નવી દિલ્હી,
દેશની સુપ્રીમ કોર્ટે ધર્મના નામે થઈ રહેલ હિંસા તથા અપરાધોની કડક શબ્દોમાં વખોડણી કરી છે. જસ્ટીસ એસ.એ. બોબડે અને જસ્ટીસ એલ.નાગેશ્વરની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, ધર્મના નામે કોઈની હત્યા કરી ન શકાય અને ન તો ધર્મના નામે કોઈના પર હુમલાને ઉચિત ઠેરવી શકાય છે. બેંચે આ પણ કહ્યું છે કે કોઈપણ કોર્ટ કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાતી વલણ અપનાવી નથી શકતી. આ વાતો બેંચે પૂણે હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની જામીન અરજીને રદ કરતા કહી છે. અદાલતે કહ્યું કે ત્રણેય આરોપીઓે હિંદુ રાષ્ટ્ર સેનાના સભ્ય હતા. તેમણે ઈ.સ.ર૦૧૪માં એક મુસલમાનની હત્યા કરી હતી, જેણે લીલું શર્ટ પહેર્યું હતું અને દાઢી રાખેલ હતી.
અહીં સ્પષ્ટ રહે કે મુંબઈ હાઇકોર્ટે ત્રણેય આરોપીઓને ગયા વર્ષે જામીન આપી દીધા હતા. મુંબઈ હાઇકોર્ટની દલીલ હતી કે ધર્મના નામે તેમને મારવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઇકોર્ટના ચુકાદાને વખોડવાપાત્ર ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુંબઈ હાઇકોર્ટના ચુકાદાને ચાલુ રાખી શકાય નહીં.
ગયા વર્ષે જ્યારે હત્યા કરાયેલ શેખ મોહસિનના એક સંબંધીએ જામીન અરજીને પડકારી તો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સમજવું મુશ્કેલ છે કે મુંબઈ હાઇકોર્ટે ધર્મનો હવાલો આપતાં ત્રણેય આરોપીઓને જામની પર શા માટે છોડી મૂકયા ? અદાલતે એ ત્રણેય આરોપીઓ રણજીત શંકર યાદવ, અજય દિલીપ અને વિજય રાજેન્દ્ર ગંભીરને આત્મસમર્ણ કરવા કહ્યું છે. સાથે જ કોર્ટે આ પણ કહ્યુ કે, આ એકવાર ફરીથી નવેસરથી જામની અરજી દાખલ કરે. કોર્ટ તેમના આત્મ સમર્પણ બાદ એ અંગે યોગ્ય સુનાવણી કરશે.