છેલ્લાં કેટલાક સમયથી મોટાભાગની ટીવી ચેનલો ઉપર ત્રણ તલાક પામેલી છૂટાછેડા થયેલી મુસ્લિમ સ્ત્રીઓની રોક્કડ અને વલવલાટ, આક્રંદ અને આંસુઓ દર્શાવવામાં આવે છે ત્યારે એવી છાપ પડે છે કે આપણા દેશમાં તબાહી લાવનાર દયાજનક આ એક જ ભયાનક પ્રશ્ન છે. જો આનો ઉકેલ નીકળી આવે તો મુસલમાનો માટે હિંદુસ્તાન સ્વર્ગ સમાન બની જાય. જાણે કે હિંદુ સમાજ અને અન્ય સમાજો સ્વર્ગમાં વિહરે છે અને મુસ્લિમ સમાજની સ્ત્રીઓ નર્કની આગમાં સળગે છે. જેથી એ દયાળુ ધર્માત્માઓ દિવસ-રાત ઈલેકટ્રોનિક મીડિયા મારફતે ‘ડિબેટ’માં સતત ચર્ચાઓ ચાલુ જ રાખે છે, જેમાં મોટાભાગની હાસ્યાસ્પદ અને મૂર્ખાઈઓથી ભરપૂર, સત્યથી વેગળી, અને મૂર્ખાઈઓથી ભરપૂર, દલીલો હોય છે. અમુક મુસ્લિમ નામધારીઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા ખાતર મુસ્લિમ સમાજ અને ઇસ્લામ વિશેના જ્ઞાાનમાં અક્કલનું પ્રદર્શન કરે છે એ પણ અભ્યાસીઓથી અજાણ નહીં જ હોય જેના વિશે લખવા કે વાંચવામાં સમયની બરબાદી જ છે.
બીજી તરફ હિંદુ બહેનોની હાલત કેવી છે એના ઉપર કયારેય દૃષ્ટિપાત કર્યો છે ?
વર્તમાન સમયમાં પણ હજારો દેવ-દાસીઓ મૌજૂદ છે. મથુરા, વૃંદાવન સહિત જે લખી ન શકાય એવી હકીકત છે એ જાણી પથ્થર દિલ માણસના પણ રૃંવાડા ઉભા થઈ જાય. એ સવિસ્તાર વિગતો હૈરતનાક અને અચંબાજનક છે. જેનું અમુક મેગેઝીનોમાં પણ વર્ણન આવી ગયું છે. દેવદાસી એટલે ભગવાનની દાસી કે સેવિકા. ધર્મના નામે ભગવાનની દાસીની દશા કેવી છે ? એ હજારો દેવદાસીઓની શરમજનક દાસ્તાનોથી કોઈ રૃંવાડું ફરકતું નથી !!!
દેશમાં હજારો સ્ત્રીઓને દહેજના કારણે સળગાવી મારવામાં આવે છે જે કેસ આપઘાતમાં ખપી જાય છે તેનાથી કોણ અજાણ છે ?
એક ન્યૂઝ એજન્સીના હવાલાથી સાપ્તાહિકે દિલ્હી, યુ.પી. તેમજ અન્ય રાજ્યોમાં એક વર્ષમાં દહેજના કારણે સળગાવી દેવાયેલી સ્ત્રીઓના નામ, સરનામા સહીત આંકડા પ્રગટ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ દેશમાં રોજ ૧ કલાકમાં એક નિર્દોષ સ્ત્રી દહેજનો ભોગ બને છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડા બતાવે છ ેકે વિવિધ રાજ્યોમાં દહેજ કતલના ૮૪પપ બનાવો સામે આવ્યા છે, જેમાં દિલ્હી પહેલાં નંબરે છે એમ દિલ્હી પોલીસનું કહેવું છે. તેમના કહેવા મુજબ દિલ્હીમાં દરરોજ ૧૦થી વધુ બનાવો નોંધાય છે. ઈ.સ.ર૦૧૬માં ૩૮૭૭ બનાવો નોંધાયા હતા અને જે સ્ત્રીઓના આપઘાત કે ખૂન નથી થતાં પણ અસહ્ય ત્રાસનો ભોગ બની રહી છે તે અલગ ?!!
ભાગ્યે જ કોઈ દિવસ દૈનિક પત્ર ખાલી જાય છે કે જેમાં સ્ત્રીઓના આપઘાતના કિસ્સા ન હોય. આ બધું શા કારણે ? ધર્મના નામે સતી-પ્રથા આપણા દેશમાં સદીઓ સુધી ચલાવી, જેમાં સ્ત્રીઓ જીવતી હોમાઈ ગઈ હતી પણ પતિની ચિતામાં એની પત્નીને બળજબરીપૂર્વક ધકેલવાની ઘટનાઓ અખબારોમાં વાંચી છે.
જન્મથી બાળકી હોય તો તેને ‘દૂધપીતી’ (દૂધમાં ડૂબાડી મારી નાંખવી)નો રિવાજ આપણા દેશમાં સદીઓ સુધી ચાલ્યો. નાના-મોટા શહેરોમાં ખાનગી તેમજ જાહેરમાં લાખો સ્ત્રીઓનો રોજ દેહ-વિક્રય થઈ રહ્યો છે એ દેશવાસીઓની મા-બહેનો, દીકરીઓ વિ. નથી ??? એમની સંખ્યા ગણતરી કરી છે ??? કદી એમની ચિંતા કરી છે ?
પૈસા કમાવવા માટે હજારો સ્ત્રી-પુરૃષોની જોડીઓ જે જાતીય (સેકસ) સંબંધોને વીડિયો લાઈવ કરીને કમાણી કરી રહ્યા છે જે સ્ત્રી-પુરૃષના સંબંધો વેબસાઈટ પર અપલોડ કરીને પોર્નોગ્રાફીના આ ધંધામાં હજારો લોકો સંકળાયેલા છે. (અખબારી અહેવાલોના આધારે)
કાનૂની મનાઈ હોવા છતાં સ્ત્રી-ભ્રૂણ હત્યા આજે પણ કેટલી મોટી સંખ્યામાં થાય છે ? કયારેય એના પર ડિબેટ થાય છે ?
રડતી-કકળતી બે-ત્રણ મુસ્લિમ સ્ત્રીઓ પોપટની જેમ પઢાવેલા ટીવી ચેનલો ઉપર બોલે છે, જાણે કે એ સમગ્ર મુસ્લિમ સમાજનો આઈનો હોય ! અમે હરગિજ ત્રણ તલાકના હિમાયતી નથી, જેમાં અલ્લાહ પણ રાજી નથી. આ એક અણગમતું વિકલ્પ છે. એની સંખ્યા કેટલી ? આ ત્રણ તલાક અને હલાલો ઉચિત નથી જ. તે કોઈપણ ડિબેટમાં ભાગ લેતા મુસ્લિમોને પણ ખબર નથી એ જોઈને તાજ્જુબ થાય છે. કોઈક કંઈક સાચું બોલે છે તો એનો અવાજ ઘોંઘાટમાં દબાવી દેવામાં આવે છે.
બીજી તરફ પત્નીથી પીડિત પુરૃષોની આહોઝારી અને આંસૂઓ જોયા છે ? વર્તમાનપત્રો, મેગેઝીનોમાં સચિત્ર અહેવાલોથી કોણ અજાણ છે ? આપણી વચ્ચે રહેતા આપણા ભાઈઓથી કોણ ના-વાકેફ છે ? જે પુરૃષો પત્નીઓના ત્રાસથી પીડાય છે, જેલમાં જાય છે, ભરણ-પોષણની ભારે રકમો દર મહિને ચૂકવી શકતા નથી, આપઘાતો કરે છે તેઓ કોણ છે તેમનું વર્ગીકરણ જરૃર કરી જુઓ.
પતિ-પત્ની એકબીજા સાથે જીવી નથી શકતા અને છુટકારો પામી નથી શકતા. તેમની હાલત જોઈ છે ? આવા અનેક પ્રશ્નો અને સેંકડો સમસ્યાઓ છે.