ગાઝા ઇઝરાયલ યુદ્ધઃ નિશાન પર છે મુસલમાનો અને ઇસ્લામ

0
6

જ્યારે આ લખવાનો વિચાર કર્યો ત્યારે મને ડોક્ટર ઈસરાર સાહેબના યહૂદીઓ વિશેના ઘણા બધા બયાન યાદ આવી ગયા. મેં જ્યારે youtube ઉપર “ડોક્ટર ઈસરાર  ઓન યહૂદી” સર્ચ કર્યું તો ડઝન બંધ વિડીયો જોવા મળ્યા. આપ સૌ પણ તેને એકવાર જોઈ લેશો.

હવે, આવીએ હાલ ચાલી રહેલ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના ભીષણ અને ઘાતકી યુદ્ધ ઉપર.

7 ઓક્ટોબર 2023ના રોજ બરાબર 2 વર્ષ પહેલાં અચાનક ગાઝામાંથી હમાસે હજારો રોકેટ ઇઝરાયલના ઉપર દાગી દીધા. ઘણા બધા ઇઝરાયલી લોકોને બંધક બનાવી લીધા. આ એટલું ઝડપથી બન્યું કે તે પૂરી દુનિયા માટે સાચે જ કલ્પનાતીત હતું. ઇઝરાયલની કુખ્યાત જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકાની એફબીઆઇ પણ ઊંઘતા ઝડપાયા. 2 વર્ષના ધમપછાડા બાદ હવે અચાનક અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ મધ્યસ્થી બનીને એક પીસ ફોર્મ્યુલા લાવે છે, જેને તુરંત જ દુનિયાભરના દેશો ભારત અને પાકિસ્તાન તથા ઘણા બધા અરબ અને યુરોપના દેશો સમેત, ઉતાવળે શાંતિ મેળવવાની લ્હાયમાં આ ફોર્મ્યુલાને સીધું સમર્થન આપી દે છે. ઇઝરાયલ પણ થોડા ખચકાટ સાથે સંમતિ આપતું દેખાય છે. આ બે વર્ષમાં પુરા ગાઝાને ઇઝરાયલે અનેકવાર બોમ્બવર્ષા કરીને ખંડેર બનાવી દીધું છે. નિર્દોષ મહિલાઓ અને બાળકોની હજારો લાશો ઢાળી દીધી છે. 66000થી વધુ મૃત્યુ થયા છે અને દોઢ લાખથી વધારે લોકો ઘાયલ થયા છે. અનાજનો પુરવઠો રોકી દીધો છે તેથી ભૂખમરાના લીધે લોકો ટળવળીને મરી રહ્યા છે.

1917માં સૌપ્રથમ યહૂદીઓને મધ્ય પૂર્વ એશિયામાં વસાવવાનો વિચાર બ્રિટન રજૂ કર્યો અને તે સમયે પેલેસ્ટાઇનના હિત સાચવવાનું વચન લેખિતમાં આપવામાં આવ્યું હતું. પરંતુ હમણાં સુધી બ્રિટને તેને માન્યતા આપવાનું સતત ટાળ્યું હતું. હવે આ છેલ્લા બે વર્ષના જઘન્ય નરસંહાર પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય હોય એવા 70%થી વધુ દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી દીધી છે. બ્રિટન, ફ્રાન્સ, પોર્ટુગલ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈન સ્ટેટને માન્યતા આપી દીધી છે. NATO ઉપરાંત G-7 સમૂહના દેશોએ ઇઝરાયલને ગાઝા પટ્ટીમાં વધુ હુમલા અટકાવી તાત્કાલિક રાહત પહોંચાડવા કહ્યું છે. આ બધા દેશો વર્ષોથી અમેરિકાની ચીંધેલી લાઈન ઉપર જ ચાલતા હતા, પરંતુ હવે બ્રિટન ફ્રાન્સ અને કેનેડા એ પહેલીવાર પોતાની સ્વતંત્ર વિચારસરણીનો પરચો આપ્યો છે, જે સાચે જ એક આશાનું કિરણ છે.

1967માં ઇઝરાયલે અચાનક હુમલો કરી ઇજિપ્તના વિમાનોને એરપોર્ટ ઉપર જ ઉડાવી દીધા અને જે છાકો પાડી દીધો હતો, ત્યારથી મધ્ય પૂર્વના બધા જ અરબ દેશો ઇઝરાયલની ધાકમાં રહેતા અને જીવતા જોવા મળ્યા છે. હમાસ જે એક નાનું સંગઠન છે અને જેની પાસે કોઈ રાજ્યસત્તા નથી તે ઇઝરાયલને અદ્‌ભુત રીતે હંફાવી રહ્યું છે. અને અમેરિકાના સીધા સપોર્ટ અને સંડોવણી પછી પણ કોઈપણ રીતે હજુ સુધી કાબુમાં લઈ શકાયું નથી.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇઝરાયલને સાથે રાખી નવી દરખાસ્ત મૂકી છે અને પૂરા જગતને સમજાવી રહ્યા છે કે આ પ્રસ્તાવ હમાસે સ્વીકારી લેવો જોઈએ.અને તો જ મધ્યપૂર્વમાં  શાંતિ સ્થાપી શકાશે. હવે આ દરખાસ્ત બિલકુલ જ એકતરફી છે અને હમાસ પોતાનું પતન પોતાના હાથે કઈ રીતે સ્વીકારી શકે તે સમજાતું નથી. ટ્રમ્પ આખી ગાઝા પટ્ટી પોતાના મિત્ર ઇઝરાયલને સીધી ખેરાત કરવા ચાહતા હોય તેવું ચિત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસી રહ્યું છે.  આ નાગચૂડમાંથી બન્નેને કોણ છોડાવશે તે કોઈને પણ સમજાતું નથી. ભલે ઇઝરાયેલી દળોએ ગાઝાને કાટમાળમાં ફેરવી દીધું છે, છતાં તેઓ હમાસને હજુ પણ ખતમ નથી કરી શક્યા તે એક હકીકત છે. પોતાના બંધકોને બચાવવું 2 વર્ષ પછી પણ તેના માટે હજુ પણ એટલું જ અઘરું છે. હમાસના નેતૃત્વને ખતમ કરવા માટે છેલ્લે ઇઝરાયલે કતાર ઉપર પણ હુમલો કરી દીધો અને મધ્યસ્થી દરમિયાન પણ આ હુમલા દ્વારા તેનું કપટી મન છતું કરી દીધું. હમણાં રફાહથી ઇઝરાયલમાં ગયેલા રોકેટોથી એ ઇશારો મળે છે કે હજુ પણ હમાસ મજબૂત જવાબી પગલા લેવાની ક્ષમતા ધરાવે છે અને તેની પાછળ મક્કમ રીતે ઈરાન સહાય કરી રહ્યું છે. ઇઝરાયલ આટલી નફ્‌ટાઈથી અમાનવીય જઘન્ય હુમલા પછી પણ આ ગેરીલા યુદ્ધના વમળમાં પૂરેપૂરું ફસાઈ ગયું છે અને સંપૂર્ણ રીતે ફક્ત અમેરિકાના ભરોસે ટકી રહ્યું છે. અમેરિકાની નવી દરખાસ્ત સૌપ્રથમ બંધકોને છોડી મૂકવાની વાત કરે છે જે હમાસ કદી પણ સ્વીકારી ન શકે, કારણ કે આ મુદ્દા ઉપર તો તે ઇઝરાઇલને ઝુકાવવા માંગે છે. તેનો આ યોજનાનો દારો મદાર તેના કબજામાં રહેલ બંધકો છે. 2020માં અબ્રાહમ એકોર્ડ અમેરિકાએ કરાવેલ જેમાં યુએસ ઇઝરાયલ યુએઈ અને બહેરીન સામેલ હતા, તે પણ હવે નકામું દેખાય છે. 2 વર્ષ પૂર્વે હમાસના હુમલા સમયે ઇઝરાયલને દુનિયાભરમાંથી સપોર્ટ મળ્યો હતો. પરંતુ ત્યારબાદ  ઇઝરાયલ દ્વારા કરાયેલ આક્રમણમાં 15000 બાળકો સહિત 66,000 લોકો માર્યા ગયા છે. તેના લીધે સમગ્ર વિશ્વની સહાનુભૂતિ હવે ગાઝાની તરફેણમાં છે.

ફ્‌લોટીલા જહાજોમાં દુનિયાભરમાંથી અનેક માનવતા વાદી લોકો જાનના જોખમે ગાઝા પહોંચી રહ્યા છે

ગાઝાના વિસ્થાપિતો માટે જે ટેન્ટ સીટી બાંધવામાં આવેલ હતું તેના પરના હુમલા અને નાશ પછી ઇઝરાયલ ઉપર પૂરી દુનિયાનો ગુસ્સો છે. આ મહિનાની શરૂઆતમાં યુએન જનરલ એસેમ્બલીએ યુએનમાં જોડાવાની પેલેસ્ટાઇનની ઇચ્છાને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો, અને ભલામણ પણ કરી હતી કે સુરક્ષા પરિષદ તેને અનુકૂળ રીતે ધ્યાનમાં લે. આ ઠરાવની તરફેણમાં ભારત સહિત 143 દેશોએ મતદાન કર્યું હતું અને નવ મત વિરુદ્ધમાં પડ્યા હતા. 25 સભ્ય દેશો ગેરહાજર રહ્યા હવે નોર્વે આયર્લેન્ડ અને સ્પેને પણ પેલેસ્ટાઇનની એક દેશ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી દીધી છે. ખુદ ઇઝરાયલમાં પણ તેની કેબિનેટમાં આ યુદ્ધને લઈને વિભાજન થઈ ગયું છે, જેની કિંમત નેતન્યાહૂએ ચુકવવી પડશે. અવાર-નવાર ઇઝરાયલમાં  નેતન્યાહૂના વિરોધમાં પ્રજા પણ રસ્તા પર આવવા લાગી છે. તેના ઉપર જે ભ્રષ્ટાચારના આરોપો છે તેમાંથી બચવું તેના માટે સહેલું નથી. ઇઝરાયલ ક્યારેય બે રાષ્ટ્રના સિદ્ધાંત સાથે સંમત થયું નથી. પરંતુ હાલમાં ઘણા બધા દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાનું મન બનાવી લીધું છે અને ઘણા બધા દેશો આ લાઈનમાં વિચારી પણ રહ્યા છે. ઘણા લાંબા સમયથી લાખો લોકો પોતાના રાજ્યના નિર્ણયના ગૌરવથી વંચિત છે અને તેમના માટેના અધિકારોની પુષ્ટિ એક પ્રતિકાત્મક વિજય જરૂર દર્શાવે છે. પરંતુ આ કાગળ પરની માન્યતા જમીન ઉપરની સાચી માન્યતામાં બદલવું એટલું સહેલું નથી. પશ્ચિમ કાંઠે West Bankમાં ઇઝરાયલી વસાહતનું વિસ્તરણ સતત ચાલુ છે અને ઇઝરાયલ પોતાના ગ્રેટર ઇઝરાયલના પ્લાનને આગળ ધપાવવા સતત પ્રયત્ન કરતું રહ્યું છે. વાસ્તવમાં જ્યાં સુધી પેલેસ્ટાઈનની માન્યતાને આર્થિક રાજકીય અને કાનૂની જોગવાઈઓ જેવા વ્યવહારુ પગલા દ્વારા સમર્થન આપવામાં ન આવે ત્યાં સુધી આ ઘોષણાઓ ફક્ત હવાઈ કિલ્લા દેખાય છે. હજુ પણ અમેરિકા, જર્મની, ઇટાલી અને જાપાન માન્યતા આપી રહ્યા નથી. તેઓ ઇઝરાયેલની ચિંતા વધુ કરતા દેખાય છે. વાસ્તવમાં શાંતિ એ આધાર પર નથી બનાવી શકાતી કે એક રાજ્યના અધિકારો બીજા રાષ્ટ્રની સુરક્ષા સાથે ટકરાઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યવહારુ માળખા તરીકે જેને સમર્થન આપવામાં આવ્યું છે તે બે રાજ્યનો ઉકેલ સમાનતાની માંગ કરે છે. વાસ્તવમાં ગાઝા કટોકટા્‌ની ઉથલપાથલ વચ્ચે ઇઝરાયલના  વિસ્તરણને રોકવું, પ્રતિબંધોને હટાવવા અને માનવતાવાદી પહોંચ સુનિશ્ચિત કરવા સારુ વિશ્વસનીય વાટાઘાટો આગળ વધારવાની તાતી જરૂર છે. અને જો આવું નહીં થાય તો પેલેસ્ટાઇન ફક્ત કાગળ ઉપર, નામનું રાજ્ય બની રહેશે. આંતરરાષ્ટ્રીય સમુદાયની પણ આ કસોટી છે કે તે તાત્કાલિક શું પગલાં લે છે.

 છેલ્લે જ્યારે આપણે કુર્આન અને સીરતનો અભ્યાસ કરીએ છીએ તો આ સમજાય છે કે ઇસ્લામ જે યુદ્ધના વિજય સમયે પણ કોઈ ઉન્માદ વગર, ક્ષમા નું શસ્ત્ર આગળ રાખતું હોય, તે યહૂદીઓ પ્રત્યે કેમ આટલું આકરું વલણ રાખે છે? તેમનું કપટ, તેમની લુચ્ચાઈ, તેમનું ખંધુ ચરિત્ર જે આજે પણ પુરી દુનિયા જોઈ રહી છે, તે બતાવેછે કે યહૂદીઓ કેમ આ ફ્રેમમાં જ જોવાય છે.  છેલ્લે ફરી વિનંતી..ડૉ. ઇસરાર સાહેબના બયાન અચૂક જોઈ સાંભળી લેવા.

મુ ઉમર વહોરા
મો.99252 12453

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here