હું દુનિયાથી કંટાળી ગયો છું, તેનાથી દૂર ક્યાંક ભાગી જવા માંગું છું, પરંતુ કોઈ રસ્તો દેખાતો નથી. નોકરી બદલું, ઘર બદલું, મહોલ્લો અને શહેર બદલું, કે દેશ છોડું, આખરે જીવતે જીવ આ દુનિયાથી કેવી રીતે છૂટકારો મેળવું, કોઈ ઉપાય દેખાતો નથી. દુનિયા મારી સાથે પડછાયાની જેમ ચોંટેલી રહે છે અને મારા દરેક નિર્ણયમાં તેનું જ પ્રભુત્વ રહે છે. મારા બધા જ પ્રશ્નો અને મુશ્કેલીઓનું મૂળ આ દુનિયા જ દેખાય છે.
દિલમાં અવાર-નવાર વિચાર આવે છે કે કોઈક રીતે આ દુનિયા મારી સામે એવી રીતે આવી જાય કે હું મારા દિલનો બળાપો કાઢી શકું અને તેનું ગળું દબાવીને તેનાથી છુટકારો મેળવી લઉં. આખરે એક દિવસ આવી જ ગયો.
હું એકાંતમાં બેઠો હતો ત્યારે મને લાગ્યું કે દુનિયા મારી સામે ઊભી છે.
દુનિયાઃ “તને મારાથી શી ફરિયાદ છે, બોલ..હવે બોલ..હું તારી સામે જ છું ?”
હું (દુઃખી અવાજમાં)કહું છું : “મને દુઃખ એ વાતનું છે કે તારાથી છુટકારો મેળવવાનો મને કોઈ રસ્તો દેખાતો નથી.”
દુનિયા : જુઓ, મારી સાથે સંબંધ રાખવો એ એક કુદરતી જરૂરિયાત છે, કોઈ એમ કહી શકે નહીં કે તે મારા વિના જીવી શકે છે. હું અલ્લાહ તઆલાનું સર્જન છું, અને મારામાં તમારા મન મોહી લેવાના ગુણ રાખવામાં આવ્યા છે.
હુંઃ આ કેવી રીતે શક્ય છે કે તારી સાથે સંબંધ રાખવો જરૂરી હોય?
દુનિયાઃ હા, એવું જ છે, આ જીવનમાં કોઈ મારાથી અલિપ્ત રહી શકતું નથી. હું જીવનની જરૂરિયાત છું, આ પ્રકૃતિનો નિયમ છે. ખરેખર, મારી સાથે સંબંધ રાખવો એ ભૂલ નથી, ભૂલ એ છે કે મને આખિરત પર પ્રાધાન્ય આપી દેવામાં આવે. આ જ તે ભૂલ છે જેનું મોટાભાગના લોકો આચરણ કરે છે અને પછી ભોગ બને છે..
હુંઃ તારી વાસ્તવિકતા કેવી રીતે જાણી શકાય?
દુનિયાઃ મારી વાસ્તવિકતા અલ્લાહના રસૂલ ﷺએ ખૂબ સારી રીતે સમજાવી છે. આપ ﷺએ ફરમાવ્યું છે :
“દુનિયા મધુરતાથી ભરપૂર અને લીલીછમ છે.”
જો કે, તેનું બીજું પાસું પણ આપ ﷺએ જણાવ્યું કેઃ
“દુનિયા મો’મિન માટે કેદખાનું અને કાફિર માટે જન્નત છે.”
હુંઃ પણ હું તો જોઉં છું કે ઘણા ઈમાન ધરાવતા લોકો આ દુનિયામાં પણ ઘણી સુખ-શાંતિમાં રહે છે.
દુનિયાઃ કેદખાનાનો અર્થ કોઈ લોખંડનું પાંજરું કે યાતનાગૃહ નથી, જ્યાં જંગલી સજાઓ આપવામાં આવે છે. કેદખાનાનો અર્થ એ છે કે મો’મિન પોતાને અલ્લાહના આદેશોનો પાબંદ બનાવીને રાખે છે, અને નફ્સ (મનેચ્છાઓ)ને આઝાદ છોડી દેતો નથી.
વળી જુઓ, દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે બંધનોમાં ઘેરાયેલો છે. શેખ મુહમ્મદ બિન સમ્માક રહ.ની વાત પર ધ્યાન આપો, તેમણે ફરમાવ્યુંઃ
“હે આદમના દીકરા, તું હંમેશાં કેદમાં રહ્યો છે. પહેલાં પીઠની કેદમાં, પછી પેટની કેદમાં, પછી તે કપડાની કેદમાં જેનાથી બાળકોને કસીને લપેટી દેવામાં આવે છે, પછી મક્તબ (શાળા)ની કેદમાં, પછી ઘરની જવાબદારીઓની કેદમાં. તો પછી એવો પ્રયાસ કરી લે કે મૃત્યુ પછી આરામ મળી જાય, નહીં તો પછી એક બીજી સૌથી પીડાદાયક કેદ તારી રાહ જોઈ રહી છે.”
હુંઃ આ ખૂબ જ સુંદર અને સૂક્ષ્મ વાત છે, હું સમજી ગયો. સારું, આ તો જણાવ કે તારું નામ દુનિયા કેમ પડયું છે?
દુનિયાઃ જો લોકો મારા નામનો અર્થ સમજી લે, તો મારી ચમક-દમકની જાળમાં ન ફસાય. મારા નામના બે અર્થ છેઃ
એક અર્થ એ છે કે હું ક્ષણિક છું, મારી ઉંમર ખૂબ ઓછી છે, ખૂબ જ જલ્દી નષ્ટ થઈ જનારી છું.
બીજા અર્થ એ છે કે હું એક સામાન્ય અને નજીવી વસ્તુ છું, આખિરતની સરખામણીમાં મારી કોઈ કીમત નથી.
હુંઃ હું તારી જાળમાંથી બચીને જીવન પસાર કરું તે માટે મારે શું કરવું પડશે?
દુનિયાઃ આ ખૂબ જ ખતરનાક સવાલ છે, તું મારી પાસેથી મારું રહસ્ય કઢાવવા માંગે છે. હું લોકોને જુદી જુદી રીતે મારી જાળમાં ફસાવું છું, કોઈને માલ-દૌલતની જાળમાં, તો કોઈને પદ-પ્રતિષ્ઠાની જાળમાં. અને આ બધું મારા મેકઅપ અને સજાવટનો કમાલ છે. અને આ તો તું પણ જાણે છે કે મેકઅપ ગમે તેટલો આકર્ષક હોય, તે ક્ષણિક જ હોય છે. શું તેં ક્યારેય કોઈ દુલ્હનની સજાવટ કે કોઈ લગ્નના ઘરની સજાવટ જોઈ છે કે જે હંમેશાં માટે રહી ગઈ હોય ?
હુંઃ હે દુનિયા! તું મારા સવાલથી ભાગવાનો પ્રયાસ ન કર, તારે મારા સવાલનો જવાબ આપવો જ પડશે.
દુનિયાઃ ઉતાવળ ન કર, હું જવાબ આપીશ, જરૂર આપીશ. જો! તારે અહીં મારી સાથે જ જીવવાનું છે, પણ મારા ફિત્નાઓથી બચતા રહેવું પડશે. આ જ મુક્તિનું સૂત્ર છે. આ માટે સૌથી જરૂરી ગુણ છે, હોશિયારી અને જાગૃતિ.
હું લાલસા અને વાસનાઓની વચ્ચે રહું છું. જે મને આખિરતનો માર્ગ માનીને તે તરફ આગળ વધે છે, તે બચી જાય છે અને મંઝિલ પ્રાપ્ત કરે છે. અને જે મને કાયમી ઠેકાણું સમજે છે, તે મારી જાળમાં ફસાઈ જાય છે અને નિષ્ફળ બને છે.
હું મંજિલ નથી, માર્ગ છું. હસન બસરી રહ.એ ચેતવણી આપી હતીઃ
“જુઓ, તે વસ્તુઓથી દૂર રહો જે તમને દુનિયામાં વ્યસ્ત કરી દે, કારણ કે દુનિયાની વ્યસ્તતાઓ ઘણી વધારે છે. માણસ વ્યસ્તતાનો એક દરવાજો પોતાના માટે ખોલે છે, અને તે દરવાજામાંથી દસ દરવાજા બીજા ખુલી જાય છે.”
હુંઃ તો પછી હું તારાથી સંપૂર્ણપણે સંબંધ તોડી નાખીશ, ત્યારે જ મને મુક્તિ મળી શકશે.
દુનિયાઃ આ ન તો શક્ય છે અને ન તો ઇચ્છનીય. જો કે, હોશિયાર જરૂર રહો. જ્યારે પણ દુનિયાની વ્યસ્તતાનો કોઈ દરવાજો તમારા માટે ખુલે, તમે આગળ વધીને આખિરતની વ્યસ્તતાનો એક દરવાજો પોતાના માટે ખોલી લો, જેથી આખિરતની યાત્રા પર ગતિમાન રહો, અને દુનિયામાં જે તમારા હિસ્સાનું છે તે પણ તમને મળી જાય. આ રીતે સંતુલન અને સમાનતા સાથે જીવન પસાર કરો, આ જ સર્જકનું માર્ગદર્શન અને ઇરાદો છે.
હુંઃ પણ મને ડર લાગે છે.
દુનિયાઃ ડરશો નહીં, બસ આ વાતનું હંમેશાં ધ્યાન રાખો કે દુનિયાનું જીવન કઈ રીતે હોશિયારીથી પસાર કરવું છે. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઊદ રદિ.ની એક વાત હંમેશાં યાદ રાખો.
હુંઃ તે કઈ વાત છે ?
દુનિયાઃ હઝરત ઇબ્ને મસ્ઊદ રદિ.એ ફરમાવ્યુંઃ
“તમારામાંથી કોઈને હું ક્યારેય એ રીતે નહીં જોઉં કે જાણે રાત્રે મૃત શબ છે, અને દિવસે કૂતરૂબ (એક ફરતો કીડો) છે.”
આ હાલ ઘણા લોકોનો છે. રાતો બેદરકારીભરી ઊંઘને ભોગ બની જાય છે, અને દિવસો બેદરકારીભરી દોડધામમાં પસાર થાય છે. આખિરતની તૈયારીનો વિચાર ન દિવસે આવે છે અને ન રાત્રે. કોઈએ ખૂબ જ સાચું કહ્યું છેઃ
“આદમનો દીકરો મિસ્કીન છે. તે જેટલો ગરીબી અને ભૂખમરાથી ડરે છે, જો તેટલો જ જહન્નમની આગથી પણ ડરી જાય, તો જન્નતમાં દાખલ થઈ જાય.”
હુંઃ મને કંઈક સલાહ આપો.
દુનિયાઃ અલ્લાહના આ ફરમાનને હંમેશાં યાદ રાખોઃ
“અને હે પયગંબર! આમને દુનિયાના જીવનની વાસ્તવિકતા આ દૃષ્ટાંત વડે સમજાવો કે “આજે અમે આકાશમાંથી પાણી વરસાવી દીધું તો ધરતીની વનસ્પતિ ખૂબ ગીચ થઈ ગઈ અને કાલે તે જ વનસ્પતિ ભૂસું બનીને રહી ગઈ જેને હવાઓ ઉડાવીને ફરે છે. અલ્લાહ દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે.” (સૂરઃ કહફ-45)
અને જુઓ, જો પહેલાં તમે મારાથી એકવાર હોશિયાર રહેતા હતા તો આજ પછી હજાર વાર હોશિયાર રહો.
હુંઃ શું આટલી સ્પષ્ટ વાતો થયા પછી પણ તું મને તારી જાળમાં ફસાવીશ? શું મને તારા સંબંધમાં સંતુષ્ટ ન થઈ જવું જોઈએ ?
દુનિયાઃ જુઓ એક કહેવત છે કે લોકોએ કાગડાને પૂછ્યું, “તું સાબુ કેમ ઉઠાવી લે છે?” કાગડાએ જવાબ આપ્યો, “કારણ કે હેરાન કરવું મારી પ્રકૃતિ છે.”
હું પણ તમને કહું છું કે જુઓ, ફસાવવું મારી પ્રકૃતિ છે, તેથી દુનિયાના આશિક ક્યારેય ન બનશો. દુનિયા તમારી વફાદાર હોઈ શકતી નથી.
પછી દુનિયા અચાનક ગાયબ થઈ ગઈ. હું પોકારતો રહ્યો. તે પછી મેં અલ્લાહનો આભાર માન્યો કે તેણે મને દુનિયાની વાસ્તવિકતા સમજવાની તક આપી.
મારી જીભ પર આ કાવ્ય પંક્તિઓ હતીઃ
દુનિયા ભી અજબ સરાએ ફાની દેખી
હર ચીઝ યહાં કી આની જાની દેખી
જો આગે ન જાએ વો બુઢાપા દેખા
જો જાકે ન આએ વો જવાની દેખી
જો ખરેખર દુનિયાનું જીવન માત્ર ઘડીભરનું છે, તો શા માટે તેને સંભાળીને નેકીના માર્ગમાં પસાર ન કરી દેવાય ?
(મૂળ લેખકઃ શેખ જાસિમ મુહમ્મદ અલ-મુતવવા – ડો. મોહિયુદ્દીન ગાઝીના ઉર્દૂ અનુવાદ પુસ્તક “તેહરીકી મકાલમે”નો ગુજરાતી અનુવાદ)