શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં પરંતુ ટ્રાન્સફર ઓફ પર્સનાલિટી હોવો જોઈએ: સૈયદ તનવીર અહેમદ

0
67

અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની એક દિવસીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજાઈ

અહમદાબાદઃ FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ ઇન્સ્ટીટ્યુશન્સ), ગુજરાત દ્વારા તા. 14, જુલાઈ, 2024, રવિવાર, હોટલ રીવેરા સરોવર પોર્ટીકો, અહમદાબાદ ખાતે રાજ્ય કક્ષાની શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

આ કોન્ફરન્સ કેન્દ્રીય વિષય ‘મુસ્લીમ શૈક્ષણિક સંસ્થાનો સામેના પડકારો અને ભાવિ વ્યૂહરચના’ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં ભારતભરની વિવિધ પ્રતિષ્ઠિત મુસ્લીમ સંસ્થાઓના સંચાલકો અને હોદ્દેદારો તેમજ વિવિધ શિક્ષણવિદો અને વિદ્વાનોએ ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લામાંથી હાજર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૪૦૦ જેટલા ડેલીગેટ્સને સંબોધન કર્યું.

કોન્ફરન્સની શરૂઆત તિલાવતે કુર્આન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ જમાઅતે ઇસ્લામી હિંદના ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉ. સલીમ પટીવાલા સાહેબે કોન્ફરન્સમાં હાજર સન્માનિત મહેમાનો અને શ્રોતાજનોનું શબ્દોથી સ્વાગત કર્યું. સ્વાગત પ્રવચન બાદ મર્કઝી તાલીમી બોર્ડ, ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉ. ઇફતેખાર મલેક દ્વારા કોન્ફરન્સનો હેતુ અને તેની વિભાવના સમજાવતા જણાવ્યું કે મુસ્લીમ સમુદાયમાં શિક્ષણ ક્ષેત્રે ઘણુંખરું કરવા માટે અનેરો ઉત્સાહ અને ચિંતા જોવા મળે છે. અને તેમણે ઘણા લાંબા સમયથી તે માટે વિવિધ પ્રયત્નો કરતો રહ્યો છે. પરંતુ આ લાંબા સફર પછી પણ આપણે જોઇએ એવી અપેક્ષિત સફળતા મેળવી શક્યા નથી. તે માટે ફરીથી ચિંતન મનન કરવા આજે શિક્ષણ ક્ષેત્રના વિવિધ જવાબદારો અને ચિંતકોને રાજ્યભરમાંથી આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આપણે એ સમજવું પડશે કે આપણે જે દેશમાં રહીએ છીએ તેના બંધારણ અને નીતિઓને સમજીને તેમાં આપણા અધિકારને મેળવવા પ્રયત્નો કરવા પડશે.

પ્રથમ સેશનની શરૂઆતમાં પ્રો. અખતરૂલ વાસે સાહેબ (ભૂતપૂર્વ VC, MANUU, જોધપુર) અને મુજીબુરરહેમાન અતીક નદવી સાહેબ (નાઝિમ, તાલીમાત દારુલ ઉલુમ ઇમામ રબ્બાની, નેરલ, મહારાષ્ટ્ર)એ ઇસ્લામમાં શિક્ષણના મહત્વને સમજાવ્યું. સાથે જ દીની અને દુન્યવી શિક્ષણના વિભાજનને ઓછામાં ઓછું કરી વિદ્યાર્થીઓને વ્યાપક શિક્ષણ મળે તે માટેના પ્રયાસો પર ભાર મૂક્યો.

જનાબ મુજતબા ફારુક સાહેબ (ટ્રસ્ટી, મરકઝી તાલીમી બોર્ડ) એ સરકારશ્રીની અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાઓ તરફની નીતિઓ પર પ્રહાર કર્યા. તેમણે મદ્રેસાઓ તરફના સરકારના વલણને વખોડી કાઢયું. તેની સાથે જ તેમણે મુસ્લીમ સમુદાયના લોકોને શિક્ષણ અંગે તેમની બંધારણીય જોગવાઈઓને સમજીને તે અનુસાર પ્રગતિ કરવા માટે આહવાન કર્યું. આપણે મિશનરી બનીને ભારતના અન્ય સમુદાયોને ઈસ્લામી તાલીમી વ્યવસ્થાથી અવગત કરાવવા પ્રયાસો કરવા પડશે તેવં તેમણે જણાવ્યું.

પ્રથમ સેશનના અધ્યક્ષ ડોક્ટર મોહિયુદ્દીન ગાઝી(નેશનલ સેક્રેટરી, JIH) એ શિક્ષણ પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે મદરેસાઓ આધુનિક યુગથી દૂર છે, આધુનિક વિજ્ઞાન સાથે જોડાયેલા નથી. તેમણે કહ્યું કે આપણું મિશન માનવજાતનું માર્ગદર્શન કરવાનું છે અને તેના માટે આપણે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીનું જ્ઞાન મેળવવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મદ્રસાઓમાં શીખવવામાં આવતી દીની પાયાની શિક્ષાનો વ્યવહારિક જીવન સાથે કોઈ સંબંધ નથી હોતો. ડોક્ટર ગાઝીએ જણાવ્યું હતું કે મદરેસાઓએ આધુનિક યુગની માંગ મુજબ તેમનો અભ્યાસક્રમ તૈયાર કરવો પડશે.

બીજા સેશનની શરૂઆતમાં યોજાયેલા એક પેનલ ડિસ્કશનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની અસરો, ખાસ કરીને લઘુમતી સમુદાયો પર થતી અસરોનો ચર્ચાસ્પદ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ ડિસ્કશનમાં શિક્ષણવિદ્દો અને સમુદાયના અગ્રણીઓએ ભાગ લીધો હતો, જેમાં ઝુબેર ગોપલાની (ડાયરેક્ટર, હનીફા સ્કૂલ અને ટ્રસ્ટી, ઇસ્લામિક સ્ટડી સેન્ટર), અફઝલ મેમન (પ્રેસિડેન્ટ, ગુજરાત સર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ), પ્રો. (ડૉ.) અકીલ અલી સૈયદ (સ્થાપક વાઇસ ચાન્સેલર, જીએમ વાસ્તાનવી યુનિવર્સિટી (પ્રસ્તાવિત), મુફ્તી સાજિદ બેલીમ ફાલાહી (પ્રેસિડેન્ટ, સ્ટ્રેટપાથ ફાઉન્ડેશન), અને શકીલ અહેમદ રાજપૂત (પ્રેસિડેન્ટ, રેડિયન્સ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ)નો સમાવેશ થાય છે. પેનલિસ્ટ્સ દ્વારા એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે NEP માં કેટલીક સકારાત્મક બાબતો છે, પરંતુ લઘુમતીઓ માટે ઘણી ચિંતાઓ પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે આ ચિંતાઓને દૂર કરવા માટે લઘુમતી સમુદાયો સાથે સંવાદ કરવો જોઈએ અને NEP ના અમલીકરણમાં તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

ત્યારબાદ ડૉ. સૈયદ ઝફર મેહમુદ સાહેબ (રિટાયર્ડ IRS અને પ્રમુખ, ઝકાત ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા) મુસ્લીમ સમુદાયમાં શિક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ સંશાધનો ઉપર વાત કરતા જણાવ્યું કે મુસ્લીમ શૈક્ષણિક સંસ્થાનોના હોદ્દેદારોએ બ્યુરોક્રેસી, એડમીનીસ્ટ્રેશન અને લેજીસ્લેટિવમાં મુસ્લીમોની ભાગીદારી વધે તે માટે વિદ્યાર્થીઓની તૈયારી કરાવવા પર ભાર મૂક્યો. UPSC ની સાથે સાથે અન્ય વહીવટી જગ્યાઓ પર પણ મુસ્લીમોની ભાગીદારી વધારવા માટે તૈયારી કરવી જોઇએ. તદ્ઉપરાંત મસ્જિદ, કોમ્યુનિટી હૉલ જેવી જગ્યાઓનો શિક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લઇ શકાય એવું આયોજન કરવું જોઈએ તેવું તેમણે જણાવ્યું.

ડૉ. અબ્દુલ કદિર (અધ્યક્ષ, શાહીન ફાઉન્ડેશન, કર્ણાટક) એ એક નાના ક્લાસરૂમથી શરૂ કરેલ સફરને કઈ રીતે શાહીન ફાઉન્ડેશન જેવા મસમોટા વટવૃક્ષમાં પરિવર્તિત કર્યું તેની વાત મૂકી હાજર સંસ્થાઓના સંચાલકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમન ફાઉન્ડેશન એ અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં સરકારી કોલેજોમાં પ્રવેશ અપાવ્યો છે. સાથે જ તેમણે મુસ્લીમ સમુદાયના લોકોને ફૂજુલ ખર્ચાઓથી બચીને શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ ખર્ચ કરવા પર ભાર મૂક્યો.

સમારંભના અધ્યક્ષ સ્થાનેથી મરકઝી તાલીમી બોર્ડના પ્રમુખ સૈયદ તનવીર અહેમદ સાહેબે શિક્ષણના ઉદ્દેશ્યને સમજાવતા જણાવ્યું કે શિક્ષણનો હેતુ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન નહીં, પરંતુ ટ્રાન્સફોરમેશન ઓફ પર્સનાલિટી હોવો જોઈએ. હોલિસ્ટિક અપ્રોચ ઓફ એજ્યુકેશન પર તેમણે ભાર મૂક્યો. આગળ તેમણે જણાવ્યું કે શૈક્ષિણક સંસ્થાનોએ પ્રોફેશનાલિઝમનો અભિગમ અપનાવવો પડશે. તે અંગે તેમણે સંસ્થાઓના મેનેજમેન્ટ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સૂચનો કર્યા. સરકારની નીતિઓના ઘડતરમાં મુસ્લીમ શિક્ષણવિદેની ભૂમિકા હોવી જોઈએ તે માટે આપણે તૈયારી આદરવી પડશે. મુસ્લીમ સમુદાયમાં શિક્ષણના વાસ્તવિક વ્યાપ માટે સમુદાયના વીવિધ જવાબદાર લોકોએ સમન્વય અને સંકલન સાધવું પડશે તેવું તેમણે જણાવ્યું.

મૌલાના આઝાદ પ્રિ મેટ્રિક સ્કોલરશીપને ફરીથી બહાલ કરવામાં આવે તેવી તીવ્ર માંગ આજની શૈક્ષણિક કોન્ફરન્સમાં લઘુમતી સમુદાયની શૈક્ષણિક સંસ્થાઓ દવારા ઉઠાવવામાં આવી હતી.

કોન્ફરન્સ દરમ્યાન જાણીતા એડવોકેટ જનાબ તાહિર હકીમ સાહેબને FMEI ( ફેડરેશન ઓફ મુસ્લિમ એજ્યુકશનલ ઇન્સ્ટીટ્યુશન્સ), ગુજરાત ચેપ્ટરના વિવિધ લીગલ કામોમાં સહયોગ બદલ મોમેન્ટો અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું.

કોન્ફરન્સના અંતે કન્વિનર જનાબ અરશદ હુસેન શેખ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવ રજૂ કરવામાં આવ્યો. જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ સચિવ જનાબ વાસિફ હુસેન શેખ દ્વારા હાજર મહેમાનો અને શ્રોતાગણનો આભાર વ્યકત કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here