ઝકાત સેન્ટર, અહમદાબાદના ઉપક્રમે “ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાય”ના વિષય અંતર્ગત કાર્યક્રમમાં ડો. મુહમ્મદ સલીમ પટીવાલા, (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત) એ જણાવ્યું કે ઈસ્લામ એક સંપૂર્ણ જીવન-વ્યવસ્થા છે. તેણે અર્થોપાર્જનના કાર્યને પણ આધ્યાત્મનું સ્વરૂપ આપ્યું છે. ઇસ્લામે પદાર્થ અને આત્માનો સુંદર સંગમ કર્યો છે. તેથી ઈસ્લામમાં નમાઝની જેમ ઝકાત પણ સામૂહિક મહત્ત્વ ધરાવે છે.
અહમદાબાદ ચેપ્ટરના પ્રમુખ રિટાયર્ડ IPS મકબૂલ અનારવાલાએ જણાવ્યું કે ઇસ્લામે આર્થિક સંતુલન માટે વ્યાજને હરામ ઠેરવી તથા ઝકાતની વસૂલી અને વહેંચણીની સુંદર વ્યવસ્થા ગોઠવેલ છે કે જેના થકી ગરીબી મુક્ત અને સ્વનિર્ભર સમાજની પ્રસ્થાપના થઈ શકે. આ કાર્ય માટે આપણે સૌએ ઝકાત સેન્ટરને મજબૂત બનાવવું પડશે.
ત્યારબાદ ઝકાત સેન્ટરના અહમદાબાદના સેક્રેટરી વાસિફ હુસૈન શેખે સંસ્થાના ઉદ્દેશ્ય અને રિપોર્ટ પ્રસ્તુત કરતાં જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય છે કે ઝકાત લેનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય અને તેઓ ઝકાત આપનારા બની જાય. ઝકાત સેન્ટરના અહેવાલ ને પ્રસ્તુત કરવાની સાથે તેમણે કેટલીક સક્સેસ સ્ટોરીસ પણ રજૂ કરી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ મૌલાના મોહિયુદ્દીન ગાઝી સાહેબે જણાવ્યું હતું કે અલ્લાહના રસૂલ સ.અ.વ. એ જે ઇસ્લામી ક્રાંતિ આણી તેના ઘણાં પાસા છે. તેમાં ગરીબી મુકત વસ્તીનું નિર્માણ પણ છે. આપે જણાવ્યું હતું કે કેવી રીતે ઝકાત વ્યવસ્થાને મસ્જિદ સાથે જોડીને ગરીબી ઉન્મૂલન અને સ્વનિર્ભર મુસ્લિમ સમુદાયના સ્વપ્નને સાર્થક કરી શકાય છે.
આશિયા સ્કૂલના ડાયરેક્ટર સમીર શેખે મર્હૂમ બદરુદ્દીન શેખ સાહેબના સામાજિક સેવાના કાર્યોને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે સ્કૂલનો હોલ તથા અન્ય વ્યવસ્થાઓ નિઃશુલ્ક પૂરી પાડીને પોતાની ઉદારતા દર્શાવી સહભાગી થયા. કાર્યક્રમનું સંચાલન ડો શાહિદ મલેક સાહેબે ખૂબ જ સુંદર રીતે કર્યું.
આ પ્રસંગે આ વિષય સંબંધિત એક પુસ્તક “ઝકાતઃ સામૂહિક વ્યવસ્થા અને સામાજિક વિકાસ”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.