Home સમાચાર રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં

રાષ્ટ્રની તકદીર વ્યક્તિના હાથમાં

0

(ન્યૂઝ ડૅસ્ક) વડાપ્રધાન મોદી જ્યારે પણ બોલે છે, ત્યારે તેઓ દેશ અને દેશના દરેક નાગરિકના પ્રતિનિધિ તરીકે વાત રજૂ કરે છે, અને પોતાને સૌના પ્રવક્તા તરીકે પણ રજૂ કરે છે. ક્યારેક સવાસો કરોડ, પછી એક સો ત્રીસ કરોડ અને હવે એક સો ચાલીસ કરોડ લોકો માટે રાત-દિવસ સક્રિય રહેનારા એક સતત ચિંતા કરનાર અને દેશ અને દેશવાસીઓ માટે સમર્પિત ખાદિમ તરીકે પોતાને રજૂ કરવું કોઈ પણ રાષ્ટ્ર અને દેશના પ્રતિનિધિ માટે સ્વાભાવિક છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’નું તેમનું સૂત્ર તેમની પાર્ટી એક રાજકીય વાક્ય તરીકે ઉપયોગ કરે છે; જ્યારે વિરોધ પક્ષ તેમના શાસનની ખામીઓને ઉજાગર કરતા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ ટીકાત્મક રીતે પણ કરે છે. આમ તો છેલ્લા દાયકા દરમિયાન કેટલાય સૂત્રો બનાવવામાં આવ્યા અને તેમનું શું થયું તે પોતે એક સંશોધનનો વિષય બની શકે છે. હાલમાં જે સૂત્રોની યાદ અપાવવામાં આવી રહી છે તે છે ‘ન ખાઈશ ન ખાવા દઈશ’ અને ‘હું છું દેશનો ચોકીદાર’ તેમજ ‘દેશ વેચવા દઈશ નહીં.’

હકીકતમાં, ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોના દાનનો ગેરકાયદેસર માર્ગ ખોલયો હતો ભારતની સર્વોચ્ચ અદાલતે તેની પોલ ખોલીને આ માર્ગ સરળ બનાવી દીધો છે. આવતા મહિના સુધીમાં દરેક પક્ષ ચૂંટણી પંચને જણાવશે કે તેમણે આ બેંક બોન્ડ દ્વારા કેટલું દાન મેળવ્યું છે. દેશના લડવૈયાઓ દ્વારા કોરોના યુગ દરમિયાન જાહેર કરાયેલા આ બોન્ડ્‌સ અને ‘પીએમ કેર ફંડ’ના ઉદ્દેશ્ય અને પારદર્શિતા પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. નાગરિકો માટે ઉપલબ્ધ RTIના ટૂલ એ લોકશાહીમાં વ્યક્તિ અને સાર્વભૌમ સરકાર વચ્ચે સંતુલન અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વર્તમાન સરકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાયદાની અસરકારકતા ઘટાડવા માટે કોઈ કસર બાકી રાખી નથી. કોવિડની નિષ્ફળતાઓ અને ચૂંટણી બોન્ડના જોખમોને લોકોની નજરથી દૂર રાખવા માટે, ઉપરોક્ત ફંડ વિશે એટલું કહેવામાં આવ્યું છે કે અલ-અમાન વલહફીઝ! તે સંનિષ્ઠ લોકો સાથે એકદમ સલામત છે.

લોકપ્રિય કહેવત છે કે ‘ઉપરવાળાની લાકડી ધીમે ચાલે છે પણ ચાલે છે જરૂર’. હવે તે લાકડી ઊંટ પર પડી છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ‘બિન-સંવૈધાનિક’ ગણાવતાં કડક શબ્દોમાં ટિપ્પણી કરી છે કે આ યોજના દ્વારા ‘માહિતીનો અધિકાર’ જેવા નાગરિક અધિકારનું પણ ઉલ્લંઘન થયું છે. કોર્ટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૪ના તમામ બોન્ડની વિગતો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવાની સૂચના આપી છે. લોકસભા ચૂંટણી પહેલાં આવો મોટો કોર્ટનો ચુકાદો માત્ર સરકાર માટે જ નહીં પણ અન્ય ઘણી પાર્ટીઓ માટે પણ મતદારો સામે ર્નિવસ્ત્ર થવા જેવો સાબિત થઈ શકે છે. આ પછી રાજકારણીઓ અને કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચેના સંબંધો વધુ ખુલ્લા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ ફેબ્રુઆરીના રોજ કદાચ પહેલી વખત ઇશારામાં કોર્ટ પર ટિપ્પણી કરી હતી, જેને બોન્ડ કેસથી અલગ કરી શકાય નહીં. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા હકાલપટ્ટી કરાયેલા એક રાજકીય ધર્મગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણનના ‘કલ્કિ ધામ મંદિર’નો પાયો નાખતાં વડાપ્રધાને કહ્યું હતું કે ‘જો ભગવાન શ્રી કૃષ્ણને નીચલી જાતિના કોઈ વ્યક્તિ ‘સુદામા’ દ્વારા પવાળાની ભેટ આપવામાં આવે અને તે કેમેરામાં રેકોર્ડ થઈ જાય તો કોર્ટમાં ભ્રષ્ટાચારનો કેસ ચાલશે.’ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારના મૂળ કારણ એવા ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લગાવવાની વાત સત્તાધારી પક્ષને પચતી નથી.

કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટને અચાનક ફ્રીઝ કરવા, પશ્ચિમ બંગાળમાં ગરીબોના આધાર નંબરને ફ્રીઝ કરવા, દેશભરમાં પોલીસ ફરિયાદ કે કોર્ટના હુકમનામા વગર માત્ર કાલ્પનિક આરોપોના આધારે મકાનો અને વ્યવસાયો પર બુલડોઝર ચલાવી દેવા, દાયકાઓ જૂની વસાહતો અને હવે સેંકડો વર્ષ જૂની મસ્જિદો અને દરગાહોને જમીનદોસ્ત કરવાનું કાર્ય કોઈ પણ લોકશાહી અને સભ્ય સમાજ માટે યોગ્ય નથી પરંતુ દેશમાં કાયદા અને વ્યવસ્થાના શાસનને સમાપ્ત કરનારૂં અથવા એમ કહીએ કે બંધારણને નુકસાન પહોંચાડનારૂં કાર્ય છે. બંધારણને સમાપ્ત કરવાના કાર્ય સાથે કોઈ નેતા ૧૪૦ કરોડ લોકોના અધિકારોની રક્ષાની ખાતરી આપવાનો જવાબદાર કેવી રીતે હોઈ શકે છે? શિક્ષણમાં છેડછાડ, પાશ્વિર્ક પ્રવેશ લેટરલ એન્ટ્રીના નામે આરએસએસની વિચારધારા ધરાવતા લોકોને વહીવટમાં ઘુસાડવા, ત્રિરંગાની જગ્યાએ ભગવા ધ્વજને પવિત્રતા આપવી, લોકશાહીની જગ્યાએ તાનાશાહી, વિજ્ઞાનની જગ્યાએ અંધવિશ્વાસ અને લોકોની પસંદગીઓ અને જરૂરિયાતોની જગ્યાએ કોર્પોરેટને પ્રાધાન્ય આપવું દેશ માટે સંપૂર્ણપણે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. શાસકો નિષ્ઠાપૂર્વક મંદિરોમાં ફોટા ખેંચાવીને ધર્મનિરપેક્ષ લોકશાહીનું ગળું ઘોંટી રહ્યા છે.

ચંદીગઢ મેયરની ચૂંટણી દરમિયાન ભાજપ અલ્પસંખ્યક સેલના એક કાર્યકર અનિલ સીસીટીવી કેમેરા તરફ જોઈ જોઈને મતદારો સાથે ખેલ કરતો રહ્યો, એવું લાગે છે કે હવે ઈડી, સીબીઆઈ અને આવકવેરા જેવી સંસ્થાઓને પાછળ છોડીને રાજકારણીઓએ મામલો સીધો પોતાના હાથમાં લઈ લીધો છે અને પૂરી બેશરમી સાથે લોકોની આંખોમાં ધૂળ ઝોંકી રહ્યા છે.

ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટની આકરી ફટકારના સંદર્ભમાં વડાપ્રધાન મોદીના રાજીનામાની સીધી માંગ કરી છે. અન્ય પ્રતિક્રિયાઓ પણ અપેક્ષા મુજબ છે. પરંતુ જે બાબત પર ધ્યાન આપવાની જરૂર છે તે એ છે કે સત્તાની ખુરશી પર ચોંટી રહેવાનો ચસ્કો લાગ્યા પછી કોઈ નૈતિક જવાબદારી સ્વીકારતાં ખુરશી ખાલી કરવાનો અત્યાર સુધી કોઈ રેકોર્ડ અનોખા ‘ચાલ ચરિત્ર અને ચહેરા’ ધરાવતી સંઘનું શિક્ષણ અને તાલીમમાંથી નીકળી આવેલ ભાજપના ખાતામાં મોજૂદ નથી. વિરોધ પક્ષમાંથી આવતા ભ્રષ્ટાચારના કેસ અને કાર્યવાહીઓનો સામનો કરી રહેલા નેતાઓને તેમની વોશિંગ મશીનમાં ધોઈને સાફ સુથરા કરી શકે, તેવા સમાજ અથવા રાજકારણની કોઈ  ગંદકીને સાફ કરી શકશે તેવી અપેક્ષા રાખી શકાતી નથી. તેથી લોકશાહીમાં લોકો અને મતદારો મુખ્ય ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રની તકદીર લોકો અને નાગરિકોના હાથમાં લેવાનો તબક્કો આવી ગયો છે. કેમકે તેઓ નૈતિક મૂલ્યો અને મૂલ્ય આધારિત રાજકારણ, પારદર્શક પાત્રતા ધરાવતા નેતાઓ, નફરતને બદલે પ્રેમ અને સહનશીલતાના ધ્વજધારકોને પ્રોત્સાહન આપે છે. ઘેર ઘેર જઈને જૂઠાણાનો પડદો ચાક કરવો પડશે. વ્યક્તિના હૃદય પર દસ્તક આપવા કરતાં વધુ અસરકારક કોઈ સાધન આજ સુધી શોધાયું નથી. અંધકારમય યુગમાં પણ જો આપણે ઇચ્છીએ તો આપણે કાલે ધીરજ અને સંયમ અને ઈમાનદારીના સાહસ સાથે આમ અને ખાસ લોકો વચ્ચે જઈશું અને ઉમ્મતને સીસું પીવડાવેલ દીવાલ બનાવવા માટે સત્યના કલિમાની તરફ એકાગ્ર કરીશું. સંગઠન જ વ્યક્તિઓને શક્તિ અને સ્થિરતા અને અસ્તિત્વની ખાતરી આપી શકે છે. યોગ્યતા અને ક્ષમતા પર કામ કરીને દેશબાંધવો  સાથે મળીને ગંદકીના આ વાવાઝોડા પર બંધ બાંધવો પડશે જેથી ફાસીવાદ અને તાનાશાહીના પૂરથી દેશ અને દેશના લોકોને બચાવી શકાય.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version