નહીં થાય. તેમણે લઘુમતીઓ મુખ્યત્વે મુસ્લિમો વિરુદ્ધે અત્યાચારોના ડેટા દ્વારા ગંભીર પરિસ્થિતિનુ નિરૂપણ કરીને દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 6600 બળાત્કાર થયા જેમાંથી 1000 માત્ર અહમદાબાદમાં થયા છે. પછી ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય કયા આધારે કહી શકાય.
દિલ્હીના પ્રોફેસર અપૂર્વાનંદજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું કે અત્યાચારની વિરુદ્ધ લડવું ફરજિયાત છે. તમારી લડાઈ કોઈ અન્ય નહીં લડે તમારે પોતે લડવી પડશે. દેશમાં સૌથી વધારે અન્યાય મુસ્લિમો સાથે થઈ રહ્યો છે તે આપણે સ્વીકારવું પડશે. સરકાર પોતે કાયદાઓ દ્વારા તેમને નિમ્ન કક્ષાએ લઈ જઈ રહી છે. તેમણે તેમના બંધારણીય અધિકારોની સુરક્ષા માટે APCRની રચના કરવી પડે તે જ શરમજનક બાબત ગણાય. ટ્રેનમાં પ્રજાની રક્ષક પોલીસ જ જ્યારે માત્ર મુસ્લિમ હોવાને કારણે 3 લોકોની હત્યા કરી દે તો જીવન જ અનિશ્ચિત બની જાય છે. વધુમાં મીડિયા દિવસ રાત મુસ્લિમો વિરુદ્ધ પ્રોપગંડા ઘડતું રહે છે. લોકસભા ચૂંટણીમાં સંસદમાં વિપક્ષ મજબૂત થયું છે પરંતુ મુસ્લિમો જાહેરમાં વધારે કમજોર થયા છે.
દિલ્હીથી પધારેલા APCRના જનરલ સેક્રેટરી નદીમખાને જણાવ્યું કે મુસ્લિમોની જાહેરમાં પ્રતાડિત કરવામાં આવે છે અને મોબલીંચિંગ કરવામાં આવે છે. મુસ્લિમો નથી રડી શકતા કે નથી વિરોધ કરી શકતા. અત્યાચારની સામે માત્ર બે જ રીતે લડી શકાય છે; એક રાજકીય રીતે, બીજું કાયદાકીય રીતે. રાજકીય લડાઈ આપણે હારી ગયા છીએ, હવે માત્ર કાયદાકીય લડાઈનો માર્ગ જ બચ્યો છે. ભલેને ન્યાય મળવાની સંભાવના ખુબ જ ઓછી હોય તેમ છતાં આપણી પાસે માત્ર બંધારણીય અને કાયદાકીય લડાઈ જ એકમાત્ર હથિયાર છે.
અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ જસ્ટિસ થિપસેએ જણાવ્યું કે ભારતની સંસ્કૃતિને મહાન ગણાવી તેના ગુણગાનમાં દેશની સમસ્યાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. મુસ્લિમોના ભારત આગમન પછી દેશની દશા બગડી છે તેવા આરોપ સાથે તેમને નાગરિક નહીં બહારના ગણવામાં આવી રહ્યા છે. તેથીજ હિન્દુ રાષ્ટ્રની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હિન્દુ રાષ્ટ્ર હિન્દુઓ માટે પણ સારું નહીં હોય તેવી તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન APCR ગુજરાતના સેક્રેટરી ઇકરામ બેગ મિરઝા એ કર્યું હતું.