આઝાદીના અમૃતમાં ધોળાતું કોમવાદી ઝેર

0
89

લે. શિબ્લી અરસલાન

આપણે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને ૭૬મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યા છીએ. આ ૭૫ વર્ષમાં આપણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તેના પર ઘણી ચર્ચાઓ થતી રહી છે. હકીકતમાં, સ્વતંત્રતાથી મોટી રાહત અને આશીર્વાદ કોઈ નથી. આશ્રિત વ્યક્તિ ખૂંટે બંધાયેલા પ્રાણી જેવો છે, જે ઇચ્છે તો પણ પોતાની મેળે કંઈ કરી શકતો નથી. અમે પણ ૨૦૦ વર્ષ સુધી બ્રિટિશ સામ્રાજ્યવાદના પિંજરામાં કેદ હતા અને સખત સંઘર્ષ બાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શક્યા. અંગ્રેજોની ચુંગાલમાંથી આપણને આઝાદી મળી, પણ આટલા લાંબા સમય સુધી ગુલામીમાં જીવવાથી આપણી પાંખો કપાઈ ગઈ હતી.

બ્રિટિશ સામ્રાજ્યવાદે સોનાની ચિડિયા કહેવાતા દેશને સંપૂર્ણપણે ખોખલો કરી નાંખ્યો હતો. આ ૭૫ વર્ષમાં ભારતે નિઃશંકપણે ઘણી પ્રગતિ કરી છે, ઉપલબ્ધિઓની યાદી લાંબી છે. સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે ભારત ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે આયાતકારમાંથી નિકાસકાર બની ગયું છે. બ્રિટિશ સામ્રાજ્યવાદે કૃષિ પ્રણાલીને એવી સ્થિતિમાં લાવી દીધી હતી કે આઝાદી સમયે, દેશમાં ન તો પૂરતું અનાજ હતું ,ન તો ખાદ્ય ઉત્પાદન માટેની પ્રાથમિક સુવિધાઓ હતી.
વર્ષ ૧૯૫૦-૫૧માં માત્ર ૫૦ મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું, જે દેશની ૩૫૦ મિલિયન વસ્તીને ખવડાવવા માટે પૂરતું ન હતું. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આઝાદીના ૧૫ વર્ષ પછી ૧૯૬૨માં આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દેશની જનતાને ઉપવાસ કરવાની અપીલ કરવી પડી હતી. પોતાના કોલમાં તેમણે કહ્યું હતું કે, પેટ ઉપર દોરડું બાંધો, વધુ શાકભાજી ખાઓ, અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરો, દેશને પૂરતું માન આપો.

આ સ્થિતિમાંથી જલદીથી બહાર નીકળવા માટે, ભારતીય નેતૃત્વએ જમીન સુધારણા, સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રચાર અને કૃષિમાં સંશોધન અને હરિયાળી ક્રાંતિ સહિત ઘણા વિશાળ પગલાં લીધાં. સમય જતાં, નવી ટેક્નોલોજી અને મશીનોના ઉપયોગથી અનાજનું ઉત્પાદન વધારવામાં મદદ મળી, પરિણામ એ આવ્યું કે આજે ભારત તેની સમગ્ર વસ્તીને માત્ર અનાજ જ નથી પૂરૂં પાડતું પણ કૃષિ પેદાશોની નિકાસ પણ કરે છે. ભારતે માત્ર ખાદ્ય ઉત્પાદન જ નહીં, બલ્કે અંતરિક્ષમાં પણ સફળતાપૂર્વક પ્રયોગો અને કાર્યક્રમ કર્યા છે. આર્યભટ્ટ અને ભાસ્કરથી ચંદ્રયાન-૧ અને મંગલયાન સુધીની સફર ખૂબ જ સુખદ અને ગૌરવપૂર્ણ છે.

શક્યતાઓની દૃષ્ટિએ જોઈએ તો આજે ભારત પાસે વૈશ્વિક મંચ પર અપાર તકો છે. ભારત ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. આ વિશાળ વસ્તીએ ભારતને વિપુલ પ્રમાણમાં નવીન દૃષ્ટિકોણ, ઉત્પાદક હાથ અને સર્જનાત્મક પ્રતિભા વિપુલ પ્રમાણમાં આપી છે. જનસંખ્યા વાસ્તવમાં સંસાધન છે, જે માનવ સમાજ માટે મોંઘેરી મૂડી છે. તે રાષ્ટ્ર અથવા સમાજ પર ર્નિભર કરે છે કે તે તેની વસ્તીનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે કે તેને વેડફી નાંખે છે.

આપણો દેશ સંપત્તિ અને આર્થિક વિકાસના દૃષ્ટિકોણથી સતત આગળ વધી રહ્યો છે. ભૌતિકવાદી આધુનિકતા અને ઉદારવાદની શક્તિશાળી લહેર હોવા છતાં, સામાન્ય જનમાનસ પર ધર્મ અને આધ્યાત્મિકતાના ઊંડા પ્રભાવને કારણે સમાજમાં નૈતિકતા સ્પષ્ટપણે દેખાય છે. વાસ્તવમાં, સમાજમાં જોવા મળતા નૈતિક મૂલ્યો આ દેશની મોટી તાકાત છે.

જો ઈશ્વર-અલ્લાહે આપેલા આ સંસાધનો અને તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, દેશમાં શાંતિ અને સૌહાર્દ હોય, ભાઈચારાની ભાવના હોય, નૈતિક સ્થિતિ વધુ સારી હોય અને સંસાધનોની યોગ્ય વહેંચણી થાય, તો આપણો દેશ વિશ્વ સમક્ષ એક મોડેલ બની શકશે અને વિશ્વ ગુરુ તરીકે ઊભરી આવશે. પરંતુ વિડંબના એ છે કે તકો અને શક્યતાઓથી ભરપૂર આ ઐતિહાસિક તબક્કે આપણો દેશ સાંપ્રદાયિક ઝેરથી ત્રસ્ત અને ગ્રસ્ત છે. કોમવાદનું ઝેર હવે સરકાર, પ્રશાસન અને મીડિયા થકી સામાન્ય જન્માનસમાં ઘૂસી ગયું છે. પરિણામે સામાજિક માળખું, ધામિર્ક સહિષ્ણુતા, કાયદો અને વ્યવસ્થા, અભિવ્યક્તિની સ્વતંત્રતા બધું જોખમમાં છે. સત્ય અને ન્યાય વિશે બોલવું મુશ્કેલ બની ગયું છે. સમાજમાં વિભાજન, વિવિધ જૂથો વચ્ચે તણાવનું વાતાવરણ, ઇસ્લામોફોબિયાનું સ્વરૂપ અને નફરત અને સંઘર્ષનું વાતાવરણ સામાન્ય બની રહ્યું છે.

મણિપુરમાં મેતઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસક અથડામણો અને ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મુસ્લિમોને વિસ્તાર છોડી દેવાની નોટિસો, ચિંતાજનક સમાચાર છે. હરિયાણામાંથી સતત ઇસ્લામોફોબિક જઘન્ય અપરાધોના સમાચાર આવી રહ્યા છે. હિમાચલના એકદમ શાંત પહાડી રાજ્યમાંથી પણ સાંપ્રદાયિક ઉન્માદના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં, શાસક પક્ષના એક ઉચ્ચ જાતિના નેતાએ કથિત નીચલી જ્ઞાતિના સભ્ય પર પેશાબ કરીને નફરત વ્યક્ત કરી. કેવું અમાનવીય અને પાશવી કૃત્ય..

આ એ જ સાંપ્રદાયિક ઝેરનું પરિણામ છે કે આપણી સરકારો ઇતિહાસના આ તબક્કે આપણને જે તકો અને શક્યતાઓ ઉપલબ્ધ બની છે તેના પર ધ્યાન આપી શકતી નથી, બલ્કે તેઓને બિનજરૂરી બખેડા ઊભા કરવામાં ઊંડો રસ દેખાય છે. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ સામાજિક અને આર્થિક અસમાનતા ચરમસીમાએ છે, પરંતુ આપણી સરકારો વિવિધ સમુદાયોના અંગત કાયદાઓ નાબૂદ કરીને તેમને એકસમાન બનાવવામાં મક્કમ જણાય છે.
અંતમાં.. આઝાદી, આજે વિશ્વમાં સંકોચાઈ રહી છે. બ્રિટન સ્થિત આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાએ “આટિર્કલ-૧૯”એ વિશ્વના ૧૬૧ દેશોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા (જેને સ્વતંત્રતાનો આત્મા કહેવામાં આવે છે) અંગેનો અહેવાલ “Global Expression Reprot – 22” રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના માત્ર ૧૫ ટકા લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ ઉઠાવી શકે છે. આ સ્થિતિ પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે. અફસોસની વાત એ છે કે આ મામલે ભારતની ગણતરી ચીન, મ્યાન્માર અને રશિયા જેવા એકાધિકારવાદી બિન-લોકતાંત્રિક દેશો સાથે કરવામાં આવી છે.

આવું એટલા માટે થયું કારણ કે આપણને વારસામાં મળેલી સ્વતંત્રતાનું મૂલ્ય આપણે સમજી શક્યા નથી. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે આપણે ત્રિરંગો ફરકાવવો, બેનરો અને પોસ્ટરો લગાવવા અને સ્વતંત્રતાના ગીત સાંભળવાને દેશભક્તિ ગણી લેવાની ભૂલ કરી અને સરકારોએ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સારૂ વિભાજન અને સાંપ્રદાયિકતાનું ઝેર વાવવાનું ચાલુ રાખ્યું. •••

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here