લેખક શકીલ અહમદ રાજપૂત
ગાઝામાં ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે, જેના કારણે 15 મહિનાના વિનાશક યુદ્ધ પછી શરણાર્થી કેમ્પમાં રહેતા 20 લાખથી વધુ પેલેસ્ટિનિયનોને થોડી રાહત મળી છે. ૧૯ જાન્યુઆરી, રવિવાર સવારથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો, જેનાથી પેલેસ્ટિનિયનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ યુદ્ધમાં અત્યાર સુધી 46,900 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં બાળકો અને મહિલોઓની સંખ્યા વધુ છે. ગાઝા અને રફાહનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે. ઘેરાયેલા વિસ્તારનો મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર, 7 ઓક્ટોબર, 2023 થી યુદ્ધ શરૂ થયું ત્યારથી સમગ્ર ગાઝામાં 60 ટકાથી વધુ ઇમારતો અને 65 ટકા રસ્તાઓ નાશ પામ્યા છે. યુએનની માનવતાવાદી એજન્સી (OCHA)ના અહેવાલ મુજબ, “42 મિલિયન ટનથી વધુ કાટમાળ પેદા કરવામાં આવ્યો છે, જેની અંદર માનવ અવશેષો અને અનએક્સ્પ્લોડ ઓર્ડિનન્સ (UXO), એસ્બેસ્ટોસ અને અન્ય જોખમી પદાર્થો દફનાવવામાં આવ્યા છે.
યુદ્ધવિરામની ઘોષણા થતા સેંકડો પરિવારો તેમના થોડાઘણા સામાન લઈને રફાહ તરફ પાછા ફરી રહ્યા હતા અને એક નવી આશા અને જુસ્સા સાથે તેમના ખંડેર બનેલા ઘરો ઉપર પડાવ નાખી રહ્યા છે. છતાં અમુક પરિવારો એવા પણ છે જેમના ઘર રહેવા યોગ્ય ન હોવાથી અત્યારે વધુ સમય માટે કેમ્પમાં રહેવું પડશે. એવી જ એક વ્યક્તિ કહે છે કે “અમે વિચાર્યું હતું કે અમે આખરે તંબુઓમાંથી નીકળી ફરીથી ઘરોની અંદર રહીશું પણ રફાહ તો રહ્યું જ નથી. હવે એક નવા પ્રકારની પડકારનો સામનો છે. આ વખતે, બોમ્બથી નહીં પરંતુ જીવનની આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ ગેરહાજરીથી થનારો વિનાશનો ડર છે. કેટલાક પરિવારો આવી પરિસ્થિતિમાં પણ We will rebuild, We will live જેવા સુત્રોચાર સાથે પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે જો જરૂરી હોય તો અમે દૂરથી પાણી લઈ જઈશું.” અમે તંબુઓ સાથે રહ્યા છીએ એ જ રીતે રફાહમાં રહીશું. મ્યુનિસિપલ કામદારો રસ્તાઓ સાફ કરવા, પાણી પુનઃસ્થાપિત કરવા અને વિસ્ફોટ ન થયેલા ઓર્ડનન્સના જોખમોને દૂર કરવા માટે સખ્ત મહેનત કરી રહ્યા છે સાથે જ ઉતાવળા પાછા ફરવા સામે ચેતવણી પણ આપી રહ્યા છે.
આ યુદ્ધવિરામ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ માટે આત્મવિલોપન જેવું છે કેમકે તેઓ એક વર્ષથી હમાસના વિનાશ વિના યુદ્ધનો અંત નહીં કરવાની વાત કરતા આવ્યા છે, તેથી ગાઝામાં યુદ્ધના અંત માટે સંમત થવાનો સતત ઇનકાર કરતા હતા. અત્યારે યુદ્ધવિરામના લીધે બેન્જામિન સરકારને આંતરિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગફિર મુખ્ય છે. નાણા પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિક કરાર સાથે આગળ વધવા માટે તૈયાર છે પરંતુ પ્રથમ ચરણ સુધી જ. અને ધાર્મિક ઝિઓનિઝમ પાર્ટી તેમના સભ્યોને સરકારમાંથી રાજીનામું આપવાની ધમકી આપી રહ્યા છે. આ યુદ્ધ કરારમાં ઇજિપ્ત, કતાર અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને આવનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય આંતરરાષ્ટ્રીય પાત્રોની મહત્વની ભૂમિકા છે. શક્ય છે આવનારા દિવસોમાં કોઈ દાવપેચ કરવા સમય લેવા આ કરારને આગળ વધાવવામાં આવ્યું હોય. કેમકે સમગ્ર દુનિયામાં દિવસેદિવસે લોકો ઈઝરાયેલના નરસંહાર સામે વિરોધ દર્શાવી રહ્યા હતા અને પેલેસ્ટાઈનના હકમાં પ્રદર્શન કરી રહ્યા હતા, ટ્રમ્પે પણ પોતાની ચુંટણી સભાઓમાં જંગબંદી માટે વાતો કરી હતી. પરંતુ આ વાત પણ યાદ રાખવી જોઈએ કે ઇઝરાયેલનો સૌથી મોટો સમર્થક અમેરિકા છે, અને ટ્રમ્પ સરકારમાં પણ કેટલાક ઝીઓનીસ્ટ જમણેરી લોકો મોજુદ છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટ્રમ્પ સરકાર નેતાન્યહુને કોઈ રીવાર્ડ જરૂર આપશે. નેતાન્યાહુ આ કરારના કારણે ગાઝા સાથે વ્યવહાર કરવામાં યુએસની ગુડ બુકમાં સ્થાન મેળવશે. કરાર કરવાનું એક કારણ આ પણ છે કે નેતાન્યાહુ સરકાર ભ્રષ્ટાચારના આરોપમાં હતી જ અને લોકો પણ તેને નાપસંદ કરી રહ્યા હતા, તેમજ મોટા ભાગે યુદ્ધવિરામની તરફેણમાં હતા જેને અવગણના કરી શકે તે એવી પરિસ્થિતિમાં ન હતો .
નેતાન્યાહુનું કહેવું છે કે પ્રથમ ચરણમાં આ કરાર હંગામી છે. બીજો ચરણ નિષ્ફળ નીવડ્યો તો યુદ્ધ ફરીથી શરૂ કરીશું. અને જંગ થઈ તો જબરદસ્ત રીતે લડીશું. તેઓ ઈરાની પ્રોક્સીઝને નુકસાન પહોંચાડવાને અને યાહ્યા સીનવારની શહાદતને સૈનિક સફળતા ગણાવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા આ છે કે ઇઝરાયેલ યુદ્ધથી જે કઈ મેળવવા માંગતું હતું તેમાં તે નિષ્ફળ ગયું છે. તે માત્ર સામાન્ય નાગરિક જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધારે છે, તેમને મારવા અને ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન પહોચાડી શક્યા છે. બાકી હમાસના લડ્વૈયાઓમાં રજમાત્ર કમજોરી આવી નથી તેના સામે ઈઝરાયેલના સૈનિકોની માનસિક પરિસ્થિતિ ખરાબ થવાના ઘણા સમાચાર છે. જો આ કોઈ ચાલ હશે તો સમય ફલસ્તીનના લોકોને પણ મળશે અને તેઓ વધુ આયોજનબદ્ધ અને જુસ્સા સાથે પ્રતિકાર કરશે. બે જાણીતા ઇઝરાયલી વિદ્વાનો, Eugene Kandel (યુજેન કેન્ડેલ) અને Ron Tzur (રોન ઝુર) એ તૈયાર કરેલ પેપર મુજબ ગાઝા પર દેશના યુદ્ધ દ્વારા થયેલ વિભાજન અને નેતાન્યાહુની સરકાર દ્વારા પોતાને ન્યાયિક દેખરેખથી દૂર કરવાના પ્રયાસોને જોતાં, “એવી નોંધપાત્ર સંભાવના છે કે ઇઝરાયેલ આગામી દાયકાઓમાં એક સાર્વભૌમ યહૂદી રાજ્ય તરીકે અસ્તિત્વમાં રહેશે નહીં.”
કુલ ત્રણ ચરણમાં કરાર પૂર્ણ થશે. તેના વિસ્તૃત દસ્તાવેજો બહાર પડ્યા નથી પરંતુ પ્રથમ ચરણમાં ઈઝરાઈલ 1000 ફલસ્તીની કેદીઓને 33 ઇઝરાયલી નાગરિકોના બદલામાં મુક્ત કરશે. જે ૬ સપ્તાહ સુધી ચાલશે. ફલસ્તીનીઓ પોતાના વિસ્તારમાં સ્વતંત્ર રીતે હરી ફરી શકશે. ઇઝરાયેલ પોતાની સેનાને તબક્કાવાર કબજો કરેલ વિસ્તારમાંથી પાછી ખેચશે. બીજા ચરણમાં બાકી રહેલ કેદીઓને મુક્ત કરવામાં આવશે. અને ત્રીજા તબક્કામાં કાયમી ધોરણે યુદ્ધબંદી તરફ આગળ વધવામાં આવશે.
આ યુદ્ધમાં ઈઝરાયેલને પણ જબરદસ્ત આર્થિક બોજો આવ્યો છે. અને એક મોટી સંખ્યામાં સ્થાનીય રહેવાસીઓ બીજે હિજરત કરી ગયા છે. ફલસ્તીનીઓ અત્યારે ભૂખમરા, મૂળભૂત સુવિધાઓ જેમકે મેડીકલ, ખાધ પદાર્થ, પાણી, વીજળી, શાળા અને રહેવા માટે છતની અછતથી ઝઝૂમી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે માનવતાવાદી અભિગમ કેળવી સહાય કરવાની જરૂર છે. હાલ મુસ્લિમ દેશોની જવાબદારી વધી જાય છે કે તેઓ ફલાસ્તીનના પુનઃનિર્માણ અને પુનર્વસન માટે માનવતાવાદી સહાય મોકલી તેને તેના પગ ઉપર ઊભા થવામાં સહાય કરે. આમ તો ૭૫ વર્ષનો ઈતિહાસ દર્શાવે છે કે ઈઝરાયેલે ક્યારેય કરારનું પાલન કર્યું નથી. જો આવું ફરીવાર બને તો આંતરાષ્ટ્રીય પાત્રોએ તેને બોધપાઠ ભણાવવાની જરૂર છે.