(ન્યૂઝ ડૅસ્ક) તાજેતરમાં દેશના પાટનગર દિલ્હીથી માત્ર ૬૦ કિલોમીટરના અંતરે આવેલ હરિયાણા જ નહીં બલ્કે સમગ્ર વિસ્તારના અતિ પછાત એવા મેવાત જેના ૪૦% લોકો ગરીબીના ઉંબરે જીવન ગુજારે છે એ નૂહ જિલ્લા અને રાજ્યના વહીવટી તંત્રની ઇરાદાપૂર્વકની નિષ્ક્રીયતાના કારણે કોમી હિંસા અને એના પરિણામે રાજ્ય સરકારના ગેરબંધારણીય બુલડોઝર ન્યાયનું ભોગ બન્યું છે. આ હિંસા નજીકના ગુરુગ્રામ, સોહના, પલવલ અને ફરીદાબાદના વિસ્તારોમાં પણ પ્રસરી છે.
આ હિંસાનું કારણ જલાભિષેક શોભા યાત્રા ઉપર થયેલ પથ્થરમારો હોવાનું કારણ આપવામાં આવે છે. પરંતુ આવી યાત્રા આ વિસ્તાર માટે કોઈ નવાઈની વાત નથી જેમ કે હરિયાણાના ઉપ-મુખ્યમંત્રી જનવાદી જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા તથા ગુરુગ્રામના સંસદ રાવ બિરેન્દ્ર સિંહે જણાવ્યું છે. ચૌટાલાના શબ્દોમાં સમાજના કેટલાક તત્ત્વો જેઓ આ પરિદૃશ્ય સર્જવા માંગતા હતા તેમને આમ કરવામાં સફળતા મળી છે. અમે આ લોકોને ચિહ્નિત કર્યા છે, ધરપકડો કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ કડક કાર્યવાહી તો માત્ર નૂહના મુસ્લિમો પૂરતી મર્યાદિત રહેલ છે. ગુરુગ્રામ, સોહના, પલવલ કે ફરીબાદ અંગે હજુ કોઈ કાર્યવાહી થયેલ હોવાના સમાચારો વાંચવા મળેલ નથી. હા, પર પ્રાંતીય મજૂરોના પલાયનના સમાચારો અલબત્ત વાંચવા મળ્યાં છે.
આ શોભા યાત્રામાં સામેલ લોકો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૩જી ઓગસ્ટના તંત્રી લેખ મુજબ તલવારોથી સજ્જ હતા. કેટલાક અન્ય અહેવાલો મુજબ તેઓ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતાં. આશ્ચર્યની વાત એ છે કે હરિયાણાના મુખ્યમંત્રી આમાં થયેલ હિંસા માટે કાવત્રા તરફ આંગળી ચીંધે છે, પરંતુ જે વહીવટી તંત્ર જાહેર રેલીઓ કાઢવા માટે રુટીનમાં ઇન્કાર કરી દે છે તેણે આના માટે પરવાનગી કોના દબાણ હેઠળ અને શા માટે આપી એની તપાસ થવી જોઈએ, કારણ કે સરકાર અને વહીવટી તંત્રને એ બાબતની જાણ તો હશે જ કે ફેબ્રુઆરીમાં પશુઓનો વેપાર કરનારા બે વેપારીઓના બળી ગયેલા શબ ભીવાનીમાંથી મળ્યા હતા જેમાં મોનુ માનેસર અને બિટ્ટુ બજરંગી આરોપીઓ હતા અને તેઓ નાસતા ફરી રહ્યા હતાં. તેમણે આ શોભા યાત્રામાં પોતે હાજર રહેવા અને પોતાના સમર્થકોને પણ જોડાવવા વીડિયો બનાવી જાહેરાત કરી હતી. એવા પણ અહેવાલો છે કે ગુપ્તચરના અધિકારીએ આ બાબતે લાગતા વળગતાને જાણ કરી હતી. તેમ છતાં પરવાનગી અપાઈ હતી. વળી જિલ્લાના એસ.પી. કૌટુંબિક કારણોસર રજા પર હતાં અને બાજુના જિલ્લાના એસ.પી. આ પરિસ્થિતિનું વધુ સારી રીતે આકલન ન કરી શક્યા એમ શ્રી ચૌટાલાએ “ઇન્ડિયન એક્સપ્રેસ”ને આપેલ મુલાકાતમાં જણાવ્યું છે.
પરંતુ આ ઘટનાના પગલે પોતાની નિષ્ફળતા ઢાંકવા જિલ્લા વહીવટીતંત્ર પાકી ઇમારતો, દવાની દુકાનો અને સ્થળાંતરિત મજૂરોને રોહિંગ્યા કે બાંગલાદેશી ગણાવી તેને જમીનદોસ્ત કરી રહ્યું છે. આ કાયદા બહારની ફોજદારી ન્યાયવ્યવસ્થા Extra Judicial Criminal Justice System અંગે ન્યાયતંત્રે પણ સુઓ મોટો -સ્વમેળે- નોંધ લીધી જણાતી નથી. ત્રૃણમુલ કોંગ્રેસના રાજ્ય સભાના એક એમપી.એ જો કે આ બાબતે માહિતી માંગી છે પરંતુ એને કોણ ગણકારે છે ? જો કે હરિયાણા હાઈકોર્ટે હાલપૂરતું ડિમોલીશન ઉપર સ્ટે આપેલ છે.
એવું જણાય છે કે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સુધી તો ધ્રુવીકરણની આ રમત એમ જ ચાલતી રહેશે અને નિર્દોષ નાગરિકો આ કોમી દાવાનળનો ભોગ બનતા રહેશે, કારણ કે નફરતનીઆ ખેતી કેટલાક પક્ષો માટે સત્તા પ્રાપ્તિનું સોપાન છે.