લેખકઃ ડૉ. મુહમ્મદ રઝીઉલ ઇસ્લામ નદવી
અનુ.: મુહમ્મદ હુસૈન બુલા
મુસ્લિમ સમાજની દીનથી દૂરી અને અખ્લાકી (નૈતિક) પતનથી આપણે બધા પરેશાન છીએ. આપણે સમાજને પાકીઝા બનાવવા માગીએ છીએ અને તેમાં ફેલાયેલી બૂરાઈઓને દૂર કરવા ઇચ્છીએ છીએ. પરંતુ આપણે જો પરિસ્થિતિને સુધારવા યોગ્ય ઉપાય નહીં કરીએ તો આપણા હજાર પ્રયત્નો કરવા છતાં સમાજની પવિત્રતા કાયમ રહી શકતી નથી. પાછલા કેટલાય દિવસો પહેલાં એવી ઘટનાઓ બની છે કે મુસ્લિમ દીકરીઓએ મા-બાપથી છૂપીને અથવા તેમની મરજી વિરુદ્ધ બિન-મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કરી લધી. આ કારણોમાં જ્યાં દીની અખ્લાકી તાલીમની કમી, સ્કૂલ-કોલેજોમાં છોકરા-છોકરીઓનો સાથે ભણવાનો માહોલ અને ઇસ્લામ દુશ્મનોના કાવતરા છે, ત્યાં એક મુખ્ય કારણ દીકરીઓના નિકાહમાં અસાધારણ વિલંબ પણ છે. ઇસ્લામની તાલીમ આ છે કે દીકરા-દીકરી અને નિકાહ તેમના પુખ્ત થયા પછી તુરત જ કરી દેવામાં આવે. પરંતુ હવે વધુ તાલીમ માટે, અને નોકરીની શોધમાં વિલંબ થઈ રહ્યો છે. દીકરાઓ પોતાનો નિકાહ કરવામાં વિલંબ કરે છે અને દીકરીઓના વાલીઓ પણ તેમની તાલીમના કારણે અથવા સારી નોકરીવાળા દીકરાઓની શોધમાં તેમના નિકાહમાં પણ વિલંબ કરે છે. Sexનો જુસ્સો એક ખાસ ઉંમરે પહોંચ્યા પછી દરેક નવયુવાન છોકરા-છોકરીઓમાં જોવા મળે છે. જો યોગ્ય રીતે તેને પૂરો કરવામાં ન આવે તો તે અયોગ્ય રસ્તા પર વળી જાય છે.
કુર્આનની તાકીદ છેઃ “તમારામાંથી જે લોકો જોડા વગર (અપરિણીત) હોય, તો તેમના નિકાહ કરાવી દો.” (સૂરઃ અન્નૂર આયત-૩ર)
આ હુકમ દીકરા-દીકરીઓના વાલીઓને પણ આપવામાં આવેલ છે અને સમાજને પણ. જે લોકો આ બાબતે લાપરવાહી કરશે તેમનો પણ હિસાબ લેવામાં આવશે. Sexના જુસ્સાની પૂર્તિ માટે ઇસ્લામે એક જ ઉપાય નિકાહનો બતાવ્યો છે. અને ખુલ્લંખુલ્લા ગેરકાયદેસર શારીરિક સંબંધો અને ગુપ્ત રીતે મળવાને હરામ જાહેર કરેલ છે. તેમને એક વધુ ગેરકાયદેસર સંબંધો પર કડક સજાઓ બતાવી છે અને બીજી તરફ નિકાહને ખૂબ જ સરળ બતાવ્યો છે. નબી ﷺના જમાનામાં એક પણ ઉદાહરણ નથી મળતું કે કોઈ નવયુવાન દીકરા-દીકરીઓ અને પુરુષો-સ્ત્રીઓએ નિકાહ માટે ઇચ્છા દર્શાવી હોય અને તેમનો નિકાહ ન થયો હોય. ઉંમર અને સામાજિક હેસિયતનો તફાવત અથવા કોઈ સ્ત્રીનું તલાકશુદા (છૂટાછેડા) અથવા વિધવા થવું, આ બાબતે કોઈ અડચણ બનતું ન’હોતું. નિકાહ ખૂબ જ સરળ હોવાથી વ્યભિચારના કિસ્સા ખૂબ જ ઓછા બનતા. મુસ્લિમ સમાજે બીજા સમાજોની દેખા-દેખી નિકાહના બિન-શરઈ અને ખર્ચાળ રીત-રિવાજોને મજબૂત રીતે પકડી રાખ્યા છે. તેને કોઈ પણ હિસાબે છોડવા તૈયાર નથી. સગાઈ, દહેજ, બારાત, ચોથી અને ન જાણે કેવા કેવા રિવાજો જેના પર લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. નિકાહ માટે ખર્ચ ભેગો કરવામાં ગરીબ મા-બાપની કમર તૂટી જાય છે અને દીકરીઓને ઘેર બેસી રહેવું પડે છે અને તેમાંથી કેટલીક દીકરીઓ ગેરમાર્ગે દોરાઈ જાય છે.
જો સમાજને પવિત્રતાના રસ્તા પર લઈ જવો છે તો નિકાહને સરળ બનાવવો પડશે. આપણે એવું વાતાવરણ ઊભું કરવું પડશે કે જો કોઈની ત્રણ, ચાર, પાંચ દીકરીઓ હોય તો પણ તેમને નિકાહમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ વેઠવી ન પડે, અને સરળતાથી તેને લગ્નપ્રસ્તાવ (રિશ્તો) મળી જાય.
ખૂબ જ મુબારકબાદી છે તે નવયુવાનોને જે બજારમાં પોતાની કિંમત નથી લગાવતા, અને પોતાના ઇલ્મ સ્થિતિ અને નોકરીનો વેપાર નથી કરતા, પરંતુ ખૂબ જ સાદગીથી નિકાહ કરવા તૈયાર થઈ જાય છે. એવી જ રીતે ખૂબ જ મુબારકબાદીને લાયક છે એવા વાલીઓે જે પોતાના દીકરાઓ માટે જાહેર અને ખાનગીમાં દહેજની માંગણી નથી કરતા. રિવાજોના નામે ધન-સંપત્તિ સમેટતા નથી, પરંતુ સુન્નત પ્રમાણે દીકરાઓના નિકાહને પ્રાથમિકતા આપે છે. સમાજમાં ત્યારે જ પરિવર્તન આવી શકે છે, જ્યારે સમાજના સમજદાર અને સંજીદા ચળવળ ચલાવે. સરળ નિકાહ પર તકરીરો બહુ થાય છે, પણ હવે જરૂરત છે સરળ નિકાહના આદર્શ નમૂના રજૂ કરવાની. અલ્લાહતઆલા આપણને તેની તૌફીક અતા ફરમાવે ! આમીન