…વાત ન્યાયતંત્રના મહત્ત્વની

0
249

નવી દિલ્હી,
હાલમાં જ એક પત્રકાર પરિષદ યોજી સમગ્ર દેશમાં હલચલ મચાવી દેનારા સુપ્રીમ કોર્ટના ૪ સૌથી સિનિયર જજ અને ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા વચ્ચેનો વિવાદ હજી સુધી સમાપ્ત નથી થયો. આ દાવો પોતાના એક અહેવાલમાં પશ્ચિમ બંગાળથી પ્રકાશિત થતાં અંગ્રેજી દૈનિક ‘ધી ટેલિગ્રાફ’એ કર્યો છે.
અત્રે યાદ રહે કે ચીફ જસ્ટીસ બાદ સૌથી સિનિયર જજ જસ્ટીસ જે.ચેલામેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ મદન ભીમરાવ લોકુર અને જસ્ટીસ કૂરિયન જોસેફે પત્રકાર પરિષદ યોજી અવામી સ્તરે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં બધુ બરાબર નથી. તેમણે આ સંદર્ભમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખેલ એક પત્રને પણ જાહેર કર્યો હતો. જેમાં આરોપ હતો કે ચીફ જસ્ટીસ કેસોની સુનાવણી માટે બેન્ચોની પસંદગી પોતાની મરજી કે મનમાની રીતે કરે છે અને મહત્ત્વના કેસો પણ સિનિયર જજીસની બેંચના હવાલે કરવાના બદલે એવી બેંચના હવાલે કરે છે જેને તેઓ યોગ્ય સમજે છે.
બીજી બાજુ ચીફ જસ્ટીસ અને તેમના સમર્થકોનો દાવો છે કે કેસોની વહેંચણી કે સોંપણીની સત્તા ચીફ જસ્ટીસને છે તેથી તેને પડકારી શકાય નહીં. ‘ધી ટેલિગ્રાફ’એ કેટલાક સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે અત્યાર સુધી આ અંગે ૪ મીટિંગો થઈ છે પરંતુ એ વિવાદનો અંત લાવવામાં કોઈ સફળતા મળી નથી. એ અહેવાલો મુજબ કેટલાક માહિતગાર સૂત્રોએ ઉપરોકત અખબારને જણાવ્યું છે કે ‘અમો મૈત્રીપૂર્ણ વાતાવરણમાં મીટિંગો કરી રહ્યા છીએ. તેઓ (જસ્ટીસ મિશ્ર) પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે, અમે અમારો પક્ષ મૂકી રહ્યા છીએ, પરંતુ હજી સુધી એ મીટિંગોનું કોઈ પરિણામ આવ્યું નથી.’
આ મીટિંગોમાં ચીફ જસ્ટીસ અને પત્રકાર યોજનારા ચારેય જજો ઉપરાંત જસ્ટીસ એ.કે. સિક્રી, જસ્ટીસ એસ.એ.બોબડે, એન.વી.રામન્ના અનેડી.વાય.ચંદ્રચુડે પણ હાજરી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. જસ્ટીસ સિક્રી ઉપરાંત બાકીના ત્રણેય જજ ભવિષ્યમાં કયારેક ને કયારેક ચીફ જસ્ટીસ બનશે. પ્રાપ્ત સૂત્રો અનુસાર ચીફ જસ્ટીસ અને ઉપરોકત ત્રણેય જજ આ દૃષ્ટિકોણ ધરાવે છે કે કેસોની સુનાવણી માટે બેંચોની પસંદગીની ચીફ જસ્ટીસની સત્તાને ઘટાડવી ન જોઈએ. તેમનું માનવું છે કે જો જજોની પેનલને બનાવીને તેને આ સત્તા આપવામાં આવે કે તે કેસોની સુનાવણી માટે બેંચોની પસંદગી કરે તો આનાથી મતભેદને પ્રોત્સાહન મળશે, અને અરાજકતા ફેલાશે. બીજી બાજુ પત્રકાર પરિષદ યોજનારા જસ્ટીસ જે.ચેલામેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ ભીમરાવ ઠાકુર અને જસ્ટીસ કૂરિયન જોસે આ મત ધરાવે છે કે કોઈપણ એકમાત્ર ઓથોરિટી દ્વારા કેસોની સોંપણીમાં પક્ષપાતની શકયતાને ખતમ કરવા માટે સિસ્ટમમાં જરૃરી ગોઠવણો કરવામાં આવે. અહીં દિલચશ્પ વાત આ છે કે આ ચારેયમાંથી જસ્ટીસ રંજન ગોગોઈ દેશના આગામી ચીફ જસ્ટીસ બનવાના છે. એવી આશા છે કે વાતચીતનો આ દોર કદાચ હજી પણ લંબાશે.

અહીં આપણ સ્પષ્ટ રહે કે આ મામલો જજ લોયાના મૃત્યુની તપાસ માટે દાખલ કરવામાં આવેલ પિટિશનને સરખામણીની દૃષ્ટિએ જુનિયર જજોની બેંચને સોંપવાના કારણે બહાર આવ્યો હતો. બાહ્ય રીતે જોતાં ચીફ જસ્ટીસનો આ જ નિર્ણય ૪ સૌથી સિનિયર જજો દ્વારા પત્રકાર પરિષદ યોજવાનું કારણ બન્યું હતું. ત્યાર પછી જજ લોયાના મૃતયુના કેસની સુનાવણીથી જસ્ટીસ અરૃણ મિશ્રાએ પોતાને અળગો કરી લીધો, અને હવે આ મામલાની સુનાવણી ચીફ જસ્ટીસ પોતે પોતાની આગેવાની હેઠળની બેંચમાં કરી રહ્યા છે. તેમ છતાં આ બેંચમાં પત્રકાર પરીષદ યોજનારા ચારેય સૌથી સિનિયર જજોમાંથી કોઈ એકને પણ સામેલ કરવામાં નથી આવ્યો.

સ્વતંત્ર ભારતમાં કદાચ પ્રથમવાર સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર ચાર જજો દ્વારા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા કે તેમની કાર્યપ્રણાલી અંગે પત્રકાર પરિષદ યોજી આંગળી ચીંધવામાં આવી છે. આ ચારેય જજોનું કહેવું છે કે દેશમાં ઘણા બધા સમજદાર લોકો સમજદારીભરી વાતો કરી રહ્યા છે. અમે નથી ઈચ્છતા કે ર૦ વર્ષો બાદ લોકો કહે કે અમે અમારો અંતરાત્મા વેચી દીધો હતો.

આ અંગે ડો.સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહ્યું કેઆપણે પત્રકાર પરિષદ યોજનારા જજોની ટીકા ન કરી શકીએ. આ ચારેય જજો પોતપોતાના વિભાગમાં મહત્ત્વની ભૂમિકા છે. આપણે તેમનો આદર કરવો જોઈએ. નિવૃત્ત જજ મુકુલ મુદ્ગલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ જજો સામે આ પત્રકાર પરિષદ યોજવા સિવાય બીજો કોઈ માર્ગ ન હતો તો કંઈક ગંભીર બાબત અવશ્ય રહી હશે. સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ કે.ટી.તુલસીએ કહ્યું કે જજોના આ પગલાથી ન્યાયતંત્ર કે ત્યાંના વહીવટીતંત્રમાં ફેરફાર આવશે.

લોકશાહીમાં મહત્ત્વના તત્ત્વો અને પાયાના સ્તંભો પૈકી એક ન્યાયતંત્ર પણ છે. ન્યાય અને ઇન્સાફ કોઈપણ કોમના વિકાસ અને નિર્માણ માટે પાયાની જરૃરત છે, જેનાથી મજલૂમની જીત અને જાલિમનો પરાજય થાય છે. આથી ન્યાયતંત્રનું દરેક દબાણથી મુકત અને સ્વતંત્ર હોવું અત્યંત જરૃરી છે. ન્યાયતંત્રમાં જજનું સ્થાન કેન્દ્રમાં હોવાથી તેમનું નિષ્પક્ષ, નીડર અને સ્વતંત્ર તેમજ નિષ્કલંક હોવું અત્યંત જરૃરી છે. આથી હાલની સ્થિતિનું નિરાકારણ વ્હેલામાં વહેલી તકે અને કોઈપણ વિવાદ વિના સર્વ-સહમતિથી આવી જાય તે અત્યંત આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here