દારૂ અને જુગાર

0
45

“હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો! આ દારૂ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે. શેતાન તો એવું ઇચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારામાં વૈમનસ્ય અને દ્વેષ નાખી દે અને તમને અલ્લાહના સ્મરણથી અને નમાઝથી રોકે. પછી શું તમે આ વસ્તુઓથી રોકાઈ જશો ?” (સૂરઃ માઇદહ, આયતો-૯૦, ૯૧)

અલ્લાહતબારક વ તઆલાએ ‘ખુમ્ર’ અને ‘મયસર’ અર્થાત્‌ દારૂ અને જુગારને નાપાક અને શેતાની અમલ (કૃત્ય) ઠેરવ્યા છે. ખુમ્રનો અર્થ ઢાંકવાનો છે. દારૂ માનવીની બુદ્ધિ તથા સભાનતાને ઢાંકી લે છે. આથી અલ્લાહે તેને હરામ ઠેરવી દીધા છે. ફક્ત દારૂ જ નહીં બલ્કે એ દરેક વસ્તુ જે નશો લાવનારી હોય શરીઅતમાં હરામ છે. દા.ત. તાડી, એટલે કે કાચી શરાબ, આલ્કોહોલ અને નશો લાવનાર ગોળીઓ વિ. આ તમામનો ઉપયોગ પ્રતિબંધિત છે, રસૂલે પાક સ.અ.વ.નો ઇર્શાદ છે : નશો લાવનાર દરેક વસ્તુ હરામ છે.” (મુસ્લિમ)

આરબના લોકો જે નૈતિક ખરાબીઓમાં સપડાયેલા હતા તેમનામાં એક બૂરી ટેવી દારૂ પીવાની પણ હતી. દારૂ વિના તેમને ચેન પડતું ન હતું. જેમકે દારૂ તેમની ઘૂંટીમાં પડેલો હોય. દારૂ પીવાની સાથે લડાઈ-ઝઘડા, ગાળા-ગાળ, નિર્લજ્જતા અને દુષ્કર્મ પણ જોડાયેલા હતા અને આ વસ્તુઓ નશો લાવનાર વસ્તુઓની સાથે આજે પણ સંકળાયેલી છે. આથી દારૂને ‘ઉમ્મુલ ખબાઇસ’ (બૂરાઈઓની જનની) અર્થાત્‌ ગુનાહોનો મૂળ કહેવામાં આવ્યો છે.

ઇસ્લામે ધીમે ધીમે દારૂ પીવાની લાનતને ખતમ કરી દીધી અને નવમુસ્લિમ સમાજની બુદ્ધિ તથા અંતરાત્માને પવિત્ર બનાવી દીધા. આથી હઝરત અબૂ હુરૈરહ રદિ. રિવાયત કરે છે કે દારૂ ત્રણ વખત (ત્રણ તબક્કામા) હરામ કરવામાં આવ્યો. જ્યારે રસૂલુલ્લાહ સ.અ.વ. હિજરત કરી મદીના તશરીફ લાવ્યા તો લોકો દારૂ પીતા હતા અને જુગારની આવક ખાતા હતા. લોકોએ હુઝૂરે પાક સ.અ.વ.થી દારૂ અને જુગાર વિષે પ્રશ્ન કર્યો તો અલ્લાહતઆલાએ આ આયત નાઝિલ ફરમાવી :

પૂછે છે : દારૂ અને જુગારનો શું આદેશ છે ? કહો : “આ બન્ને વસ્તુઓમાં મોટી ખરાબી છે. જો કે આમાં લોકો માટે થોડાક ફાયદા પણ છે, પરંતુ તેમનો ગુનો તેમના ફાયદા કરતાં ઘણો વધારે છે.” (સૂરઃ બકરહ, આયત-૨૧૯)

આ આયતના નાઝિલ થયા બાદ લોકોએ કહ્યું કે દારૂ અને જુગારને હરામ ઠેરવવામાં નથી આવ્યા, બલ્કે ફક્ત આ કહેવામાં આવ્યું છે કે તેમનામાં ગુનાહ પણ છે અને ફાયદા પણ છે. આથી લોકો હજી પણ દારૂ પીતા રહ્યા. તે એટલે સુધી કે એક દિવસ એવું થયું કે એક સહાબી રદિ. મગ્રિબની નમાઝ પઢાવી રહ્યા હતા અને તે દારૂ પીધેલ હતા. આથી તેમની કિર્અતમાં ગરબડ થઈ ગઈ, તો અલ્લાહ તઆલાએ આ આયત નાઝિલ ફરમાવીઃ

“હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો ! જ્યારે તમે નશાની હાલતમાં હોવ તો નમાઝની નજીક પણ ન જાવ. નમાઝ તે વખતે પઢવી જોઈએ જ્યારે તમે જાણતા હોવ કે શું કહી રહ્યા છો.” (સૂરઃ નિસા, આયત-૪૩)

આથી લોકો હજી પણ દારૂ પીતા રહ્યા, અલબત્ત નમાઝ વખતે ન પીતા. કેટલાક લોકો નમાઝમાં એ સ્થિતિમાં આવતા કે તેમના પર નશાની અસર રહેતી તો અલ્લાહ તબારક વ તઆલાએ દારૂને સંપૂર્ણપણે હરામ કરતાં આ આયત નાઝિલ કરી. હે ઈમાનવાળાઓ ! દારૂ-જુગાર, સોગઠા અને બૂતોના નામનું તીર નાપાક અને શેતાની આ’માલ (કાર્યો) છે, તમે તેનાથી પરહેઝ કરો. તો લોકોએ એલાન કર્યું કે અમે દારૂ પીવાથી વાજ આવ્યા.

જ્યારે આ આયત નાઝિલ થઈ તો સહાબાએ કિરામ રદિ.એ એકદમ જ દારૂ પીવાનું છોડી દીધું. દારૂ નીકો ખાડાઓમાં વહાવી દીધો અને તે એટલે સુધી કે દારૂના માટલા, પૈમાના અને જામ તબા પ્યાલા બધું જ તોડી નાખ્યા. અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ની ફરમાંબરદારીનું એ ઐતિહાસિક પ્રદર્શન થયું કે તેનું ઉદાહરણ રજૂ કરી શકાય નહીં. નાફેઅ બિન કીસાન કહે છે કે રસૂલુલ્લાહ સ.અ.વ.ના જમાનામાં તેમના પિતા દારૂનો વેપાર કરતા હતા. એક વખત તેઓ શામ (સીરિયા) દેશથી વેપાર માટે શ્રેષ્ઠ દારૂ લઈને આવ્યા અને રસૂલુલ્લાહ સ.અ.વ.એ ફરમાવ્યું : હે કીસાન અલ્લાહે શરાબેન હરામ ઠેરવી દીધી છે. તો તેમણે પૂછ્યું કે તો શું આને વેચી નાખું ? તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે આની કીમત પણ હરામ છે, તો હઝરત કીસાને શરાબના માટલા વ્હેવડાવી દીધા. (તફસીર ઇબ્ને કસીર, સૂરઃ માઇદહ, આયત-૯૧)

અલ્લાહતઆલાએ માનવીને ‘અશ્‌રફુલ મખ્લૂક’ (સૌથી શ્રેષ્ઠ સૃજન) બનાવ્યો છે અને તેને હોશ, બુદ્ધિ, સભાનતા, ભેદ, દીર્ઘ દૃષ્ટિ અને નિર્ણય-શક્તિ જેવી મહાન નેઅ્‌મતોથી નવાજ્યો છે. આ તેના ‘અશ્‌રફુલ મખ્લૂક’ હોવાની નિશાની છે. અને એ જ બુદ્ધિ અને સભાનતાની દૌલતના આધારે અલ્લાહતઆલાએ તેને ઇસ્લામી આદેશો માટે જવાબદાર બનાવ્યા છે નહિતર દીવાના-પાગલ ઉપર શરીઅત કોઈ આદેશ લાગુ નથી કરતી. કેમકે તેની પાસે બુદ્ધિ જ નથી. જ્યારે માણસ દારૂ પીએ છે અને નશો લાવનાર વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેના હોશ અને સભાનતા ઠેકાણે નથી રહેતા. બુદ્ધિ સૂની થઈ જાય છે, અને તે અલ્લાહે એનાયત કરેલ મહાન નેઅ્‌મતને પોતાની ગંદી હરકતથી અપમાનિત અને નિમ્ન કરી દે છે.

પછી શેતાન એ જ નશાખોરી દ્વારા લોકોને પરસ્પર લડાવે છે. ગાળા-ગાળી કરવી, એકબીજાની ઇજ્જત-આબરૂથી રમવું, બલ્કે એકબીજા પર હુમલા કરવા, બલ્કે હત્યા સુધીની ઘટનાઓ પણ શરાબખોરીના લીધે સર્જાય છે. આથી જ અલ્લાહતઆલાએ માનવીની ઇજ્જત તથા શરાફતને સુરક્ષિત રાખવા અને માનવ-બુદ્ધિ તથા સભાનતાને જાગૃત કે સજાગ રાખવા માટે નશો લાવનારી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. નબી સ.અ.વ.નો ઇર્શાદ છે :

જે વ્યક્તિ દુનિયામાં દારૂ પીશે તે આખિરતમાં પવિત્ર શરાબથી વંચિત રહેશે, સિવાય આ કે તે તોબા કરી લે.

ઘણાં લોકો આ કહે છે કે શરાબ જો એટલા પ્રમાણમાં પીવામાં આવે કે બુદ્ધિ અને હોશ ખતમ થઈ જાય તો હરામ છે. પરંતુ થોડા પ્રમાણમાં પીવામાં આવે કે જેનાથી માત્ર આનંદ આવે નશો ન ચઢે અને શરાબી બુદ્ધિ અને હોશમાં રહે તો શું વાંધો છે ? આ અંગે મહત્ત્વની વાત આ છે કે અલ્લાહતઆલાએ શરાબને ફક્ત હરામ કરી છે એટલું જ નહીં બલ્કે નાપાક પણ ઠેરવવામાં આવી છે. એટલે કે શરાબ ઓછી હોય કે વધુ એ દરેક સ્થિતિમાં નાપાક છે અને દરેક સ્થિતિમાં હરામ છે. આથી જ ઇસ્લામના ફિકહવેત્તાઓએ આ સિદ્ધાંત વર્ણવ્યો છે કે : જેનું વધુ પ્રમાણ હરામ છે તેનું ઓછું પ્રમાણ પણ હરામ છે. જેનું ઉદાહરણ પેશાબ જેવું છે, જેનું વધારે પીવું કે ઓછું પીવું દરેક સ્થિતિમાં હરામ છે, એવી જ રીતે શરાબ પણ છે.

કેટલાક લોકો શરાબના તબીબી અને શારીરિક ફાયદા પણ બતાવે છે અને કહે છે કે કુર્આનમાં પણ તો તેના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આવું સમજવું ખોટું છે કેમકે કુઆર્ને દારૂ અને જુગારના ફાયદા નથી બતાવ્યા બલ્કે એ રિવાજ-પરંપરાની તરફ ઇશારો કર્યો છે કે જે આરબોમાં એ સમયે પ્રચલિત હતો કે આરબો શરાબ પીવા અને જુગાર રમવાની મહેફિલો સજાવતા અને હાર-જીત ઊંટો પર થતી. જીતનાર ઊંટોને ઝબેહ કરતો અને તેનું માંસ, કબાબ વિ.થી લિજ્જત માણતા. શરાબ અને જુગારની તથા કબાબની એ મહેફિલો જે જગ્યાએ યોજાતી ત્યાં ગરીબ, મિસ્કીન અને મહોતાજ લોકો પણ એકઠા થતા અને જુગારીઓ થોડોક માંસ પોતે ઉપયોગમાં લેતા. અને બાકી તમાશો જોનારા મહોતાજોમાં વ્હેંચી દેતા. શરાબ અને જુગારની બેઠકોથી ગરીબોને જે ફાયદો થતો હતો કુઆર્ને એ તરફ ઇશારો કર્યો છે. પરંતુ તેને પણ અંતે ઇસ્લામે સમાપ્ત કરી દીધો, કેમકે નેકીને ગુનાહ સાથે મિલાવી શકાય નહીં.

એ દરેક રમત જુગાર છે જેમાં હાર-જીતની બાજી લાગતી હોય, જેમકે શતરંજ, ચોસર, તાશ, મુર્ગાબાજી, કબૂતરબાજી, પતંગબાજી અને લોટરી વિ. તમામ વસ્તુઓ કે જેમાં રૂપિયા કમાવાતા કે ગુમાવાતા હોય, બધા જુગારના સ્વરૂપ છે અને ઇસ્લામે એ સૌને હરામ ઠેરવ્યા છે. અલ્લાહે માનવોને હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો છે જેમાં માનવી પોતાની બુદ્ધિ, કાબેલિયત અને મહેનતથી પૈસા હાસલ કરે છે. તેમાં માનવીની તંદુરસ્તી, બાળકોનું ભવિષ્ય અને ખાનદાનની ઇજ્જત બધું જ યથાવત્‌-જળવાઈ રહે છે. આનાથી વિરુદ્ધ જ્યારે જુગાર રમે છે તો એ બમણા ગુનાહનું આચરણ કરે છે. જ્યારે તે પોતાની દૌલત જુગારમાં હારે છે તો પોતાની આવકને હરામ કામમાં વાપરવાનો ગુનેગાર હોય છે અને જ્યારે જુગારમાં એ માલ જીતીને આવે છે તો એ હરામ રીતે માલ કમાવવાનું આચરણ કરે છે. એટલે કે દરેક સ્થિતિમાં એ ગુનેગાર હોય છે.

વર્તમાન સમયમાં જુગારના નવા નવા સ્વરૂપો નીકળી આવ્યા છે. લોટરી ઉપરાંત વેપારમાં પણ જુગારના માર્ગો ખુલી ગયા છે. મોટી મોટી હોટલોમાં જુગારના કેન્દ્રો બની ગયા જેમને કેસિનો અને બીજા સુંદર નામ આપવામાં આવ્યા છે. એક મુસલમાનની જવાબદારી છે કે એ જુગારના જૂના અને નવા તમામ સ્વરૂપોથી પરહેઝ કરે, અને સ્વયં પોતાને હરામ કમાઈથી સુરક્ષિત રાખે, કેમકે અલ્લાહતઆલાએ જે રીતે શરાબને નાપાક અને શેતાની અમલ ઠેરવ્યું છે. આવી જ રીતે જુગારને પણ નાપાક અને શેતાની અમલ ઠેરવ્યું છે. બલ્કે રસૂલુલ્લાહ સ.અ.વ.એ જુગારનું એટલું ગંભીર ઉદાહરણ આપ્યું છે કે રૂંવાડા ઊભા થઈ જાય છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું : જે વ્યક્તિ જુગાર રમે છે, પછી તે ઊઠે છે અને નમાઝ પઢે છે, તે એવી છે જેમકે એક વ્યક્તિ પરૂ અને ભૂંડના લોહીથી પોતાના હાથ તથા મોઢું ધુવે છે અને નમાઝ પઢવા લાગે છે.” (તફસીર ઇબ્ને કસીર, સૂરઃ માઇદહ, આયત-૯૦) શરાબ તથા જુગારની લાનતથી પોતાના સમાજને સુરક્ષિત રાખવા માટે આપણા નવ-યુવાનો એ  અવાર-નવાર જન-જાગૃતિના કાર્યક્રમો યોજે અને જનમતને સાનુકૂળ બનાવવા માટે અભિયાન ચલાવે. પોતાના સમાજને નશાખોરી અને હરામખોરીથી બચાવવો ખૂબ જ મોટી નેકી છે. અલ્લાહતઆલાથી દુઆ છે કે તે મુસલમાનોને શરાબ તથા જુગારની લાનતથી બચાવે. આમીન.

લે. હાફીઝ મુ. ઈબ્રાહીમ ઉમ્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here