કેન્દ્રીય બજેટ 2025 માટે જમાઅતે ઇસ્લામી હિંદનું સરકારને 16-મુદ્દાઓનું સૂચન

0
23

‘વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ અને પરસ્પર મજબૂત સંબંધોનું વર્ષ બનાવવાની અપીલ’

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ JIHના મુખ્યમથકમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બજેટ 2025-26 માટે 16 વિસ્તૃત સૂચનો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2025-26 એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ‘સીએમઆઈઇ’ (CMIE)ના ડેટા અનુસાર યુવાનોમાં બેરોજગારીનો દર સરેરાશ 45.4% સુધી પહોંચી ગયો છે, જ્યારે લગભગ 20% વસ્તી ગરીબીમાં જીવી રહી છે અને કૃષિ ‘જીડીપી’ નો વૃદ્ધિ દર માત્ર 2.8 રહી ગયો છે. તેથી જમાઅતે ઇસ્લામી હિંદ અસમાનતા, બેરોજગારી અને હાંસિયા પર પડેલા લોકોની સમસ્યાઓ દૂર કરવા અને ન્યાય, સમાન વિકાસ અને કાર્યક્ષમ શાસન માટે બજેટની નીતિઓમાં મૂળભૂત ફેરફારની માંગ કરે છે. અમારા મતે, આપણે પુરવઠા પક્ષની વ્યૂહરચના, જે મુખ્યત્વે વ્યવસાયના વિકાસ અને કર લાભો પર કેન્દ્રિત દૃષ્ટિકોણની વકીલાત કરે છે, તેમાંથી માંગ પક્ષની વ્યૂહરચના તરફ આગળ વધવું જોઈએ, જેનો ઉદ્દેશ્ય નાગરિકોની ખરીદ શક્તિ વધારવી, વપરાશને મજબૂત કરવું અને કલ્યાણકારી કાર્યક્રમોને વિસ્તારવાનો છે.

તેમણે માંગ કરી હતી કે “મનરેગા (MGNREGA)ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે, શહેરી બેરોજગારી માટે મનરેગા (MGNREGA) જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવે અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગ્રામીણ રોજગાર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવે. જાહેર આરોગ્ય પર જીડીપીનો 4% અને ‘મિશન શિક્ષા ભારત’ માટે 6% ફાળવવામાં આવે. અલ્પસંખ્યકો અને એસસી/એસટી સમુદાયોને સશક્ત બનાવવા માટે બંધ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ યોજનાઓ ફરી શરૂ કરવામાં આવે, મોટા પાયે કૌશલ્ય વિકાસ ઝોન બનાવવામાં આવે અને જમીન અને વ્યવસાયિક તકો સુધી પહોંચને સુધારવા માટે યોગ્ય કાર્યક્રમો શરૂ કરવામાં આવે. તેવી જ રીતે કૃષિ ક્ષેત્રમાં સરકારે દેવામાંથી રાહત, એમએસપી (MSP)ની ગેરંટી, સિંચાઈ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવી જોઈએ. આ ઉપરાંત નબળા વર્ગો માટે યુનિવર્સલ બેઝિક ઇન્કમ (UBI)ની તબક્કાવાર શરૂઆત થવી જોઈએ. આવકના પગલાંઓ ન્યાયી હોવા જોઈએ અને સંસાધનોના ન્યાયી વિતરણને સુનિશ્ચિત કરવું જોઈએ. જરૂરી વસ્તુઓ પર જીએસટી (GST)ની મર્યાદા 5% કરવામાં આવે, 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિઓ અને વિદેશી ટેક (Tech) કંપનીઓ પર વિન્ડફોલ અને ડિજિટલ ટેક્સ લગાવવામાં આવે અને કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો વધારીને 50% કરવામાં આવે, સીએસઆર (CSR)ના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં આવે અને ટેક્સ મુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ રજૂ કરવામાં આવે.” તેમણે આ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સૂચનો પર અમલ કરવાથી દેશમાં અસમાનતા, બેરોજગારી, પછાતપણા પર કાબૂ મેળવવા તેમજ બધા માટે ન્યાય, વિકાસને સુનિશ્ચિત કરવા અને સરકાર પર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે.

જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ પ્રોફેસર સલીમ એન્જિનિયરે કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, “જમાઅતે ઇસ્લામી હિંદ લોકોને અપીલ કરે છે કે આપણે વર્ષ 2025ને સાંપ્રદાયિક સદભાવ, પરસ્પર વિશ્વાસ અને સમજણનું વર્ષ બનાવીએ. આપણો દેશ વિવિધ માન્યતાઓ અને વિવિધ ધર્મોના લોકોનો દેશ છે. કોઈ પણ ધર્મ નફરત અને દ્વેષ શીખવતો નથી. કેટલાક સ્વાર્થી તત્વો આપણી દીર્ઘકાલીન પરંપરાઓને નુકસાન પહોંચાડવાના પ્રયાસોમાં લાગેલા છે. આ તત્વોની સાંપ્રદાયિક પ્રવૃત્તિઓએ દેશ અને લોકોને નૈતિક, આધ્યાત્મિક અને ભૌતિક રીતે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. આના પર કાબૂ મેળવવા અને સાંપ્રદાયિક સદભાવ પર આધારિત સમાજના નિર્માણ માટે આપણે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક દરેક સ્તરે પરસ્પર સંબંધોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આપણે વિવિધ વિચારધારાઓ અને માન્યતાઓ ધરાવતા લોકોને સર્વસામાન્ય આધાર પર એક કરવા માટે સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જમાઅતે ઇસ્લામી હિંદ વિવિધ ધર્મો વચ્ચે એકતા અને શાંતિ માટે અનેક પગલાં લેતી રહી છે. સામાજિક અને ધાર્મિક નેતાઓની જવાબદારી છે કે તેઓ આગળ આવે અને દેશમાં શાંતિ અને સલામતી સ્થાપિત કરવામાં પોતાનું યોગદાન આપે. અમે આપણા દેશના દરેક નાગરિકને અપીલ કરીએ છીએ કે તેઓ અમારી આ કોશિશમાં શામેલ થઈને આ નવા વર્ષને સાંપ્રદાયિક સદભાવનું માર્ગદર્શક બનાવવામાં અમારી સાથે જોડાય.”

જમાઅતે ઇસ્લામી હિંદના ઉપ પ્રમુખ, મૌલાના મુઅતસીમ ખાન સાહેબે પત્રકારો સાથે વાતચીત કરતાં સંભલમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંભલમાં મુસ્લિમોને બેકાબૂ રીતે હેરાન પરેશાન કરવા માટે નવા-નવા મુદ્દાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાંસદ જિયાઉરરહેમાન બર્ક સહિત ડઝનેક મુસ્લિમો પર ખોટા કેસો નોંધવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ધાર્મિક સ્થળોનું સર્વે કરવા અને કથિત અતિક્રમણોને તોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારબાદ અલ્પસંખ્યકો સાથે આવું વર્તન રાજ્ય સરકારના નકારાત્મક વલણ અને વિચારધારાને દર્શાવે છે. જમાઅતે ઇસ્લામી હિંદ ઉત્તર પ્રદેશ સરકારને અપીલ કરે છે કે તેઓ આવી યોજનાબદ્ધ નકારાત્મક કાર્યવાહી તરત બંધ કરે, કાયદાનું શાસન સ્થાપિત કરે અને સંભલમાં પીડિત પરિવારોને ન્યાય અપાવે.

આ કોન્ફરન્સનું સંચાલન મીડિયા વિભાગના ઈનચાર્જ મુહમ્મદ સલમાન દ્વારા કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here