અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ ઈરાનઃ દુનિયાની તાસીર અને તસવીર બદલવા વાળું યુદ્ધ

0
3

૧૯૮૧-૮૨માં અમદાવાદની ભઠીયાર ગલીમાં હું જમવા બેસ્યો હતો ત્યારે બે વિદ્યાર્થીઓ આવીને બેઠા. મેં તેમને પૂછ્યું કે ક્યાંના છો તો તેઓએ જણાવ્યું કે ઈરાન. મેં તુરંત તેમની સાથે ઈરાન ઈરાક ચાલી રહેલા યુદ્ધ વિશે વાત કરી તો તેઓ આ યુદ્ધમાં ઈરાનના વલણનો બચાવ જોરદાર રીતે કરી રહ્યા હતા. મેં જ્યારે એમ કહ્યું કે આ રીતે તો તમારી ઇકોનોમી બરબાદ થઈ જશે તો તુરંત તેમનો જવાબ હતો “ઇકોનોમી જાય ભાડમાં” – Hell with the economy. ઘણી મોટી ખુવારી અને આર્થિક નુકસાન પછી પણ આજ જુસ્સો અને સ્પિરિટ ઈરાન આજે બતાવી રહ્યું છે. ૧૯૭૯ માં થયેલ ઇસ્લામિક ક્રાંતિને બદલવા માટે અમેરિકાએ ઇરાકના સદામ હુસેનને હાથ પર લઇ આ યુદ્ધ ચાલુ કર્યું હતું. અને તેનો એકમાત્ર ઉદ્દેશ સત્તા પરિવર્તન હતો. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઇઝરાયલ અને અમેરિકા એ મળીને ચાલુ કરેલ આ યુદ્ધનો હેતુ પણ એ જ સત્તા પરિવર્તનનો છે. ૧૯૭૯ માં જે શાહ રજા પહેલવી ને ઉથલાવી સત્તા બહાર કર્યો હતો તેના પુત્રને હવે ફરીથી અમેરિકા સિંહાસન પર બેસાડવા માંગે છે. પરંતુ પ્રજામાં તેની સ્વીકૃતિ બિલકુલ જ નથી અને હવે આ યુદ્ધે તેના ઉપર મોટુ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે, જેને પૂરી દુનિયાને હચમચાવી દીધી છે.

દુનિયાભરની ન્યુઝ ચેનલો, ટીવી એન્કરો, youtubers, અખબારો આને જુદી જુદી રીતે બધી જ ભાષાઓમાં રજૂ કરી રહ્યા છે અને ઘણા બધા એંગલ બતાવી રહ્યા છે.

આ યુદ્ધ વિશે એટલા બધા વિડીયોસ બન્યા છે એટલા આર્ટિકલ લખાયા છે કે જોતા વાંચતા સાંભળતા થાકી જવાય છે એટલે તેની વધુ ચર્ચા કરવાનો  કોઈ મતલબ રહેતો નથી.

દરેક યુદ્ધની શરૂઆતનું કોઈ નિશ્ચિત કારણ હોય છે. અને તેનું નિરાકરણ આવી જાય એટલે યુદ્ધ સ્વાભાવિક રીતે બંધ પણ થઈ જાય છે. હાલ ઈરાનની સામે અમેરિકા અને ઇઝરાયેલે આદરેલા યુદ્ધ પાછળ શરૂઆતથી જ કોઈ સ્પષ્ટ કારણ મળતું નથી. નેતૃત્વ પરિવર્તનની વાત તેઓ કરતા હતા તો યુદ્ધના બીજા જ દિવસે અલી ખામેનાઈના મૃત્યુ સાથે તે કારણ પૂરું થઈ ગયું છે. પરમાણુ હથિયારના આક્ષેપ સામે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. અને ઇઝરાયલ બે વાર એવો દાવો કરે છે કે તેણે ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરી દીધા છે. તો હવે યુદ્ધનું કારણ કોઈ દેખાતું નથી.

 અસલમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બરાબરના ભેરવાઈ ગયા છે અને ટંગડી ઊંચી રાખી પોતાના અહમને પોષી રહ્યા છે. એક કહેવત છે કે “માં મને કોઠીમાંથી કાઢ” બાળવાર્તામાં માઁ બાળક ઉપર ગુસ્સે થઈ જાય છે. એટલે બાળક રિસાઈને અનાજ ભરવાની મોટી કોઠીમાં સંતાઈ જાય છે. માતા શોધે છે પણ બાળક મળતું નથી. થોડો સમય ગયા પછી બાળક કોઠીમાં મૂંઝાય છે. હવે, ઉપર ચડીને કોઠીમાં તો ઉતરી ગયું હતું પણ બહાર કેમનું નીકળવું તે સમજાતું નથી. એટલે જેનાથી તે રિસાયો હતો તેના જ નામે બૂમ પાડી કે છે “માઁ મને કોઠી માંથી કાઢ” ટ્રમ્પ પાંચ દિવસ સુધી અમે ઈરાનના વીજ મથકો ઉપર હુમલો નહીં કરીએ એવી જાહેરાત કરે છે અને વાતચીતનો સંદર્ભ ટાંકે છે, જ્યારે ઈરાન કહે છે કે અમે કોઈ વાતચીત કરી રહ્યા નથી. નાટોના સાથીઓ પણ હોર્મુઝ ની નાકાબંધી તોડવાના આહવાન સામે કોઈ હકારાત્મક પ્રતિસાદ આપતા નથી. એટલે ટ્રમ્પ સાચે જ એકલા પડી ગયા છે. ટ્રમ્પે હતાશામાં એવું પણ કહી દીધું કે અમેરિકા ક્રૂડ ઓઇલ માટે કોઈના પર  નિર્ભર નથી. માટે હોર્મૂઝની સમુદ્રધુની ખુલે કે ન ખુલે તેની અમને ચિંતા નથી. હવે, બ્રિટનના વડાપ્રધાન દુનિયાભરના ૬૦ દેશોને વિશ્વાસમાં લઈ ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યા છે. જેથી પૂરી દુનિયાનું નાક આ મુદ્દે ઈરાને દબાવી રાખ્યું છે તેમાંથી મુક્તિ મળે. પાકિસ્તાન અને તુર્કી ની મધ્યસ્થી દ્વારા યુદ્ધ વિરામ માટે રસ્તો શોધી રહ્યા છે પણ સફળતા મળતી નથી. સાઉદી અરેબિયાના વડાને ગંદી ગાળો કાઢી ટ્રમ્પ અપમાનિત કરી રહ્યા છે કારણ કે તે અમેરિકાની લાઈન ને અનુસરી રહ્યા નથી. ખાડીના મુસ્લિમ દેશો અમેરિકાને ટેકો આપી બરાબર ના ભેરવાઈ ગયા છે. ત્યાંની પ્રજા પણ અમેરિકાના પગલાથી ડઘાઈ ગઈ છે અને અંદરખાને ખૂબ વિરોધ કરી રહી છે તેથી શાસકો પણ ગભરાયેલા છે. તમારી પાસે અબજો પેટ્રો ડોલર હોય પરંતુ જો તેનું ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા ટેકનોલોજીમાં ન કરો તો આવી ગુલામી વેઠવા નો વારો આવે તે ત્યાંના શાસકો અને પ્રજાને જેટલું જલ્દી સમજમાં આવે તેટલું સારું. ગણતરીના દિવસોમાં ઈરાનને નમાવી શકાશે એવી શેખી અને એમના સલાહકારોની ધારણા બિલકુલ જ ખોટી પડી છે. યુદ્ધ લંબાવવાથી અમેરિકા સહિત દુનિયાભરમાં નેચરલ ગેસ અને ખનીજ તેલ ની ભારે તંગી ઊભી થઈ રહી છે. મોંઘવારી વધતી જઈ રહી છે,ફુગાવો વધી રહ્યો છે અને દરેક દેશના અર્થતંત્ર પર ભારે માર પડી રહ્યો છે.આ દરેક પરિસ્થિતિ માટે વિલન તરીકે એક જ ચહેરો છે ડોનાલ્ડ ટ્રમ્પ. ફજેતી તો અમેરિકાની વિયેતનામ યુદ્ધ અને અફઘાનિસ્તાન વખતે પણ થઈ હતી અને ગમે તે રીતે બહાર નીકળી ગયું હતું. પરંતુ અહીંયા ટ્રમ્પને કોઈ રસ્તો જડતો નથી. બહાર તો નીકળવું છે પણ અંદર કેમ ઘુસ્યા તેનો કોઈ ખુલાસો જડતો નથી. વેનુઝુઆલાના પ્રમુખને પકડી લાવ્યા અને સત્તા પરિવર્તન કરી દીધું,જ્યારે અહીં ઈરાનમાં દાવ ઉલટો પડી રહ્યો છે. 

અમેરિકાની લશ્કરી તાકાત દરેક ક્ષેત્રે ઈરાન કરતા ઘણી જ ચડિયાતી છે. પરંતુ અમેરિકાની ધારણાથી વિપરીત ઇરાને જે હોશિયારી થી પ્રતિસાદ આપ્યો છે તેણે યુદ્ધને જુદી જ દિશા આપી છે. હોર્મુઝ ની સમુદ્રધુની ઉપરની નાકાબંધી અને ખાડીના દેશો ઉપર અચાનકના વ્યુહાત્મક હુમલાએ અમેરિકાને વિમાસણમાં મૂકી દીધું છે. આ અમેરિકા માટે કલ્પના બહારનું છે તેમ ખુદ ટ્રમ્પ પણ સમજી રહ્યા છે. ૩૦૦૦ સ્થળો પર ૮૦ લાખ લોકોએ એક સાથે અમેરિકામાં જે NO KING એટલે કે તાનાશાહી સામે વિરોધ દર્શાવ્યો તેનાથી ટ્રમ્પ હચમચી ગયા છે. ઇઝરાયેલ અને અમેરિકા પણ એક લાઈનમાં ચાલી રહ્યા નથી. ટ્રમ્પને બહાર નીકળવું છે પરંતુ નૈતન્યાહુ ત્યાં ફસાયેલા છે અને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જવું પડે તેમ છે તેથી યુદ્ધ બંધ કરવું પરવડે તેમ નથી. અલબત્ત ઈરાન તેની ઇન્ટેલિજન્સની નબળાઈ ને લીધે પોતાની ટોપની લીડરશીપને બચાવી ન શક્યું તે પણ નોંધવું રહ્યું.

આપણે આશા રાખીએ કે મુસ્લિમ દેશો બોધપાઠ લે,સાચી એકતા બતાવી ઇઝરાયેલની જીયોનીસ્ટ મેલી મુરાદનો સામનો કરી સામૂહિક પડકાર આપે અને આ યુદ્ધ નો  જલ્દીથી નિવેડો આવી જાય અને દુનિયાને ફરીથી શાંતિ પ્રાપ્ત થાય.

મુ.ઉમર વહોરા
૯૯૨૫૨ ૧૨૪૫૩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here