મુસ્લિમ પર્સનલ લો – એક દૃષ્ટિબિંદુ

0
265

મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો સંદેશ

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના હંગામી અધિવેશનમાં સરકારને અત્યંત સુયોગ્ય અંદાજમાં કહી દીધું હતું કે ત્રણ તલાક સંબંધે તે પોતાનું અપેક્ષિત બિલ સંસદમાં રજૂ ન કરે. કેમ કે આ શરિઅત વિરુદ્ધનું બિલ છે. અને ઇસ્લામી શરીઅતમાં ધરાર હસ્તક્ષેપ છે. તેનાથી મુસલમાનો ખૂબ ખરાબ રીતેે પ્રભાવિત થશે. લખનૌમાં ર૪ ડિસેમ્બરે આ અધિવેશન એ સંદર્ભમાં બોલાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર પોતાનું તૈયાર કરેલ બિલ સંસદમાં ચાલુ સાલમાં રજૂ કરીને તેને કાયદાનું સ્વરૃપ આપવા ઇચ્છતી હતી.
અને સરકારને બિલ બનાવવા માટે બળ સુપ્રીમ કોર્ટના તે ચુકાદાથી મળ્યું હતું જે રર ઓગસ્ટના રોજ સંભળાવ્યો હતો અને જેમાં ત્રણ તલાકને ગેરબંધારણીય ગણાવી હતી. જો કે ચુકાદાના તરત જ પછી કાયદાપ્રધાને કહ્યું હતું કે, કાયદો બનાવવાની જરૃર નથી. વર્તમાન કાયદો જ પૂરતો છે તેમ છતાં સરકાર કાયદો બનાવવા ઉતાવળી થઈ ગઈ. અપેક્ષિત બિલમાં જેના ઉપર પર્સનલ લો બોર્ડે પોતાના અધિવેશનમાં વિગતવાર ચર્ચા કરી એવી કલમો મૂકવામાં આવી છે જે ન માત્ર મુસ્લિમ સમુદાય માટે કોઈપણ રીતે સ્વીકાર્ય બની શકતી નથી. બલ્કે જેનાથી સ્વયં મુસ્લિમ મહિલાઓ માટે પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ જશે. એટલે કે બિલનો મુસદ્દો ખૂબ જ ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યો છે. સમસ્યા ખૂબ જ સંવેદનશીલ છે.
મુસ્લિમ મિલ્લત માટે કૌટુંબિક કાયદાઓની સમસ્યા એટલી જ હદે સંવેદનશીલ છે કે તેના પ્રશ્ને મુસ્લિમ જનમાનસને ખૂબ જ આસાની સાથે હરકતમાં લાવી શકાય તેમ છે. મોટા-મોટા જલસાઓ, જુલૂસ અને દેખાવો થઈ શકે છે. રેલીઓ કાઢી શકાય છે, જેને કોઈપણ રીતે જનહિતમાં ન કહી શકાય. પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કોઈપણ પ્રકારે સરકારથી સંઘર્ષમાં ઊતરવા નથી ઈચ્છતું. યોગ્ય વાતચીત અને સુમેળભર્યા તરીકાઓથી સત્તાધીશોને પોતાની વાત સમજાવવા માંગે છે. એટલા માટે સરકારે પણ બોર્ડની કાર્યપદ્ધતિની કદર કરવી જોઈએ.
આ સમસ્યા જેટલી આસાની અને યોગ્ય રીતે હલ થઈ જાય તેમાં જ તમામની ભલાઈ છે. લખનૌમાં પર્સનલ લો બોર્ડનો આ હંગામી ઈજલાસ સરકારને આ જ સંદેશ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલુર્રહમાન સજ્જાદ નૌમાની સાહેબે તદ્દન સાચું કહ્યું કે, ‘સમસ્યા ત્રણ તલાકની નથી. બલ્કે મુસ્લિમ પુરૃષના તલાકના અધિકાર પર તરાપ મારવાની છે.’ ઇસ્લામની તલાકની પદ્ધતિના પક્ષમાં અસંખ્ય દલીલો ગત ૬૦ વર્ષમાં આપવામાં આવી ચૂકી છે. બિનમુસ્લિમો પણ સ્વીકારે છે કે નિભાવ ન થવાની સ્થિતિમાં પતિ-પત્નીના અલગ થવાનો આ અત્યંત સરળ ને યોગ્ય તરીકો છે. જ્યારે બીજા સમાજોમાં પત્નીથી છુટકારો મેળવવાના અત્યંત ઘૃણિત તરીકાઓનો ઉપયોગ થાય છે.

એક નાજુક પ્રશ્ન

એક પ્રશ્ન એ છે કે સત્તાધીશ મંડળ, રાજકીય વર્તુળ અને અહીંનો સામાન્ય સમાજ- ત્રણ તલાક, મસ્જિદો અને કબ્રસ્તાનની હૈસિયત અને વકફના પ્રશ્ન બાબતે મુસલમાનોનું દૃષ્ટિબિંદુ સમજવાનો પ્રયત્ન છેવટે કેમ નથી કરતા ? જવાબ આ પ્રશ્નનો તદ્દન સરળ ને સીધો છે કે અહીંના લોકો ધર્મ સંબંધે જરા પણ ગંભીર નથી. તેમના સમીપ ધર્મ સામાન્ય રીતે અમુક રીત-રિવાજો અને પ્રણાલીકાઓનું નામ છે. આ સામાન્ય જન સ્વભાવના આધીન જ અહીંના એક રાજકીય વર્તુળ તેમના શોષણનો એ તરીકો શોધી કાઢયો છે કે કોઈ વ્યક્તિ કે સમાજ કે
બિરાદરી ધર્મના નામ પણ કંઈ પણ કરે, ઠીક છે- બરાબર છે… બસ તે પોતાને ‘હિંદુ’ કહે અને કહેવડાવે. બસ આટલું આ વર્તુળ માટે પૂરતું છે. આ જ કારણ છે કે સામાન્ય લોકો ઇસ્લામ, ઇસ્લામી શરીઅત અને મુસલમાનોની આસ્થા અને રીત-રીવાજો બાબતે કંઈ નથી સમજતા. તેઓ ઇસ્લામ અને તેના માનવાવાળાઓને પણ પોતાના તરીકાઓ મુજબ જ ધારણા કરી લે છે. એટલા માટે ઇસ્લામી શરીઅતના ઊંડાણ અને તેની લાક્ષણિકતાઓ અને બરકતો અહીંની આબાદીઓને સમજાવવી ખૂબ જ અઘરું કામ છે. પરંતુ મુશ્કેલ ગમે તેટલું હોય- ઉમ્મતે આ કામ કોઈ પણ રીતે કરવું જોઈએ અને કરવું પડશે. જેથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને બીજી જમાઅતો અને વ્યક્તિ તલાક જેવી સમસ્યાના સાથોસાથ અને સીધી રીતે ઇસ્લામની દા’વતનું કામ કરવા તરફ પણ ધ્યાન આપે તે આજના સમયની માંગ પણ છે અને ઇચ્છનીય પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here