ધાર્મિક સૌહાર્દ મંચ પ્રેરિત વ્યસન મુક્તિ મંચ ગુજરાત દ્વારા શરુ કરાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો લોન્ચિંગ કાર્યક્ર્મ સરદાર સ્મારક શાહીબાગ ખાતે યોજાઇ ગયો.રાશીદ હુસેન દ્વારા કુરાન પઠન અને ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા શ્લોક પઠન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એસ.આઈ.ઓ અમદાવાદના પ્રમૂખ ખાલીદ કુરેશીએ કોમી સૌહાર્દ ઊપર સરસ મજાનું ગીત રજૂ કર્યું હતું. ધાર્મિક સૌહાર્દ મંચના સહ કન્વિનર શકીલ અહમદ રાજપુતે સ્વાગત પ્રવચનમાં મંચની સ્થાપનાનો હેતુ મૂક્યો હતો, અને જમાઅતે ઇસ્લામી હિન્દ ગૂજરાતના પ્રમૂખ ડૉ. સલીમ પટીવાલા સાહેબે તેમનાં ચાવીરૂપ સંબોધનમાં દેશમાં વ્યસનનો ચિતાર રજૂ કરતાં અભિયાનની જરૂર પર પ્રકાશ પાડયો હતો. ત્યારબાદ વ્યસન જાગૃતિ બાબતે આદરણીય માધવ પ્રિયદાસ (એસજીવીપી), જય વસાવાડા (પ્રસિદ્ધ લેખક), સંજય રાવલ (મોટીવેશનલ સ્પીકર), રાજયોગની શિવાની દીદી (બ્રહ્માકુમારીઝ) અને પ્રોફેસર મો સલીમ (ઉપાધ્યક્ષ જમાઅતે ઇસ્લામી હિંદ)ની વિડીયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સહયોગી ધાર્મિક સંસ્થાઓના મહાનુભવો જેમકે પ્રદીપ મહારાજ (આનંદ આશ્રમ), મુફતી અબ્દુલ કૈયુમ (જમીઅતે ઊલ્મા હિન્દ ગૂજરાત ),રાજુભાઈ ખ્રિસ્તી AFSA),મુફતી રિઝવાન (મિલ્લી કાઉન્સિલ ગુજરાત) ),રેવરન્ડ નગીન ચોહાણ (ખ્રિસ્તી પ્રિસ્ટ), નશાબંધી વિભાગના ભરત યાદવ,આમિલ મુસ્તફા સાહેબ (દાઉદી વહોરા સમાજ),સતનામ સિંહ (ગુરુદ્વારા ગોબિંદધામ), ભીખાભાઈ અમીન (બૌદ્ધ ધર્મ) ડો ખુશ્બુ ઘડિયાલી (પારસી પ્રિસ્ટ ), અવિવ દિવાકર (યહૂદી સમાજ),ફાધર કોરિચેન, ઉમાશંકર આચાર્ય (આર્ય સમાજ) એ તેમની આગવી શૈલીમાં પ્રસંગોચિત વિચારો રજૂ કર્યા હતા.
શહેરના જાણીતા સાયકિયાટ્રિક ડો. પાર્થ વૈષ્ણવે અનેક દાખલાઓ આપીને વ્યસનીઓ સમાજ માટે કેટલા જોખમી હોય છે તેની વિગતો આપી હતી. IIMના રિસર્ચ સ્કોલર ડો. એજાઝ શેખે પ્રેઝેન્ટેશન રજૂ કરી રાજ્યમાં વ્યસનોની સંખ્યામાં કેવી રીતે વધારો થતો જાય છે તેની વિગતો આપતા જણાવ્યું હતું કે 2018ના આંકડા અનુસાર રાજ્યમાં નશાની બાબતામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવે છે. બાળકો ઇનહેલરથી શરુ કરે છે અને એમડી સુધી પહોંચી જાય છે ત્યાં સુધી માતા પિતાને તેની જાણ હોતી નથી. મુખ્ય વક્તાઓમાં સુનિલ ગુગલિયા લાયન્સ કલબ ગવર્નર, મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ, નશા છોડાવવા માટે સક્રિય ખ્યાતી મકવાણા, IIMના પ્રોફેસર અંકુર શરિને પોતાના વિચારો રજુ કરી લોકોને નશાના દુષણથી દુર રહેવા અપીલ કરી હતી.
ઉપરાંત ગુજરાત વેપારી મહામંડળના પુર્વ પ્રમુખ અને સદવિચારના ટ્રસ્ટી શૈલેશ પટવારીએ પણ વાલીઓને તેમના સંતાનો કોની સાથે બેસે છે અને ક્યાં જાય છે તેની પર નજર રાખવા સલાહ આપી હતી. આરેફા પરવીન સાહેબા (કનવિનર પરિવાર બચાઓ સમિતિ, મદદનીશ સચિવ jih મહિલા વિભાગ)એ કહ્યું હતું કે વ્યસનનના કારણે સૌથી વધુ તો સમાજની બહેનોનેજ સહન કરવાનું થાય છે. મહિલાઓની પણ જવાબદારી છે કે તેમના પરિવારમાં જો કોઇ નશાના રવાડે ચડી જાય તો તેને ઓળખે અને રોકે. વ્યસનીના કારણે નાના બાળકોના કુમળા મગજ પર ખુબજ નકારાત્મક અસરો પડે છે. માતાજ બાળકની પહેલી શિક્ષિકા હોય છે તેથી નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કાર સિંચવા જોઇએ. દિલ્હીથી પધારેલા જમાઅતે ઇસ્લામી હિંદના સેક્રેટરી શફી મદની એ કહ્યું હતું કે આપણે માત્ર સપ્તાહની ઉજવણી કરીને જ સંતોષ માનવાનો નથી, બલકે આખા ગુજરાતને નશા મુક્ત કરવાની આપણી ફરજ બને છે. રાજ્યની સુખાકારીને દારુ, ચરસ, ડ્રગ્સ અને અન્ય નશીલા પધાર્થો અવરોધે છે, આવી જ રીતે પોર્નોગ્રાફી ના વ્યસને યુવાનો ને બરબાદ કરી દિધા છે. જ્યાં સુધી આપણે સમાજમાંથી આ બદીઓને દુર નહીં કરીએ ત્યાં સુધી રાજ્યનો વિકાસ સંપુર્ણ કહેવાશે નહી. આપણે ઇચ્છીએ કે આ ઝુંબેશ સફળ થાય અને ગુજરાતનો દરેક નાગરિક આ અભિયાનમાં સાથ આપે. સંસ્થાના પેટ્રન અને રાજ્યના પુર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી એ અઘ્યક્ષ સ્થાનેથી બોલતા કહ્યું હતું કે આ અભિયાનને સફળ બનાવવા આપણે સૌએ ખુબ મહેનત કરવી પડશે, કારણ કે ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં બંદરેથી ડ્રગ્સના કન્ટેનરો પકડાય છે અને સપ્લાય થાય છે. જો 2026 સુધીમાં આપણે આ બદીને રોકી શકીશું તો રાજ્યનો વિકાસ 12 ટકા સુધી વધી શકશે. તેમણે શેક્ષણિક સંકુલો અને જમીની સ્તરે કામ કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાર્મીક સૌહાર્દ મંચના કનવિનર ઇકબાલ મિર્ઝાએ સરસ રીતે કર્યું હતું. વિવિઘ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.